Wednesday, August 9, 2023

સ્વતંત્રતાનોભય ( Fear Of Freedom)–


સ્વતંત્રતાનો ભય ( Fear Of Freedom)

 

અમારે, દેશના નાગરિકો તરીકે અમારી સ્વતંત્રતા કાયમ માટે એક માણસના ખોળામાં માથુ મુકીને ગીરો મુકવી છે. કેવી રીતે સ્વતંત્ર તરીકે જીવવું તે અમારા ડીએનએ જ નથી. કારણકે છેલ્લા ૫૦૦૦ વર્ષોથી અમને ગુલામી હદી ગઇ છે. કોઇ અમારા શિરેથી છેલ્લા ૭૫ વર્ષોથી અસહ્ય બનેલા આ સ્વાતંત્ર્યના બોજને ઉતારી આપે.

ભય વીના પ્રીતી નહી – સામે સ્વતંત્રતાનો ભય ( Fear Of Freedom)

તુલસીદાસ રચીત રામાયણમાં એક ચોપાઇ છે– " નારી, શુદ્ર ઔર ગંવાર સબ તાડન( માર ને યોગ્ય) કે અધીકારી ". વીશ્વમાં ઇશ્વરી સત્તામાં શ્રધ્ધા રાખતો કોઇ ધર્મ એવો નહી હોય જે પોતાના અનુયાયોને કાલ્પનીક ભય અને જાતભાતની અસલામતી બતાવીને પોતાની બીનશરતી શરણાગતી સ્વીકારવાનું નહી શીખવાડતો હોય.! ગોસ્વામી તુલસીદાસે ઉપરનું વાક્ય લખીને સમાજની સ્રીઓ, શુદ્રો અને અજ્ઞાની, અભણ કે મંદબુધ્ધીવાળા પાસેથી કામ લેવા માટે અથવા કોઇપણ વ્યવહાર કરવા માટે દંડાનો ઉપયોગ કરવા સીવાય બીજો ઉપાય નથી એવું સમજાયું છે. પ્રજાપર રાજ્ય કરવા રાજ્યદંડ સીવાય જાણે બીજો કોઇ માર્ગ જ નથી. લોકભાગીદારી કે પ્રજાનો સહકાર કઇ બલા છે? રાજા, નેતા કે હીટલર કે મુસોલીની ક્યારેય પ્રજાને ખાડામાં નાખવાનું કામ કરતો હોય? એ તો દૈવી પુરૂષ છે. ઇશ્વરે, તેને તો પ્રજાપર અમર્યાદીત સમય સુધી રાજ્ય કરવા જ પસંદ કરેલો છે.( The king can do no wrong.)

ભય વીના પ્રીતી નહી નો અર્થ શું? બીજાઓ પર ભય પેદા કરવા, કે સતત ભયમાં રાખવા માટેની પુર્વશરત કઇ? યેનકેન પ્રકારે પ્રથમ સત્તા પ્રાપ્ત કરો. એકવાર સત્તા પ્રાપ્ત કર્યા પછી તે સત્તા ચાલુ રાખવા સતત ભયનું વાતાવરણ પ્રજામાં પેદા કરી દો! ભયનું શાસન પેદા કરવા ' કાયદાનું શાસન' ( Rule of Law)ને અભરાઇએ ચઢાવી દઇને ' સત્તા પર ચઢી બેઠેલા માણસનું શાસન' ( Rule of Man) બનાવી દો. બધીજ સત્તાનું 'લોકો' 'પીપલ' ના કલ્યાણ માટે એક જ માણસ ભલે પછી તે રાજા, સરમુખત્યાર કે નેતાની તરફેણમાં કેન્દ્રીકરણ કરી દો. " He is the chosen man & he has divine sanction." તેના પર સર્વસત્તા ન્યોચ્છાવર કરી દો અને પછી ઓશીંકા પર માથું મુકીને સુઇ જાવ.!

આપણા બાળપણમાં એક કહેવત હતી " સોટી વાગે ચમ ચમ અને વીધ્યા આવે ગમ ગમ ". કુટુંબમાં વડીલનો ભય, જ્ઞાતીમાં પેલા પંચાયીતા અને પટેલીયાઓનો ભય, ધર્મોમાં પંડા, પુરોહીત, પાદરી અને મુલ્લા– મોલવીઓનો ભય, સમાજમાં સામંતશાહી હોવાથી જમીનદારો, શાહુકારો અને અને તેબધાનો હીતોને સાચવનાર રાજાશાહી રાજનો ભય. હવે આ જુની વ્યવસ્થાઓ નામશેષ થઇ ગઇ હોય તો પછી લોકોને કોનો ભય? શું આપણે બધા સ્વતંત્ર થઇ ગયા નથી?

