" રૂપાલની પલ્લીનો પડકાર"
ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક આવેલા કલોલ તાલુકાના ગામ રૂપાલ મુકામે વર્ષોથી આસોમાસના છેલ્લા નોરતે રાત્રે બાર વાગ્યા પછી વરદાયી માતાના મંદીરમાંથી એક પલ્લી(પાલખી) નીકળે છે. આ મંદીરનો વહીવટ સરકાર શ્રી હસ્તક હોવાથી તેના કાયદાકીય સંચાલક માનનીય શ્રીકલેકટર સાહેબ હોદ્દાની રૂએ છે. આ રૂપાલ ગામમાં માતાજીની પલ્લીની યાત્રા જુદા જુદા ૨૭ ચોકમાં ફેરવવામાં આવે છે.
આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં લોકો નવમા નોરતે આ પલ્લીમાં શુધ્ધ ઘી ચઢાવવાની બાધા રાખે છે. આ મોંઘવારીના જમાનામાં આ લોકો બે પાંચ કીલોમાંથી માંડીને દસ વીસ કીલો ઘી માતાજીના પલ્લીના રથ પર રીતસર પાણીના ધધુડાની માફક છાલકે છાલકે ઘી ભરેલી ડોલોથી રેડાય તેવી બાધા રાખે છે. આ ઉપરાંત પોતાના આશરે નાના પાંચ વર્ષથી નીચેના બાળકોને પલ્લીની સળગતી મોટી જ્વાળા પાસે લઇ જઇને તેની જ્યોત બાળક દાઝે નહી તે રીતે અડકાડીને મા–બાપને પાછું આપવામાં આવે છે. ઘીને પલ્લી પર ચઢાવવાનું કામ અને બાળકોને પલ્લી જ્વાળાઓમાં અડકાડીને લઇને લેવાનું કામ પલ્લી નજીક ટ્રેકટરોમાં ઉભેલા સ્વયંસેવકો રાતના બાર વાગ્યાથી શરૂ કરીને વહેલી સવાર સુધી પેલા ૨૭ ચોકોમાં કર્યાજ કરે છે. સૌ પ્રથમ બાધારૂપે લોકોએ આપેલ ઘી પેલા ૨૭ ચોકમાં મંદીર તરફથી મુકેલા મોટા વાસણોમાં ભેગું કરવામાં આવે છે. દેશમાંપ્રાચીન કાળમાં ઘી દુધની નદીઓ વહેતી હતી કે નહી તે તો ખબર નથી. પણ અહીંયા રૂપાલ ગામે નવમા નોરતાની રાત્રે આખા ગામના રસ્તાઓ પર ખરેખર ઘીની નદીઓ જ વહે છે. (તમે આ ઘટનાને ફેસબુક પર સર્ચમાં જઇને Palli Parivartan Abhiyan અંગ્રેજીમાં લખીને જોઇ શકો છો.) આવી ભયંકર અંધશ્રધ્ધા સામે છેલ્લા ૨૫ વર્ષોથી ભાઇશ્રી લંકેશ ચક્રવર્તી "પલ્લી પરીવર્તન અભીયાન" મુખ્ય સંચાલક તરીકે ચલાવતા આવ્યા છે.
એટલો બધો ઘીનો જથ્થો, વરદાયી માતાની પલ્લી પર ચઢાવવામાં આવે છે,કે તે પ્રવાહી બનીને ઘી ની નદીઓ પેલા ૨૭ ચોકમાં વહેતી થઇ જાય છે.વરદાયી માતાને હજારો લોકોએ બાધા રૂપે ચઢાવેલા હજારો કીલો શુધ્ધ ઘીને જે રૂપાલ ગામના પેલા૨૭ ચોકોમાં મોટા નદીના રેલા માફક રસ્તાઓની માટી, કાદવ – કીંચડ( ઘીને પલ્લી ઉપર ચઢાવીને સીધુ ઢોળી દેવામાં આવે છે) ઉપરથી ચગદાઇને તે વહે છે. ગયાવર્ષે સને ૨૦૧૫માં નવમા નોરતે અહીંયા ચાર લાખ કીલો ઘી આશરે ૨૦ કરોડ રૂપીયાનું આ રીતે રસ્તાપર ઢોળી દેવામાં આવ્યું હતું.
હવે જુઓ, આ ધાર્મીક શ્રધ્ધા–અંધશ્રધ્ધાથી પેદા થતાં પરીણામોમાંથી ચાલાકી પુર્વક બહાર નીકળવાનો હીંદુ વર્ણવ્યસ્થાએ શોધી કાઢેલો ઉપાય.
