ગાંધીજીના વિચારો અને તેનો અમલ ગુજરાતી પુસ્તક " હિંદ સ્વરાજ" ને આધારે.ભાગ–૨.
ગયા લેખમાં મેં સમગ્ર પશ્ચીમી દુનીયામાં રેનેશાં યુગથી શરુ કરીને જુદા જુદા દેશોમાંથી માનવીય સમસ્યાઓના ઉકેલ માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેની વિગતે પણ ખુબજ ટુંકમાં મદ્દાસર રજુઆત કરી હતી.આપણા દેશમાં ગાંધીજીથી માંડીને તમામ હિંદુત્વવાદીઓ પશ્ચીમ જગતને ભૌતિકવાદી,ભોગવાદી, દુન્યવી સુખમાટે અકરાંતિયા વિ, નામો વિશેષણોથી ઓળખાવે છે. તે રીતે જરુર પડે વ્યવહાર પણ કરે છે. ખરેખર સાચા અર્થમાં પશ્ચીમી જગતે કુદરતી પરિબળો, તેના સંચાલનના નિયમો સમજીને વ્યક્તીગત ને સામુહિક જીવન સંરક્ષીત અને સલામત બનાવ્યું છે.
ગાંધીજીએ સને ૧૯૦૮માં વિલાયતથી દક્ષિણ આફ્રીકા પાછા આવતાં આ પુસ્તક સ્ટીમરમાં લખેલું હતું.સદર પુસ્તકમાં ગાંધીજીએ જે શબ્દો અને વાક્યો પોતાના વિચારો રજુ કરવા પશ્ચીમી જગત સામેના આક્રોશ માટે વાપર્યા છે, તે શબ્દો–વાક્યો માં ફેરફાર કરવા ઘણા બધા જવાબદાર અને સન્નમાનીય વ્યક્તિઓ એ 'બાપુ'ને વિનંતી કરેલી. તેની સામે 'બાપુ' નો જવાબ.
1. આ પુસ્તકમાં આધુનિક સુધારાની સખત ઝાટકણી કાઢી છે......મારી જે પ્રતીતિ એમાં પ્રગટ કરી છે તે આજે અગાઉના કરતાં વધારે દ્રઢ થયેલી છે....પણ એ લખ્યા પછીનાં ત્રીસ વરસ મેં અનેક ઝંઝાવતોમાં પસાર કર્યા છે.તેમાં આ પુસ્તકમાં દર્શાવેલા વિચારોમાં ફેરફાર કરવાનું કંઇ કારણ મળ્યું નથી....જો હિંદુસ્તાન 'આધુનીક સુધારાનો' ત્યાગ કરશે તો તેમ કરવાથી તેને જ લાભ થવાનો છે....મને કબુલ કરતાં ખેદ થાય છે કે 'અહિંસા'નો અમલ સદર પુસ્તકમાં જે રીતે અહિંસાને વર્ણવી છે એવી ભાવનાપુર્વક થતો નથી. પાન ૧૬–૧૭–૨૦ નંબર હીદીમાં લખેલો છે.(પુસ્તકની પ્રસ્તાવના કુલ ૨૪ પાનાની છે.
2. ઇગ્લેંડમાં જે સ્થિતિ હાલ છે તે ખરેખર દયામણી છે, અને હું તો ઇશ્વર પાસે માગું છું કે તેવી સ્થિતિ હિંદુસ્તાનની કદી ન થજો... જેને તમે પાર્લામેન્ટની માતા કહો છો તે પાર્લામેન્ટ તો વાંઝણી છે. અને વેશ્યા છે.આ બંને શબ્દો આકરા છે, છતાં બરાબર લાગુ પડે છે. મેં વાંઝણી કહી, હજુસુધી પાર્લામેન્ટે પોતાની મેળે એક પણ સારું કામ કર્યું નથી. જો તેની પર જોર કરનાર કોઇ ન હોય તો તે કંઇ જ ન કરે..... તે વેશ્યા છે, કેમ કે તેને જે પ્રધાનમંડળ રાખે તે પ્રધાનમંડળની પાસે તે રહે છે. પ્રતિ પાર્લામેન્ટની ચુંટણી પ્રમાણે તેના ધણી બદલાયા કરે છે....પાનું ૧૧.ગજુરાતીમાં નંબર લખેલ છે.
3. જો હિંદુસ્તાન અંગ્રેજી પ્રજાની નકલ કરે તો હિંદુસ્તાન પાયમાલ થઇ જાય એવો મારો તો ખાસ વિચાર છે...યુરોપનો સુધારો કુધારો છે.તેથી યુરોપની પ્રજા પાયમાલ થતી ચાલી છે.... પાનું ૧૪.
4. તે સુધારો એ સુધારો નથી પણ એક રોગ છે...માણસો શરીર સુખમાં સાર્થક્ય અને પરુષાર્થ માને છે. દા.ત. સો વરસ પહેલાં જેવાં ઘરમાં યુરોપના લોકો રહેતા હતા તેના કરતાં હાલ વધારે સારા ઘરમાં રહે છે. શું આ સુધારાની નિશાની ગણાય! આમાં તો શરીર સુખની વાત રહેલી છે. પહેલાં ચામડાના વસ્રો પહેરતા હવે મોટા લેંઘા અને કાપડનાં કપડાં બનાવે છે. પહેલાં ભાલા–તલવારનો ઉપયોગ કરતા હવે પેલી બંદુકડી વાપરે છે. શું તેને આપણે સુધારો કહીશું? પહેલાં ખેડૂતો જાતે જમીન ખેડતા હવે વરાળ યંત્રોનો ઉપયોગ જમીન ખેડવા કરે છે... પહેલાં ફક્ત ગણ્યાગાંઠયા વિધ્વાનો પુસ્તકો લખતા–છપાવતા–આજે જેને જેવું ફાવે તેવું લખે છે ને છાપે છે અને લોકોના મન ને ભ્રમાવે છે. અગાઉ લોકો મન ફાવે તે કામ કરીને મજુરીને કરીને જીવન ચલાવતા... હવે હજારો મજુરો ગુજરાન ચલાવવા મોટા કારખાનાં કે ખાણોમાં કામ કરે છે...પાનું–૧૬.
