Sunday, July 5, 2020

About our college.


 હા, " એ હકિકત હતી કે  મારા જન્મ ( સને ૧૯૪૨માં) સમયે મારા ગામમાં કોલેજ ન હતી. જો કે, તેના માટે હું જવાબદાર ન હતો ! પણ મને વિશ્વાસ છે કે મારા મૃત્યુ પહેલાં મહેમદાવાદમાં કોલેજ હશે જ. જો એ  સ્વપ્ન સાકાર ન થાય તો હું.મારા આ સમાજનો બૌધ્ધીક ગુનેગાર ગણાઇશ. મને વીશ્વાસ છે કે અમારી સંસ્થા,તથા આપ સૌ અત્રે ઉપસ્થીત ગામના સૌ નગરજનોના સંયુક્ત સહકારથી આપણા ગામનું આ શૈક્ષણીક કલંક ચોક્કસ દુર થશે. " ( બીપીન શ્રોફ, એકઝીક્યુટીવ ચેરમેન, મહેમદાવાદ એજ્યુકેશન સોસાયટી, તા. ૬–૦૩–૧૯૯૫ ના દિવસે કોલેજના શીલાન્યાસ સમયે પ્રાસંગીક ઉદ્બોધનમાં બોલાયેલા શબ્દો.)

 ભૌગોલીક રીતે મહેમદાવાદની ચારેય બાજુએ નજીકના સ્થળો પર કોલેજો હતી. વિધ્યાનગર આશરે ૨૫ માઇલ દુર તથા નડીયાદ આશરે ૧૧માઇલ ( બંનેની દક્ષીણ દિશા) ખેડા (પશ્ચીમ દિશા) અને મહુધા (પુર્વ દિશા) બંનેય આશરે ૧૧માઇલના અંતરે ને અમદાવાદ( ઉત્તર દિશા) રેલ્વેમાં આશરે ૧૮ માઇલના અંતરે કોલેજો હતી.

પણ મહેમદાવાદ તાલુકાનું મુખ્ય મથક હતું. મહેમદાવાદ સાથે તાલુકાની કુલ વસ્તી આશરે સને ૧૯૯૦માં ૧,૭૫,૦૦૦ની હતી. ઘણા બધાને મેટ્રીક પછી વહેલી સવારે આશરે ૫–૩૦ માંડીને સવારના ૧૦–૩૦ વાગ્યા સુધી ઉત્તર –દક્ષીણ દિશાની ગાડીઓમાં, ઉપર જણાવેલ સ્થળો પર ઉચ્ચ અભ્યાસ માટે જવું પડતું હતું મોટાભાગની ટ્રેઇનોમાં ખુબજ ગીદડી હોય,ઘણીવાર પગ મુકવાની જગ્યા ન હોય, ટ્રેઇનના ડબ્બાના સળીયા પકડીને વિધ્યાર્થીઓને ભર ચોમાસે વરસતા વરસાદમાં, શીયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે જવું પડતું હતું. વારંવાર રેલ્વે અકસ્માતમાં કેટલાક યુવાનોએ પોતાના જાન પણ ગુમાવ્યા હતા. આ ઉપરાંત મહેમદાવાદ શહેર તથા આશરે ૭૦ જેટલી સંખ્યા ઉપરના ગામડાઓની બહેનો જે મેટ્રીક પાસ થયેલી  હોય તે બધાની પોતાની આગળ અભ્યાસ કરવાની શૈક્ષણીક કારકીર્દી પર તો મોટું પુર્ણવીરામ આવી જતું હતું. કારણકે મહેમદાવાદ સહીત તાલુકાના કેટલાક સ્થળો જેવાકે વાંઠવાળી, સીહુંજ, અકલાચા, રૂદણ, માંકવા,મોદજ ને હલધરવાસ મુકામે મેટ્રીક સુધીની શાળાઓ હતી.  ઘણા બધા વીધ્યાર્થી ભાઇ બહેનો જો મહેમદાવાદમાં ગ્રેજ્યુએટ સુધીની આર્ટ્સ, કોમર્સ અને બી.એડ કોલેજ હોય તો સરળતાથી પ્રવેશ મેળવીને કમસે કમ તે બધા ગ્રેજ્યુએટ કે તે પછી બી.એડ. તો થઇ શકે!. કોલેજ ચલાવવા જરૂરી સંખ્યા તો કાયમ માટે ચોક્કસ મલી રહે.

 હવે ગામમાં કોલેજ શરૂ કરવાનું સ્વપ્ન કેવી રીતે સાકાર થયું તે જોઇએ.

સને ૧૯૪૦ની સાલમાં મહેમદાવાદમાં રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની ચળવળમાં ' સમાજ સેવા સંઘ' ના નામે કામ કરતું એક યુવાનોનું એક જુથ હતું. તે જુથે પોતાની પ્રવૃત્તીઓમાં વ્યાયામ શાળા, સમાજના કુરીવાજો ખાસ કરીને મૃત્યુ પછીના બારમા– તેરમા પાછળના ખર્ચા અને વિધી–વિધાનો સામે જાગૃતતા લાવવાનું કામ કર્યુ હતું. તે સમયના રૂઢીચુસ્ત સમાજમાં આવા સામા પ્રવાહના વીચારો ફેલાવવા માટે અભ્યાસ વર્તુળ, શેરી નાટકો, ગરબા,બાલમંદીર, હરીજન વીકાસ મંડળ, પુસ્તકાલય અને વ્યાયામશાળાની પ્રવૃત્તીઓ શરૂ કરી હતી. તે સમયનું ' સમાજ સેવા સંઘ' નું યુવાન નેતૃત્વ ગાંધીવાદી વીચારો સાથે તેમાંથી કેટલાક ઉદ્દામવાદી વીચારોના પણ ટેકેદારો હતા. આશરે નાનામોટા થઇને ૧૦૦ ઉપરાંત યુવાન ભાઇ–બહેનો તે સંસ્થાના સક્રીય સભ્યો હતા. સને ૧૯૪૭માં દેશ આઝાદ થયા પછી, તેમજ આ બધા ભણેલા ગણેલા યુવાનો માટે મહેમદાવાદમાં ધંધા રોજગાર અને નોકરીના સાધનો નહીવત હોવાથી તેમના માટે રોજીરોટીનો સવાલ પેદા થઇ ગયો. તેમાંથી જે યુવાનોને ગામમાં રહેવાનું અનુકુળ હતું તે બધાએ મહેમદાવાદ મ્યુનીસિપાલીટીની સત્તાની ધુરા સંભાળીને સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાનો વહીવટ આશરે ૧૦ વર્ષ સુધી સને ૧૯૫૧ થી ૧૯૬૦ સુધી સંભાળ્યો હતો. તેમના વહીવટ દરમ્યાન લોકવીકાસ અને જાગૃતીના પાયાના ઘણા કામો થયા હતા.

 બાકીના કેટલાક યુવાનો જે અમારા ગામનું બૌધ્ધીક રીતે પુખ્ત યુવાધન પોતાના અંગત કૌટુંબીક સગા–સંબંધીઓનો ઉપયોગ કરીને ગુજરાતના જુદા જુદા શહેરોમાં સ્થાઇ થઇ ગયું. ઘણા બધા અમદાવાદ,નડીયાદ,આણંદ,વડોદરા,મુંબઇ, ઇંદોર, ધુલીયા, પરદેશમાં લંડન, અમેરીકા, આફ્રીકા વગેરે સ્થળોએ આર્થીક તેથી સામાજીક રીતે સ્થાયી થઇ ગયા. પણ તે બધામાં પોતાના માદરે વતન મહેમદાવાદના સામુહીક વીકાસ માટે હાકલ પડે તો મદદ કરવાની તમન્ના તે બધામાં જીવતી જ રહી હતી. સને ૧૯૪૦માં જે ' સમાજ સેવા સંઘ' દ્રારા જે બિરાદરીની ભાવના અને ધર્મનીરપેક્ષ માનવ મુલ્યોનું યુવાકાળમાં સીંચન થયું હતું તે જીંદગી પર્યાંત તેમનામાં ધબકતું રહ્યુ હતું. સને ૧૯૯૦ સુધી જે થોડા પણ જીવતા હતા, તે બધાએ ' મહેમદાવાદ એજ્યુકેશન સોસાયટી ' ના વર્તમાન પ્રમુખ ચંદ્રકાન્ત ચંદુલાલ શાહ અને તેમના અન્ય હોદ્દેદારોની વીનંતીને માન આપીને ગામમાં કોલેજ બનાવવા માટે નાણાંકીય સહકાર આપવાનું શરૂ કર્યું.