વરદાયી માતાને ચઢાવેલ ઘી પલ્લી ગામના રસ્તાઓ પર હજારો લોકોના પગતળે કચડાઇ, દબાઇને ચગદાઇને કાદવ–કીંચડ અને માટીવાળુ બની જાયછે. આવી રસ્તાપરની ગંદકી કોણ ઉપાડી ગામના રસ્તાઓને ચોખ્ખા અને વાહનવ્યવહારને અનુકુળ કે ચાલવા માટે યોગ્ય યથાસ્થીતીમાં પાછો લાવી દે? વર્ષોથી આવા ઢોળાયેલા ઘી થી કાદવ કીચડ વાળા ગંદા બનેલા રસ્તોઓને સાફ કરવાનું કામ પરંપરાથી ગામનો દલીત અને વાલ્મીકી સમાજ કરતો આવ્યો છે.
હીંદુ દલીતની કોઇ ઓળખ હોયતો તે એક જ છે. હીંદુ દલીત એટલે હીંદુ ધર્મે પોતાના સ્થાપીત હીતોને ટકાવી રાખવા પેદા કરેલ જન્મ આધારીત વર્ણવ્યવસ્થાનું ચોથું અંગ .જેના જન્મની સાથેજ બાકીની બ્રાહ્મણ, ક્ષત્રીય અને વૈશ્યોના સમાજો માટે " નીષ્કામ કર્મ અને તે પણ સ્થીતપ્રજ્ઞ સ્થીતીમાં કર્યા કરવાનું હોય તેવી સામાજીક વ્યવસ્થાનું છેલ્લું અંગ.
આ દલીત સમાજ કેવા કામ કરે છે? દા.ત આવું ઢોળાયેલું ઘી ભેગુ કરાવાનું, વહેલી સવારથી દલીતકર્મચારી ભાઇ– બહેનોએ(પોતાના બાળકોને ભગવાન ભરોસે મુકીને! ) ગામની સફાઇ કરવાની, મરેલા ઢોરને જે તે સ્થળેથી ખસેડીને અવ્વલ મંજીલે ગો રક્ષકોની મહેરબાની નીચે પહોંચાડવાનું, પોતાનું અને કુટુંબનું શરીર ટકાવવા બીજા વૈકલ્પીક સાધનો જીવવા માટે હીંદુ વ્યવસ્થાએ બાકી નહી રાખેલ હોવાથી તે મૃતઢોરનું માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનો, જાનના જોખમે શહેરની ઉભરાતી ગટરોમાં ઉતરીને સાફ કરવાની જેથી શહેરના સમૃધ્ધ સમાજનો સમૃધ્ધ કચરો (એફલ્યુઅન્ટ વેસ્ટ) સરળતાથી ગટરમાં વહેતો જ રહે!
હવે રૂપાલની પલ્લીના પ્રશ્નના અનેક પાસા છે.
(૧) એક હકીકત આપણે સ્વીકારીને ચાલવી પડશે કે દેશના બંધારણે મુળભુત અધીકારોની કલમ ૨૫ મુજબ દેશના દરેક નાગરીક ને ધાર્મીક સ્વતંત્રતા આપી છે. જેમાં તેને યોગ્ય લાગે તે ધર્મ પાળવાની અને તેનો પ્રચાર કરવાની અબાધીત સ્વતંત્રતા બક્ષેલી છે.(Article 25. Freedom of conscience and free profession, practice and propagation of religion.) ગામ રૂપાલ અને તેની આજુબાજુના ગામોમાં રહેતા નાગરીકોની વરદાયી માતાની પલ્લી પર ઘી ચઢાવવાની માન્યતા કે બાધાને ભલે આપણે તેને શ્રધ્ધા કે અંધશ્રધ્ધા કહીએ પણતેમ કરવાના અધીકારને આપણે કાયદાકીય મદદકે સવીનય આંદોલનથી પણ રોકી શકીએ નહી.
