Monday, July 12, 2021

સાહેબ, દેશને અંબાણી, અદાણી, ટાટા.અને બિરલાની સાથે સાથે વધુને વધુ ‘ અમુલ‘ ની પણ જરૂરીયાત છે.


India needs many more Amuls alongside the Ambanis, Adanis and Tatas.& Birlas etc.

માનનીય સહકારમંત્રી શ્રી અમીતભાઇ શાહ,

દેશના અર્થતંત્ર માટે આપના સંચાલનમાં નવું વહીવટી ખાતુ ' સહકાર મંત્રાલય'  નાગરિક અને સમાજ પરિવર્તનનું ક્રાંતિકારી એકમ બની રહે તેવી શુભેચ્છા સાથે અભિનંદન.

 સાહેબ, દેશને અંબાણી, અદાણી, ટાટા.અને બિરલાની સાથે સાથે વધુને વધુ ' અમુલ' ની પણ જરૂરીયાત છે. ઔધ્યોગીક સમાજે કૃષી અર્થતંત્રમાંથી વિકસીને સાટા પધ્ધતિવાળા (Barter Economy) અર્થતંત્રને છોડી દઇને નાણાંકીય મુલ્ય આધારીત વિનિમય–અર્થતંત્ર (Money based Exchange Economy) વિકસાવ્યું છે. પણ તેનાથી માનવજાતની આર્થીક વિકાસની ગાડી  ઉંધેપાટે ચડી ગઇ છે.

            પંદરમી સોળમી સદી પછી ઓધ્યોગીક સમાજે એક એવું આર્થીક મોડેલ વિકસાવ્યું જેને આપણે 'મુડીવાદી મોડેલ' તરીકે ઓળખીયે છીએ. મુડીવાદી મોડેલમાં જેના હાથમાં ' ઉત્પાદનના સાધનોની માલીકી' ( Means of Production owned by Capitalist) તેના હાથમાં તમામ ખાનગી ઔધ્યોગીક એકમોનો નફો. કુલ ઉત્પાદન ખર્ચમાંથી મશીન, જમીન, કે મુડી જેવા નિર્જીવ ઉત્પાદનના સાધનો શ્રમજીવીના શ્રમ ( Labour Power) વિના ચોખ્ખો નફો ( Surplus-Capital known as profit) પેદા કરી શકતા નથી. પણ તે નફાની માલીકી જે શ્રમજીવી નફો ઉત્પન્ન કરે છે તેની હોવાને બદલે પેલા ઉત્પાદનના સાધનોના માલીકની બની જાય છે. પેલા શ્રમજીવીને કલાક પ્રમાણે કેટલાય સંઘર્ષો પછી જીવન–વેતન(Living wage) પરાણે મલી રહે છે. નફાનું મુડીના માલીકના હાથમાં કેન્દ્રીકરણ એવી આર્થીક સત્તાનું કેન્દ્રીકરણ કરાવે છે કે તે આર્થીક, સામાજીક, રાજકીય સત્તાઓ અને ન્યાયતંત્ર સહીતનો પોતાના મુડીવાદી હિતોને ટકાવી રાખવા અને વિકસાવવા સરળતાથી ઉપયોગ કરી શકે છે. મુડીવાદ, આર્થીક સત્તાનું કેન્દ્રીકરણ વ્યક્તીગત અને સામુહીક ધોરણે મુડી–સંપત્તીની અસમાન વહેંચણી કરીને સામજીક રીતે અસમાન સમાજનું નિર્માણ કરે છે. મુડીવાદી અર્થતંત્રે માનવ કલ્યાણ વિરોધી બે પરિબળો પેદા કર્યા છે. એક અકરાંતીયો ઉપભોગક્તાવાદ અને બે નફાનો વધુ સંપત્તી પેદા કરવા અને આર્થીક સત્તાના કેન્દ્રીકરણ માટે ઉપયોગ. પરિણામ સ્વરૂપે માનવ સર્જીત નૈતીકતાના તમામ મુલ્યોનો મુડીવાદી વ્યવસ્થાએ હ્રાસ કરી નાંખ્યો છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ખાનગી મુડીવાદી અર્થતંત્ર અને રાજ્યસંચાલીત મુડીવાદી અર્થતંત્રના હિતો સામાન્ય નાગરોકોના હિતો વિરોધી જ હોય છે.