    બીજુ એક અગત્યનું હકારાત્મક પરીબળ કોલેજના સ્વપ્નને સાકાર કરવા માટેનું એ હતું કે જે ' સમાજ સેવા સંઘ'નું યુવા બુધ્ધીધન ગામમાં આર્થીક રીતે સ્થીર થયું હતું તે અમારા કોલેજના સ્વપ્નને સાકાર બનાવવા માટે ઉદ્દદીપક પરીબળ બનીને અડીખમ ઉભું રહ્યું. તે ગામની સુખાકારી માટે અહર્નીશ ચીંતા કરતું મહાજન હતું. મહેમદાવાદનો પ્રમાણમાં સુખી, સમૃધ્ધ, અને ત્યાગની ભાવનાવાળો વેપારી મધ્યમ વર્ગ પેલા સમાજ સેવા સંઘના રચનાત્મક નેતૃત્વની નીપજ હતો.. તેના નેતૃત્વની દ્રષ્ટી પણ ગામમાં કોલેજ થવી જ જોઇએ અને તે માટે પોતાની શક્તી મુજબનો વ્યક્તીગત અને સામુહીક તમામ પ્રકારનો સહકાર આપવા તે કટીબધ્ધ હતો. તેમના દ્રારા સંચાલીત મહેમદાવાદ અર્બન પીપ્લસ કો. ઓ. બેંક લી.  જે વર્ષોથી ગામની પાયાની જરૂરીયાતો જેવી કે પીવાના પાણીની ટાંકી, નગર પંચાયત સંચાલીત હોસ્પીટલમાં દર્દોઓ માટે તબીબી સુવીધા વધારવા, તેમજ શૈક્ષણીક સગવડો માટે પણ દાન આપતી હતી. સદર બેંકના ચુંટાયેલા બોર્ડ ઓફ ડીરેક્ટરર્સની દ્રષ્ટી પણ ગામનો વેપાર ધંધો વધે, બેકના સભાસદો આર્થીક રીતે સમૃધ્ધી થાય તે તો મુખ્ય અને પાયાનો હતો જ. સાથે સાથે ગામની સામુહીક પણ કોલેજ જેવી પાયાની જરૂરીયાતોમાં કેવી રીતે મદદરૂપ થવું તે પણ હતો જ.

 મહેમદાવાદ એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો સહીત તમામ કારોબારી સભ્યો પણ કોલેજનું કામ સાકાર કરવા કટીબધ્ધ અને એક જુથ હતા. વ્યક્તીગત ધોરણે દરેક સભ્યોનું કામ નોંધ પાત્ર હતું. સંસ્થાની કોલેજ બનાવવા માટેની ત્રણ વર્ષ માટે ચુંટાયેલી ફાઉન્ડર કારોબારીના સભ્યોની યાદી નીચે મજુબ હતી.

(1)  ડૉ. ચંદ્રકાંત ચંદુલાલ શાહ, પ્રમુખ, માજી પ્રમુખ, સમાજ સેવા સંઘ. મહેમદાવાદ.

(2) બીપીનચંદ્ર જગમોહનદાસ પરીખ ( શ્રોફ), એક્ઝીકયુટીવ ચેરમેન, એમ. એ. એલ એલ બી. તંત્રી,વૈશ્વીક માનવવાદ.

(3) મધુસુધન છોટાલાલ શાહ, ઉપપ્રમુખ, માજી ચેરમેન અર્બન બેંક, માજી પ્રમુખ ગ્રેઇન મરચંટ એસો. મહેમદાવાદ.

(4) નટુભાઇ પુરસોત્તમદાસ પરીખ, જનરલ સેક્રેટરી, નીવૃત  ડીડીઓ.તથા નિવૃત્ત નાયબ વિકાસ કમીશ્નર ગુ. રા.

(5)   કુમુદભાઇ ભલાભાઇ પટેલ, કોષાધ્યક્ષ, બી. કોમ. નિવૃત્ત એકાઉન્ટન્ટ, ગુજરાત રાજ્ય સહકારી સંઘ,અમદાવાદ.

(6)    અજીતકુમાર માણેકલાલ શાહ,  કારોબારી સભ્ય. ચેરમેન, મહેમદાવાદ અર્બન બેંક.

(7)    વી. સી. પરીખ.  કારોબારી સભ્ય.  એમ. ડી. સરદાર વલ્લભાઇ સહકારી બેંક લી. નીવૃત્ત આચાર્ય, સરસપુર કોલેજ.અમદાવાદ.

(8)   ડૉ. હર્ષદ આર ગાંધી, (એમ ડી.)  કારોબારી સભ્ય, કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજીસ્ટ. ઓન, એસોસીયેટ પ્રોફ.–કાર્ડિયોલોજી.

(9)   શ્રીમતી જ્યોત્સનાબેન શાહ, એમ એ,  કારોબારી સભ્ય, મેનેજીંગ ટ્રસ્ટી, વિકાસ જ્યોત ટ્રસ્ટ વડોદરા.

(10)                       જીવણભાઇ અંબાલાલ શાહ, કારોબારી  સભ્ય. માજી ચેરમેન, અર્બન બેંક.

(11)                       ઇમ્તીયાઝ પીરઝાદા, કારોબારી સભ્ય, બી એસ સી, એલ એલ બી. માજી નીયામક, જીલ્લા ગ્રામ વીકાસ એજન્સી સુરત.

(12)           જશુભાઇ પંડયા, કારોબારી સભ્ય, આઇ એ, સી પી એડ. નિવૃત્ત ફિઝિકલ ડાયરેક્ટર એલ ડી. આર્ટસ કોલેજ, અમદાવાદ. માજી, ઉપપ્રમુખ, મહેમદાવાદ, નગરપાલીકા.

(13)            શાંતીભાઇ કાપડીયા, કારોબારી સભ્ય, માજી ચેરમેન, મહેમદાવાદ તાલુકા ખરીદ–વેચાણ સંઘ, ભુતપુર્વ સક્રીય કાર્યકર સમાજ સેવા સંઘ ને વ્યાયામશાળા.

(14)           સાંકળચંદ કંસારા, કારોબારી સભ્ય, માજી ચેરમેન અર્બન બેંક, પ્રમુખ, મેટલ મરચંટ એસો. મહેમદાવાદ.

(15)           રમેશભાઇ વાડીલાલ પરીખ કારોબારી સભ્ય, સભ્ય, સોનાવાલા હાઇસ્કુલ બોર્ડ ઓફ મેનેજમેંટ.

(16)           અબ્દુલરશીદ કાસમભાઇ મલેક. કારોબારી સભ્ય. નિવૃત્ત સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પ્રોહીબીશન એન્ડ એકસાઇઝ.

(17)           કે. સી. શાહ, બી. કોમ. કારોબારી સભ્ય, નિવૃત્ત સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ સેન્ટ્રલ એકસસાઇઝ, અમદાવાદ.

(18)           ભુપેન્દ્રભાઇ એમ . શેઠ, કારોબારી સભ્ય, લઘુ ઉધ્યોગકાર, મહેમદાવાદ.

અર્બન બેંકના પ્રતીનીધીઓ.( ૧૯૯૪–૯૫)

(૧) ડૉ નૈષધ ભટ્ટ, મેડીકલ ઓફીસર મહેમદાવાદ નગરપાલિકા હોસ્પીટલ.

(૨) સુરેન્દ્ર શુકલ, લઘુ ઉધ્યોગકાર, અમદાવાદ.

      પ્રથમ અમારા ચેરમેન ડૉ. ચંદ્રકાંત ભાઇએ મહેમદાવાદ –ખેડા રોડ આવેલા ઐતીહાસીક ભમ્મરીયા કુવા પાસે કતકપુરા જવાના રોડ પર રોડ ટચ સંસ્થાએ નકકી કરેલ આશરે ૫૦,૦૦૦ ચો. મીટર જમીન ખરીદવા ત્રણ લાખ રૂપીયા દાન તરીકે આપ્યા. અને સંસ્થાએ શૈક્ષણીક હેતુ માટે દસ્તાવેજ કરવાનું નક્કી કરી રજીસ્ટર્ડ બાનાખત કરાર કર્યો. અમારી સંસ્થા શૈક્ષણીક હેતુ માટે કોલેજનું મકાન બાંધવા અને તેને સંલગ્ન હેતુઓ માટે આ જમીન ખરીદવાનું નકકી કર્યું હતું. સરકારના રેવન્યુ ખાતાના નીયમ પ્રમાણે ખેતીની જમીનનો બીન ખેતી અને તેમાંય શૈક્ષણીક હેતુ માટે ઉપયોગમાં લેવાની હોય તો સૌ પ્રથમ  ખેડા જીલ્લા પ્રાંત ઓફીસરની આગોતરી હેતુ ફેરની મંજુરી સીવાય સદર જમીન વેચાણ લઇ શકાય નહી.  તે અંગે જરૂરી અરજી કર્યા પછી અમારા સૌના મનમાં ચીંતાનો વીષય હતો કે હવે આ સરકારી રેવન્યુ તંત્રમાં હેતુફેરના નીર્ણયનો હુકમ ક્યારે થશે અને અમે ક્યારે જમીન ખરીદીશું, તેના પર કોલેજનું મકાન બનાવવા પૈસા લાખો રૂપીયા લોકો પાસેથી દાનમાં કયારે ઉઘરાવીશું,  મકાન બનાવીશું, પછી ગુજરાત સરકારના શૈક્ષણીક ખાતાની પરવાનગી તથા ગુજરાત યુનીવર્સીટીનું વિધિસરનું જોડાણ (એફીલેશન) મેળવી શું અને ક્યારે આર્ટસ અને કોમર્સ કોલેજ ચાલુ કરી શકીશું ? અમારી સંસ્થા પાસે સંસ્થા તરીકે અથવા તેના સભ્યોમાંથી વ્યક્તીગત ધોરણે કોઇની પાસે એવી મુડી બીલકુલ હતી જ નહી કે આ અશક્ય સ્વપ્નને શક્ય બનાવે! આ તો દારૂખાનાની ટીકડીઓ ફોડવાની ટચુકડી બંદુક લઇને આદર્શઘેલા યુવાનો ક્રાંતી કરવા મેદાને પડયા હોય તેવી નગ્ન હકીકત અમારી હતી. જો કે અમારા પ્રમુખ ચંદ્રકાંતભાઇને પોતાના અમેરીકા સ્થિત નજીકના સગા પર વિશ્વાસ હતો કે તે કોલેજ માટે જરૂરી નાણાંકીય સગવડ પુરી પાડશે. પણ ગમે તે કારણસર તેમનું તે સ્વપ્ન સાકાર થયું નહી. પણ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની પેલી સદબહાર કવિતાની પંક્તી ' તારી હાક સુની કોઇ ન આવે તો એકલો જાને રે, એકલો જાને રે ' ને યાદ કરતા કરતા અમે બધા મીત્રો કોલેજનું સ્વપ્ન સાકાર કરવા પ્રયત્ન કરવા માંડ્યા.

