ભગવદ્ ગીતામાં રજુ કરેલ વિચારોનું જ્ઞાન–વિજ્ઞાન અને આધુનિક પરિબળોના સંશોધનોને આધારે તટસ્થ ને પુર્વગ્રહ રહિત મુલ્યાંકન– ભાગ–૩.
હિન્દુ ધર્મશાસ્રોના તમામ ધાર્મિક ગ્રંથોમાં જે ધાર્મીક ગ્રંથે સદીઓ સુધી હિન્દુસમાજ જીવનને ટકાવી રાખવામાં( જે સે થૈ બનાવી રાખવામાં) એકમાત્ર અગત્યનો ફાળો આપ્યો હોય તો તે ભગવદ્ ગીતા ગ્રંથનો જ છે. સદર ગ્રંથની રચના કરનારે પુરી સમજ અને દુરંદેશીપણા સાથે સમગ્ર હિન્દુ સમાજને એવી વૈચારિક જંજીરોમાં બાંધી રાખવામાં સફળ થયો છે કે સદીઓ સુધી તેના મબલખ ફળો ભોગવનાર સત્તા પક્ષના વર્ગોના (the Bhagavad-Gita has been the most formidable weapon for the ruling classes) હિતોને સાચવી રાખ્યા છે. માલેતુજાર ને સર્વાંગી રીતે શસક્ત બનાવ્યા છે. પણ માનવ ઇતિહાસમાં જેનો કોઇ પુરાવો ન મળે તેવા તમામ બાકીના વર્ગો જેવા કે વૈશ્ય, તમામ શુદ્રો, સ્રી વર્ગ અને હિન્દુ સર્વહારા પ્રજા જેનું 'તન.મન અને ધન'થી બેફામ શોષણ સત્તાધીશો કરતા આવ્યા છે તે બધાએ ગીતાના ઉપદેશને પોતાનો ગણીને ક્યારેય તેની સામે વિદ્રોહ કે બળવો કર્યો નથી.ગીતાના તત્વજ્ઞાને કાર્લ માર્કસના તર્કબધ્ધ તારણને ખોટુ સાબિત કર્યુ છે. શું? ' અમારા દેશના વંચિતો કે સર્વહારા( દલિતો, આદીવાસીઓ,સ્રી અને બહુજન સમાજ) ગીતાના ઉપદેશને કારણે પ્રતિક્રાંતીને ઇશ્વરી સર્જન ગણે છે.'
મહાભારતના યુધ્ધના મેદાનની બરાબર વચ્ચે ' અર્જુન– શ્રીકૃષ્ણ' સંવાદ શરુ થાય છે.
અર્જુને યુધ્ધ ન કરવા માટેના પોતાના વ્યાજબી અને માનવીય–સાંસારીક કારણો રજુ કર્યા છે.ગીતાના રચનારે પ્રથમ અધ્યાયમાં અર્જુન દ્વારા નીચે મુજબના કારણો યુધ્ધ નહીં કરવા રજુ કર્યા છે. જેવાં કે જેની સામે મારે યુધ્ધ કરવાનું છે તે બધા જ મારા પિતરાઇ ભાઇઓ, દ્રોણાચાર્ય અને ભીષ્મપિતાહ જેવા પિતાતુલ્ય વડીલો, સ્વજન અને કુળનો નાશ, વર્તમાન સામાજીક વ્યવસ્થાનો સર્વનાશ, સનાતન ધર્મનો નાશ, વર્ણશંકર પ્રજાનું સર્જન વિ. વિ. માટે ' મારાં ગાત્રો ઢીલા થઇ જાય છે, મોઢું સુકાઇ જાય છે, શરીરનાં રુવાટાં ઉભા થઇ જાય છે, હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરકી જાય છે'. મારે યુધ્ધ કોઇ કાળે નથી કરવું.
