Thursday, March 9, 2023

ચાર્વાકના ભૌતીકવાદી દર્શનને સમજીએ.–

ચાર્વાકના ભૌતીકવાદી દર્શનને સમજીએ.–

શું એ જરૂરી છે કે આ દેશમાં જન્મેલો દરેક હિંદુ મોક્ષ મેળવવાની પાછળ જ જીંદગીભર દોડતો રહે? શું દરેક હિંદુ માટે જરૂરી છે કે તે આ લોક ને બદલે ડગલે ને પગલે 'પરલોક' ની ચીંતામાંજ વર્તમાન જીંદગી બરબાદ કર્યાજ કરે? શું આ જીંદગીને જ સુંદર, ભવ્ય ને સુખથી ભરી ભરી બનાવવાનો આપણો કોઇ ધ્યેય હિંદુ તરીકે હોઇ શકે જ નહી? ઉપર આકાશમાં કશું જ નથી. તમામ ધર્મો પુસ્તકોમાં ઉપરના જુદા જુદા કપોળકલ્પિત વર્ણનો કરવામાં આવ્યા છે પણ ત્યાંતો બધુ જ શુન્ય શુન્ય જ છે. ખાલી અવકાશ સિવાય કશું છે જ નહી! ભારતીય દર્શનોમાં કુલ નવ દર્શન છે. તેમાંથી ચાર્વાક સિવાય કોઇ દર્શન ભૌતીકવાદી દર્શન નથી.

       ચાર્વાક શબ્દનો સંસ્કૃતમાં અર્થ ચાર એટલે સારુ અને સુંદર, વાક એટલે દર્શન. સારુ દર્શન.ચાર્વાક દર્શન એક એવું ભારતીય દર્શન છે જે વેદને ઇશ્વરી સર્જન છે તેનો સંપુર્ણ અસ્વીકાર કરે છે.તેથી ચાર્વાક દર્શન  વેદ, ઉપનિષદ, ઇશ્વર, પાપ–પુન્ય, સ્વર્ગ–નર્ક, મોક્ષ અને કર્મના સિધ્ધાંતને સ્વીકારતું નથી.વેદ અને ઉપનિષદોમાં અતિઆધ્યાત્મિક પરંપરાઓને મહત્વ આપવામાં આવ્યું હતું. વેદ અને ઉપનિષદોમાં આપણા વાસ્તવીક જગત અને પ્રકૃતિ (Natura)ની ધરાર ઉપેક્ષા કરવામાં આવી હતી.આ બધા વિચાર દર્શનનો પાયો 'બ્રહ્મ સત્ય અને જગતમિથ્યા' ના ભ્રામક પિરામિડ પર રચવામાં આવેલો હતો. તેની સામે એક વિદ્રોહ તરીકે ચાર્વાક દર્શન અસ્તીત્વમાં આવ્યું હતું.

તેના મુળસ્થાપક બ્રહ્યસ્પતિ રૂષી ગણાય છે. ચાર્વાક દર્શનનું બીજુ નામ લોકાયન છે. એટલે કે લોકોના વાસ્તવિક કે ભૌતીક હિતાર્થે અસ્તિત્વમાં આવેલ વિચારધારા. તેથી સદર વિચારધારાને મોટા પ્રમાણમાં સામાન્ય લોકોની(ઉપલાવર્ગો સિવાયની)સ્વીકૃતિ પ્રાપ્ત થઇ હતી.આ દર્શનના વચનો અને તેના આધારીત વર્તનો લોકોને ગમતા હતા, આનંદ આપતા હતા માટે તે લોકભોગ્ય અને સર્વસ્વિકૃત હતા.સારા વચનો, સારુ ભોજન, સ્વાદ, સુગંધ, સ્પર્શ અને આંખને ગમે તેવું દશ્ય જોવાનું કોને ન ગમે? માટે તેને લોકાયન તરીકે પણ ઓળખવામાં આવે છે.તેની સામે શરીરને કષ્ટ, તપ, ઉપવાસ, મૌન, આંખબંધ, વિપસ્યના વિ. ને સાચા સુખ(બ્રહ્મ સત્ય) તરીકે કોણ સ્વીકારે?ચાર્વાક દર્શનનું સર્જન આશરે ૨૮૦૦ વર્ષ અથવા ઇસ પુર્વે ૬ઠ્ઠી સદીમાં થયું હતું.