હવે દરેક આધુનીક સમાજમાં નવો પણ વાસ્તવીક ભય પેદા ગયો છે. તે છે સ્વતંત્રતાનો ભય? (FEAR OF FREEDOM). રૂઢીચુસ્ત જુના સમાજમાં માણસને કુટુંબ, જ્ઞાતી, જમીનદારી અર્થવ્યવસ્થા, પેલા ઇશ્વરી પ્રતીનીધીઓ ને રાજા બધા એક પ્રકારની સલામતી બક્ષતા હતા. જુની કૃષીસંસ્કૃતીને બદલે અસ્તીત્વમાં આવેલી ઔધ્યોગીક સમાજ વ્યવસ્થાએ માનવીને શહેરમાં લાવીને એક બાજુ તે બધાની સત્તાની સાંકળોમાંથી મુક્ત ચોક્ક્સ બનાવ્યો છે. પણ પેલા શહેરી માણસને એકલો, અટુલો અને અસલામત બનાવી દીધો છે. આધુનીક માણસથી સ્વતંત્રતાએ બક્ષેલી નવી સમાજ વ્યવસ્થામાં પોતાનામાં જૈવીક ઉત્ક્રાંતીના સંઘર્ષમાંથી પ્રાપ્ત કરેલી કુનેહતા અને કુશળતા આધારીત વીકાસ પ્રાપ્ત કરીને સલામતીભર્યું જીવનમાં પણ તેને એકાકીપણું ,એકલતા અને ની;સહાયતા કોરી ખાય છે.

પેલા જુદાજુદા સમુહવાદી એકમોમાં, જેમાં તે છેલ્લા આશરે ૧૦૦૦૦ કરતાં વધુ વર્ષોથી જીવન પસાર કરતો આવ્યો હતો. તેમાંથી વ્યક્તીકેન્દ્રી શહેરી સમાજે તેને તમામ દ્રષ્ટીએ શક્તીહીન ( Powerless) બનાવી દીધો છે. આ નવો ઓધ્યોગીક સમાજ મારો હોય, તેના સર્જનમાં મારી રચનાત્મક ભાગીદારી હોય તેવો વાસ્તવીક અહેસાસ મને ક્યારેય થતો નથી. ભાઇ! એકજ વાક્યમાં કહું " I do not belong to this new society."

જેમ હું મારી માતાના ગર્ભમાં કોઇ કાળે પાછો જઇ શકું તેમ નથી તેવી જ રીતે હું પેલા જુના સમુહવાદી સલામતી બક્ષતા એકમોમાં પાછો જઇ શકવાનો નથી. પણ સાહેબ! જેમ માતાના ગર્ભ સાથે જોડાયેલી પેલી મારી ગર્ભનાડી ( An umbilical code) તો જન્મ પછી તરતજ તુટી ગઇ અને હું મારી માતા થી ભૌતીક રીતે મુક્ત બની ગયો છું. પણ માનસીક રીતે તો તેનો ખોળો મને સલામતી હજુ આપે છે. અમને બધાને પેલી જુની કૃષીસંસ્કૃતી અને તેની સંસ્થાઓની બેડીઓમાંથી મુક્ત કર્યા પણ પછી આ સાંકળો કે બેડીઓ વીનાનો સ્વતંત્રતા આપીને મુક્ત માનવસમુદ્રમાં છોડી દેતો સમાજ કોઠે પડી જતો નથી .મારીથી સ્વતંત્રતાનો ભય સહન થતો નથી.

એક તિખારો–

સન( Son) – ડેડી ! આ માણસ! કોઇ રીલીજીયસ પ્લેસમાં જઇને કેમ આવી રીતે સુઇ જાય છે. ( દંડવત સુઇ જાય છે.)

ડેડી– આ માણસ ગોડને પ્રે કરે છે.

સન– તે ગોડને શું પ્રે કરે છે?

ડેડી– તે ગોડને પ્રે કરે છે કે " મારે અને મારા દેશવાસીઓને સ્વતંત્રતા નથી જોઇતી. સ્વતંત્રતાનો ભય અમારાથી સહન થતો નથી. તેથી તે ગોડને પ્રે કરે છે કે ' મને અમારા દેશવાસીઓને તારી ગુલામીમાંથી મુક્ત થવું નથી."

સન– ડેડી, મારી એક અરજન્ટ રીક્વેસ્ટ છે. તે માણસને અહીં બોલાવી લો. એટલે એ સંપુર્ણ ફ્રીડમ એન્જોય કરશે. અને તેના પીપલનું મહામહેનતે મળેલું ફ્રીડમ પેલો ગોડ લઇ નહી લે.

 

 

--