Monday, October 10, 2016

ગુજરાતના માનવવાદી રેશનાલીસ્ટ ભામાશા અંબુભાઇ

લેખ નં ૧–ગુજરાતના માનવવાદી રેશનાલીસ્ટ ભામાશા અંબુભાઇ અને જ્યોત્સાનાબેન પટેલ.– નલીનકાન્ત ઝવેરી.(વડોદરા)

( તંત્રી નોંધ– સને ૧૯૬૧થી ૧૯૬૬ સુધી મારો કોલેજનો અભ્યાસ એમ .એસ. યુનીર્વસીટી બરોડાની ફેકલ્ટી ઓફ આર્ટસમાં થયો. પરંતુ મારો વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત તર્કબધ્ધ અભ્યાસ પ્રો. રાવજીભાઇ પટેલ( પ્રો. ગણીત, સાયંસ ફેકલ્ટી)ના ઘરે દર શુક્રવારે ચાલતી રેનેશાં કલ્બની ' રાવજી મોટા' યુની. માં થયો હતો. તેમાંથી તૈયાર થયેલા ટોચના વ્યક્તીઓ કહી શકાય તેવા પ્રોફેસર, લોર્ડ ભીખુ પારેખ,( યુકે) દીલ્હી સ્થીત સેન્ટર ઓફ ડેવલપીંગ સોસાયટીના (સીએફડી) આધ્યસ્થાપક પ્રો રજની કોઠારી, ડૉ. ધીરૂભાઇ શેઠ,અમદાવાદના પ્રો ધવલ મહેતા નરહરી પરીખ, કુંતલ મહેતા, વડોદરાના અંબુભાઇ પટેલ, નીતીન ત્રીવેદી, અંગેદ મહેતા( ત્રણેય સારાભાઇ કેમીકલ્સના), નલીન – કુન્દનબેન ઝવેરી, ડૉ જયશ્રીબેન મહેતા અને ડૉ.માધવીબેન મજમુંદાર અને બીપીન પરીખ(શ્રોફ). તેમાં એમ એસ ડબલ્યુ ફેકલ્ટીના માસ્ટર ડીગ્રી ધરાવતા અંબુભાઇ પટેલ નીયમીત આવતા પણ તેમનું નક્કી કરેલું સ્થાન સોફા પર એક બાજુથી ગણોતો પહેલું અને બીજી બાજુ થી ગણો તો છેલ્લું. પણ ચર્ચાના તારણો આધારીત મુલ્યવાન જીવન જીવવામાં અને તે પ્રમાણે અમલ કરવામાં બીલકુલ અગ્રેસર. સામાન્યરીતે માનવવાદી રેશનાલીસ્ટોની વ્યવસાયીક પ્રવૃત્તીઓ બૌધ્ધીક હોય છે. તેથી તે બધાનું સામાજીક પ્રદાન વૈચારીક હોય છે. ઇચ્છા હોય તો પણ આર્થીક પ્રદાન માટે આંગળી ચીંધી શકે પણ મોટો ફાળો આપી શકે નહી. તે સંદર્ભમાં અંબુભાઇ પટેલની પ્રવૃત્તીઓ જોઇએ.)

·         અંબુભાઇ અને જ્યોત્સનાબેન અમેરીકા સ્થીત થઇને તે દેશના નાગરીક બન્યા.અમેરીકા દેશના પેન્સીવેનીયા સ્ટેટના  હેરીસબર્ગ શહેરના સચીવાલયમાં વર્ષો સુધી બંને પતી–પત્નીએ સારા હોદ્દાપર રહીને સર્વીસ કરી. પણ ' રાવજી મોટાની પેલી યુની. માંથી પચાવેલા માનવ મુલ્યોએ તેમને અમેરીકામાં જંપીને ઠરીઠામ થવા દીધા નહી. ૪૮વર્ષની ઉંમરથી આ બંને પતી–પત્નીએ દર વર્ષે છ માસ માટે વડોદરાને પોતાના વીચારો આધારીત કાર્યો કરવાની માટેની કર્મભુમી બનાવી દીધી. રોનક ચેરીટી ટ્રસ્ટ બનાવી પોતાની પ્રવૃત્તીઓ શરૂ કરી.