ચાર્વક દર્શન મુળભુત રીતે ભૌતીકવાદી, પ્રત્યક્ષવાદી, સુખવાદી દર્શન છે.તેની સામે વેદ–ઉપનિષદોએ  રહસ્યવાદ( રહસ્યમય અનુભવ), આધ્યાત્મવાદ, અંતરપ્રજ્ઞા, બિનપ્રત્યક્ષવાદ(Mysticism- Knowledge without Sense perception) જેવી મૌલીક સંકલ્પનાઓ ને જ જ્ઞાનના એક માત્ર માધ્યમ તરીકે સ્વીકારવામાં આવી હતી .ચાર્વક દર્શનને તેના ચિંતન અને વર્તનમાં ફક્ત પાંચ ઇન્દ્રીયોનો અનુભવ અને માનવ મનમાં તેના સંયોજનથી પ્રાપ્ત થતું જ્ઞાન કે બોધ, સમજશક્તીને(Cognition)સત્યનો આધાર માન્યો હતો. માનવ મનમાં પેલા ઇન્દ્રીયજન્ય અનુભવના સંયોજનથી થતી સમજશક્તીને ચાર્વાકે છઠ્ઠી ઇન્દ્રીય તરીકે ગણાવી છે.

     ચાર્વાક દર્શન ઘણું જ પ્રાચીન દર્શન છે. તેની આલોચના આપણને બૌધ્ધ તેમજ જૈન ગ્રંથોમાં પણ મલે છે. ચાર્વાકનો કોઇ આધારભુત ગ્રંથ ઉપલબ્ધ નથી. સદર વિચારસરણીના વિરોધીઓએ તેના તમામ પુરાવા નષ્ટ કરી નાંખ્યા છે.પણ જુદા જુદા આલોચકોએ પોતાના ગ્રંથોમાં ચાર્વક દર્શનની જે ટીકાઓ કરી છે તેના અભ્યાસ પરથી આપણને ચાર્વાક દર્શનના મુળભુત સિધ્ધાંતોની માહિતી મલે છે. બૌધ્ધ અને જૈન ધર્મોમાં ભૌતીક સુખવાદની આલોચના કરવામાં આવી છે.તેમજ ચાર્વાકના પ્રત્યક્ષ જ્ઞાનવાદના સિધ્ધાંતની આલોચના પણ આ બંને ધર્મોમાં કરવામાં આવી છે.

રામાયણ અને મહાભારતમાં પણ ચાર્વાક દર્શનના વિચારો સ્વીકૃત હતા. તેના પ્રમાણ પણ મળે છે.દા.ત રામાયણના અયોધ્યા કાંડના શ્લોક ૧૦૮માં જાંબાલી રૂષી રામને નાસ્તિક તર્કો દ્રારા વનવાસ જવા માટે રોકાઇ જવાનું કહે છે.' વનવાસ અને જંગલ જીવનના ગુણગાન ગવાય નહી.' જે સુખ તમને રાજ્ય ભોગવવામાં મલવાનું છે તે તમને રાજ્યને ત્યજી દેવાથી કેવી રીતે સુખ મળવાનું છે? મહાભારતમાં પણ લોકાયત અને ભૌતીક દર્શનના નામે ચાર્વાક દર્શનના સંદર્ભો મલે છે. જયરાશી ભટ્ટએ પોતાના તત્વપલ્લવ– સિંહ નામના ગ્રંથમાં સુગ્રથિત રીતે  ચાર્વાક દર્શનના સિધ્ધાંતોની આલોચના છે. વધારે અધિકૃત ગ્રંથ  માધવાચાર્યનો 'સર્વગ્રહ સંગ્રહ' છે. જેમાં ચાર્વાક દર્શન અંગે જુદા જુદા ગ્રંથોમાંથી સંગ્રહ કરીને આલોચના– મુલ્યાંકન સાથે  ચાર્વાક દર્શનના સિધ્ધાંતો ઉપલબ્ધ છે. તેની જાણકારી આપણને મળે છે.