      ખેડા જીલ્લા પ્રાંત ઓફીસમાંથી સંસ્થા પર સત્વરે પત્ર આવ્યો કે અમારી અરજીના સંદર્ભમાં  નક્કી કરેલા દીવસે બપોરે ૩–૩૦. વાગે મલવું.અમે ત્રણેક સભ્યો, સમયસર પ્રાંત ઓફીસે પહોંચી ગયા. ત્યાં પહોંચતાં જ સમાચાર મલ્યા કે પ્રાંત સાહેબ કામમાં રોકાયેલા છે. "પણ તેમની સુચનાથી તમારે માટે ચાહ–નાસ્તો તૈયાર રાખ્યો છે. તે પ્રથમ લઇ લો! "  તમારામાંથી બીપીન શ્રોફ કોણ છે? ચા– નાસ્તા ને ન્યાય આપ્યા પછી  પ્રાંત સાહેબ શ્રી કારખાનાવાલાએ અમને અંદર બોલાવ્યા. ક્હયું કે બીપીનભાઇ, હું તમારો આજીવન રૂણી છું.તમારૂ માસીક ' વૈશ્વીક માનવવાદ' નો હું આજીવન સભ્ય છું. તમારા માસીકના લેખોએ મને એમ. એ.માં  રાજ્યશાસ્રના તથા જીપીએસસીના વિષયો સમજવામાં ખુબજ જ મદદ કરી છે. તમારો સમય કીંમતી છે. તમને વધુવાર રોકી રખાય નહી. મેં તમારી કોલેજ માટેની જમીન હેતુ ફેરની જમીન માટે પરવાનગી આપી દીધી છે. તે સીલબંધ કવરમાં હું તમને આપું છું. તમે ખેડા કલેકટર સાહેબને અત્યારે સીધા જ જઇને આપી દો. મેં સાહેબ સાથે વાત કરી દીધી છે તે તરતજ સહી કરીને આજે જ પરવાનગી પેપરની તમામ વિધિ પુર્ણ કરીને તમને રૂબરૂમાં આપી દેશે. શું આપણી વસુંધરા આવા માનવ રત્નોથી જ સુશોભીત નથી? વીચારોના શસ્રોની તાકાત ( Effects of weapons of ideas) આવી હશે તે તત્વજ્ઞાની કાર્લ માર્કસને તો ખબર હતી જ પણ અમને તો તેનો સાક્ષાત્કર જ થઇ ગયો. સલામ! કારખાનાવાલા સાહેબ! તેમના ખાનદાન કે કૌટુંબીક વારસાની માહિતી મળતાં ખબર પડીકે તેમના સગા મામા જસ્ટીસ અહેમદી એક સમયના દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટીસ હતા.

અમારી સંસ્થાએ નક્કી કરેલી તારીખે ૦૮–૦૪–૧૯૯૪ સંસ્થાની તરફેણમાં મહેમદાવાદના રહીશ ભાઇશ્રી પધ્યુમન ખમાર પાસેથી સંપુર્ણ રકમ પેઇઝ એકાઉન્ટ ચેકથી આપીને નક્કી કરેલ જમીનનો પાકો રજીસ્ટર્ડ દસ્તાવેજ કરાવી જમીનનો કબજો લીધોં.

હવે ધી મહેમદાવાદ એજ્યુકેશન સોસાયટીના તમામ સભ્યોની જવાબદારી આવીને ઉભી રહી કે કોલેજના સ્વપ્નને સાકાર કેવી રીતે બનાવવું ! સૌ પ્રથમ સંસ્થાએ મુળ મહેમદાવાદના હાલ નડીયાદ સ્થીત વ્યવસાયે આર્કીટેક્ચર એન્જીયર શ્રી પ્રફુલભાઇ શાહ ( પી.કુમાર) નો સંપર્ક કર્યો. ગુજરાત યુનીવર્સીટીના ધારાધોરણ મુજબના આર્ટ્સ અને કોમર્સ કોલેજની એફ વાય બી એ– બી કોમ થી માંડીને ફાયનલ વર્ષ સુધીના શૈક્ષણીક ઓરડા, પુસ્તકાલય,વહીવટી ઓફીસ, ગર્લ્સ રૂમ, સ્ટાફ રૂમ વગેરે માટેના ક્લાસરૂમ્સના નકશા બનાવડાયા. ગુજ. યુની ની તે અંગેની સક્ષમ અધિકારીઓની ટીમ રૂબરૂ મુલાકત લેવડાવીને પ્લાન મંજુર કરાવ્યો. તેમજ અમદાવાદ શહેરી સત્તા મંડળ ( ઔડા) બાંધકામ માટેની( એન ઓસી) તથા ખેડા જીલ્લા પંચાયતની એન એ પરવાનગીઓ મેળવી.  

સૌ પ્રથમ સંસ્થાની કારોબારીએ પોતાના દરેક સભ્યોને વીનંતી કરીકે દરેક સભ્ય ઓછામાં ઓછા રૂ. ૨૫૦૦૦/ દાન તરીકે આપે અથવા અપાવે. ધી મહેમદાવાદ અર્બન બેંકે પોતાનું નામ કોમર્સ કોલેજ શાખા સાથે જોડવાની શરતે રૂપીયા ૧૫ લાખનું માતબર દાન આપ્યું. બીજુ,મુળ મહેમદાવાદના પણ અમદાવાદ સ્થાયી થયેલા ધી માણેકચોક પીપલ્સ કો ઓ બેંકના ચેરમેન શ્રી રમણલાલ પી. ચોકસી નો સંપર્ક કેળવીને ગામની અર્બન બેંકની માફક રૂપીયા ૧૫ લાખનું દાન આપે અને આર્ટસ્ કોલેજ ઉપર તેમની બેંકનું નામ આવે તેવી દરખાસ્ત અમારી સંસ્થાએ સર્વાનુમતે  કરી. આ ઉપરાંત કમ્પ્યુટર સેન્ટર માટે રૂપીયા ૧૦ લાખનું દાન જે કોઇ વ્યક્તી આપે તેના નામ સદર સેન્ટર પર મુકવું તેવો નિર્ણય પણ સાથે સાથે સંસ્થાએ કરી દીધો.

ગુજરાત સરકાર અમારી સંસ્થાને સ્વનિર્ભર (સેલ્ફ ફાઇનાન્સ) કોલેજ શરૂ કરવા માટે એટલે કે ક્યારેય સરકાર પાસે ગ્રાંટ નહી માંગવાની શરતે પરવાનગી આપવા તૈયાર થઇ. ગુજ યુની. સ્વનિર્ભર કોલેજને જોડાણએ શરતે આપે કે સદર કોલેજના સંપાદક મંડળે રૂપીયા ૨૫ લાખ ફીક્ષ ડીપોજીટ તરીકે ગુજ યુનિ.માં નક્કી કરેલી શરતોએ મુકે. જે ભંડોળ કોલેજના સ્ટાફના પગાર વી. ચુકવવા સંસ્થાની નાણાંકીય કટોકટીમાં ટેકારૂપ બની રહે. અમારી સંસ્થા આટલી મોટી આ નાણાંકીય જવાબદારી લેવા પણ તૈયાર થઇ.

હવે, અમારી સંસ્થાની કારોબારી સમિતિએ ઠરાવ કરી નકકી કર્યું કે કોલેજનું બાંધકામ કરવા માટેના તમામ મોટા કામો ટેન્ડર બહાર પાડીને આપવા તેમજ ખર્ચના તમામ બીલો પેઇઝ એકાઉન્ટ ચેકથી જ ચુકવવા. કોઇપણ માલની ખરીદી સેલ્સ ટેક્ષ ને સેન્ટ્રલ ટેક્ષનું લાયસન્સ ધરાવનાર વેપારી કે કુંપની પાસેથી જ રેતી, કપચી, સીમેંટ, લોખંડના સળિયા વી. ખરીદવું. કોઇપણ વ્યક્તી કે સંસ્થા પાસેથી કોઇપણ પ્રકારનું બીલ્ડીંગ મટિઅરિઅલ્સ અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ દાનમાં, કે બીલ વીના, ક્યારેય લેવી નહી.

