Wednesday, May 25, 2022

શા માટે હું હિંદુ નથી? અંતિમ અને ભાગ–૩

શા માટે હું હિંદુ નથી? અંતિમ ભાગ– ૩.

અગાઉના બે ભાગોની ચર્ચામાં આપણે જોયું અને સમજ્યા પણ ખરા કે હિંદુ જીવન પધ્ધતીના સર્જનમાં ચાર પરિબળો પાયામાં છે. એક ચાર વેદ, બે મનુસ્મૃતિ, ત્રણ વર્ણવ્યવસ્થા અને ચાર ભગવદ્ ગીતા.આ બધાની રચના આશરે ૨૫૦૦ વર્ષ પહેલાંની છે. હું વર્ણવ્યવસ્થાના ખ્યાલને જ હિંદુ જીવન પધ્ધતિના તમામ દુષણોનું મુળ ગણું છું. કારણકે વર્ણવ્યવસ્થા અતાર્કીક,(ઇરેશનલ) અન્યાયી, (અનજસ્ટ)અને બિનલોકશાહી( અનડેમોક્રેટીક) છે. આપણા દેશના બંધારણના પાયાના મુલ્યો  સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની સંપુર્ણ સામે વર્ણવ્યવસ્થાના ઉપદેશો અને વ્યવહારો છે.

(૧) દરેક વર્ણમાં જન્મેલ હિંદુને તેની વર્ણે નકકી કરેલ ધંધો કે વ્યવસાય જ કરવો પડે.તેવીજ રીતે વર્ણ–જ્ઞાતિ–પેટાજ્ઞાતિની અંદર તેના લોકોએ લગ્ન કરવાં જ પડે. ધંધો અને લગ્નમાં પાર્ટનર નક્કી કરવાની સ્વતંત્રતા વર્ણવ્યવસ્થામાં વર્જય છે. તેવીજ રીતે શુદ્રો અને સ્રીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાની સ્વતંત્રતા એટલા માટે નથી કે તેથી તો પછી વર્ણવ્યવસ્થાની સામાજીક કીલ્લે બંધી જ તુટી જાય. કોઇપણ હિંદુને તેના જન્મથી મળેલ વર્ણના વિષચક્રને તોડવાની સત્તા જ નથી. કારણકે તેને તો ગીતાના સર્જક કૃષ્ણે વર્ણવ્યવસ્થાને પોતાનું  સર્જન ગણેલું છે. હિંદુ સમાજપ્રથાને તોડવા માટે વર્ણવ્યવસ્થા આધારીત પિરામીડને તોડવો અનિવાર્ય છે. વર્તમાન શાસન પ્રથા દેશના નાગરીકોને ઝડપથી પાયાના બંધારણીય મુલ્યો, સ્વતંત્રતા, સમાનતા ને બંધુત્વની સામે વર્ણવ્યવસ્થા આધારીત હિંદુજીવન પ્રથાની તરફ દોરી જતી માલુમ પડે છે.

(૨) હૈ! વર્ણવ્યવસ્થા! તારું બીજું નામ જ ક્રમશ સોપાની (ચઢતા–ઉતરતા ક્રમની)અસમાનતા ને તેના દ્રારા પેદા થતો સામાજીક અન્યાય છે. માનવીય ગૌરવ અને કાયદાના શાસનની ગેરહાજરીમાં હિંદુસમાજ જીવન જો છેલ્લા અઢીહજાર કરતાં વધારે વર્ષોથી ચાલુ છે તો પછી અમારે સને ૧૯૫૦માં આવેલ ભારતીય બંધારણની શા માટે અને કોના હિતો સાચવવા જરૂરત છે?

