Tuesday, October 25, 2016

તે રાષ્ટ્રીય વફાદારી પોકળ છે.


તે રાષ્ટ્રીય વફાદારી પોકળ છે.

સર્જીકલ સ્ટ્રાઇક પછી જાણે દેશમાં રાષ્ટ્રપ્રેમ તપાસવા માટે દેશભક્તો(!) સ્ટેથોસ્કોપ લઇને નીકળી પડયા છે. તેઓ મોટા પાયે રાજકીય સત્તા ટકાવી રાખવાની  સાપ–સીડી કે શતરંજના પ્યાદા ફેંકવાની રમત રમતા હોય તે રીતે દાવ પેચ રમવા માંડયા છે. સને ૨૦૧૪ના મે માસ પછી દેશનું રાજકીય સત્તાસુકાન જે હીંદુધાર્મીક ઉગ્રવાદીઓ પાસે આવેલ છે તે બધાને કેન્દ્ર અને જે તે રાજ્યોમાં સત્તા ટકાવવા પ્રજાના પાયા મુદ્દાઓ જેવાકે મોંઘવારી, બેરોજગારી, ગુણવત્તાવાળુ સારુ અને સસ્તુ શીક્ષણ, કૃષી ક્ષેત્રે પોષણક્ષમ ભાવ અને કીસાનોના આત્મહત્યાના સવાલો, ભ્રષ્ટાચાર મુક્ત સરકારી શાસન વગરે પ્રશ્નો ઉકેલવા નથી.

તે બધાને પોતાની સત્તા ટકાવી રાખવા અને જે રાજ્યોમાં રાજકીય સત્તા નથી ત્યાં મેળવવા માટે બે હથીયારો હાથ વગા છે. એક લઘુમતીઓ સામે યેનકેન પ્રકારે ધીક્કારનું વાતાવરણ ઉભું કરવાનું સતત ચાલુ રાખવું અને પછી હીંદુ મતોનું ધ્રુવીકરણ કરવું.એક આધારભુત માહીતી પ્રમાણે ફક્ત ઉત્તરપ્રદેશમાં સને ૨૦૧૪ પછી બીનશહેરી ક્ષેત્રોમાં કોમીદંગાની સંખ્યા આશરે ૧૦૦૦૦ થી વધારે હતી. બે, દેશમાં પાકીસ્તાન વીરોધી એવો મોહોલ ઉભો કરવો કે જેનો ચુંટણીમાં મતો મેળવવા ઉપયોગ થઇ શકે.

આ માટે તેમની પાસે એક નવું સાધન ' ફીલ્મ જગત' હાથમાં આવી ગયું છે. ભારતના ફીલ્મ ઉધ્યોગમાં કેટલીક ફીલ્મોના પ્રોડયુસરોએ નવીફીલ્મ શરૂ કરતાં કરેલ કરાર મુજબ જે તે ફીલ્મમાં પાકીસ્તાની ફીલ્મી કલાકારોની સેવા લેવાનું નક્કી કરેલું. તે મુજબ હવે ફીલ્મો પ્રોડયુસ થઇને રીલીઝ થવાનો સમય આવ્યો છે. બંને દેશના ફીલ્મી કલાકારોનો જે તે દેશની ફીલ્મ પ્રોડયુસ કરતી કુંપનીઓ પોતાની ફીલ્મોમાં વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છે. દેશની સરહદો પર થતી તંગદલી સાથે સાહીત્ય, કલા,અન્ય બૌધ્ધ્ક વીષય તજજ્ઞો,ફીલ્મી જગત અને વેપાર ધંધાનું આવું આદાનપ્રદાન વર્ષોથી નીયમીત ચાલુ છે. જેમાં બંને દેશના નાગરીકો તથા સરકારોને ગેરવ્યાજબી ક્યારેય લાગેલું નહી.