     આશરે એક વર્ષ પછી તા ૦૬–૦૩–૧૯૯૫ના રોજ પ્રગતીશીલ સમાજસુધારક પેટલાદ તાલુકાના દંતાલી ગામના સ્વામી સચ્ચીદાનંદના શુભેચ્છા દાન સાથે ( રૂપીયા ૧૧,૧૧૧/) કોલેજના મકાન માટેનો શીલાન્યાસ કર્યો. તે પ્રસંગે થોડા ખાટામીઠા અનુભવો થવા માંડ્યા. ગુજરાતની પ્રખ્યાત ચા કુંપની 'વાઘ– બકરી' ના માલીક પિયુષભાઇ દેસાઇ તથા રજનીકાન્ત મણીલાલ શાહ, અમદાવાદમાં ઉન્નતિ બાલમંદીરના સંચાલક, બંનેએ સંસ્થાને એક, એક લાખના ચેકો આપ્યા. બીજુ બાજુએ સભા મંચથી થોડે દુર જ્યારે શીલાન્યાસની વિધિ ચાલતી હતી, સંસ્થાના પ્રમુખ ડૉ ચંદ્ર્કાંતભાઇ તથા અર્બન બેંકના ચેરમેન અજીતભાઇ શાહ તે વિધિમાં બેઠેલા હતા ત્યારે ગામના અગ્રણી ઉધ્યોગપતી તથા બીજા અન્ય લોકો એ ચીંતા સાથે ટીકા કરી કે આપણા ગામમાં ઘણા બધા સ્થળોના શીલાન્યાસ થયા પછી ક્યારે ય બાંધકામ થયા નથી. બીજા એક વડીલ અને જવાબદાર અગ્રણીએ પોતાના આર્થીક હીતેને ધ્યાનમાં રાખીને કહી નાંખ્યું કે " આપણા ગામમાં કોલેજ બોલેજ ના જોઇએ! ગામડાના છોકરાઓ ભણતા થઇ જશે તો અમારા કારખાના, મીલો ને દુકાનોમાં મજુરીએ કોણ આવશે? તમને કોલેજ માટે દાનમાં પૈસા આપીને અમારે અને અમારી ભવિષ્યની પેઢીઓના પગ પર કુહાડા કાયમ માટે મારવા અમે તૈયાર નથી. તમારા બધા ભણેલાગણેલા કરતાં પેલો પચાસ વર્ષો સુધી ગામની તમામ સંસ્થાઓનો પોતાની પાસે એકહથ્થુ વહીવટ રાખીને ભલે ગામનો તેણે આધુનીક વીકાસ ન થવા દીધો, સદીઓની ગામની સ્થગીતતા ચાલુ રાખી પણ અમારા તમામ સ્થાપીત હીતોને તેણે ટકાવી રાખ્યા હતા ને!"

શીલાન્યાસની વિધિ કરવાનાર મહારાજે ચાલુ વિધિએ આવી ટીકા અને આવા સારા સમયે ન થવી જોઇએ તેવો અહેસાસ થતાં જણાવ્યું કે શેઠ, અને તમે બધા સાંભળો, મારી નાના મોઢે મોટી વાત ! આ સંસ્થાના સંચાલકો જુદી માટીના માનવો છે. તેમની તાકાત ને હું વર્ષોથી પહેચાનું છું અને સામી ભીતે લખી રાખો કે આ કોલેજ થઇ ને રહેશે. આ સમાજ હિતના શુભ કામમાં હું તમારા બધાની માફક મારૂ પ્રદાન, માનાર્થે, નિર્વેતન આપવા આવ્યો છું. શીલાન્યાસ પ્રસંગે વિડીયો લેનાર ભાઇએ આ બધું જ લાઇવ લઇ લીધું છે.

એક બાજુએ મંજુર થયેલ પ્લાન મુજબ કોલેજ માટેના પાયા ખોદીને બાંધકામ શરૂ કરી દિધું. અમારી સંસ્થાના દરેક સભ્યો માટે આટલા મોટા પ્રમાણમાં, નાણાં એકત્ર કરવા તે એક પોતે જ પડકાર બની ગયો. બધા જ સભ્યોમાટે ૨૪ કલાક x ૭ દિવસ જાણે અમારો પ્રાણ ખ્રશ્ન બની ગયો. મે બધાએ વ્યક્તિગત ને સામુહિક ધોરણે કેવા પ્રયત્નો કર્યા તે પણ સમજવા જેવા છે.

(1)               ડૉ. ચંદ્રકાંત ભાઇ– દર અઠવાડિયે નિયમિત રીતે ડૉકટર પોતાના જુદા જુદા સંપર્કોનો ઉપયોગ કરી, સમજાવીને રૂપીયા ૫૦,૦૦૦/ના દાનના ચેકો, રોકડ રકમો લીસ્ટ સાથે મને આપે! મણીનગર–ખોખરાના દવાખાનાના વધારાના સમયમાં એક રીક્ષાવાળો કાયમ બાંધી રાખ્યો હતો. બસ તેની સાથે ડોકટર નીકળી જાય. દવાખાનામાં આવતા સુખી દર્દીઓ, જુના સાથી મીત્રો, સગાસંબંધીઓ, કોણ તેમની યાદીમાંથી બાકાત એ જ સવાલ! એક સમયે હું તેમની સાથે આણંદ પાસેના ચરોતરના ગામમાં તેમના વર્ષો જુના મીત્ર પાસે આ કામ માટે ગયા હતા. અને તેમણે નકકી કરેલી રકમ દાનમાં લઇને પુરી મહેમાની માણીને આવ્યા હતા. પોતાના નિજી કુટુંબીજનો તથા નજીકના સંબંધીઓનીના દાનની યાદીનું લીસ્ટ જેના નામો કોલેજના રૂમોની તક્તીઓ પર છે તેયાદીનું લીસ્ટ જ ૧૦ લાખ ઉપરની થાય છે. કોલેજ બાંધવાનું ભગીરથ મિશન શરૂ કર્યા ત્યારથી મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી આ પ્રવૃત્તી માટે નાણાંકીય મદદ કેવી રીતે ભેગી કરવી તે તેમના જીવનનો એક ભાગ બની ગયો હતો. તે પ્રમાણે મહત્તમ ભંડોળ તેઓશ્રીએ કોલેજ માટે ભેગું કરી આપ્યું હતું.

(2)                બીપીન શ્રોફ– મારા ઉપરાંત અંગત કુટુંબમાં મારી બેન, ફોઇ, સસરા, મારા મીત્રો, અમેરીકા સ્થીત સંબંધીઓ પાસેથી રૂપિયા અઢીલાખથી માંડીને એકાવન હજારનું દાનની કુલ રકમનો સરવાળો આશરે આઠ લાખથી ઉપર હતો. મારી પેઢીની આશરે બે લાખ જેટલી રકમ આશરે ત્રણેક વર્ષ સુધી સંસ્થામાં જમા રહેલી હતી.

(3)                મધુભાઇ, અજીતભાઇ અને જીવણભાઇ ત્રણેય વડીલો– ગામના મહાજન કહેવાય તેવા શ્રૈષ્ઠીઓ. કોલેજની નાણાંકીય મુશ્કેલીને પોતાની મુસીબત ગણીને હરહંમેશ મદદ કરવા તૈયાર રહેતા. વધારમાં ગામના કયા વેપારીની કેવી નાણાંકીય સ્થીતી છે તેને ધ્યાનમાં રાખીને પોતાનો બોલ પાછો ન પડે તે રીતે ધ્યાન રાખીને દરખાસ્ત કરતા. તમને નવાઇ લાગશે પણ આ વડીલ ત્રીપુટીએ ચારેય દરવાજા વચ્ચે નાની મોટી દુકાનો કરતા વેપારીબંધુઓ પાસેથી દરેક પાસેથી તે જમાનામાં રૂપીયા ૫૦૦૦/ ની રકમના  કુલ પચાસ ચેકો ભેગા કરીને સંસ્થાના ખાતે અર્બન બેંકમાં જમા કરાવેલા.

(4)               નટુભાઇ પરીખ– વ્યવસાયી જીંદગી સરકારી અમલદાર તરીકે પસાર કરી. પણ સંસ્થાની નાણાંકીય સ્થીતી માટે સતત ચીંતાતુર  પોતાના સને ૧૯૪૦ના જુના સાથી મીત્રોને શોધી કાઢી, સાંખેજ, ભાદરવા, વડોદરા, પાદરા, વાંઠવાળી અને મુંબઇ જેવા શહેરોમાં સ્વખર્ચે આ ઉંમરે મુસાફરી કરીને નાણાં ઉઘરાવી લાવ્યા. પોતાના સાળા ભાઇલાલભાઇ ચોકસીની પાસેથી પણ નટુભાઇ યોગ્ય રકમનું દાન લાવ્યા હતા. અમદાવાદની માણેકચોક બેંકમા પોતાના સગાભાઇ જ અને મુળ મહેમદાવાદના રમણભાઇ પી. પરીખ ચેરમેન પાસે આર્ટ્સ કોલેજ માટે ૧૫ લાખની સૌ પ્રથમ દરખાસ્ત મુકનાર પણ અમારા સાથી નટુભાઇ જ હતા.