અધ્યાય બીજાથી શરુ કરીને ગીતાના લેખકે અઢાર અધ્યાય સુધી અર્જુનને જીવનની નરવી વાસ્તવિકતાઓ છે તેને અવગણીને જે કલ્પનાઓ, અવાસ્તવીકતાઓ, અને એકી સાથે ક્ષણભંગુર દેહમાં આત્માના ખ્યાલનો પ્રવેશ કરાવીને જે હિન્દુ જીવન પધ્ધ્તિ વિકસાવી છે તેનાં જ્ઞાન આધારીત મુલ્યાંકન કરવાનો મારો પ્રયત્ન છે.
ગીતાના બીજા અધ્યાયમાં શરીર અને આત્મા વિષે ઘણી બધી તત્વજ્ઞાનીય ચર્ચા કરવામાં આવેલી છે. હિન્દુ માનવ શરીરમાં એકી સાથે બે,એકબીજાથી સ્વતંત્ર અને વિરોધાભાસી પરિબળો અસ્તિત્વ ધરાવે છે.શરીર નાશવંત છે.આત્મા અમર છે. શરીર જીર્ણ થતાં તેનો નાશ થાય છે. પણ તેમાં રહેલ આત્માનું સ્થળાંતર થાય છે. આત્મા 'ન હન્યતે' છે.શ્લોક–૧૯. આત્મા જન્મ લેતો નથી, માટે તે મૃત્યુ પામતો નથી. તે શાશ્વત છે.પણ શરીર નાશવંત છે. પછી શ્લોક ૨૩– નૈનં છિન્દતિં––વિ. ક્ષત્રિય તરીકે સ્વધર્મ યુધ્ધમાં લડવાનો છે. મૃત્યુ પામીશ તો મોક્ષ પ્રાપ્ત થશે ને જીતીશ તો ત્રણ લોકનું રાજ્ય મલશે.દરેક હિન્દુએ જે તે વર્ણમાં( સ્રી માટે પણ સ્રી ધર્મ બજાવવાનો) પોતાનો જન્મ થયો હોય તે વર્ણમાં ગીતામાં નક્કી થયા મુજબનો 'સ્વધર્મ' બજાવવાનો હોય! ટુંકમાં બીજા અધ્યાયમાં ગીતાના રચનારે આત્માના અસ્તીત્વ સાથે પુર્વજન્મ, વર્તમાનજન્મ અને પુનર્જન્મ, ચારવર્ણ પ્રથા અને માનવ પ્રયત્નોથી પોતાનું ભાવિ માનવી બદલી શકે છે તે આત્મવિશ્વાસ (Self Confidence) ને કાયમ માટે આપઘાત કરાવીને જે કોઇ વર્તમાન સ્થિતિ છે તેમાં ફેરફાર કરવાની ક્ષમતાને કાયમ માટે નાબુદ કરી દેવામાં આવે છે. જેના પરિણામોથી ગીતાના ઉપદેશ પ્રમાણે જે ૨૧મી સદીમાં પણ ભોગવ્યા સિવાય દરેક હિન્દુ એ છુટકો નથી.
ગીતાના રચનારે અર્જુનને ચોથા અધ્યાયના શ્લોક ૧૩માં જણાવે છે કે ' ચાતુવર્ણ મયા સૃષ્ટી'. હિન્દુ સમાજના ચાર વર્ણવ્યવસ્થા મારુ સર્જન છે. બ્રાહ્મણ મુખમાંથી, ક્ષત્રીય બાહુમાંથી, વૈશ્ય જાંઘ ને શુદ્ર પગમાંથી જન્મ પામેલ છે. આમ બ્રાહ્મણે જ્ઞાન, ક્ષત્રિયે યુધ્ધ, વૈશ્ય, પટેલ, વિ, વેપાર, કૃષિ અને શુદ્રે તમામની નિસ્વાર્થ સેવા કરવાની. તેને સ્વધર્મ કહેવાય. આજ ચોથા અધ્યાયના ૪૦માં શ્લોકમાં શ્રી–કૃષ્ણે જણાવ્યુ છે કે ' સંશયી આત્મા વિનશ્યતી'. મારા ઉપદેશ કે જ્ઞાન પર સંશય કે શંકા સેવે છે તેનો હું નાશ કરુ છું. સદર અધ્યાયના ૭મા શ્લોકમાં જણાવ્યું છે કે ' યદા યદા હી ધર્મસ્ય'... જ્યારે પૃથ્વી પર અર્ધમ અને પાપ વધી જાય છે ત્યારે તે બધાનો નાશ કરવા હું જન્મ લઉ છું.