(૩)વર્ણવ્યવસ્થામાં શુદ્રોને અછુત ગણવામાં આવે છે. તે હિંદુ સમાજનો એક સામાજીક રીતે બહિષ્કૃત ભાગ છે. તે વર્ણને સદીઓથી કહેવાતા હિંદુ ઇશ્વરે, તેના ધર્મે અને પેલા ત્રણ સંપન્ન વર્ણોએ માનવીય ગૌરવ, જ્ઞાન, સત્તા અને સંપત્તીથી સંપુર્ણ વર્જીત રાખ્યો છે. હા! પણ શુદ્ર સમાજ પાસે સદીઓથી પેઢી દર પેઢી પાસેથી વેઠ કરાવીને(વળતર આપ્યા સિવાયની, નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞ સ્થિતીમાં) જે પરોપજીવી હિંદુ સમાજને બનાવ્યો છે તે ગુમાવવો પોસાય તેમ નથી. તેની સાથે સાથે હિદું સમાજની તમામ વર્ણની સ્રીઓ ફક્ત જાતીય સુખ ભોગવવાનું એકમ તથા બાળકો પેદા કરવા માટેની ચીજ વસ્તુઓથી વધારે કાંઇ નથી. ઘણા બધા હિંદુધર્મને મહાન સહિષ્ણુ ધર્મ તરીકે બિરદાવે છે. પણ વિશ્વમાં હિંદુધર્મ સિવાય બીજો કોઇ ધર્મ નથી જે પોતાના જ ધર્મની ચોથાભાગની વસ્તીને સદીઓથી ગુલામ ને અછુત ગણીને પોતાના ધર્મને વિશ્વગુરૂ ગણતો હોય!  (Slavery is not peculiar to India or to Hinduism, but carrying it to the extremes of untouchability, and granting it divine and religious sanction is peculiar to Hinduism.) સહિષ્ણુતાનો સાદો સીધો અર્થ છે કે પોતાનાથી ન ગમતા કે પોતાની ધાર્મીક શ્રધ્ધા વિરૂધ્ધના વિચારો અને વર્તનોને ગૌરવભેર સમકક્ષ ગણી સ્વીકારવા અને વિકસવાની જ્ગ્યા કરી આપવી.મનુસ્મૃતિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે હિંદુધર્મશાસ્રોનો જે તર્કબધ્ધ અને વાસ્તવીક જ્ઞાનધારીત મુલ્યાંકન કરે તે બધાનો સામાજીક બહીષ્કાર કરવો. નિરઇશ્વરવાદીઓ,

મુક્તવિચારકો, રેશનાલીસ્ટો અને બુધ્ધધર્મીઓની સાથે કોઇપણ પ્રકારનો સામાજીક સંબંધ કે મહેમાન ગતી બિલકુલ ન રાખવી. નિરઇશ્વરવાદીઓ પ્રત્યે એટલી બધી અસહિષ્ણુતા હતી અને હજુ પણ છે કે તે બધાને ધર્મશાસ્રોમાં શુદ્રો, ચંડાળો, ચોર, લુટેરા અને ચિત્તભ્રમ લોકો તરીકે બિરદાવ્યા છે. મનુસ્મૃતિના સર્જક મનુ એ તો નિરઇશ્વરવાદોના કુટુંબોને શક્ય તેટલી ઝડપથી સંપુર્ણ ભસ્મીભુત કરવાની સલાહ આપી છે.(The families of non-believers are destroyed sooner than later according to Manu.) જે રાજ્ય વ્યવસ્થામાં શુદ્રો અને નાસ્તિકોનું પ્રમાણ વધી જાય છે ત્યાં હિંદુ રાજ્યનો પણ નાશ થાય છે.( A state with a large number of Shudras and nastikas soon meets its destruction.) 