(5)                કુમુદભાઇ પટેલ– સૌ પ્રથમ પોતાના દાદા ચતુરજી બાપુજીના નામે રૂપીયા ૫૧,૦૦૦/ દાન આપ્યું. પછી અમેરીકા શીકાગો, સ્થીત પોતાના અંગત મીત્ર ઉપેન્દ્રભાઇ પંડયા અને તેમના કુટુંબીજનો પાસેથી આશરે ૪ લાખની રકમ સંસ્થા માટે દાનમાં ઉઘરાવીને આપી.

(6)                જશુભાઇ પંડયા– પોતાના સક્રીય આર્થીક સહકારની સાથે સાથે ઇગ્લેંડ– લંડનમાં સ્થાઇ થયેલા પોતાના શાળા જગદીશભાઇ તથા ભાનુભાઇ એક લાખ રૂપીયાનું દાન સંસ્થા માટે લાવી આપ્યું.

(7)               શાંતીભાઇ કાપડીયા( બચુભાઇ કાપડીયા) – પોતે તથા પોતાની પત્ની જ્યોત્સનાબેનના સ્મરણાર્થે કુલ ત્રણ લાખની રકમ દાનમાં આપી. બીજી તેટલી જ રકમ ચેકથી સંસ્થાની જરૂરીયાત માટે સંસ્થાની અનુકુળતાએ પાછી આપવાની શરતે જમા કરાવી. એક દિવસે અગાઉ સમયનું મારી સાથે આયોજન કરીને પોતાના વીશ્વાસ પાત્ર અમદાવાદના સુખી સમૃધ્ધ મીત્રો લઇને કોલેજ બતાવવા લઇને આવ્યા. મારે ત્યાં બપોરનું જમવાનું રાખેલું. જમવાનું શરૂ કરતાં પહેલાં તેમની સાથે આવેલા મિત્રોને પાણી હાથમાં લઇને પ્રતીજ્ઞા લેવડાવી, સંકલ્પ મુકાવ્યો કે કોલેજ માટે એક કરોડનું દાન ઉઘરાવવામાં પુરતી મદદ કરશે.

(8)                અબ્દુલરશીદ કે મલેક. સૌ પ્રથમ પોતાની જવાબદારીનો આર્થીક ફાળો પુરો કરીને અમારા ચેરમેન ડૉ. ચંદ્ર્કાંતભાઇની માફક સતત પોતાની સર્વીસ સમયના સંબંધો યાદ કરીને મલેક સાહેબ નિયમિત ચેકો આપ્યા જ કરે. એકાઉન્ટ અને ઓડીટવાળો તેમનો સ્વભાવ. એટલે અમને પુછે પેલી રકમની પહોંચ મોકલી. સામેવાળાને પણ ટપાલ કે ફોન કરીને બધું જ કનફર્મ કરે. જુઓ બીપીનભાઇ, આપણે પ્રજાના પૈસાનો પ્રજાના કામો માટે વહીવટ કરીએ છીએ. આપણી છાપ પ્રજામાં સતત એવી રહેવી જોઇએ કે આપણો તમામ વહીવટ શંકાથી પર છે.

(9)                રમેશભાઇ પરીખ– ભાઇ રમેશનું કામ સંસ્થામાં આવતી ચણતરની ઇંટોની ગુણવત્તા, ફ્લોરીંગ માટેના મારબલની ક્વોલીટી, ઇલેટ્રીકના સામાનની ગુણવત્તાને આધારે ખરીદ કરવાના નિર્ણયમાં મદદ કરવાનું હતું. તથા કોલેજ તરીકે સંસ્થામાં જરૂરી નાનામાં નાની વસ્તુઓનું દાન કોની પાસેથી મળશે તેની જાણે રમેશભાઇએ સ્વજવાબદારી લઇ લીધેલી. કોલેજ માટે જરૂરી પિત્તળના વજનદાર ઘંટનો દાતા પોતાની પોળના રહીશ સ્વ.ચીનુભાઇ સોની ને પસંદ કર્યા હતા. બંને મિત્રો જાતે આવીને યોગ્ય સ્થળે તે ઘંટ ફીક્સ કરી ગયા. હજુ પણ તે ઘંટ ચીનુભાઇએ પસંદ કરેલી જગ્યાએથી જ પોતાની ફરજ હરહંમેશ બજાવ્યા કરે છે. રમેશભાઇની સંસ્થા માટેની ચીજવસ્તુઓની ખરીદી માટેની કોઠાસુઝને કારણે સંસ્થાને સારી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ અને પ્રમાણમાં વ્યાજબી ભાવે મળી. તેમના આ સહાકારથી સંસ્થાને નાણાંકીય રીતે હજારો રૂપીયાની બચત થઇ હતી.

(10)            મહેમદાવાદ ખેતઉત્પાદન બજાર સમીતીએ સંસ્થાને રૂપિયા પાંચ લાખનું દાન ચેરમેનશ્રી રતિલાલ બળદેવભાઇ પટેલની ચેરમેનશીપમાં મળ્યું હતું.

 

ઉપર વિગતે જણાવેલા આર્થીક નાણાંકીય સહકારથી અમે કોલેજના બાંધકામ માટે જરૂરી સેવાલિયા– મહીસાગરની રેતી, કપચી,  દિગ્વિજય કુંપનીનો સીમેંટ અને ટાટા સ્ટીલના ટોર સળીયા વગેરે માલનો પુરવઠો બાંધકામની સાઇટ પર ખડકી દીધો.

     કલેકટર ઓફીસમાં કામ કરતા એક મહેમદાવાદના કર્મચારીને ગામમાં કોલેજ ન થવી જોઇએ તેવા પરીબળોએ પોતાનો હાથો બનાવ્યો. જો કે વ્યક્તીગત રીતે તેને પોતાને મારા જેવાના રેશનાલીસ્ટ ( નીરઇશ્વરવાદી) વિચારો પ્રત્યે ભારોભાર ઘૃણા હતી. તેની મને ખબર હતી. તેણે એક કામ બહાદુરીનું (!) કર્યું. કલેકટર ઓફીસમાંના જીઓલોજીકલ(ખનીજ અને ખાણ) ડીપાર્ટમેંટને સંમત કરી શક્યો કે મહેમદાવાદમાં બીપીન શ્રોફ નામનો એક ભુમાફીયા જેવી વ્યક્તી છે. તેણે અંગત રીતે કોલેજ બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો છે. કોલેજની બાંધકામની સાઇટ પર વિઝિટે જશો તો સેંકડો ટેક્ટર સેવાલીયાની રેતી, કપચી, ઇંટોના થપ્પા, સીમેંટ સ્ટીલ વગેરે બાંધકામનો સામાન પડયો છે. તે આપણા ગામના શુભેચ્છકે  કોલેજની સાઇટ કયાં છે, તે સ્થળ પર કેવી રીતે પહોંચવું ને કયે સમયે જવું જેથી કોઇ જવાબદાર માણસ ન હોય, સિવાય કે ચોકીદાર મલે. શક્ય તેટલી રીતે તેણે સરકારી તંત્રને માહિતીથી નકશો બનાવી આપીને સજ્જ કરી દીધું.

કલેક્ટર ઓફીસના જીઓલોજીકલ શાખાના વડા પોતાની જીપ લઇને અમારી કોલેજની સાઇટ પર ભરબપોરના સમયે પહોંચી ગયા. સાઇટ પર બાંધકામ માટેના પડેલા જથ્થાને જોઇને સમજાઇ ગયું કે સાલુ ! ફરીયાદમાં કઇ ચોક્કસ દમ લાગે છે. સ્થળ પરના ચોકીદારને પુછયું કે આ બધો માલસામાન કોનો છે, કોન્ટ્રાક્ટ કોનો છે. ચોકીદારે જે પુછે તેનો જવાબમાં બીપીનભાઇનું નામ જ જણાવે!. બીપીનભાઇની ઓફીસ ક્યાં છે? ચોકીદારે કહ્યું ચલો! સાહેબ બતાવવા આવું ? ના, અમે તેમનું સરનામું લઇને આવ્યા છીએ!

