Saturday, January 7, 2023

રીડીઝાઇન ધી વર્લ્ડ ભાગ–૩.સેમ પિત્રોડાની કલમે.

રીડીઝાઇન ધી વર્લ્ડ ભાગ–૩.સેમ પિત્રોડાની કલમે.

(1)   દરેક ધર્મોએ પોતાના હિતો અંકે કરવા અનુયાઇઓને જીવન જીવવાનો માર્ગ– નકશો આપી દીધો છે. પછી તે જે ધર્મના અનુયાઇઓની ઓળખ બની જાય છે. ધાર્મીક ઓળખ માટે ધાર્મીક પુસ્તકો છે. તેના પ્રમાણે દેશ અને દુનીયામાં માનવ સંસ્કૃતી વિકસી છે.

(2)   સને ૧૮૪૮માં વિશ્વમાં તમામ ધર્મો સામે કાર્લ માર્કસે નિરઇશ્વરવાદી સામ્યવાદી ઢંઢેરો( The Communist Manifesto) બહાર પાડીને આવતીકાલની માનવજાત વર્ગીય હીતોના સંઘર્ષને કારણે આખરે વર્ગવિહિન સમાજ તરફ કેવી રીતે જશે તેની ડીઝાઇન નક્કી કરી આપી હતી. રશીયા, ચીન અને વિશ્વના બીજા દેશોની નેતાગીરી પોતાના દેશોમાં ક્રાંતી કરીને માર્કસવાદી વિચારસરણી આધારીત સામ્યવાદને અમલમાં લાવ્યા.

(3)   અનુક્રમે સને ૧૯૩૩, ૧૯૭૩ અને ૨૦૦૩માં માનવવાદી ઢંઢેરા(Humanist Manifesto) બહાર પાડયા છે. માનવવાદી મુલ્યો આધારીત ધર્મનીરપેક્ષ(Secular)પણ માનવ કેન્દ્રીત વિશ્વ અને માનવીના હિતોને સર્વોચ્ચ મહત્વ આપતા ઢંઢેરા બહાર પડયા છે. માનવવાદી ઢંઢેરાના સર્જન કરતા વીસમી સદીના વૈજ્ઞાનીકો, તત્વજ્ઞાનીઓ અને નોબેલ પ્રાઇઝ વિજેતા સાહિત્યકારો વિ હતા.

(4)    સને ૧૯૪૮માં ભારતીય મહાન ક્રાંતીકારી ને ચિંતક એમ.એન.રોયેં રેડીકલ હ્યુમેનીસ્ટ મેનીફેસ્ટો( The Radical Humanist Manifesto) બહાર પાડયો હતો. બે વીશ્વયુધ્ધ વચ્ચેના ગાળામાં સંસદીય–પ્રતિનિધિ–સ્વરૂપની લોકશાહી રાજ્યપ્રથાની અંદર રહીને હીટલરનો નાઝીવાદ અને મુસોલીનીનો ફાસીવાદ સત્તા પર આવીને પછી કેવી રીતે લોકશાહીનું જ ગળું ટુંપાવી દીધું તે હકીકત વિશ્વ સમક્ષ છે. તેમાંથી કેવી રીતે માનવજાતને બચાવી શકાય તેના ૨૨ સિધ્ધાંતો એમ. એન. રોય અને તેમના સાથીઓએ સદર રેડીકલ હ્યુમેનીસ્ટ ઢંઢેરામાં સને ૧૯૪૮માં બહાર પાડયા હતા.

(5)   આટલી પ્રસ્તવાના પછી ' રીડીઝાઇન ધી વર્લ્ડ' પુસ્તકમાં અગાઉના બે લેખોમાં સેમ પિત્રોડાએ આપણને સને ૧૯૪૫ પછી લોકશાહી– મુડીવાદી મોડેલને આધારે છેલ્લા ૭૫ વર્ષમાં વિશ્વ ક્યાં આવીને ઉભું છે તે સમજાવ્યું છે. હવે તેના પરિણામોનો વાસ્તવીક અને વૈજ્ઞાનીક ઢબે અભ્યાસ કરતાં લેખકે બે દુન્યવી, ભૌતીક (ઇશ્વરી,આધ્યાત્મિક કે મૃત્યુ પછીના સ્વર્ગ કે મોક્ષ માટે નહી) ધ્યેયો માટે પોતાનો મેનીફેસ્ટો વિકસાવ્યો છે.