દેશના ફીલ્મ પ્રોડયુસરોએ  તાજેતરમાં ત્રણ ફીલ્મો જેવીકે એક ' એ દીલ હૈ મુશ્કીલ, બે, ડિયર જીંદગી, અને ત્રણ, રઇસ, પાકિસ્તાની ફીલ્મી કલાકારોના સહકારથી પ્રોડયુસ કરી છે. તેની સામે રાજ ઠાકરે અને મહારાષ્ટ નવનીર્માણ સેનાએ મુંબઇમાં પેલા ધર્માંધ લોકોના ફતવાની માફક હુકમ બહાર પાડયો કે અમારા 'રાષ્ટ્રવાદ' ના ખ્યાલ મુજબ અમે આ ફીલ્મો દેશમાં રીલીઝ નહી થવા દઇએ. કારણકે તેમાં પાકીસ્તાની કલાકારોએ રોલ ભજવ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યની દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રીની ભાજપ સરકાર પણ જેની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી છે તે ફીલ્મ પ્રોડયુસર્સોને રક્ષણ આપવાને બદલે આ કહેવાતી ક્ષુલ્લક દાદાગીરી બતાવતા 'બનાવટી રાષ્ટ્રવાદ'( ફેક નેશનાલીઝમ) સામે ઝુકી પડી.મુખ્યમંત્રીએ પેલા ફીલ્મના ઉત્પાદકોને રાજઠાકરેની ત્રણ શરતો માનવા મજબુર કર્યા. ત્રણ શરતો આ પ્રમાણેની હતી. એક,આર્મીના રીલીફ ફંડમાં રૂપીયા પાંચ કરોડ જમા કરાવવા. બે તેમની ફીલ્મ થીયેટરમાં શરૂ થાય તે પહેલાં શહીદોને શ્રધ્ધાંજલી આપવી પડશે.અને ત્રણ ભવીષ્યમાં કોઇ ફીલ્મ નીર્માતા કોઇ પાકીસ્તાની કલાકારને કામ નહીં આપે.

' એ દીલ હૈ મુશ્કીલ' ફીલ્મના પ્રોડયુસર કરણ જોહેર પોતાનીફીલ્મ પાછળ થયેલ ખર્ચને બચાવવા અને તાત્કાલીક રીલીઝ થવાની હોવાને કારણે ઉપર મુજબની શર્તો સ્વીકારવા મજબુર બન્યા. આવી રાષ્ટ્રપ્રેમના નામે દાદાગીરી કરનારા રાજ ઠાકરે અને એમ એન એસે તેમાં પોતાનો બહાદુર વીજય ગણ્યો.  ' આર્મી રીલીફ ફંડ'ના આયોજકોએ આવી રીતે બળજબરી અને કાયદો હાથમાં લઇને  દેશપ્રેમના નામે ઉઘરાવેલા નાણાં લેવાની ના પાડી દીધી.

વધુમાં જમીની હકીકત એ છે કે તમે જવાનોના નામે દેશના ફીલ્મ ઉધ્યોગને બાનમાં લઇને શીક્ષા કરી શકો નહી. દાદાગીરીથી આર્મી રીલીફ ફંડમાં નાણાં ભેગા કરી શકો નહી. આવી રીતે નાણાં વસુલ કરાવનાર, આપનાર, લેનાર ત્રણમાંથી કોઇની આબરૂ વધતી નથી. આ ફાલતું રાજકારણના ખેલાડીઓ ભારતની પ્રજાને મનમાં એવું ઠસાવવા માંગે છે કે જાણે દેશ પાકીસ્તાનના ત્રાસવાદના સામે નહી પણ તે પાકીસ્તાનના ફીલ્મ ઉધ્યોગ અને કલાકારો સામે યુધ્ધે ચડેલો હોય! આ તો ત્રાસવાદ સામેની લડાઇનું બેહુદુ અને બીલકુલ વીકૃત સ્વરૂપ છે. જેવી રીતે લશ્કરને કારણ વીનાનું 'સર્જીકલ સ્ટ્રાઇક'ના મુદ્દે 'સસ્તુ રાજકારણ' ગમતું નથી જે ખેલવામાં દેશના ખુદ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી ભાગીદાર છે. તેવી જ રીતે તેજ કારણસર દેશના હજારો લોકોને રોજીરોટી આપતા અને વૈશ્વીક કક્ષાએ નામાંકીત બનેલા બોલીવુડ ફીલ્મ ઉધ્યોગને રાષ્ટ્રવાદના નામે બાનમાં લેવાનું યોગ્ય દેખાતું નથી. આમાં તો દેશના નાગરીકોને લશ્કરનો રાષ્ટ્રવાદ( નેશનાલીઝમ)અને તેની ધર્મનીરપેક્ષતામાં નીષ્ઠા( સેક્યુલીરીઝમ) ટોચના રાજકીય નેતાઓના તકવાદી રાજકીય ઉચ્ચારણો કરતાં વધારે પરીપક્વ, આત્મવીશ્વાસી અને વાસ્તવીક સ્પષ્ટ અનુભવાય છે.