અધિકારી મારી શરાફી પેઢી બારોબાર સીધા આવ્યા. ઓળખાણ આપીને વાત કરી. મારી ટીપોઇ પર રેશનાલીઝમ ને હ્યુમેનીઝમની પડેલી અંગ્રેજી ચોપડીઓ પર તેમની નજર વારંવાર મંડાતી હતી. તેમનો એકજ પ્રશ્ન હતો. તમે બધો માલ ક્યાંથી ખરીદ્યો છે? મેં તેમને  સીધી તમામ ખરીદીની બીલ ફાઇલ જ પ્રેમથી આપી દીધી. તેમને ગ્રીટ–કપચી કોની પાસેથી લાવો છો તે જાણવામાં રસ હતો. સંસ્થાએ પોતાના નામથી ખેડા જીલ્લાના ઠાસરા ગામની ' એ.કે. ક્વોરી' નામની કુંપની પાસેથી  તમામ માલ બીલથી ખરીદ્યો હતો. તેમના સરકારી રેકર્ડમાં આ ક્વોરી કુંપની તમામ વ્યવહારોમાં ' એ' ગ્રેડની ગણાતી હતી. અમારી સંસ્થાના તે ક્વોરીના કપચીના બીલોની પાછળ સાહેબે સહી કરી, પોતાના રેકર્ડમાં જરૂરી નોંધ કરી અને અમારી બીલ ફાઇલ પરત આપી દીધી.તે અધીકારી કેરાલાના હતા.અને ત્યાંની રેશનાલીસ્ટ પ્રવૃત્તી અને તેની નેતાગીરી પ્રત્યે તેઓને માન હતું. ગુજરાતની રેશનાલીસ્ટ પ્રવૃત્તી અંગે તેઓએ ઇંતેજારી પુર્વક પૃછા કરી. મેં જણાવ્યું કે હું ગુજરાત રેશનાલીસ્ટ એસોશીયેશનનો પ્રમુખ છું. અમે બંનેએ કોફી પીધી.અને તેમણે સંતોષ વ્યક્ત કરી વિદાય લીધી.

અમારી સંસ્થાના બધા જ મિત્રો પર સતત નાણાંકીય જવાબદારીનું ખુબજ મોટું ટેન્શન હતું. અમદાવાદની માણેકચોક બેંકની અમારી ૧૫ લાખની દરખાસ્તનું કોઇ હકારાત્મક પરિણામ આવતું નહતું. બેંકના ચેરમેન મુરબ્બી રમણભાઇ ચોકસી પાસે અમારા સાથીદારો અજીતભાઇ, જીવણભાઇ ને નટુભાઇ વારંવાર વિનંતી કરવા જતા હતા. તે સમયે મુ. રમણભાઇનો પી એ. મહેમદાવાદનો હતો. તેને આ કામમાં તેની બેંક મદદ કોઇપણ હિસાબે ન કરે તેમાં ખુબજ રસ હતો. તે માટે અમારા મિત્રોને પોતાની બેંકની ચાલુવર્ષની દાનની જોગવાઇ પુરી થઇ ગઇ છે. અમારી સંસ્થાની માંગણી ઘણી બધી વધારે છે. માટે કોઇ આશા ન રાખવાની જ વાત કરતો હતો.

એક દિવસે મેં મુ.રમણભાઇને અમારી સંસ્થાના કોઇને જણાવ્યા વિના મળવા જવાનું નક્કી કર્યું.  તેમણે મને પોતાની ચેમ્બરમાં મળવા બોલાવ્યો. મેં વડીલને વાત કરી કે તમારા વિરોધનું કારણ મને સમજાવો!!

મારી પાસે બે કારણ છે. એક તમારી જગ્યાની પસંદગી બરાબર નથી. તે વિસ્તાર ' બોડી રોઝી'નો છે. જયાં દેવીપુજકની જ વસ્તી છે. તેવી જગ્યાએથી ગામની દીકરીઓ કોલેજ આવે તો તેમની આબરૂની સલામતી શું? બીજુ મારી પાસે આપણા ગામમાંથી એક ધાર્મીક સેવાભાવી પ્રવૃત્તી કરતા જુથના થોડાક વડીલ ભગતો આવ્યા હતા. તેમનો બોડી રોઝીના વિસ્તારનો તેમજ સમગ્ર કોલેજની સ્થાપવાનું કામ કરનાર ચેરમેન ભલે ડૉ ચંદ્રકાંત ગણાય પણ તેની પાછળ સંપુર્ણ આયોજન પેલા બીપીન શ્રોફ નાસ્તીકનું છે. શું આપણે ગામ અને તાલુકાનાના યુવાન દીકરા– દીકરીને ભવિષ્યના નાસ્તીકો બનાવવા તમારે આટલી મોટી રકમનું દાન આપવાનું છે. મેં તેમને તેમણે લાવેલી ગીતાપર હાથમુકીને વચન આપ્યું છે કે મારી બેંક કોલેજ માટે દાન નહી જ આપે.

મહેમદાવાદ ગામમાં મું રમણભાઇ,તથા તેમના બાપદાદાનો અને મારા બાપદાદાનો ધંધો તાલુકાના ગામોમાં ખેડુતોને નાણાંકીય ધીરધાર કરવાનો હતો. અમારા બંનેના બાપદાદાઓની જ્ઞાતી એક હતી.અને બંને કુટુંબો વચ્ચે સામાજીક વ્યવહારો હતા. અને બંનેના વડીલોના ધિરધારના ધંધા એક હતા તેથી ધંધાકીય હરીફાઇ પણ હતી. અમે બંને એકબીજાની ત્રણ પેઢીઓથી પરિચયમાં હતા.તેમના મુનીમો મોદજ– મોંકવા ગામોમાંથી ધિરાણની વસુલાતમાં આવતી રોકડ ને જણસ મોડી રાતના પણ લઇને આવતા હતા. જે મુ. રમણભાઇ સારી રીતે જાણતા હતા. કારણકે તેઓએ પોતે પણ અમદાવાદ જતાં પહેલાં બાપદાદનો તે ધંધો ચલાવેલો હતો. મારા બાપદાદાની પેઢીના મુનીમો બોડીરોજી વિસ્તારમાંથી પસાર થઇને કતકપુરા– છાપરા વિગેરે ગામોથી તેવીજ નાણાંકીય લેવડદેવડ કરીને મોડી રાતે આવતા હતા. મેં પુછયું મું રમણભાઇને કે આ ગામડાઓમાંથી નાણાંકીય જોખમ લઇને આવતા અમારી પેઢીના મુનીમોને કે મારા બાપદાદાને કોઇ દિવસ જ્યાં કોલેજ બાંધવાનો નિર્ણય કર્યો છે તે વિસ્તારના દેવીપુજક કોમના કોઇ માણસોએ ક્યારે હુમલો કર્યો હોય તે તમારી જાણમાં છે ખરૂ? મને તો ખબર છે કે આપની પેઢીના મુનીમોને પેલા માંકવા– મોદજ ગામાના લોકોએ ક્યારે હેરાન કર્યા નથી.

બોડીરોજી વિસ્તારમાં કોલેજ કેમ તે જવાબમાં તેમને મારી વાત પછી વિરોધ કરવો યોગ્ય ન લાગ્યો. વધુ મેં વડીલને સમજાવ્યું કે ત્રણ લાખ રૂપીયામાં ૫૦,૦૦૦ ચો. મીટર જગ્યા એકજ છેડે, રોડ ટચ અને આપણા ગામથી નજીક ક્યાં મલે? મું રમણભાઇએ બીજી ડાહ્યા, શાણપણ ભરેલા પુખ્ત વડીલ તરીકે મને આ વાત કરી. બીજું બીપીન, તારા મારા અંગત વિચારોમાં ભલે મતભેદ હોય પણ સમગ્ર ગામના હિતમાં, સમાજના જાહેર હિત માટે આપણે અંગત ગમા અણગમા વચ્ચે ન લાવવા જોઇએ.

બીપીન તું જા, ત્રણ દિવસ પછી ગુરૂવારને દિવસે બપોર પછી તમારી સંસ્થાની કારોબારી અને અમારી બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટરની મીટીંગ મારી બેંકના બોર્ડરૂમમાં રાખીશ. ડો. ચંદ્રકાંત બધાને લઇને આવી જજે. રૂપીયા ૧૫ લાખનો ડ્રાફ્ટ તૈયાર હશે.

મહેમદાવાદ ગામના સીંધી સમાજના પ્રમુખ શ્રી દેવીદાસભાઇ કાપડીયાએ રૂપીયા ૧૦ લાખનું દાન કમ્પ્યુટર સેન્ટર માટે આપ્યું.

હું નગરપાલીકા મહેમદાવાદનો પ્રમુખ બોલું છું. " તમે નગરપાલીકાની બાંધકામની પરવાનગી લીધા વીના કોલેજનું બાંધકામ શરૂ કરી દિધું છે? અમારી સંસ્થાએ વગર પરવાનગીએ બાંધેલા તમારા મકાન પર બુલડોઝર ફેરવી દેવાનું નક્કી કર્યું છે. વધુમાં તમારી માહિતી માટે જણાવું છું કે અમે ગુજરાત યુનીવર્સીટીને રજીસ્ટર્ડ એડી થી જણાવી દીધું છે કે  તમે મહેમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલીત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શરૂ કરવા પરવાનગી માગે તો ના આપશો. અમારી પરવાનગી વિના બાંધેલું મકાન અમે તોડી નાંખવાના છે.