આમાંથી નાગરીકને મુક્ત કરવા 'સહકારી અર્થતંત્ર' અસ્તીત્વમાં આવેલ છે. અહીંયાં આર્થીક પ્રવૃત્તીની માલીકી સહકારી સભ્યોમાં વહેચાઇ ગઇ હોય છે. ઉત્પાદન અને નફાની વહેંચણી પણ સેંકડો સભ્યો વચ્ચે વહેંચાઇ જાય છે. સહકારી મંડળી પોતાના સભ્યોના અન્ય કલ્યાણો અંગે પણ  સભાન છે. મંડળીનો સભાસદ જે ખરેખર પ્રાથમીક ઉત્પાદક છે તેનું ઉત્પાદન કેમ વધે તેની ગંભીર ચિંતા મંડળી અને તેનું સંચાલક મંડળ  સતત કરે છે. કારણકે તેમાં તમામનું સામુહિક હિત છે. અહીયાં ઉત્પાદનની પ્રક્રીયાના તમામ નિર્ણયોમાં સભ્યોની ભાગીદારી હોય છે. નફાથી માંડીને સંચાલન સુધીના તમામ નિર્ણયોમાં કેન્દ્રીકરણ ને બદલે વિકેન્દ્રકરણ હોય છે. નિર્ણયો અને નફાનું કેન્દ્રીકરણ સમાજમાં અસમાનતા અને સત્તાના કેન્દ્રીકરણને જન્મ આપે છે. નિર્ણયો અને નફામાં સભાસદોની ભાગીદારી અને વહેંચણી સમાન હિતો વાળો સત્તાના વિકેન્દ્રકરણવાળો સમાજ પેદા કરે છે.  આ અમુલ મોડેલ છે. સભાસદોની આર્થીક હિતોનું વિકેન્દ્રીકરણ લાંબાગાળે રાજકીય હિતોના વિકેન્દ્રીકરણ વાળો સમાજ બનવાની ક્ષમતા ધરાવે છે. "Distribution of income & profit to people generates economic power to people. Sooner or later it converts in to political power. This is people's empowerment."

ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ વિ. રાજ્યોમાં દુધ, કપાસ, શેરડી મગફળી,શાકભાજી વિ. ખેતપેદાશોનું ઉત્પાદન અને વહેંચણી સહકારી ધારણે થાય છે. આ ઉપરાંત ગ્રાહક સહકારી મંડળો,ગૃહમંડળીઓ, ખાતર, બિયારણ,ધિરાણ બેંકો, ખનીજ ઉત્પાદનની પેદાશો કરનાર સભ્યો વિ ની સહકારી મંડળીઓ દેશમાં છે.

સહકારીઅર્થતંત્રની સફળતા પોતાના સંચાલકોની ઉચ્ચ નૈતીક સદગુણો પર આધારીત છે. જેમ લોકશાહી રાજ્યવ્યવસ્થા રાજકીય લોકભાગીદારીનું સાચા અર્થમાં એકમ છે. તેવી જ રીતે વિકેન્દ્રીત અર્થકારણ (સમાજવાદ) તે આર્થીક લોકભાગીદારીનું એકમ છે. બંનેમાં ખાનગી મુડીવાદ અને રાજ્યમુડીવાદના સત્તાના કેન્દ્રીકરણ સામે લોકસશકતીકરણની વ્યાપક ગુજાશ છે. આજને તબક્કે દેશમાં સહકારી પ્રવૃત્તી કાંતો થોડાક કુટુંબોની માલીકી કે રાજકીય સત્તાના સાઠમારીના કેન્દ્રો બની ગયા છે. વોટબેંકના રાજકારણથી આ ક્ષેત્ર પણ બાકાત નથી.

 પશ્ચીમી સમાજમાં સહકારી અર્થતંત્રનો વિકાસ મુડીવાદે સર્જન કરેલી તમામ પ્રકારની અસમાનતા,શોષણ, અરાજકતા અને ફાસીવાદી રાજકીય સત્તા સામે સમજપુર્વકના વિકલ્પ તરીકે થયો છે. આ બધા રાષ્ટ્રોમાં નાગરીકોની માથાદીડ આવક અને શૈક્ષણિક સ્તર બંને ઘણુ ઉચ્ચ છે. આપણે ત્યાં ગાડાની આગળ બળદ જોડીને ચાલવા જેવું છે.( Putting the horse before the cart). મોદીજીના નવાપ્રધાન મંડળમાં ગૃહમંત્રીને સહકાર ખાતું આપવાના નિર્ણયમાં લોકોને આશા કરતાં ચિંતા વધારે એટલા માટે લાગે છે કે  કેટલાક રાજ્યોમાં રાજકીય સત્તા સહકારી ક્ષેત્રમાંથી વહે છે. તે સત્તાના શતરંજમાં આપણા શાહ સાહેબ સફળતા પુર્વક માહેર સાબિત થયેલા છે. બાકી આ સહકારી ક્ષેત્રનું ભવિષ્ય બતાવશે.


--