(6)   આ મેનીફ્સ્ટોના ચાલક બળોમાં એક છે આપણો ગ્રહ પૃથ્વી અને બીજું ચાલક બળ છે વ્યક્તીગત માનવ કેન્દ્રી સશક્તીકરણ અને તેની સર્વાંગી સુખાકારી.પૃથ્વી અને માનવ કલ્યાણને પ્રાધાન્ય રાષ્ટ્રવાદ, રાજ્ય, ધર્મ, સંપ્રદાય, રંગ, જાતી, પ્રદેશ અને તમામ માનવ સર્જીત જોડાણોથી પર છે.

(A)    પૃથ્વી અને માનવ કેન્દ્રીત સુખાકારી માટે શું સારુ અને શું ખોટું તે નક્કી કરવા,  આપણી પાસે સંવાદ, ચર્ચા, એકબીજા સાથે સહકાર અને સહકાર્યના માધ્યમો ઉપલબ્ધ છે. તે પણ માહિતી યુગના પ્રતિસેકંડની ઝડપ કરતાં વધુ ઝડપી સાધનો ઇન્ટરનેટ, મોબાઇલ, ફેસબુક, ટવીટર, વિ. થી બધા માટે સહેલાઇથી અને સસ્તા હાજરાહજુર છે.આ સુવિધાઓ વૈશ્વીક છે અને રાષ્ટ્રની સીમાઓથી પર છે. મુક્ત છે. સદર સીમાઓ તેના ઉપયોગની બંધક નથી.

(B)   લેખકનો દાવો છે કે માનવકેન્દ્રીત વૈશ્વીક રીડીઝાઇન માટે વર્તમાન તમામ ધર્મો પ્રત્યે સહીષ્ણુતા સમભાવ(ગાંધીયન વિચારસરણી)નો ધ્યેય ચાલકબળ તરીકે ક્રાંતીકારી છે.( In my heart, I am Hindu, Muslim, Christian, Jew, Buddhist, Sikh, Jain, atheist & a lot more. Page 73 para 2.)

(C)   મારા નમ્ર મત પ્રમાણે, જે ધાર્મીક અને રાજકીય ઓળખોએ પોષેલા મતભેદોને કારણે હજારો વર્ષોથી માનવીઓનો સંહાર થતો આવ્યો છે તેને કોઇપણ પ્રકારે માહિતીયુગના ચાલકબળ તરીકે કેવી રીતે સ્વીકાર્ય બને? કોઇપણ માનવ જન્મે ધાર્મીક ક્યારેય હોઇ શકે જ નહી. પૃથ્વીપરના તમામ માનવ દરેક સજીવની માફક જૈવીક પણ સંપુર્ણ અધાર્મીક, જીજીવિષા ટકાવી રાખવા ઉત્ક્રાંતીવાદના સંઘર્ષમાંથી સર્જન પામેલ એકમ છે.૨૧મી સદીની રીડિઝાઇન માટે સર્વધર્મ સમભાવ ને બદલે સર્વધર્મ અભાવનો અભીગમ સોસીઅલ મીડીયા દ્રારા વિકસાવવાની તાતી જરૂર છે.

(D)  ૨૦ સદી સુધી જે રીતે પેલા અમેરીકન ઉપભોગવાદી મોડેલને વૈશ્વીક કક્ષાએ અમલમાં મુકીને,પૃથ્વીની સાધનસંપત્તીનો ઉપયોગ કરીને,તેના વાતાવરણને(Environment) અને તમામ સજીવોના અસ્તીત્વ માટે જોખમરૂપ કક્ષાએ લઇ આવીને મુકી દીધું છે. તેમાં સ્થાપીત હિતો ધરાવતા ધર્મો ને તેના પૃથ્વીપરના ઇશ્વરી એજંટો કેવી રીતે બચાવવાના છે?

(E)   આપણે તો માનવવાદી તરીકે એવું તર્કવીવેકશક્તીથી(રેશનલ અભીગમથી) ભજનભજીને નહી, સમજાવી શકીએ તેમ છે કે લાખો વર્ષ સુધી માનવ સિવાય પૃથ્વી હતી. અને માનવજાતના સર્વનાશ પછી પણ તેનું અસ્તીત્વ રહેવાનું છે. તે માટેની રિડીઝાઇન કેવી હોવી જોઇએ!.( The earth-our planet can survive without people but people cannot survive without healthy planet…page-74.)

(F)    વિકેન્દ્રત વિકાસ એટલે શું?( Bottom up Development not Top to bottom development) માનવવાદ આધારીત અને માનવકેન્દ્રી વિકાસ પ્રાપ્ત કરવા કેવી સામાજીક, આર્થીક અને રાજકીય સંસ્થાઓનું સર્જન કરી શકીએ.અને તે બધાને અનુકુળ નેતૃત્વ કેવી રીતે પેદા કરાય?