આપણા ગામનો આજ પ્રથમ નાગરીક ગુજરાતના મુખ્યમંત્રી શ્રી શંકરસીંહ વાઘેલા કોલેજના ઉદ્ઘાટન સમારંભમાં આવ્યા હતા. ત્યારે અમારી સંસ્થાએ હોદ્દાની રૂએ તેને આમંત્રણ આપીને મુખ્યમંત્રીની બાજુમાં બેસાડયો હતો. અને તે બિનદાસ થઇને પોતાના ફોટાપણ પડાવતો હતો.

   મહેમદાવાદ ગામમાં કોલેજ માટે નાની મોટી શક્તી મુજબની મદદ કરવા માટે નાગરીકોમાં ખુબજ સાનુકુળ વાતાવરણ પેદા થયું હતું. એક વડીલ ઘણા સમયથી અમેરીકન નાગરીક બની ગયા હતા. તેઓ ઘણા જ ઉંમરલાયક થઇ ગયા હતા. દેશમાં આવીને કોલેજ જોઇ શકાશે એવી આશા બિલકુલ નહતી. પણ વડીલબંધુએ અમેરીકા બેઠે તપાસ કરીકે કોલેજના બધાજ લેકચર રૂમ્સના ફ્લોરીંગમાં રથરાર કે માટી છે. પોતાના દેશમાં રહેતા પૌત્રને વિનંતી કરી કે  કોલેજના બધાજ લેકચર રૂમ્સમાં સરસ કોટા સ્ટોનનું ફ્લોરીંગ કરાવી લો. પણ કોલેજના મકાનમાં કોઇપણ સ્થળે મારા દાનની તક્તી  ન લખાવી જોઇએ. અથવા તે માટે કેટલી રકમ ખર્ચી છે તેની પણ કોઇને જાણ કરવાની નથી. મહેમદાવાદ શાકભાજી માર્કેટ એસોશીયન સંસ્થાના પ્રમુખે અમારે વીધ્યાર્થો માટે કેટલી બેન્ચીઝની જરૂરીયાત છે તેની તપાસ કરાવી અમને ઘણી બેન્ચીઝ દાનમાં આપી. ગામમાં છુટક લારીમાં પરચુરણ ચીજોનો ધંધો કરતા ભાઇઓએ અમને કહ્યું કે અમે અમારી શક્તી મુજબ પટાવાળાને બેસવાના ટેબલ આપવા માંગીએ છીએ. કોઇકે અમને દરેક રૂમ્સના કાચના બ્લેક બોર્ડ આપ્યા.

મહેમદાવાદ નજીક આવેલા નેનપુર ગામમાં ' ઇન્દુલાલ યાજ્ઞીક અભ્યાસ ક્રાંતી કેન્દ્ર્' આવેલું હતું. તેમાં અભ્યાસ કરવા એક જમાનામાં દેશના ખુણે ખુણેથી યુવાનો આવતા હતા. ઇન્દચાચાના પોતાના પસંદ કરેલા પુસ્તકોની એક વિશાળ પુસ્તકાલય હતું. તેમાં ૧૨૦૦૦ કરતાં વધારે પુસ્તકો હતા. મોટાભાગના પુસ્તકો અંગ્રજીમાં છે. ઇન્દુચાચાના અવસાન બાદ ધનવંતભાઇ ઓઝા તે સેન્ટર ચલાવતા હતા. તેમની અવસ્થા થતાં તે બધાંજ પુસ્તકો કબાટો, લાકડાના ઘોડા વગેરે સાથે બિનશરતી આપણને ભેટ તરીકે આપી દીધા. આપણી સંસ્થાએ તે તમામ પુસ્તકોની ડીજીટલ નોંધ બનાવી દીધી છે. આ કામને સફળ બનાવવામાં ગ્રંથપાલ ડૉ. અજીતભાઇ વાઘેલાનો ફાળો નોંધપાત્ર અને પ્રશંસાને પાત્ર છે.

 સંસદ સભ્ય ભાઇશ્રી દિનશા પટેલ, અન્ય સાથી મિત્રો અને શુભેચ્છકોના સહકારથી તા.૧૦મી જુલાઇ ૧૯૯૭ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી શંકરસીંહ વાઘેલાના હસ્તે વિધિવત રીતે ધી માણેકચોક બેંક આર્ટસ અને ધી મહેમદાવાદ અર્બન બેંક કોમર્સ્  કોલેજનું ઉદ્ઘાટન થયું.

    હું અત્યારે એ લખતાં ખુબજ ગૌરવ અનુભવું છેકે અમારી સંસ્થાના હોદ્દેદારોથી માંડીને કોઇપણ કારોબારી સભ્યે કોલેજના શૈક્ષણીક તેમજ અન્ય સ્ટાફની પસંદગીમાં કોઇપણ જાતનો પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ લિધો ન હતો. ગુજ. યુની.ના વાઇસ ચાન્સેલર સંચાલીત દરેક વિષયવાર પસંદગી સમિતિએ જે નિર્ણય કર્યા તેને સહર્ષ સ્વીકારી લીધા હતા. આજે આશરે બાવીસ ત્રેવીસ વર્ષો પછી પણ જે શૈક્ષણીક પરીણામ અને કોલેજના વહીવટી તંત્રનું નિષ્ઠાવાન શાંતીભર્યુ કામકાજ અનુભવતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. કારણકે જે તે સમયે અમારા સ્ટાફ પસંદગીના તમામ નિર્ણયો ગુણવત્તા, તટસ્થાતા અને નિસ્પૃહતા જેવા ગુણો પર જ આધારીત હતા.

સને ૧૯૯૭થી ૨૦૧૯ સુધીના વર્ષો દરમ્યાન આશરે ૩૦૦૦ વીધ્યાર્થીઓ બી એ અને ૧૦૦૦ વીધ્યાર્થીઓ બી કોમ પાસ થયા છે. જ્યારે વાર્ષિક પરીક્ષા લેવાતી હતી ત્યારે કોલેજનું કુલ પરિણામ આશરે ૮૦ થી ૮૫ ટકા આવતું હતું. હવે સેમીસ્ટર પધ્ધતી આવતાં પરિણામ ૭૦થી ૭૫ ટકા આવે છે. કુલ ૪૦૦૦ ગ્રેજ્યુટ થયા તેમાં બહેનોની સંખ્યા ૧૬૦૦(૪૦ ટકા)હતી. કોલેજમાં ગ્રામ્ય અને મહેમદાવાદના વિધ્યાર્થીઓની કુલ સંખ્યામાં ખુબજ નોંધપાત્ર તફાવત છે. આર્ટ્સ કોલેજમાં ૭૦ ટકા વિધ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારના અને કોમર્સ કોલેજમાં ટકાવારી ૫૦ ટકા જેટલી સપ્રમાણ છે. કુલ વિધ્યાર્થીઓની સંખ્યામાં  બહેનોની સંખ્યા નિયમિત ૪૫ ટકાની આસપાસ રહી છે. કોલેજમાં અભ્યાસ કરતાં મોટાભાગના વીધ્યાર્થી ભાઇબહેનો સામાજીક રીતે પછાત વર્ગોમાંથી આવે છે.

હાલમાં અનુસુચિત જાતિ, અનુસુચીત જન જાતિ, બક્ષીપંચ, લઘુમતિ ને અંધ–અપંગ( S C, S T, OBC & Physically disabled & Blind) ને સરકારી સહાયનું પ્રમાણ કુલ વીધ્યાર્થીઓમાંથી ૫૫ થી ૬૦ ટકા જેટલું છે. જેમાં આવી સહાય લેનાર બહેનોની સંખ્યા આશરે ૪૦ ટકા જેટલી છે.

જે વિધ્યાર્થીઓએ આપણી કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા છે તેમાંથી ઘણા બધા વિધ્યાર્થીઓ શિક્ષક, અધ્યાપક, તલાટી, નાયબ મામલતદાર, પોલીસ, રેલ્વે, બેંકો તથા ખાનગી સંસ્થોમાં સારી નોકરી કરી રહ્યા છે. ગ્રેજ્યુએશન પુરૂ કર્યા પછી અનેક વિધ્યાર્થીઓએ વધુ ઉચ્ચશિક્ષણ બી એડ, એમ એ, એમ કોમ, એમ બીએ ને સી એ વિગેરેની ડીગ્રી પ્રાપ્ત કરી સમાજમાં ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરેલ છે.

સંસ્થાના સંચાલકો માટે પ્રતિ માસે આશરે દોઢલાખ રૂપિયાનું કમસે કમ ભંડોળ સ્ટાફનો પગાર ચુકવવા એકત્ર કરવું તે પ્રશ્ન ગંભીર બનતો જતો હતો. લોકો કોલેજના મકાન માટે દાન આપે તે વાત અમારે કોઇને ગળે ઉતારવી સરળ હતી. પણ સંસ્થાના નિભાવ માટે નાણાં એકત્ર કરવાની સમસ્યાએ અમને ઘણા હતાશ કરી દીધા હતા.

ગુજ. યુનિ. પાસે સંસ્થાએ મુકેલી રૂપીયા ૨૫લાખની ડિપોઝીટની રકમ આશરે ૩૫ લાખની આસપાસ થવા આવી હતી. " સુથારનું મન બાવળીએ." અમારી ડિપોઝીટની મુળ રકમ રૂપિયા૨૫ લાખ અકબંધ રાખે અને બાકીના નાણાં અમારા સ્ટાફને આપની ઓફીસમાં બોલાવી બેંકના ડ્રાફ્ટ થી પ્રો રેટા વહેંચી આપે. વાઇસ ચાન્સેલર શ્રી કે. એસ. શાસ્રી સાહેબ આ મુદ્દે એકલો નિર્ણય લઇ શકે તેમ ન હતા. ટુંક સમયમાં યુનિ. ની સિન્ડીકેટની બેઠક મળવાની હતી. પ્રશ્ન સિન્ડીકેટની બેઠકમાં લેવો અને અમારે સંસ્થાવતી રજુઆત કરવા હાજર રહેવું. ચેરમેન તરીકે ડૉ ચંદ્રકાંતભાઇ, કોલેજના આચાર્ય શ્રી એસ. કે ત્રિવદી ને હું ( એકઝીક્યુટીવ ચેરમેન) તરીકે યુનિ. સિન્ડીકેટમાં હાજર રહ્યા. યુનિ, એ અમારી દરખાસ્ત એક શરતે સ્વીકારી. રૂપિયા ૨૫લાખ ઉપર જેટલી રકમ ઉપાડીયે તેટલી નહી તો રૂપિયા પાંચ લાખનો ચેક સંસ્થાએ છ માસની એડવાન્સ તારીખનો યુનિ ને અવેજ તરીકે આપવો. થોડીવાર અમે ત્રણેયે બહાર નીકળી ચર્ચા કરી. આવતા આગામી છ માસમાં રૂપિયા પાંચ લાખ ભેગા થઇ શકે તેવી કોઇ શક્યાતા દેખાતી ન હતી. તે હકીકત સ્પષ્ટ રીતે યુનિ. સમક્ષ કરવી. તેમ છતાં સ્ટાફના હિતમાં તે શરત સ્વીકારીને પણ તેમને પગાર ચુકવવો.

સંસ્થાની કારોબારી સમક્ષ અમે ત્રણ જણાએ કેવા સંજોગોમાં યુનિ ની પાંચલાખના ચેકની રકમ આપવાની શરત સ્વીકારી તેની વિગતે વાત કરી. કારોબારીના સભ્યોએ અમારા નિર્ણયનો જબ્બરજસ્ત વિરોધ કર્યો. કેટલાક વડીલોએ તો અમને રૂપિયા પાંચહજારથી વધારાની રકમનો ચેક લખવાની સત્તા જ ન હોવી જોઇએ તેવી દરખાસ્ત મુકી. ગુજ યુનિ  ઉપરનો લખેલો સંસ્થાનો પાંચ લાખનો ચેક છ માસ પછી પરત જાય તો કાયદાકીય કેટલી મુશ્કેલીઓ થાય તે દલીલો મિત્રોએ મને શ્રોફ તરીકે સમજાવવા માંડી. કોલેજ માટેની સંસ્થાની શરૂઆતથી આજદિન સુધી કોઇમુદ્દા પર આટલી બધી ચર્ચા સામ સામી થઇ ન હતી. અને અંદર અંદર મન દુ;ખ થયું. જો કે ચર્ચામાં કશું કોઇના અંગત હિત માટેનું ન હતું તે બધા સ્વીકારતા હતા. ગમે તે કારણસર સંસ્થાના પ્રમુખ ડૉ ચંદ્રકાંતભાઇ યુનિ.ની સિન્ડીકેટની મીટિંગમાં હાજર હતા, ત્યાં ચાલુ મીટીંગે મેં તેમની સાથે સતત ચર્ચા કરીને જ તેમની સંમતી લઇને કબુલાત લીધી હતી. પણ અહીયાં સંસ્થાની કારોબારીની મિટિંગમાં ચેરમેન સાહેબ એક શબ્દ પણ બોલ્યા નહી. જાણે કે મેં બીપીન શ્રોફ તરીકે અંગત હિત માટે આ બધુ કર્યું હોય! ગુજ યનિ. ને શરત મુજબનો છ માસની તારિખ ફેરનો ચેક રૂપિયા પાંચ લાખનો મોકલી દીધો. સ્ટાફને ડ્રાફ્ટથી નાણાં મલી ગયા. અને છ માસ પછી જ્યારે અમારી કામધેનુ અર્બન બેંકમાં તે ચેક આવ્યો ત્યારે ધી મહેમદાવાદ એજ્યુકેશન સોસાયટીના ખાતમાં માત્ર રૂપિયા ૧૦,૦૦૦/નું બેલેન્સ હતું. મેનેજર સાહેબનો મારા પર આવ્યો કે આ ચેકનું શું કરવું છે? બે ત્રણ દિવસમાં નાણાં ભેગા થવાના હોય તો ચેક મુકી રાખું. મારો જવાબ ઠંડે કલેજે હતો કે સાહેબ, ચેક પરત મોકલી દો! મેં શાસ્રી સાહેબને ફોન કરીને જણાવી દીધું કે ચેક પરત મોકલ્યો છે. સિન્ડીકેટના અગત્યના વડીલોને સમજાવી દેજો કે " આપણે મુડી અકબંધ રાખીને કોલેજના સ્ટાફના હિતમાં કામ કર્યું છે. સંસ્થાનું એકત્ર થયેલું વ્યાજ તે પણ પગાર માટે વાપર્યું છે. તે દિવસ પછી ગુજ યુનિ. તરફથી પરત ચેક અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તે બધાને કોલેજ માટેની અમારી નીષ્ઠામાં પુરો વિશ્વાસ હતો.

      અગાઉ જણાવ્યું તેમ કોલેજને કોઇપણ હિસાબે ગ્રાંટેબલ કેવી રીતે બનાવી તે અમારી સંસ્થાનો એજન્ડા નંબર એક બની ગયો. ગુજરાતમાં અમારા જેવી સેલ્ફફીનાન્સ કોલેજો કેટલીક હતી. જેણે કોલેજનું જોડાણ ક્યારેય ગ્રાંટ નહી લેવાની શરતે મેળવ્યું હતું. તેમાંથી કેટલાક શોધી લાવ્યા કે ગુજરાત સરકારના ભારતીય જનતા પાર્ટીના ત્રણ બડા સુત્રધારોએ ' અમારા બધાની માફક ક્યારેય સરકારી ગ્રાંટ નહી લેવાની શરતે પોતાના મતવિસ્તારમાં કોલેજનું જોડાણ લીધું હતું ' અને હવે તે બધી કોલેજોને હવે ગ્રાંટેબલ બનાવી દેવામાં આવી છે. એક કેશુભાઇ પટેલે કેશોદમાં, આનંદીબેન પટેલે પાટણમાં અને શંકરસીંહ વાઘેલાએ વાસણા–ગાંધીનગરમાં આર્ટ્સ કોલેજોને હવે ગ્રાંટેબલ બનાવી દિધી છે. ત્રણેના સરકારની જી આર ની કોપીઓ અમને મલી ગઇ. બે જ લીટીનો જીઆર હતો. સંસ્થાની વ્યાજબી રજુઆત બાદ રાજ્ય સરકારે ઉંડી વિચારણા બાદ જે તે વિસ્તારના વિધ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે.'

અમારી સંસ્થાએ ઉપર મુજબના પુરાવા ભેગા કરીને ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન કરી. અમે હા. કોર્ટમાં જીતી ગયા. બે માસ સુધી કોર્ટના ચુકાદાને આધારે ગુ. સરકારે અમારીસંસ્થાને ગ્રાંટેબલ બનાવવા કોઇ કાર્યવાહી કરી જ નહી. ના છુટકે સરકાર સામે હા. કોર્ટના હુકમનો અનાદર કરવા ' કન્ટેમ્પટ' પીટીશન કરવી પડી. ગુ. સરકાર તે બધી કાયદાસરની પ્રક્રીયાઓને ધોઇને પી ગઇ.  આખરે તેની શરતે અમારી કોલેજને ગ્રાંટેબલ બનાવવી પડી. પણ તે નિર્ણયથી અમારા તમામ સ્ટાફના મેમ્બરોને વ્યક્તીગત ધોરણે લાખોનું રૂપિયાનું નુકશાન ગયું. અને તેમની નોકરીને નોન–પેન્શેબલ પણ બનાવી દિધી. જેનું દુ;ખ અમને જીંદગીભર રહ્યું છે. કારણકે સરકારે રાજકીય દબાણ હેઠળ અસમાનતા ભરેલું વલણ લીધું હતું. અમારી સંસ્થા  પગાર ચુકવવાની જવાબદારીમાંથી કાયમ માટે મુક્ત થઇ. સંસ્થા સંચાલીત બંને કોલેજો હવે સરસ પણ નિયમબધ્ધ રીતે ચાલે છે. અમારા સૌના તથા બીજા નામી અનામી અનેક શુભેચ્છકોના સહકારથી અમારા જીવતાં જ કોલેજ થઇ ગઇ.

...............................The End-------------------------------

--