Saturday, December 24, 2016

રાજકીય પક્ષો અને કેશલેસ


રાજકીય પક્ષો અને કેશલેસ

નોટબંધીના મુદ્દે વડાપ્રધાન, નાણાં ખાતું અને આરબીઆઇની અમલીકરણના ક્ષેત્રે ઘોર નીષ્ફળતા દેશ વ્યાપી ઉભી થઇ છે. જેના પરીણામો, દેશનો અદનો નાગરીક ખુબજ દયનીય સ્તરે ભોગવી રહ્યો છે. સરકાર પોતાની બધી એજન્સીઓ દ્રારા, ઉપરથી નીચે સુધી સત્તાનો ઉપયોગ કરીને માનનીય  મોદીજીએ, તારીખ ૮મી નવેંબરની રાત્રે જેના વીષે કોઇવાત કરી નહતી તે 'કેશલેસ' વ્યવસ્થા ઉભી કરવા સતત હવતીયાં મારી રહી છે. મજુરો, શીક્ષકો, કર્મચારી વર્ગ, સામાન્ય પ્રજા અને બીનશીક્ષીત તથા બેંકીય ખાતાકીય લેવડદેવડથી સંપુર્ણ વંચીત રહેલા તમામ લોકોને પોતાના નાણાંકીય વ્યવહારોને કેવીરીતે નાણાંવીનાના 'કેસલેસ' બનાવવા તેની જાણે દેશ વ્યાપી ઝુંબેશ શરૂ થઇ છે. જે નોટબંધીનો અર્થશાસ્રના નીયમો અને નાણાંકીય પુરવઠા અને માંગના સીધ્ધાંતોને આધારે વીરોધ કરે તેને પણ પેલા સુવીખ્યાત અમોઘ પણ હવા નીકળી ગયેલા શસ્ર દેશપ્રેમ, રાષ્ટ્રહીત, રાષ્ટ્રવાદ" ના વીરોધી ઓળખાવાની સુટેવ (!) પડી ગઇ છે. આવા લોકો આંતકવાદ, કાળાનાંણા અને ભ્રષ્ટાચારના ટેકેદારો છે એવા લેબલો સહેલાઇથી તે બધા પર ચોંટાડી દેવામાં આવે છે. તે બધાને, પાકીસ્તાન તરફી બતાવી દેશનીકાલ માટે લાયક છે તેવી ગુલબાંગો જોરશોરથી પોકારવામાં આવે છે.

આની સામે આ મોદી તંત્રને એવી નમ્રવીનંતી કરી શકીએ ખરા કે  સાહેબ! બધા રાજકીય પક્ષોને મળતાં ચુંટણી ભંડોળના નાણાં ઇન્કમટેક્ષ અને ચુંટણી પંચના નીયમોને આધારે પારદર્શક બનાવવા આપણે શું કરી શકીએ? કારણકે ભ્રષ્ટ્રાચારની ગંગા નહી પણ ગંગોત્રી ( ગંગાનું ઉગમ સ્થળ) તો રાજકીય પક્ષોને ચુંટણી ભંડોળમાં દાનમાં મળતાં નાણાં( Election political funding)ના ભ્રષ્ટ્રાચારમાં રહેલા છે. તમે ફક્ત એટલી જ જાહેરાત કરો કે બીજેપી સહીત બધાજ રાજકીય પક્ષોને મળતાં દાનનાં નાણાં 'કેસલેસ' ડીજીટલ પારદર્શક માધ્યમ સીવાય સ્વીકારવાં આવશે નહી. કારણકે દેશના રાષ્ટ્રીય ચુંટણી પંચ પાસે બીજા અન્ય પક્ષોની માફક પોતાના પક્ષીય હીસાબોમાં બીજેપીએ જણાવ્યું છે કે તેને દાન મળેલા (બીજા રાજકીય પક્ષો કરતાં સૌથી વધારે) આશરે ૯૦૦ કરોડમાંથી ફક્ત આશરે ૬૦ કરોડ રૂપીયા ચેકથી મળ્યા છે. બાકીના ૮૪૦ કરોડ નાણાં ચુંટણી પંચે નક્કી કરેલી લીમીટ પ્રમાણે ૨૦૦૦૦/થી ઓછી રકમમાં રોકડા મળ્યા છે. કોંગ્રેસ પક્ષને આશરે ૨૦૦૦૦/ની લીમીટ ઉપરનું ભંડોળ આશરે ૬૬ કરોડ હતું. આટલાં બધા નાણાં કોને, કેવી રીતે આપ્યા? તેની કેટલી બધી નાણાંના રસીદની પહોંચો રૂપીયા ૧૯૯૯૯/  ની નીચેની કોના કોના નામની બનાવી હશે!

