Wednesday, December 28, 2016

દુનીયાના ધર્મોએ નૈતીકતાને ગેરકાયદેસરરીતે કબજે( હાઇજેક) કરી લીધી છે – આર્નોલ્ડ ટોયન્બી બ્રીટીશ ઇતીહાસકાર.


   દુનીયાના ધર્મોએ નૈતીકતાને ગેરકાયદેસરરીતે કબજે( હાઇજેક) કરી લીધી છે – આર્નોલ્ડ ટોયન્બી બ્રીટીશ    ઇતીહાસકાર.

આ વાત જયારે ફ્રાંસના અસ્તીત્વવાદી તત્વજ્ઞાની જીન પોલ સાત્રે અને આલર્બટ કામુએ ટોયન્બીના પ્રવચનમાં સાંભળી ત્યારે પોતાના માથેથી હેટ ઉતારીને સલામ કરી હતી. કારણકે તે બંને જીંદગીભર 'નીરઇશ્વરવાદી' હતા. જેઓને પોતાને નૈતીકતા શું છે તેની બરાબર સમજણ હતી. અને તેઓએ પોતાના અંગત અને સામાજીક જીવનમાં ઉન્નત અને ગૌરવશાળી નૈતીકતાના ધોરણો પ્રસ્થાપીત કર્યા હતા.

દરેક સમાજમાં એક માન્યતા જડઘાલી ગઇ છે કે ' નીરઇશ્વરવાદીઓ કે નાસ્તીકોને નૈતીક્તા નથી હોતી. તે બધા લાગણીવીહીન હોય છે.' ખરેખરતો ધર્મને નાગરીકની અંગત નૈતીક માન્યતા સાથે  શા માટે સંબંધ હોવો જોઇએ? કારણકે ધર્મતો ઇશ્વર અને મૃત્યુ પછીના જીવનમાં પોતાના અનુયાઇઓને ઉપદેશ આપે છે. ધર્મને માનવીય જીવનના અરસપરસના વ્યવહારો જેવાકે  દયા, કરૂણા અને અનુકંપા સાથે શું સંબંધ છે? આ બધા વ્યવહારો અને ગુણો તો માનવીય દુન્યવી જરૂરીયાતમાંથી વીકસેલા છે. તેમાં કશું દૈવી કે ઇશ્વરી કે ધાર્મીક કેવી રીતે હોઇ શકે?  જે લોકોને  ઇશ્વરના અસ્તીત્વમાં કે કોઇ અલૌકીક, કુદરતી કાયદાથી પર (કુદરતી પરીબળો નીયમબધ્ધ છે) જેવી શ્રધ્ધાઓમાં વીશ્વાસ નથી  તે બધા પણ પેલા ધર્મના ઉમરાવ ઠેકેદારો જેટલાજ નૈતીક સદ્ગુણો  ધરાવતા હોય છે, સહેજ પણ ઓછા નહી. ખરેખરતો  નાસ્તીકોનો માનવીય વ્યવહાર વધારે કુદરતી, વ્યવહારૂ અને માનવીય શોષણવીહીન હોય છે.

ઉત્ક્રાંતીના લાખ્ખો વર્ષોના જૈવીક સંઘર્ષમાંથી માનવીએ એક સજીવ તરીકે તેના માટે સારૂ શું અને ખોટું શું તેની કોઠાસુઝ( વીઝડમ) વીકસાવી છે. જે વીશ્વના બધાજ ધર્મોના જન્મ અને તેમના ઇશ્વરના અસ્તીત્વ પહેલાં માનવીએ મેળવેલી હતી. તે હતી માનવીય નૈતીકતા. માનવીની જંગલી અવસ્થામાંથી વીકસેલી પાશવી વૃત્તીઓને નીયમન માટે ધર્મ અને ઇશ્વરના ખ્યાલને ઉપજાવી કાઢેલો છે. તે પણ આપણી જ શોધ હતી. પ્રાચીન સમાજની મર્યાદીત જરૂરીયાતને ધ્યાનમાં રાખીને તેમાં કેટલાક પસંદ પામેલા લોકો સામાજીક રીતે પ્રભુત્વ  જમાવી શક્યા હતા. તે બધાએ બાકીના બહુમતી લોકોની સામાજીક વર્તણુકોનું ધર્મ અને ઇશ્વરના નામે નીયમન કરવા માંડયું. જેમાં તે બધા સફળ થયા.