·         સૌ પ્રથમ પોતાની જન્મભુમી વડોદરા નજીક આવેલ શીનોર ગામમાં માત્ર પંદર વર્ષના ગાળામાં વોટરવર્કસ, પ્રાથમીકશાળા, કન્યાશાળા, આદીવાસી વીધ્યાર્થીઓ માટે છાત્રાલય, પોતાના પીતાજીના નામે જે.સી. પટેલ હાઇસ્કુલ, ભુલકાઓ માટે બાલમંદીર, ગામની બહેનો માટે પુસ્તકાલય, અને ગામના નાગરીકોની સામાજીક જરૂરીયાત માટે ' કોમ્યુનીટી હોલ' વગેરે સુવીધાઓ પુરી પાડી છે. ગામના દવાખાનામાં જાહેર સ્વાસ્થયના ટેકામાં આધુનીક તબીબી રોગ તપાસ માટે સાત લાખ રૂપીયા સાધનોપુરા પાડયા છે.

·         ભરૂચ જીલ્લાના ડેડીયાપાડાથી પણ ઘણા દુર આદીવાસી વીસ્તારોમાં આદીવીસી વીધ્યાર્થી–ભાઇ– બહેનો માટે છાત્રાલય શાળાઓ બનાવી છે. ખાસ કરીને બહેનોના છાત્રાલયો( હોસ્ટેલસ) બનાવ્યા છે. તેમનો સ્કુલ યુનીફાર્મ, ચોપડીઓ અન્ય પ્રાથમીક જરૂરીયાતો ઉપરાંત તે સ્કુલની પસંદકરાયેલી વીશીષ્ટ સંજોગો વાળી બહેનોને લગ્ન સમયે પાનેતર અને મંગળસુત્રનું દાન પણ વીધ્યાદાન સાથે આપે છે. આદીવાસી વીધ્યાર્થીઓના મા–બાપો માટે અનાજ ઉપરાંત–રસોઇ માટેના વાસણો, શીયાળા માટેના ધાબડા વગેરે પણ આપે છે. આદીવાસો બહેનોને ઉચ્ચઅભ્યાસ જેવા કે ચાર્ટડ એકાઉન્ટન્ટ, એમ બી એ અને અન્ય વ્યાવસાયીક કૌશલ્ય પ્રાપ્ત કરી સ્વનીર્ભર બને માટે નીયમીત આર્થીક મદદ કરે છે.

·         અંબુભાઇ કહે છે કે , મારા દ્રારા કરાયેલા દાનથી એક હજારથી વધુ આદીવાસી અને હરીજન યુવતીઓને ધોરણ ૧૦–૧૨ પાસ કર્યા પછી ઉચ્ચ કોલેજ અભ્યાસ માટે તે બધાના ભણતર સાથેનો બધોજ ખર્ચ મેં ઉપાડી લીધો હતો. તેમાંથી કેટલીક બહેનો સી. એ અને તબીબી વ્યવસાય કરે છે. અમુક બહેનો તો પરદેશમાં પણ જઇને સ્થાઇ થઇ છે. તેઓના મુખ્ય આર્થીકસહકારથી દેશની સૌ પ્રથમ મુક– બધીર કોલેજ વડોદરાના કારેલીબાગ વીસ્તારમાં શરૂ થઇ છે. જેને હજુ નીભાવ ખર્ચ પણ નીયમીત પુરો પાડે છે.ગામડાના સેંકડો ની;સહાય વૃધ્ધો માટે મોતીયાના ઓપરેશન બાદ નેત્રમણીની નીશુલ્ક સેવા પુરી પાડે છે.

