એક ધર્મગુરુ રાત્રે શાંતિથી સૂઈ ગયા. ઊંઘમાં એમણે એક સ્વપ્ન જોયું કે પોતાનું અવસાન થયું છે. મૃત્યુનું સ્વપ્ન જોતાં જ એ અતિશય પ્રસન્ન થયા. કેમકે જીવનમાં ક્યારેય એમણે કોઈ પાપ કરેલું નહીં. ન તો એ જુઠ્ઠું બોલેલા કે ન કોઈ બેઈમાનીનું કામ કરેલું. ક્યારેય કોઈનું દિલ દુભવ્યું હોય એવું પણ એમને યાદ ન હતું. આથી એ ખૂબ ખુશ હતા કેમકે મૃત્યુ પછી નર્કે જવાની તો એમના મનમાં કોઈ દહેશત જ ન હતી. દિવસ-રાત એમણે હરિભજન કરેલું. આથી નક્કી જ હતું કે સ્વર્ગ એમને મળવાનું છે અને નામસ્મરણ પણ સતત ચાલ્યા જ કરતું. એટલે મનમાં એક ઊંડી અને અતૂટ આશા હતી કે સ્વર્ગના દ્વાર પર સ્વયં પરમાત્મા એમના સ્વાગત માટે ઊભા હશે. જેવા એ સ્વર્ગના દ્વાર પર પહોંચ્યા તો એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. દરવાજો એટલો મોટો હતો કે ક્યાંય એનો ઓરછોર દેખાતો ન હતો. ખૂબ જોર લગાવીને એમણે દરવાજાને પીટ્યો પણ એ પછી એમને પોતાને જ ખ્યાલ આવ્યો કે મારા આ નાનકડા હાથની ચોટથી તો આ દરવાજો કંપતો પણ નથી તો અંદર સુધી અવાજ ક્યાંથી પહોંચે ? થોડીવાર મન એમનું ઉદાસ થઈ ગયું. આસ્થા પર ક્ષણભર માટે પાણી ફરી ગયું કેમકે એમને તો આશા હતી કે દરવાજા પર બેંડવાજા સાથે એમનું સ્વાગત કરીને અંદર લઈ જવામાં આવશે. પણ અહીં તો કોઈ જ ન હતું. ક્ષણ ક્ષણ એમના માટે વર્ષો જેવી વીતવા લાગી. ખૂબ ધમપછાડા કર્યા. દરવાજા પર હાથ પછાડી પછાડીને લોહીના ટશિયા ફૂટી ગયા. ચીસોય પાડી, છાતી પીટીને છેવટે રડી પડ્યા, ત્યારે એ વિરાટ દરવાજાની એક બારી ખૂલી. બારીમાંથી એક ચહેરો બહાર આવ્યો. હજાર આંખો હતી એની અને પ્રત્યેક આંખ સ્વયં સૂર્ય જેવી હતી. ગભરાઈને ધર્મગુરુ નીચે ઢળી પડ્યા અને ચીસો પાડવા લાગ્યા કે હે પરમેશ્વર ! હે પરવરદિગાર ! હું તમારા પ્રકાશને સહી શકતો નથી. થોડા આપ પાછળ હટી જાવ...' તો સામેથી અવાજ આવ્યો કે ક્ષમા કરો, આપની ભૂલ થાય છે. હું તો અહીંનો પહેરેગીર છું. કોઈ પરમાત્મા નથી. એમના તો હજુ મને પણ દર્શન નથી થયા. હું તો અહીંનો માત્ર દરવાન છું. એમના સુધી પહોંચવાની તો હજુ મારી કોઈ હેસિયત પણ નથી. ધર્મગુરુને તો પસીનો છૂટવા લાગ્યો. લમણા પર હાથ દઈને એ તો નીચે જ બેસી ગયા. મનોમન એમને થયું કે મેં પૃથ્વી પર કેટકેટલા એમના મંદિર બંધાવ્યા. કેટલી બધી એમની કથા કરી. ચોમેર એમના નામની ધજા ફરકાવી અને તોય છેલ્લે મારી આ દશા ?! હીંમત એકઠી કરીને એમણે પહેરેગીરને કહ્યું કે તો પણ આપ પરમેશ્વર સુધી એટલો સંદશો પહોંચાડો કે હું પૃથ્વી પરથી આવું છું. ફલાણા ફલાણા ધર્મને ચુસ્ત રીતે માનનારો અને ફલાણા ધર્મનો સૌથી મોટો ધર્મગુરુ છું. લાખો લોકો મારી પૂજા કરે છે અને લાખો લોકો મારા ચરણમાં આળોટીને ધન્યતાનો અનુભવ કરે છે. એમને કહેજો કે હું આવી ગયો છું અને મારું 'આ' નામ છે ! તો દ્વારપાલે કહ્યું કે માફ કરજો. આપના નામનો આ રીતે ખ્યાલ આવવો મુશ્કેલ બની જશે. આપના સંપ્રદાયનો પણ સંદર્ભ આપવો શક્ય નથી. માત્ર આપ એટલું જ કહો કે આ વિરાટ બ્રહ્માંડમાંથી આપ કઈ પૃથ્વી પરથી આવ્યા છો ?.... ધર્મગુરુ છંછેડાઈ ગયા...'કઈ પૃથ્વી ?...આ તો તમે કેવી વાત કરો છો ? પૃથ્વી તો બસ એક જ છે, અમારી પૃથ્વી !' દ્વારપાળે કહ્યું - 'આપનું અજ્ઞાન અપાર છે. અનંત પૃથ્વીઓ છે આ વિરાટ વિશ્વમાં. પ્લીઝ ! લાંબી વાતો છોડી તમારી પૃથ્વીનો ઇન્ડેક્સ નંબર બોલો. તમારી પૃથ્વીનો અનુક્રમાંક શો છે ?' ધર્મગુરુ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. કોઈ શાસ્ત્રમાં પૃથ્વીનો ઇન્ડેક્સ નંબર તો આપેલો નથી. ધર્મગુરુને હતપ્રભ થયેલા જોઈને દ્વારપાળને દયા આવી. આથી એણે કહ્યું - 'કંઈ નહીં, પૃથ્વીનો અનુક્રમાંક યાદ ન હોય તો બસ એટલું જ બોલો કે તમે ક્યા સૌર પરિવારમાંથી આવ્યા છો ? બસ, તમારા સૂર્યનું નામ આપી દો. અથવા તો એનો ઇન્ડેક્સ નંબર બોલો. કેમકે આવી કોઈ સ્પષ્ટ કડી વગર માત્ર નામ પરથી શોધખોળ કરવી મુશ્કેલ બને.' ધર્મગુરુ તો ગભરાઈ ગયા. હવે કરવું શું ?! એમને તો આશા જ હતી કે પરમાત્માને મારા વિશે બધો ખ્યાલ હશે. આટઆટલા મારા અનુયાયી છે. વિશ્વભરમાં સતત મારું નામ ગુંજતું રહે છે. લોકો મારા ચરણસ્પર્શ માટે લાઈનમાં ઊભા રહીને તડપે છે. એટલે મારા મંદિરને કે મારી ધર્મસંસ્થાને સ્વર્ગની યાદીમાં અંડર લાઈન કરીને કોઈ અગ્રતા આપવામાં આવી હશે. પણ આવું તો અહીં કશું જ નથી. હું કઈ પૃથ્વી પર રહું છું, એનો પણ અહીં કોઈને ખ્યાલ નથી. જે સૂર્યમંડળમાંથી હું આવું છું એનો પણ આ લોકો ઇન્ડેક્સ નંબર માગે છે અને હું એ નંબર આપું તો પણ અનંત અનંત લોકોની યાદીમાંથી મારું નામ શોધતાં વર્ષો લાગી જશે આવું આ પહેરેગીર કહે છે તો હવે કરવું શું ?'' ગભરામણમાં અને ગભરામણાં જ એમની ઊંઘ ઊડી ગઈ અને જોયું તો પોતાના ધર્મ સામ્રાજ્ય વચ્ચે, પોતાના જ મહાલયમાં ભીની ભીની પથારીમાં તરફડતા પોતે પડ્યા છે ! અને એક વાતની એમને રાહત થઈ કે પોતે જોયેલું આ તો એક દુઃસ્વપ્ન હતું ! |