૧. રેનેસાં એટલે શું? (વ્યાખ્યા અને મૂળભૂત તફાવત)
‘રેનેસાં’ એ ફ્રેંચ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ "પુનર્જાગૃતિ" કે "નવજાગૃતિ" થાય છે.
માનસિક અને બૌદ્ધિક પરિવર્તન: ૧૪મી થી ૧૭મી સદી દરમિયાન યુરોપના લોકોની વિચારસરણી અને માનસિક વલણોમાં પાયાનો ફેરફાર આવ્યો.
માનવ કેન્દ્રિત સમાજ તરફ પ્રયાણ: મધ્યયુગનો સમાજ માત્ર ધર્મગ્રંથો અને ચર્ચના આદેશો પર આંધળો વિશ્વાસ રાખતો હતો. રેનેસાંના કારણે સમાજ આ અંધશ્રદ્ધાળુ વલણમાંથી બહાર આવીને જ્ઞાન, વિજ્ઞાન, તર્ક અને વિવેકબુદ્ધિ આધારિત આધુનિક માનવ કેન્દ્રિત સમાજ તરફ આગળ વધ્યો.
૨. ઈશ્વર કેન્દ્રિતમાંથી માનવ કેન્દ્રિત વલણ (Theocentric to Anthropocentric)
મધ્યયુગીન વિચારસરણી (Theocentric): આ સમયગાળામાં જીવનનો મુખ્ય હેતુ માત્ર ઈશ્વરની ભક્તિ અને મૃત્યુ પછીના જીવન (પરલોક)ની સુધારણા માનવામાં આવતો હતો.
નવજાગૃતિની વિચારસરણી (Anthropocentric): રેનેસાંએ મનુષ્યની પોતાની સર્જનશક્તિ અને ક્ષમતામાં વિશ્વાસ પ્રગટ કર્યો. આ યુગમાં પરલોકના બદલે આ પૃથ્વી પરના માનવજીવનને મહત્વ આપવામાં આવ્યું. સત્યને સ્વીકારવા માટે ધાર્મિક કથનોને બદલે તર્ક, વિવેક અને પ્રત્યક્ષ અનુભવ/પુરાવાઓને પ્રાથમિકતા મળવાની શરૂઆત થઈ.
૩. પ્રાચીન ગ્રીક-રોમન જ્ઞાનનું પુનર્જાગરણ
શાસ્ત્રોનું તાર્કિક મૂલ્યાંકન: રેનેસાંના વિદ્વાનોએ એરિસ્ટોટલ, પ્લેટો અને સિસેરો જેવા પ્રાચીન ગ્રીક અને રોમન તત્વચિંતકોના સાહિત્યનો માત્ર અનુવાદ જ ન કર્યો, પરંતુ તેનું તાર્કિક અને વૈજ્ઞાનિક મૂલ્યાંકન પણ કર્યું.
પ્રાચીન જ્ઞાન-વિજ્ઞાનની આ પુનઃ શોધ અને જાગૃતિના કારણે યુરોપમાં એક નવો બૌદ્ધિક ઉત્સાહ પેદા થયો.
૪. રાજકીય અને સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન
વ્યક્તિગત સ્વતંત્રતાનો વિકાસ: સામૂહિક સામંતશાહી (Feudalism), અમર્યાદ રાજાશાહી અને ધર્મસત્તાના વર્ચસ્વ સામે વ્યક્તિને કેન્દ્રમાં રાખતી નવી અર્થવ્યવસ્થા, રાજ્ય અને સામાજિક વ્યવસ્થાનો વિકાસ થયો.
પ્રજાસત્તાકનો ઉદય: ઈશ્વર કે ચર્ચના નામે ચાલતી સત્તા અને નિરંકુશ રાજાશાહીના સ્થાને નાગરિક-સત્તાક, લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થાના બીજ રોપાયા.
૫. ‘રેનેસાં મેન’ (બહુમુખી પ્રતિભા)ની વિભાવના
આ યુગમાં "રેનેસાં મેન" (Renaissance Man) નો વિચાર જન્મ્યો, એટલે કે એવી વ્યક્તિ જે કોઈ એક ક્ષેત્ર પૂરતી સીમિત ન રહેતાં બહુમુખી પ્રતિભા (Multitalented) ધરાવતી હોય.