5. હાલ માણસોને પૈસાની અને ભોગની લાલચ આપીને ગુલામ બનાવે છે. અગાઉ લોકોમાં દરદ ન હતાં તેવાં દરદ પેદા થયાં છે. તેની સાથે દાક્તરો શોધ કરવા લાગ્યા છે કે દરદો કેવી રીતે મટાડવાં....સુધારાના હિમાયતીઓ ચોખ્ખી વાત કરે છે કે તેઓનું કામ લોકોને ધર્મ શીખવવાનું નથી.ધર્મ તો ઢોંગ છે... નીતિને નામે અનીતિ શીખવવામાં આવે છે.... શરીર સુખ કેમ મળે એ જ સુધારો શીખવે છે. છતાં તે સુખ પણ નથી મળતું!... આ સુધારો તો અધર્મ છે. તે યુરોપમાં એટલે દરજજે ફેલાયો છે કે ત્યાંના માણસો અર્ધગાંડા જેવા જોવામાં આવે છે. ખરુ કૌવત નથી. પોતાનું જોર નશો કરી ટકાવી રાખે છે.... ત્યાં સ્રીઓ પેટને કાજે ગધ્ધામજુરી કરે છે... પાનું ૧૭.
6. હિંદુધર્મ આવા સુધારાને હળાહળ કળિયુગ કહે છે... મારા ગજા બહારની ચીજ છે કે હું તમને આ સુધારાનો આબેહુબ ચિતાર આપી શકતો નથી. પાનું ૧૮.
7. સુધારો ઉંદરની જેમ ફુંકી ફુંકીને ફોલી ખાય છે. તેની અસર જાણીશું ત્યારે અગાઉના વહેમો આપણને પ્રમાણમાં મીઠા લાગશે. વહેમો સામે પણ ધર્મ સલામત રાખીને લડીશું.... પાનું ૨૨..
8. હિંદુસ્તાનને રેલ્વે, વકીલોએ ને ડૉક્ટરોએ કંગાલ બનાવ્યું છે. જો આપણે વેળાસર નહીં જાગીએ તો ચોમેરથી ઘેરાઇ જઇશું! રેલ્વેથી દેશમાં ધૃષ્ટતા ફેલાશે..પાનું ૨૫. માણસે રેલ્વેનો ઉપયોગ કરીને ખુદાને ભુલી ગયો છે... પાનુ..૨૭.
9. વકીલે હિંદુસ્તાનને ગુલામી અપાવી છે.... તેઓએ અંગ્રેજી સત્તા વધારી છે....તેઓનો ધંધો તેઓને અનીતિ શીખવનારો છે. તેઓ બુરી લાલચમાં પડે છે. તેમાંથી ઉગારનાર થોડાજ છે.....પાનું ૩૩...અંગ્રેજી સત્તાની એક મુખ્ય ચાવી તેઓની અદાલતો છે. અદાલતોની ચાવી વકીલો છે. જો વકીલો વકીલાત છોડી દે તો.... તો અંગ્રેજી રાજ્ય દેશમાં એ જ દિવસમાં પડી ભાંગે..... પાનું ૩૫.
10. પશ્ચીમના સુધારકોએ મારા કરતાં વધારે વકીલોઅને ડૉકટરોને બહુ વખોડયા છે. ડૉકટરો કરતાં ઉટવૈધ્ય ભલા એમ કહેવાનું મને મન થઇ ગયું છે....ઇસ્પિતાલો એ પાપની જડો છે. તેનાથી માણસોના શરીરનું જતન ઓછું થાય છે પણ અનીતિનો વધારે કરે છે....તેઓ આપણને ધર્મભ્રષ્ટ કરે છે. તેઓની ઘણી ખરી દવાઓમાં પ્રાણીજન્ય ચરબી ને દારુ હોય છે.અંગ્રેજી કે યુરોપી ડૉક્ટરી શીખવી એટલે ગુલામીની ગાંઠને મજબુત કરવી.... પાનું ૩૭.
11. હિંદનો સુધારો નીતિ દ્રઢ કરવા તરફછે, પશ્ચિમના સુધારાનું વલણ અનીતિ દ્રઢ કરવા તરફ છે. તેથી તેને મેં કુધારો કહ્યો છે. પશ્ચીમનો સુધારો નાસ્તિક કે નિઇશ્વરી છે. જ્યારે હિદનો સુધારો ઇશ્વરી છે....પાનું ..૪૦
12. આજે મારી સામુદાયિક પ્રવૃત્તિનું ધ્યેય હિંદુસ્તાનની પ્રજાની ઇચ્છા પ્રમાણેનું પાર્લામેન્ટરી ઢબનું સ્વરાજ પ્રાપ્ત કરવાનું છે એ વિશે કશી શંકા નથી. પ્રસ્તાવના–પાનુ ૧૬ હિંદીમાં.
ભાગ–૩માં પ્રો. રાવજીભાઇ પટેલ વતી ગુજરાતીમાં અમારા દ્રારા પ્રકાશિત પુસ્તક– " ગાંધીવાદ"ની જ્ઞાન– વિજ્ઞાનની પધ્ધતિથી મુલ્યાંકનની ચર્ચા કરીશું.