ઘણાબધા હિંદુધર્મના સુધારકો વર્ણવ્યવસ્થાને આદર્શ સામાજીક– આર્થીક શ્રમવિભાજનનું (Division of Labour) એકમ ગણાવીને બચાવ કરે છે.  ઇગ્લેંડના અર્થશાસ્રી આદમસ્મિથે સને ૧૭૭૬માં ' વેલ્થ ઓફ નેશન' નામનું જગપ્રસિધ્ધ પુસ્તકમાં લખ્યું હતું કે શ્રમનું વિભાજન નવી નવી ઔધ્યોગીક શોધખોળની જનેતા છે. કારણકે એકનું એક કામ વારંવાર કરવાથી તેમાં જે તે કામમાં નિપુણતા આવે છે. હિંદુ સમાજમાં શુદ્રોના વ્યવસાયી સાધન ઝાડુ, વાણીયાના વ્યવસાયી ઓળખ ધોતી, ટોપી ને ડગલો,ક્ષત્રિયોના યુધ્ધના શસ્રોમાં તલવાર અને ભાલો ને બ્રાહ્મણોની વ્યવસાયી ઓળખોમાં ટીલાં–ટપકાં–– જનોઇ અને લાલ પિતાબંરમાં કોઇ ફરક સદીઓથી પડયો નથી.
ભલે હિંદુ સમાજમાં વ્યવસાયી નિપુણતાને વર્ણ–જન્મ આધારીત  ઓળખ ગણવામાં આવી હોય પણ ખરેખર તે બધી ઓળખો શિક્ષણ, અભ્યાસ, અનુભવ આધારીત પ્રાપ્ત કરેલ ઓળખો હોય છે. માટે જ ગાંધીજી બેરીસ્ટર થઇને દેશની આઝાદીના સંઘર્ષના ટોચના નેતા બની શક્યા ને બાબાસાહેબ આંબેડકર દેશના બંધારણના આધ્યસ્થાપક બની શક્યા. જ્યારે મા–બાપો જે વારસામાં આપે છે તે જનીનતત્વો (
DNA) આપી શકે અને આપે છે. આમ શ્રમનું વિભાજન ભારત સિવાય વિશ્વના કોઇપણ દેશમાં જન્મ આધારીત ક્યાંય નથી. જે ખરેખર લાંછનરૂપ ગણવાને બદલે તે વર્ણવ્યવસ્થાને આપણે ભજીયે અને પુજયે છીએ. કયા કયા પરોપજીવોના હિતો સાચવવા અને સંવર્ધન કરવા?

આપણે આપણા બાળકોને મા– બાપ તરીકે ક્યારે આપણા વારસગત વ્યવસાયમાં દબાણપુર્વક જોતરવા ન જોઇએ. સમાજ અને રાજ્ય વ્યવસ્થાએ તેના તમામ પ્રજાજનોને સમાન તકો, કાયદાકીય શાસન અને માનવીય ગૌરવ સહજ રીતે ઉપલબ્ધ થાય તેવી રાજ્યવ્યવસ્થા ની રચના કરવી જોઇએ.ખરેખર તો આ લોકશાહી શાસનનો તેના નાગરિકો અને તેમના દ્રારા ચુંટાયેલા રાજ્યકર્તા વચ્ચેનો અબાધિત કરાર છે.

જો કે હિંદુ કાયદાને કારણે  માનવ મુલ્યો આધારીત ઘણાબધા ફેરફારો હિંદુ સમાજપ્રથામાં કરવામાં આવ્યા છે. જેવાકે બાળલગ્ન નિષેધ, વિધવાપુર્નલગ્ન, એક પત્નિત્વ, પિતાની મિલકતમાં વારસાઇ આધારીત દિકરીનો સમાન ભાગ, છુટાછેડા કે લગ્ન વિચ્છેદ, આંતરજ્ઞાતિય લગ્નો વિ. હકીકતમાં હિંદુ કાયદાના પ્રગતિશીલ સુધારાના અને હિંદુ જીવનની વર્તમાન વાસ્ત્વિકતા વચ્ચે ઘણો બધો તફાવત છે. તે દિશામાં હજુ ઘણી લાંબી મંજીલ કાપવાની બાકી છે. કારણકે આજે  જુની વર્ણવ્યસ્થા આધારીત મનુસ્મૃતિ પ્રમાણેની હિંદુ રાજ્યની રચના કરવા પ્રત્યાઘાતી પરિબળો ખુબજ સક્રિય અને સાધનસંપન્ન થતા જાય છે. જેમાં વર્તમાન શાસન વ્યવસ્થાનો કેટલોક ખુલ્લો અને બાકીનો પ્રછન્ન ટેકો છે. ભારતનું આવતી કાલનું ભાવિ પ્રત્યાઘાતી મનુવાદી પરિબળો અને લોકશાહી મુલ્યો આધારીત ક્રમશ વિકસતા જતા બંધારણીય આધુનીક સમાજના સંઘર્ષમાં નિહીત છે. ખુબ દુ;ખ સાથે દેશનો વર્તમાનતો ઝડપથી ૨૫૦૦ વર્ષ પહેલાં બૌધ્ધ ધર્મે અનુભવેલી ક્રાંતીની કસુવાડ તરફ આપઘાત કરવા અવિરત રીતે પ્રયાણ કરતો દેખાઇ રહ્યો છે. આ ઉંડી ખીણ તરફ ધસમસતી આપણી સદર અમાનવીય દોડને રોકવા હું અને તમે શું કરી શકીએ તેમ છે?


--