મારો જન્મ અને કર્મો અલૌકીક છે. હે! અર્જુન! તારા ચર્મચક્ષુઓથી જોઇ શકાશે નહી.(અધ્યાય–૧૦ શ્લોક–૨.) આ જગતનો સર્જક, સંચાલક અને સંહારક હું છું. (અધ્યાય –૧૦ શ્લોક–૮) તું નહી લડે તો પણ સામેની સેનાના કોઇ યોધ્ધાઓ બચવાના નથી. તું ઉભો થા, શત્રુને જીતીને કીર્તી મેળવી, રાજ્ય ભોગવ!(અધ્યાય–૧૧–શ્લોક–૩૨–૩૩) તું તો માત્ર નીમીત્ત છે. તું મારુ વીશ્વસ્વરુપ જો! જો કે તારા સિવાય બીજું કોઇ જોઇ શકશે નહી. જેમાં સામા પક્ષના તમામ યોધ્ધાઓ મૃત્યુ પામેલા દેખાશે.(અધ્યાય–૧૧ શ્લોક૪૫)
ગીતાના રચનારે સમગ્ર હિન્દુ સમાજ વ્યવસ્થાને સદીઓ નહી પણ યુગો સુધી ફક્ત ને ફક્ત ભક્તિ દ્રારા જ દુન્યવી પ્રશ્નો ઉકેલી શકાય છે અને તે માર્ગે લઇ જવા માટે જે યુક્તિ–પ્રયુક્તિઓ અર્જુન અને કૃષ્ણના પાત્રોમાં નિરુપણ કરી છે તેનો માનવ ઇતિહાસમાં જોટો જડે તેમ નથી. જ્ઞાન અને કર્મ બંનેને માનવીય સમસ્યાઓ ઉકેલવા માટે અપ્રસતુત સાબિત કરવા ખુબજ બૌધ્ધીક કુસ્તી કરી છે. અર્જુનને નિમિત માત્ર બનાવીને દરેક સજીવે જીજીવિષા ટકાવી રાખવા કુદરતના નિયમોને સમજીને જે પ્રગતી સાધીને ૨૧મીસદી સુધી આવ્યો છે તેનો નામશેષ કરવા માટે જે વિશેષણો વાપર્યા છે તેની નોંધ લેવાની પણ તાતી જરુરીયાત છે.'નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં કર્મ કરવું, કર્મણેવાધિકા રસ્તે માફલેષુ કદાચન, જગતની વાસ્તવિકતાઓ સામે જળકમળવત બનવું વિ.વિ. દુન્યવી પ્રશ્નો ઉકેલવા માનવીય સહકાર મેળવી કુદરતની વિઘાતક અસરોમાંથી કેવી રીતે બહાર નીકળવાને બદલે ગીતાનો લેખક અર્જુનને સલાહ આપે છે કે સમાસ્યાઓના ઉકેલ ને બદલે તુફાન આવે તો પેલા કાચબાની માફક પોતાના અંગો સંકોરી લેવા!
ગીતાના બોધ પ્રમાણે 'જ્ઞાન એટલે શું?' અધ્યાય–૧૩– જ્ઞાનની વ્યાખ્યા– પરમાત્માના સાક્ષાત્કાર સાથે થનારી અનુભુતિનું નામ જ્ઞાન. તેનાથી વિપરીત બધુ અજ્ઞાન. જ્ઞાન સાક્ષાત્કારનો પર્યાય છે.'
છેલ્લો અને અંતિમ લેખ ભાગ–૪ હવે પછી.