આ યુગના લોકો વિજ્ઞાન, કવિતા, ચિત્રકળા, સ્થાપત્ય, મેડિસીન (વૈદકશાસ્ત્ર) જેવા અનેક ક્ષેત્રોમાં એકસાથે નિપુણતા મેળવતા હતા. (દા.ત. લિયોનાર્દો દા વિંચી, જેઓ એક જ સમયે મહાન ચિત્રકાર, વૈજ્ઞાનિક, એન્જિનિયર અને શોધક હતા.)
૬. વૈજ્ઞાનિક અભિગમ અને કુદરતી નિયમોની સમજ
અંધશ્રદ્ધા પર પ્રહાર: કોઈપણ ચકાસણી કે પુરાવા વિના સ્વીકારી લેવાયેલી જૂની માન્યતાઓ અને અંધશ્રદ્ધાને વૈજ્ઞાનિક અભિગમથી પડકારવામાં આવી.
બહેતર જીવન: પ્રશ્નો પૂછવાની અને પ્રયોગો કરવાની પદ્ધતિના કારણે કુદરતના નિયમોને વૈજ્ઞાનિક રીતે સમજવામાં મદદ મળી, જેના આધારે માનવજીવનને વધુ સુખી અને બહેતર બનાવવાના પ્રયાસો શરૂ થયા.
૭. ખગોળશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાનમાં અદ્ભુત શોધો
આ યુગ દરમિયાન ખગોળશાસ્ત્ર (Astronomy) અને તબીબી વિજ્ઞાન (Medical Science)માં ક્રાંતિકારી શોધો થઈ.
કોપરનિકસ અને ગેલિલિયો જેવા વૈજ્ઞાનિકોએ પૃથ્વી અને બ્રહ્માંડ વિશેની જૂની ધાર્મિક માન્યતાઓને તોડીને સૂર્યકેન્દ્રી સિદ્ધાંતો આપ્યા. તેમજ માનવ શરીરની રચના (Anatomy) અંગે સચોટ વૈજ્ઞાનિક સમજ કેળવાઈ.
૮. ભૌતિકવાદી અને સુખકારી અભિગમ
ઈશ્વર કેન્દ્રી અને "સંસાર ત્યાગ" કે દુઃખ સહન કરવાની જૂની વૈરાગ્યપૂર્ણ વિચારસરણીને બદલે ભૌતિકવાદી (Materialistic)પણ ભોગવાદી નહી, અને જીવનને આનંદથી જીવવાના અભિગમનો સ્વીકાર થયો.
કળા, સંગીત, સાહિત્ય અને ભૌતિક સમૃદ્ધિ દ્વારા આ લોકનું જીવન સુખી બનાવવાની ભાવના પ્રબળ બની.
૯. લોકભોગ્ય ભાષામાં જ્ઞાનનો પ્રસાર અને પ્રિન્ટિંગ પ્રેસનો ફાળો
પ્રાદેશિક ભાષાઓનો વિકાસ: જ્ઞાન માત્ર સંસ્કૃત કે લેટિન જેવી કઠિન કે વિશિષ્ટ વર્ગની ભાષાઓ સુધી સીમિત ન રહેતાં, સામાન્ય લોકોની સ્થાનિક અને પ્રાદેશિક ભાષાઓ (ઈટાલિયન, ફ્રેંચ, અંગ્રેજી વગેરે) માં લખાવવા લાગ્યું.
ગ્યુટેનબર્ગની પ્રિન્ટિંગ પ્રેસ: ગુટેનબર્ગ (Gutenberg) દ્વારા છાપકામ યંત્ર (Printing Press)ની શોધ થવાથી પુસ્તકોનું મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું. પરિણામે, જ્ઞાન અને નવા વિચારો સમાજના નીચલા સ્તર સુધી અને ખૂણે-ખૂણા સુધી ઝડપથી પહોંચી શક્યા.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––