 ચાર્વાકનો ભૌતીકસુખવાદ એટલે શું? ભૌતીકસુખવાદ એટલે જે સુખ આપણી પાંચેય ઇન્દ્રીયોને મળે તે જ ભૌતીક સુખ.વર્તમાનમાં મળે તે જ સુખ સાચુ; કારણકે ભવિષ્યમાં મળનારા સુખની ને ખાસ કરીને મૃત્યુબાદ પ્રાપ્ત થનારા સુખની ગેરંટી ને પુરાવો કયો? વર્તમાનના કર્મોના ફળ ક્યારે અને કેવી રીતે મળવાનાં? માટે જે સુખ મનુષ્ય તરીકે ભોગવવાના છે તે વર્તમાનમાં જીવીત અવસ્થામાંજ ભોગવી શકાય! ભવિષ્યની ચિંતા અને અપેક્ષાઓનો ચાર્વાક ભૌતીક દર્શનમાં કોઇ સ્થાન જ નથી.

ચાર્વાક દર્શનના તત્વજ્ઞાનને હકારાત્મક ને બદલે નકારાત્મક ઢબે સમજાવતાં કેટલાક સુપ્રસિધ વાક્યો.

  જે ચાર્વાકના ભૌતીકવાદી તત્વજ્ઞાનને ટેકો આપવાને બદલે બટ્ટો લગાડવા, બદનામ કરવા, હીણ, અનૈતિક, તથા અધાર્મીક પુરાવા– દાખલા–પ્રમાણ વિ. આપીને સાબિત કરવાનું કામ કરે છે.જેને અંગ્રેજીમાં " A strawman fallacy " તરીકે ઓળખવામાં આવે છે. કારણકે આપણી પાસે ચાર્વાક દર્શનનો મુળગ્રંથ ઉપલબ્ધ નથી.આધ્યાત્મીક ચિંતન તથા બ્રાહ્મણવાદી આત્મા– પરમાત્મા, સ્વર્ગ–નર્ક, પાપ–પુન્ય, કર્મઆધારીત વર્ણવ્યવસ્થા વિ, ના ખ્યાલોને મહાન બતાવવા તોડ–મરોડ કરીને મૂકવામાં કેવી રીતે આવ્યા છે તેને પણ સમજીએ.

(१)     यावत्जीवेत सुखम जीवेत; रुणम कृतवा धृतम् पिवेत; भस्मी भूतस्य देहस्य पुनरागमन कृत;

જેટલું જીવો એટલું સુખથી જીવો! દેવું કરીને ઘી પીવો, મનુષ્ય દેહ એક વાર નાશ પામશે પછી તે પાછો આવવાનો નથી.

(२)     वरुमध कपोत; न रवो मयुर; मरण मेव अप वर्ग; सुख मेव स्वर्ग; दुख मेव नरक;

આજે મળેલ કબુતરનો શિકાર કરીને આનંદ માણ, કાલે મોરનો શિકાર મળશે તેવી આશાએ આજના કબુતરના શિકારને જવા દઇશ નહી. કાલ કોણે જોઇ! મૃત્યુ એજ મોક્ષ છે. માટે આ જીવનમાં જે સુખ મળે તેને તું સ્વર્ગ સમજી લે અને દુ:ખ મળે તેને આ જીવનમાં નરક સમજી લે!.

(३)     पित्वा पित्वा पुन; पित्वा यावत्पतति भुतले. उत्थायच पुन: पीत्वा, पुनर्जन्म न विध्यते.

જ્યાંસુધી  તું દારૂ પીને તારી ઉભા રહેવાની સ્થિરતા ગુમાવી ન દઉ, ત્યાંસુધી બસ પીધા જ કર, પીધા જ કર! બીજી શ્લોકમાં તો એમ કહે છે, ઉભો થઇને ફરી પીવા માંડ કારણકે પુનર્જન્મ તો દેખાતો જ નથી( વિધ્યમાન જ નથી). માટે આ જન્મમાંજ જેટલું પીવાય તેટલું પી લે!.

ઉપરના તમામ સંસ્કૃત વાક્યોના અભ્યાસ કરતાં આપણે બે તારણ કાઢી શકીએ તેમ છે. ચાર્વાક દર્શનમાં સુખનો ખ્યાલ ઐહીક નૈતીકવાદી સુખ (Secular Moral Happiness)છે.પણ બીજુ આત્યાંતિક ભોગવાદી સુખનો ખ્યાલ( Hedonist Pleasure)આપણી સમક્ષ નકારાત્મક રીતે રજુ કરવામાં આવેલ છે.