અંગ્રેજીમાં કહેવત છે કે " Charity begins at home" તેમ માનનીય વડાપ્રધાનજી આવા સરસ 'ડીજીટલ કેસલેસ અને પારદર્શક' જેમાં બધાજ રાજકીય પક્ષોને દાનમાં મળેલ એક એક રૂપીયાની કાયદા મુજબની માહીતી 'જનતા જનાર્દન ' અને ચુંટણી પંચને સરળતાથી મળતી રહે તેવો વટહુકમ બહાર પાડવા કોઇ તમારો કાન નહી પકડે. લોકપ્રતીનીધીઓની બનેલી સંસદને તમે ગાંઠતા નથી , તેની પરવા કરતા નથી તો આવા સરસ ' ભારતમાતાના' પવીત્ર કામમાં કોણ વીરોધ કરશે? અને વીરોધ કરે તો પેલું રાષ્ટ્રપ્રેમવાળું અમોઘ શસ્ર તો આપની પાસે તે બધાની સામે વાપરવા હાથમાંજ છે ને! કાળાધન, ભ્રષ્ટ્રાચાર અને દરેક પ્રકારના ( લીલા, લાલ અને ભગવા) આતંકવાદને નાથવા માટે જેમ નોટબંધી કરી તેમ આ બધાજ પ્રકારની ભ્રષ્ટ્રાચારની ગંગોત્રી સમાન બની ગયેલા રાજકીય પક્ષોને પારદર્શક બનાવવા સૌના હીત માટે આ પગલું ભરવા વીનંતી છે. સવા અબજની વસ્તીમાં આ રાજકીય પક્ષોની વસ્તી તો ઘણીબધી સુક્ષ્મ છે. પેલા કરોડો લોકોને જે નોટબંધીથી અસર થઇ છે તેના કરતાં રાજકીય પક્ષોને તો મામુલી જ અસર થશે. તે હુકમ બહાર પાડવા માટે બહુ રાજકીય મક્ક્મ મનોબળની પણ જરૂરનું નથી. બહુ કોર્સવાઇઝ ડીનર પેટમાં પધરાયા પછી આતો મુખવાસથી પણ નાની અને હલકી ચીજ છે.

માનનીય પ્રધાનમંત્રીજી, દેશમાં ૧૨૫ કરોડની વસ્તીમાં ખેતવીહોણો મજુર, ખેડુત. નાનો વેપારી, મોચી, ધોબી, લુહાર, શાકભાજી, દુધ, ન્યુઝપેપર વેચનારો, અને આપણો ચા વાળો અને આપણી માતાઓ અને બહેનો ને માટે 'કેશલેસ અને ડીજીટલ' વ્યવહાર ફરજીયાત કરવાની કોશીષો મોટા પાયે કરવામાં આવે છે. તો શા માટે આ દેશના ' દેવને દીધલા નહી' પણ લલાટે લખાયેલા રાજકીય પક્ષોના સંચાલકોને કેમ મુક્ત રાખવા માંગો છો? તેમને પ્રજા સમાન ગણવામાં આપને કોણ રોકે છે?

--