(૨) સામાજીક સુધારણાના ભાગરૂપે શીક્ષણ આપીને તે બધાને પ્રતીક તરીકે થોડુંક ઘી માતાજીને ધરાવવું. બાકીનું ઘી અથવા તેની બચતના નાણાં રૂપાલ ગામ કે તેના પડોશી અન્ય ગામોની સામાજીક પ્રાથમીક જરૂરીયાતો જેવીકે નીશાળ, દવાખાના, પાણીની ટાંકી બનાવવા કે સારા બારમાસી રસ્તાઓ તૈયાર કરવા વાપરવાનું આયોજન કરવા સમજાવી શકાય તેમ નથી. કારણકે જે વ્યક્તી બાધા માટે માતાજીની પલ્લી પર પોતાની શક્તી પ્રમાણે કે મજબુરીથી ઘી ચઢાવે છે તે એમ માને છે કે તેનાથી માતાજી આધી, વ્યાધી અને ઉપાધીમાં તેના કુટુંબ કે બાળકોનું રક્ષણ કરશે.માતાજી અથવા પોતાનો ઇષ્ટ દેવ તે કરવા સંપુર્ણ શક્તીમાન છે તેવો આ બધાને અખુટ વીશ્વાસ છે. ધાર્મીક શ્રધ્ધા,ત્યાગ,કે શારીરીક દમનનો લાભ હંમેશાં વ્યક્તીગત જ મળે છે. આ પુન્યનું હસ્તાંતર સામાજીક હીતો માટે થઇ શકે તે તર્ક ક્યારેય કોઇ શ્રધ્ધાળુ સ્વીકારતો નથી. તેવું શીક્ષણ બાળકોને ગળથુથીમાંથી વીશ્વનો કોઇ ધર્મ કે સંપ્રદાય આપતો નથી. જે દીવસે આ ધર્મો, તેના ફીરકાઓ અને પ્રતીનીધો આવું સામાજીક ઉત્તરદાયીત્વ પેલા વ્યક્તીગત પુન્ય કે મોક્ષ કરતાં વધારે મહત્વનું છે તેવું પોતાના અનુયાઇઓને શીખવાડશે ત્યારે વીશ્વના બધા જ ધર્મોની આવી દુકાનો ચોક્ક્સ બંધ થઇ જશે.
(૩) રૂપાલની વરદાયી માતાના મંદીરના મુખ્ય કાયદાકીય સંચાલક શ્રી જીલ્લા કલેકટર સાહેબ પાસેથી આ બાબતે કેવી અપેક્ષા રાખી શકાય!
તેઓશ્રીને " પલ્લી પરીવર્તન અભીયાન"ના સંચાલક ભાઇ લંકેશ ચક્રવર્તી, ગુજરાત દલીત આંદોલનના સુત્રધાર યુવાન નેતા જીજ્ઞેશ મેવાણી, ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસો ના જનરલ સેક્રેટરી એડવોકેટ પીયુષભાઇ જાદુગર, મુ. ઇન્દુકુમાર જાની, મનીષી જાની વી.ની હાજરીમાં તા. ૫મી ઓકટોબરના રોજ આવેદન પત્ર આપેલ છે. તે મુજબ સરકાર પોતે જ સદર મંદીરના સંચાલક હોઇ જરૂરી કાયદાકીય પગલાં ચોકકસ લઇ શકે તેમ છે. આ ગંદી, બીનઆરોગ્યદાયક રસ્તાપર ઘી ઢોળી દેવાની પ્રથાને અટકાવી શકે તેમ છે.
(૪) આ બધામાં પાયાનો કોઇ પ્રશ્ન હોય તો તે છે " આવી ધાર્મીક માન્યતાઓ કે રીતી રીવાજોને મળેલી બહુજન સમાજ કે દરેક દેશની બહુમતી પ્રજાની વાસ્તવીક ને નૈતીક સ્વીકૃતી." ભલે આપણા દેશની પ્રજા આજે ૨૧મી સદીના બીજા દાયકામાં જીવી રહી છે. પરંતુ મોટાભાગની પ્રજાની માન્યતાઓ ૧૬ અને ૧૭ મી સદીના લોકોની માન્યતા જેવી છે. સમગ્ર વીશ્વમા તે સમયે કૃષીયુગ આધારીત ધાર્મીક વીચાર પધ્ધતીમાં પ્રજા જીવતી હતી. સમગ્ર પ્રજા જીવન પર ધર્મગુરૂઓ, જમીનદારો અને રાજાશાહીનું વર્ચસ્વ હતું. આ ત્રણેય પરીબળોએ સમાજના દરેક નાગરીક માટે સારૂ શું કે ખોટું શું તે પ્રવર્તમાન ધર્મોના ટેકાથી નક્કી કરેલું હતું. ધાર્મીક સત્યોનો ઉપયોગ સમાજના આ અગ્રવર્ગના હીતો સાચવવામાંજ કરવામાં આવતો હતો.
