Sunday, October 9, 2016

ઇશ્કકો કોઇ મજહબ નહીં.


ઇશ્કકો કોઇ મજહબ નહીં. ડૉ સુજાત વલી ( ગોધરા)

 સંપુર્ણ સત્ય ઘટના.

 " નલીન સાથે મારાં લગ્ન થયા. પણ તે અગાઉ મારા બાળપણમાં એક કરૂણ ઘટના બની ગયેલી. હજી આજેય તેને યાદ કરતા કંપી ઉઠાય છે. મારા પીતાજી ડૉ રતીલાલ ઝવેરીનું અમદાવાદમાં રાયપુર બહાર દવાખાનું અને કાળુપુરમાં મકાન હતું. સને ૧૯૪૬માં જે ભયાનક કોમી રમખાણો થયા તે અમારા કુટુંબ માટે દુ:સ્વપ્ન બની રહ્યાં. ડૉકટર હોવાને કારણે પીતાજીને કોઇક વીઝીટે બોલાવવા આવેલું. આવા સ્ફોટક વાતાવરણમાં ઘરની બહાર ન નીકળવા માટે મારા પીતાજીને સૌ એ સમજાવ્યા. પણ પીતાજી ડૉકટર ધર્મ બજાવવામાંથી ચલીત ન થયા. અને પોતાના એક સગાને સાથે રાખીને વીઝીટે ઉપડયા. બસ તે ગયા તે ગયા. ઘેર કદી પાછા જ ન આવ્યા. તેમની આયોજનપુર્વક ક્રુર હત્યા કરવામાં આવી હતી.અને તેમનાં( બંનેના) શબ પણ લેવા માટે જઇ શકાય તેમ નહોતું. મારી ઉંમર ત્યારે માંડ એક વરસની હતી.અને મારો મોટો ભાઇ ગૌતમ ચાર વર્ષનો હતો. મારી માના માથે કેવું આભ તુટી પડયું હશે તેની કલ્પના કરી જુઓ.

    અમે સમજણા થયા એટલે આ ઘટનાની ખબર પડેલી. અને તેમાંથી મુસ્લીમ કોમ માટે અપ્રગટ એવો અણગમાનો ભાવ પણ સમાંતરે ઉછરતો ગયેલો. પણ સમયનું ચક્ર કેવું ફરતું હોય છે!

વર્ષો પછી મારો દીકરો તુષાર એક મુસ્લીમ છોકરીના પ્રેમમાં પડ્યો. અને બંને લગ્ન માટે જીદ લઇને બેઠાં.તેઓ અમને નારાજ કરવા માંગતા નહોતા.મારા મનમાં અમદાવાદનો એ ભુતકાળ તાજો થઇ ગયો. મને થતું કે પીતાજીની ક્રુર હત્યા કરીને અમને બાળપણમાં પીતાજીની છત્રછાયાથી વંચીત રાખનાર કોમની દીકરી મારા જ ઘરમાં વહુ બનીને શી રીતે આવી શકે? જો કે મારા દીકરાને મેં કશી વાત કરી નહોતી. પણ મનમાં હું સતત અવઢવ અનુભવતી હતી. મેં નલીનને કહ્યું કે  મારૂ મન આમાં માનતું નથી. હું આ હકીકત સ્વીકારી શકું તેમ નથી.

મારી વાત સાંભળી મારા પતીએ કશી બળજબરી મારા પર ન કરી. મારી લાગણીને તેઓ સમજ્યા. પણ પછી મને સમજાવતાં કહ્યું, " કોઇ મનુષ્ય જન્મે હીન્દુ કે મુસલમાન હોતો નથી. જન્મથી મનુષ્ય જ હોય છે. તારા પીતાજીની હત્યા કરનાર લોકો બીજા હતા. આ છોકરીને તેની સાથે શો સંબંધ?  જે થયું તે હકીકત છે. પણ તેને ભુલવી રહી. તેને કારણે બીજી વ્યક્તીને અન્યાય ન થઇ જાય તે જોવું રહ્યું."

ત્રણ ચાર દીવસ સુધી સમજાવટ કર્યા પછી છેવટે મને સત્ય સમજાયું કે મારા પતી નલીનની વાત ખરી છે. એક વ્યક્તીને કારણે અન્ય વ્યક્તીને શી રીતે અન્યાય કરી શકાય?

હું રાજી થઇ અને તુષારને મેં મુંજુરી આપી ત્યારે તે ખુબ જ રોમાંચીત થઇ ગયો. પછી તો મારા મનમાં કોઇ ખચખચાટ રહ્યો નહતો. પછી તુષારની પ્રેયસી મને મળવા આવી. અને તેણી મને પગે લાગી. તો મને તેના માટે દીકરી પ્રત્યે જાગે તેવો જ ઉમળકો જાગ્યો.અને હું તેણીને ભેટી પડી. બંનેના લગ્ન થયાં ત્યારથી તે મારી પુત્ર વધુ નહી પણ પુત્રી જ બનીને રહી છે. તેનું લગ્ન પછીનું નામ 'આશીતા' છે. અને અમે મા–દીકરીની જેમ જ પ્રેમથી એક બીજાને ચાહીએ છીએ.

મને આ સમજણ આપનાર મારા પતી નલીન હતા. પણ નલીનને આ સમજણ ઉગી  'મોટાની રેનેશાં કલ્બ ' વાળી યુનીર્વસીટી માંથી. ' રાવજી મોટા' સાથેના સંગને કારણે! મોટાની સાથે સંપર્કમાં આવેલા માણસમાં અવશ્ય કંઇક હકારાત્મક પરીવર્તન આવે જ!

(સૌ. ક્રાતીકારી વીચારક પ્રો. રાવજીભાઇ પટેલ (મોટા)ના પુસ્તકમાંથી સંપાદક બીરેન કોઠારી. સાભાર.)

નોંધ– લેખના અંતે કુન્દનબેન અને આશીતાનો ફોટો છે.

--