Friday, July 24, 2020

તમારા બંને માંથી સાચું કોણ તે અમે નક્કી કરીશું.

તમારા બંને માંથી સાચું કોણ તે અમે નકકી કરીશું.

 

આજના તા. ૨૪મી જુલાઇના દિવ્ય ભાસ્કરના ચોતરેથી

(૧) મંદિર મુહૂર્ત પર સંતોમાં મહાભારત."  ભગવાન રામનું કામ જ્યારે પણ થાય તે ઘડી શુભ મંદિરના ટ્સ્ટ સભ્યનો મત,

 (૨) પરમહંસદાસે કહ્યું –સ્વરૂપાનંદ સરસ્વતી મારી સાથે શાસ્રાર્થ કરે અને સાબીત કરે કે ભાદરવો માસ કઇ રીતે અશુભ છે

( ૩) સત્યેન્દ્રદાસે કહ્યુંકૃષ્ણ જન્મના કારણે આખો ભાદરવો શુભ. વધુમાં આ સંત કહે છેભગવાન કૃષ્ણનો જન્મ ભાદરવા માસમાં થયો હતો!"  તેથી ભાદરવો મહીનો આખો પવીત્ર માસ છે.

         (૧) આ બધા ટોળામાંથી મુર્ખા કોણ? કૃષ્ણનો જન્મ શ્રાવણ વદી આઠમે થયેલો કે ભાદરવા માસમાં? હા, અમને અમારા માબાપોએ ભક્તીભાવે શીખવાડેલું કે ભગવાન કૃષ્ણની પત્નીઓતો ઘણી બધી હતી પણ તેમની પ્રેમીકા ગોપી રાધા તો એકજ હતી. જેનો જન્મ ભાદરવા સુદ આઠમના રોજ ગોકુળ નજીકના ગામ બરસાનામાં થયેલો હતો. જો કે કૃષ્ણ ભગવાને રાધા સિવાય કેટલી ગોપીઓ સાથે ગોકુલ, વૃંદાવન અને બરસાનામાં લીલા કરેલી તેની સંખ્યા અમારા વડીલો જણાવતા ન હતા. અમે જ્યારે બાળકૃષ્ણની ઉંમરના હતા ત્યારે તેમના પરાક્રમોની વાતો સાંભળવાની ખુબ જ મઝા આવતી હતી. પણ યુવાન થતાં કૃષ્ણની ઇર્ષા આવવા માંડેલી.

 

 (૨) ઠોકીઠોકીને કે પછી ઠાંસીનેઠાંસીને આપણા દેશના બ્રહ્મ્રર્ષીઓએ ભણાવી દીધેલું છે કે ભાદરવા માસમાં તો સ્વધામ કે પરધામ ગયેલા આપ્તજનો માટે શ્રાધ્ધની વીધી સિવાય બીજું ખાસ કાંઇ શુભકાર્ય ન જ થાય.હવે જુઓ આ મહાન મહાપુરૂષો કોના સ્વાર્થ માટે કોને શું નવું શીખવાડે છે?

 

(૩) કયો મહિનો, દિવસ કે ચોઘડીયુ શુભ કે અશુભ? ચલો! આપણે આ બધા બની બેઠેલા  મહાન શાસ્રાર્થીને ભૌતીકશાસ્ર અને ખગોળવિધ્યાની બારખડી કે એબીસડી જે આપણે વીધ્યાર્થી તરીકે હાઇસ્કુલમાં ભણી ગયેલા તે શીખવાડીએ.

 

 (૪) આપણા પ્રશ્નના સંદર્ભમાં સમયનો ખ્યાલ સુર્યની આજુબાજુ પૃથ્વીની ભ્રમણ સ્થિતીને કારણે પેદા થયેલો છે. સુર્ય એક તારો છે અને માત્ર ભૌતીક પદાર્થ છે.તેનામાં કોઇ સજીવ એકમ જેવા લક્ષણો નથી. વધુમાં તે પૃથ્વીથી આશરે નવ કરોડ અને ત્રીસ લાખ માઇલ દુર છે. આકાશગંગામાં  સુર્ય જેવા લાખો તારાઓ છે. સુર્યને વ્યક્તિગત રીતે અંગત મારાતમારા જીવનમાં કોઇ રસ હોતો નથી. સુર્યમંડળમાં કુલ આઠ ગ્રહો છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શની, નેપચ્યુન અને યુરેનસ.આપણા ઘરની બહાર પડેલા પથ્થરને એક ભૌતીક પદાર્થ તરીકે જેટલો રસ મારા –તમારા જીવનમાં હોય, તેટલો જ રસ આ બધા સુર્યમંડળના અવકાશી ભૌતીક ગ્રહો ને છે.

 

(૫)  પૃથ્વી પોતાની  ધરી ઉપર ફરે છે જેનાથી દિવસ અને રાત બને છે. સુર્ય ઉગતો નથી, સુર્ય આથમતો નથી.પૃથ્વીના પોતાની ધરી પર ફરવાને કારણે જ સુર્ય આપણને ઉગતો અને આથમતો દેખાય છે. તેને કારણે આપણને દિશાઓની (પુર્વ,પશ્ચીમ, ઉત્તર અને દક્ષીણ) સભાનતાનો અહેસાસ થાય છે. બાકી અવકાશમાં દિશાઓનું અસ્તીત્વ પણ નથી.

 

(૬) ૩૬૫ દિવસના  સમુહને પૃથ્વી પરના પોતાની ધરી પર ફરવાને કારણે એક વર્ષ તરીકે સમયના માપદંડ તરીકે ગણવામાં આવે છે. એક દિવસના ૨૪ કલાક અને એક કલાકની ૬૦ મિનિટ અને એક મિનિટની ૬૦ સેંકડ આ બધુ સમયને સમજવાના અને ગણતરી કરવાના ફક્ત અને ફક્ત માપદંડો જ છે. તેમાં કોઇ સેંકડ, મિનિટ, કલાક, દિવસ કે મહિનોમાં પલભર જેટલી પણ પેલા બ્રહ્મર્ષીઓએ તેમના ફળદ્ર્પ ભેજામાંથી શોધી કાઢેલી શુભ– અશુભની ઘટનાઓ નથી. મુડીવાદમાં જેમ ગ્રાહક અને  ઉત્પાદક આર્થીક હિતોના સંબંધો ધરાવે છે. તેવા સંબંધો બ્રહ્મર્ષીઓ અને તેમના યજમાનોની જરૂરીયાતો શુભ–અશુભ વાર, ચોઘડીયા ને મહીનાઓ વગેરે પુરી પાડે છે. વીશ્વભરના મંદિરો,મસ્જીદો અને ચર્ચો પોતાના અનુયાઇઓની આવી જરૂરીયાતોના સંતોષ માટે જ રંગેચંગે બનાવવામાં આવે છે.