દરેક સમાજમાં બને છે તેમ આપણે ત્યાંપણ આ ત્રણેય અગ્રવર્ગોની ધાર્મીક માન્યતાઓ ( જે તેમના હીતો ટકાવવા ધર્મપુસ્તકોની મદદથી પેદા કરવામાં આવી હતી) એ દેશની સમગ્ર પ્રજાની ધાર્મીક વીચાર પધ્ધતી બની ગઇ. સમગ્ર પ્રજાને હજુ પણ એ હકીકત પર વીશ્વાસ નથી કે કુદરતી પરીબળો જેવાકે વરસાદ, સુર્ય,પવન, પર્વતો, સમુદ્ર, નદીઓ કે માનવ શરીરનું સંચાલન, તેનો જન્મ કે મૃત્યુ એ ભજવા, પુજવા કે અર્ચના કરવાનો વીષય નથી. પણ તે બધા કુદરતી નીયમોના સંચાલન આધારીત છે. તે બધાના સંચાલનના નીયમો જ્ઞાન આધારીત માનવીય પ્રયત્નોથી સમજીને આ જીવનમાં જ સુખ બધા જ માટે પ્રાપ્ત
કરી શકાય છે. કોઇ દૈવી કે ઇશ્વરી તત્વોના સંચાલનથી તે બધાનું સંચાલન ક્યારેય થતું નહતું અને આજે પણ થતું નથી. યુરોપીય સમાજમાં જે ૧૬મી સદીથી લઇને ૧૯મી સદી સુધી વીજ્ઞાનની શોધોને આધારે
ધાર્મીક સત્યોને પડકારવામાં આવ્યા તે હજુ આપણે ત્યાં મોટાપાયે એક આંદોલન સ્વરૂપે હીંદુ, મુસ્લીમ અને ખ્રીસ્તી વી.ના ધર્મપુસ્તકો આધારીત સત્યોને જાહેરમાં પડકારવામાં આવતા નથી. તે બધા ઉપર મુક્ત જ્ઞાન– વીજ્ઞાન આધારીત પ્રમાણીક બૌધ્ધીક સંવાદ શક્ય બને તેવું શાંત અને ગૌરવમય વાતવરણનો દેશમાં સંપુર્ણ શુન્યાવકાશ છે. નજીકના ભવીષ્યમાં આવો જીવંત બૌધ્ધીક સંવાદ શક્ય બને તેવું વાતાવરણ દેશની ક્ષીતીજોમાં દેખાતું નથી.
માનવ જાતના વૈજ્ઞાનીક વારસાએ શોધી કાઢયું છે કે " માનવ ઉત્પત્તી દૈવી નથી. તે સમગ્ર જીવસૃષ્ટીની ઉત્ક્રાંતીનું પરીણામ છે. જેની પાછળ લાખો વર્ષોનો જૈવીક સંઘર્ષનો જ્ઞાન આધારીત ઇતીહાસ સમજી શકાય તેમ છે. શરીરમાં આત્મા જેવી કોઇ વસ્તુ અસ્તીત્વ ધરાવતી નથી જે જન્મ સાથે શરીરમાં ચમત્કારીક રીતે દાખલ થાય અને મૃત્યુ સમયે તેજ રીતે બહાર નીકળી જાય. ખગોળ વીજ્ઞાને સાબીત કર્યુકે ઉપર આકાશ નહી પણ અવકાશ છે. તે અવકાશ કે ખાલી જગ્યામાં આપણા સુર્ય કરતા પણ હજારો ગણા મોટા અને એક બીજાથી હજારો પ્રકાશવર્ષ દુર લાખો કે અબજોની સંખ્યામાં તારાઓ અને આકાશગંગાઓ આવેલી છે. જેમાં નથી સ્વર્ગ, જન્નત, કે મુક્તી માટેની કાયમી વ્યવ્સથાઓ. પુર્વ જન્મ અને પુન;જન્મના ખ્યાલનો કોઇ હકીકત આધારીત પુરાવો જ નથી."
કુટુંબથી માંડીને દરેક સામાજીક, રાજકીય અને આર્થીક વ્યવસ્થાઓમાં કશું દૈવીકે ઇશ્વરી નથી. તે માનવ સર્જીત છે. માનવી તેને બનાવતો આવ્યો છે. તેમાં પોતાની જ્ઞાન આધારીત જરૂરીયાતો બદલાતાં તેમાં સતત પરીવર્તનો કરતો આવ્યો છે. આ બધી સંસ્થાઓ માનવીની સુખાકારી માટે છે. પણ માનવીનો ઉપયોગ આ બધી સંસ્થઓના કલ્યાણ માટે થઇ રહ્યો છે. આપણે માનવવાદી રેશનાલીસ્ટ તરીકે માનવીને કેન્દ્રમાં રાખીને નવી કૌટુબીક,સામાજીક, આર્થીક અને રાજકીય સંસ્થાઓનું સર્જન ૨૧મી સદીના માહીતી, ટેકનોલોજી અને ડીજીટલ સાધનોની મદદથી કેવી રીતે થાય તેની મથામણમાં છે. જે આપણી પ્રવૃત્તીઓનો મુખ્ય એજંડા છે.
--