·         આ દંપતીના પુત્ર અને પુત્રવધુ બંને અમેરીકામાં વ્યવસાયે તબીબીક્ષેત્રમાં છે. અંબુભાઇ  તેમના પત્ની જયોત્સનાબેન સાથે છેલ્લા ત્રીસ કરતાં વધુ વર્ષોથી નીયમીત રીતે નવેંબર માસમાં વડોદરા આવે છે. અને માર્ચ માસ સુધી પોતાની આ બધી પ્રવૃત્તીઓનું આધુનીક ઢબે સંચાલન કર્યા કરે છે.

·         અંબુભાઇ કહે છે કે " મારી પાસે  સ્વૈચ્છીક સંસ્થાઓ કે વ્યક્તીઓ દાન લેવા આવે છે ત્યારે હું તેઓની ખરાઇ કરૂ છું. તે બધા પાસેથી ચોકકસાઇ કરીને ભેગી કરેલી ઝીણામાં ઝીણી વીગત બીજા કોઇ ઇન્કમટેક્ષ જેવા હેતુ માટે નહી મારી માહીતી માટે સંઘરી રાખું છું. મારા અંદાજ પ્રમાણે મારા દાનની કુલ રકમ આશરે સાત કરોડ ઉપર થાય છે.

·         મારા કૌટુબીક પરીવારનો આ પ્રવૃત્તીમાં સંપુર્ણ સહકાર અને સહયોગ છે. દર છ મહીને મારી પુત્રવધુ નીતા ઇંડીયા આવતાં પહેલાં રૂપીયા ૩૦ લાખનો ડ્રાફ્ટ અમારા પતી–પત્નીના જોઇન્ટ ખાતાનો  અમારા હાથમાં આપી દે છે.

––––––––––––––––––––––––––––––––––––The End-----------------------------------------

લેખ નં–૨

બરોડા રેનેશાં કલ્બના બીજા એક સાથી નલીનકાન્ત અને કુન્દનબેન ઝવેરી નીજી વાત .

" નલીન સાથે મારાં લગ્ન થયા. પણ તે અગાઉ મારા બાળપણમાં એક કરૂણ ઘટના બની ગયેલી. હજી આજેય તેને યાદ કરતા કંપી ઉઠાય છે. મારા પીતાજી ડૉ રતીલાલ ઝવેરીનું અમદાવાદમાં રાયપુર બહાર દવાખાનું અને કાળુપુરમાં મકાન હતું. સને ૧૯૪૬માં જે ભયાનક કોમી રમખાણો થયા તે અમારા કુટુંબ માટે દુ:સ્વપ્ન બની રહ્યાં. ડૉકટર હોવાને કારણે પીતાજીને કોઇક વીઝીટે બોલાવવા આવેલું. આવા સ્ફોટક વાતાવરણમાં ઘરની બહાર ન નીકળવા માટે મારા પીતાજીને સૌ એ સમજાવ્યા. પણ પીતાજી ડૉકટર ધર્મ બજાવવામાંથી ચલીત ન થયા. અને પોતાના એક સગાને સાથે રાખીને વીઝીટે ઉપડયા. બસ તે ગયા તે ગયા. ઘેર કદી પાછા જ ન આવ્યા. તેમની આયોજનપુર્વક ક્રુર હત્યા કરવામાં આવી હતી.અને તેમનાં( બંનેના) શબ પણ લેવા માટે જઇ શકાય તેમ નહોતું. મારી ઉંમર ત્યારે માંડ એક વરસની હતી.અને મારો મોટો ભાઇ ગૌતમ ચાર વર્ષનો હતો. મારી માના માથે કેવું આભ તુટી પડયું હશે તેની કલ્પના કરી જુઓ.