પરંતુ દરેક યુગ અને સમયમાં એવા લોકો હતા જેઓ સમાજના ચીલાચાલું માર્ગથી સ્વતંત્ર રીતે વીચારતા હતા. તે બધાએ અલૌકીક કે દૈવી ઉપદેશોને પોતાના જીવનકાળ દરમ્યાન પડકાર્યા હતા. તેઓ આ બધા પરીબળો સામે પાશવી વીરોધ કરવાને બદલે તેઓ પોતાના નૈતીક્તાના ખ્યાલો ને વળગી રહીને પોતાનું જીવન જીવ્યા હતા.

 ગ્રીક અને રોમન સંસ્કૃતીમાં ઘણા બધા તત્વજ્ઞાની અને લેખકો થઇ ગયા જેવાકે  ડાયોજીનસ, એપીક્યુરસ, સોફોક્લીસ વગેરે જે તે સમયના સમાજના માન્ય દેવદેવીઓમાં શ્રધ્ધા રાખતા ન હતા. તેઓને નર્ક, સ્વર્ગ અને મૃત્યુ પછીના જીવનમાં કોઇ વીશ્વાસ ન હતો. તેમ છતાં તેઓ વીશ્વના તે સમયના મહાન નૈતીક ગુણો ધરાવતા માનવીઓ તરીકે ઓળખાયા હતા. તે બધા વૈશ્વીક અને ઐહીક માનવવાદી મુલ્યોમાં માનતા હતા.

તેજ સમયના સમકાલીન ભારતીય તત્વજ્ઞાની ગૌતમબુધ્ધ પણ ઇશ્વર,કે કોઇ અલૌકીક શક્તીમાં વીશ્વાસ ધરાવતા ન હતા.  તેઓના તત્વજ્ઞાનનો મુખ્યહાર્દ નીરઇશ્વરવાદી હતો. તે સમયના જૈન વીચારક મહાવીર સ્વામીનો ઉપદેશ પણ નીરઇશ્વરવાદી હતો. તે ખુબજ મોટા દયાળુ પણ ઐહીક નૈતીકવાદી હતા. ભારતીય પ્રાચીન ભૌતીકવાદી વીચારશાખાના મહાન પ્રચારક ચાર્વાક ક્યારેય ઇશ્વરના અસ્તીત્વમાં શ્રધ્ધા ધરાવતા ન હતા. ઇશ્વર અને તેની પાછળ જડબનેલી અંધશ્રધ્ધાઓના ભંજક જીવનભર રહ્યા હતા. પણ ચાર્વાક અને તેમના સાથી વીચારકો ક્યારેય અરાજકતાવાદી ( એનાર્કીસ્ટ) ન હતા. તેઓના પોતાના વીચારોના ફેલાવવા માટેનું માધ્યમ શૈક્ષણીક અને બૌધ્ધીક હતું ક્યારે વીપ્લવવાદી કે બળવાખોર ન હતું. તેવુંજ ચીંતન ભારતીય તત્વજ્ઞાનની અગત્યની શાખા 'સાંખ્ય દર્શન' અને તેના સમર્થકોનું તે જમાનામાં હતું. સાંખ્ય દર્શનના સમર્થકો ઇશ્વરને બ્રહ્માંડના સર્જક તરીકે ક્યારેય માનતા ન હતા.  પરંતુ પ્રાણી માત્ર અને કુદરતી પરીબળોને તે બધા ખુબજ આદરભાવથી માન આપતા હતા. તેમની નૈતીકતામાં સમગ્ર માનવજાત સમાઇ જતી હતી. જે માનવ માત્ર તેથી માનવજાત માટે સારૂ છે, ઉમદા છે , સુખ આપનારુ છે તે જ નૈતીક તેવું સ્પષ્ટ રીતે માનતા હતા.

મારા મત મુજબ સાચો નૈતીકવાદી એ છે જે  કોઇપણ અલૌકીક પરીબળોમાં શ્રધ્ધા ધરાવતો નથી, જેને દરેક માનવ માત્ર પ્રત્યે( કોઇપણ જાતના ધર્મ, સંપ્રદાય, જાતી, લીંગ,જ્ઞાતી, દેશ કે પ્રદેશના ભેદભાવ સીવાય) દયાળુ, માયાળુ અને પ્રેમાળ છે. પોતાનાથી જુદો મત કે આસ્થા રાખનાર પ્રત્યે ક્યારેય તે અસહીષ્ણુ કે હીંસક બનતો નથી. પોતાના આવા વલણ માટે તે ભગવાન કે દુન્યવી સત્તા પાસેથી બદલા કે વળતરની આશા પણ રાખતો નથી.

--