પાકીસ્તાની ફીલ્મી કલાકારોના ભારતીય ફીલ્મ ઉધ્યોગના રોલ માટે આટલો બધો બીનજરૂરી ઉહાપોહ થાય છે. તેની સામે પાકીસ્તાન સાથેના આપણો આયાત–નીકાસનો વેપાર, સરહદપરના આંતકી ચીંતાજનક પરીસ્થીતી સાથે પણ છેલ્લા એક દાયકામાં સતત બીનરોકટોક કેટલો વધ્યો છે તે જોઇએ. છેલ્લા બાર વર્ષોમાં આઠ ગણો વધ્યો છે, ૩૪૫૦ કરોડ થી વધીને ૨૭૬૦૦ કરોડ તે પણ ડોલરમાં રૂપીયાના ચલણમાં નહી. તેમાં ભારતની નીકાસ પાકીસ્તાની આયાત કરાતાં પાંચ ગણી વધારે છે. ભારત પાકીસ્તાન પાસેથી અબજો ડોલર કમાય છે જેમાંથી દેશના ઉધ્યોગો લાખો લોકોને રોજગારી તે પણ નીયમીત પુરી પાડે છે.

રાજઠાકરે, મહારાષ્ટ્ર નવનીર્માણ સમીતી, વડાપ્રધાન અને પારીકર વગેરે અને સંયુક્ત આર એસએસની રેન્ક એન્ડ ફાઇલને પુછો તો ખરા કે ભારતની તરફેણના પાકીસ્તાની વેપાર ઉધ્યોગને બંધ કરાવીને ક્યારે તેમાંથી રોટલો કમાતા કર્મચારીઓને બેકાર બનાવીને  દેશની તમારા જેવી રાષ્ટ્રીય વફાદારીના બ્યુગલ બજાવવાના નવા ઉધ્યોગમાં રોજી આપવા સામેલ કરો છો? આ રાજકારણીઓએ પોતાનો ધંધો ખરેખર  દેશના યુવાનો પાસેથી વીકસેલા ધંધાઓ અને નોકરીઓ તેમના તઘલઘી તુક્કાથી છોડાવીને બેકાર બનાવાનો તો નથી ને? તદ્ઉપરાંત ફીલ્મ ઉધ્યોગ સામેના ગતકડાં ટોચના રાજકારણીઓને શોભતા નથી. દેશના ફીલ્મ ઉધ્યોગ અને પાકીસ્તાની કલાકારોને શીક્ષા કરવાનું બંધ કરો. તે બધાના ઉધ્યોગોને નુકશાન કરવાનું બંધ કરીને મદદ કરો. તમારી આર્થીક નીતીઓને કારણે વધતા દેશના 'જીડીપી'ના વીકાસના ગુણગાન ન ગાશો. કારણકે તેનાથી કોઇ નવી રોજગારીની તકો( ઇટ ઇઝ એ જોબલેસ ગ્રોથ) દેશમાં પેદા થતીજ નથી. તમારા બેફામ ઉચ્ચારણોથી તમે આ દેશને કઇ દીશામાં લઇ જવા માંગો છો? આ બધા માંથી સમય હોય તો શાંતીથી વીચારજો! તે અંગે અમારી નવા વર્ષની શુભેચ્છા છે.

--