(G)  લેખકના મત મુજબ છેલ્લા ઘણા વર્ષોના ચિંતન પછી રીડીઝન માટે પાંચ આધાર સ્તંભો મળેલ છે. એક, સર્માવેશકતા(Inclusion), બે માનવજરૂરીયાતો, જીડીપી કે પેલી ટ્રીલીયન ઇકોનોમી નહી, ત્રણ, માનવકેન્દ્રી અર્થશાસ્ર, ચાર, કુદરતી સાધન સંપત્તીનો બચાવ અને સંરક્ષણ, અને પાંચ, માનવ અને સંસ્થાકીય પરિવર્તનનું સાધન અહીંસા. તેના માટે લેખકે " Radically New form of Humanism"page-79 જેવા શબ્દ સમુહોનો ઉપયોગ કરેલ છે.ઉપર્યુક્ત પાંચ મુદ્દાઓની વધુ સમજ માટે વાંચક પુસ્તકનો ઉપયોગ કરે તેવી મારી વિનંતી છે.

સદર પુસ્તકમાં સેમ પિત્રોડા એક ટેકનોક્રેટ તરીકે ઉભરી આવવાને બદલે એક માનવવાદી ચિંતક તરીકે ઉભરી આવ્યા છે.ઉચ્ચકોટીના એક આર્ષદ્ર્ષ્ટા (Great Visionary) અને પબ્લીક ઇન્ટિલેક્ટયૂઅલ છે. સદર પુસ્તકમાં તેમના તારણો, નિષ્કર્ષ ખુબજ અભ્યાસપુર્ણ અને વીધ્યાપુરૂષ જેવા છે. ભારત ઉપરાંત અને વીશ્વના આશરે ૮૦ કરતાં વધારે દેશોમાંની વિકેન્દ્રીત સ્થાનીક સંસ્થાઓના મિત્ર, માર્ગદર્શક અને સલાહકાર તરીકે માહિતી યુગના સાધનોની મદદથી કેવી રીતે ગામડાના ઉત્પાદકોનું સશક્તીકરણ થઇ શકે તે માટે પોતાનું જીવન આજેપણ સંપુર્ણ સમર્પીત કરેલ છે. જેનું એક વૈચારીક સાથી તરીકે મને ગૌરવ છે. આશારાખીએ કે તેમના માનવકેન્દ્રીત ચિંતનમાંથી આપણને નિયમીત વૈચારિક ભાથુ મલતું રહે.

સને ૧૯૫૪થી ૧૯૭૦ સુધી બરોડા યુનીની સાયંસ ફેકલ્ટીના પ્રો. રાવજીભાઇ સી. પટેલ (મોટા)ને ઘર રોઝરી સ્કુલ પાછળ અધ્યાપક નિવાસમાં યુનીના પ્રોફેસરો અને વીધ્યાર્થીઓ' રેનેશાં કલ્બ'નામના અભ્યાસ વર્તુળમાં મર્યાદીત સંખ્યામાં નિયમીત મલતા હતા.સને ૧૯૬૧થી ૧૯૬૪ સુધી સેમ પિત્રોડા વીધ્યાર્થી એમ એસ સી ફીઝીક્સ ભણતા હતા ત્યારે તે કલ્બમાં ભાગ લેતા હતા. હું પણ તે કલ્બમાં સને૧૯૬૧થી૧૯૬૬ માસ્ટર ઓફ ઇકનોમીકસ ભણતો હતો ત્યારે નિયમિત જતો હતો.સદર રેનેશાં કલ્બે સોક્રેટીસ મેથડ પ્રમાણે વીધ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદઅને પ્રશ્નોત્તરી કરીને વૈજ્ઞાનીક અભીગમ કેળવી તાર્કીક રીતે કેવી રીતે વિચાર કરવું તે શીખવાડયું હતું. લોર્ડ ભીખુ પારેખ, ઓક્ષફર્ડ યુની યુ કે, દીલ્હીના સેન્ટર ફોર સ્ટડીઓફ ડેવલપીંગ સોસાયટીના સ્થાપક અને વૈશ્વીકકક્ષાના રાજ્યશાસ્રી પ્રો. રજનીકોઠારી, ડૉ. ધીરૂભાઇ શેઠ, ટેકનોક્રેટ સેમ પિત્રૌડા, ગુજ યુની બી કે સ્કુલ ઓફ મેનેજમેંટના પ્રો. ધવલ મહેતા વિ. અનેક બૌધ્ધીકોનું સર્જન કરવામાં અમારી રેનેશાં કલ્બપાયાની ઇંટ બની હતી. સેમભાઇ અમારી રેનેશાં કલ્બનું ગૌરવ છે. આભાર.

 


--