    અમે સમજણા થયા એટલે આ ઘટનાની ખબર પડેલી. અને તેમાંથી મુસ્લીમ કોમ માટે અપ્રગટ એવો અણગમાનો ભાવ પણ સમાંતરે ઉછરતો ગયેલો. પણ સમયનું ચક્ર કેવું ફરતું હોય છે!

વર્ષો પછી મારો દીકરો તુષાર એક મુસ્લીમ છોકરીના પ્રેમમાં પડ્યો. અને બંને લગ્ન માટે જીદ લઇને બેઠાં.તેઓ અમને નારાજ કરવા માંગતા નહોતા.મારા મનમાં અમદાવાદનો એ ભુતકાળ તાજો થઇ ગયો. મને થતું કે પીતાજીની ક્રુર હત્યા કરીને અમને બાળપણમાં પીતાજીની છત્રછાયાથી વંચીત રાખનાર કોમની દીકરી મારા જ ઘરમાં વહુ બનીને શી રીતે આવી શકે? જો કે મારા દીકરાને મેં કશી વાત કરી નહોતી. પણ મનમાં હું સતત અવઢવ અનુભવતી હતી. મેં નલીનને કહ્યું કે  મારૂ મન આમાં માનતું નથી. હું આ હકીકત સ્વીકારી શકું તેમ નથી.

મારી વાત સાંભળી મારા પતીએ કશી બળજબરી મારા પર ન કરી. મારી લાગણીને તેઓ સમજ્યા. પણ પછી મને સમજાવતાં કહ્યું, " કોઇ મનુષ્ય જન્મે હીન્દુ કે મુસલમાન હોતો નથી. જન્મથી મનુષ્ય જ હોય છે. તારા પીતાજીની હત્યા કરનાર લોકો બીજા હતા. આ છોકરીને તેની સાથે શો સંબંધ?  જે થયું તે હકીકત છે. પણ તેને ભુલવી રહી. તેને કારણે બીજી વ્યક્તીને અન્યાય ન થઇ જાય તે જોવું રહ્યું."

ત્રણ ચાર દીવસ સુધી સમજાવટ કર્યા પછી છેવટે મને સત્ય સમજાયું કે મારા પતી નલીનની વાત ખરી છે. એક વ્યક્તીને કારણે અન્ય વ્યક્તીને શી રીતે અન્યાય કરી શકાય?

હું રાજી થઇ અને તુષારને મેં મુંજુરી આપી ત્યારે તે ખુબ જ રોમાંચીત થઇ ગયો. પછી તો મારા મનમાં કોઇ ખચખચાટ રહ્યો નહતો. પછી તુષારની પ્રેયસી મને મળવા આવી. અને તેણી મને પગે લાગી. તો મને તેના માટે દીકરી પ્રત્યે જાગે તેવો જ ઉમળકો જાગ્યો.અને હું તેણીને ભેટી પડી. બંનેના લગ્ન થયાં ત્યારથી તે મારી પુત્ર વધુ નહી પણ પુત્રી જ બનીને રહી છે. તેનું લગ્ન પછીનું નામ 'આશીતા' છે. અને અમે મા–દીકરીની જેમ જ પ્રેમથી એક બીજાને ચાહીએ છીએ.

મને આ સમજણ આપનાર મારા પતી નલીન હતા. પણ નલીનને આ સમજણ ઉગી  'મોટાની રેનેશાં કલ્બ ' વાળી યુનીર્વસીટી માંથી. ' રાવજી મોટા' સાથેના સંગને કારણે! મોટાની સાથે સંપર્કમાં આવેલા માણસમાં અવશ્ય કંઇક હકારાત્મક પરીવર્તન આવે જ!

(સૌ. ક્રાતીકારી વીચારક પ્રો. રાવજીભાઇ પટેલ (મોટા)ના પુસ્તકમાંથી સાભાર.)

"ઇશ્ક કો કોઇ મજહબ નહી". –––ડૉ સુજાત અલી. ગોધરા.

 


--