Friday, October 7, 2016

ચાલો,માનવવાદી ક્રાંતીના સર્જન માટે કેન્દ્રો સ્થાપીએ.


ચાલો,માનવવાદી ક્રાંતીના સર્જન માટે કેન્દ્રો સ્થાપીએ.

કોઇપણ વ્યક્તી કે સમાજ પરીવર્તન માટેની ચળવળ વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત હોવી જોઇએ. કારણકે આ જ્ઞાનમાં ખાસ વીશીષ્ટતા હોય છે કે તે સહેલાઇથી બધાને ઉપલબ્ધ હોય છે. તેમજ નવા સંશોધનથી તેમાં ચોક્કસાઇ અને ખરાપણું સતત વધતું જાય છે. તેના સત્યનો આધાર કોઇ વ્યક્તી વીશેષની સત્તા કે પદ પર ક્યારે અવલંબીત નથી. પણ હકીકત આધારીત માહીતીનો વધારો આવા સત્યોને સ્વીકૃત બનાવે છે.

 માનવવાદી વીચારસરણીના પાયાના ત્રણ મુલ્યો છે,(૧) સ્વતંત્રતા(૨) રેશનાલીટી અને (૩) ધર્મનીરપેક્ષ નૈતીક્તા.આ ત્રણ મુલ્યો આધારીત સતત ચર્ચા, સંવાદ અને પ્રકાશનો નીયમીત થવા હોઇએ. વાસ્તવીક જીવનમાં રોજબરોજની સમસ્યાઓ અને જાહેરહીતના પ્રશ્નોનું નીષ્પક્ષ મુલ્યાંકન આ બધા મુલ્યો આધારીત સ્થાનીક તાલુકા અને જીલ્લા કક્ષાના માનવવાદી કેન્દ્રોમાં થવું જોઇએ. આ બધા કેન્દ્રો આપણી વીચારસરણી આધારીત પ્રવૃત્તી પેદા કરવા માટેના વાહકો બનાવવાના છે. દરેક ચળવળોની સફળતાનો આધાર તેના વીચારોને અમલમાં મુકનારા વીકેન્દ્રીત સ્થાનીક સેન્ટરોના નેતૃત્વની બૌધ્ધીક પરીપક્વતાપર અવલંબીત હોય છે.

આપણા દેશમાં છેલ્લા ૬૫ વર્ષોથી લોક પ્રતીનીધીત્વ સ્વરૂપની લોકશાહી રાજ્યવ્યવસ્થા અમલમાં છે. દેશમાં રાજકીય પક્ષો આધારીત પ્રતીનીધી લોકશાહી સ્વરૂપની રાજ્યવ્યવસ્થાથી રાજ્યનું સંચાલન થાય છે. આ ઉપરાંત મુક્ત પ્રેસ,મીડીયા અને ન્યાયતંત્ર પણ છે. તો પછી આવા દેશમાં 'માનવવાદી મુલ્યો ' આધારીત ચળવળની શા માટે જરૂર છે? પરંતુ આ લોકશાહી માળખાને ટકાવી રાખે, તેનું સંવર્ધન કરે, તેમાં નાગરીકોની વીવેકશક્તી આધારીત શાંતીમય સહીયારા પ્રયત્નોથી  બહુજનસમાજ માટે હીતકારી ફેરફારો લાવે તેવું વાયુમંડળ પેદા કરવાની જવાબદારી આ કેન્દ્રોએ લેવાની છે. આપણા સમાજની તેના વ્યક્તીગત અને સામુહીક પ્રશ્નો  ઉકેલવાની પધ્ધતી ધાર્મીક છે. દેશમાં નાગરીક સમાજ ને બદલે  ધાર્મીક સમાજ અસ્તીત્વ ધરાવે છે. પ્રજાના દરેક પ્રકારના નીર્ણયોમાં ધર્મ આધારીત જીવન પ્રણાલીનું સતત આધીપત્ય દેખાય છે.

વીશ્વ ફલકપર લોકશાહીનો ઉદય ધર્મની વેદી પર જ થયો છે. લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં ધર્મનું વીયોજન ( સેપરેશન) અંતર્ગત (ઇનબીલ્ટ) છે. પ્રજાની વીચારપધ્ધતી ધાર્મીક અને રાજ્ય વ્યવસ્થા ધર્મનીરપેક્ષ એ બે વચ્ચે સુમેળ કેવી રીતે સધાય ! સ્થાનીક માનવવાદી ક્રાંતીકારી વીકેન્દ્રીત કેન્દ્રોનું મુખ્ય કાર્ય ઉપર જણાવેલ વીસંવાદીતાને દુર કરવાનું છે. પ્રજાને મૃત્યુ પછીના પ્રશ્નો ઉકેલાવામાંધી બહાર કાઢી આ ઐહીક દુનીયાના( ધીઝ વર્લડલી) પ્રશ્નો જેવાકે ગરીબી, અસમાનતા, કુપોષણ, આરોગ્ય, રોજગારી, શીક્ષણ વગેરેને

 સહીયારા માનવ પ્રયત્નોથી ઉકેલી શકાય તે માટેની બૌધ્ધીક અને વૈચારીક ભુમીકા તૈયાર કરવાનું છે. તેવો આત્મવીશ્વાસ પેદા કરવાનું ભગીરથ કાર્ય આ કેન્દ્રોનું રહેશે. ' આ દેશનો દરેક નાગરીક પોતાના ભાગ્યનો વીધાતા પોતે જ છે અને તેનું ભાગ્ય પહેલીથી પુર્વ નીર્ણીત નથી' તે વીચારસરણી આ કેન્દ્રોએ પ્રસાર કરવાની છે. પ્રારબધ્ધવાદી માનસીકતામાંથી પ્રજાને પુરૂષાર્થવાદી આધુનીક માનસીકતા પ્રાપ્ત કરે તેવું વલણ કેળવવાનું કામ આ માનવવાદી ક્રાંતીના વાહકોએ કરવાનું છે.

આપણી લોકશાહી રાજ્યપ્રણાલી પક્ષીયરાજકારણના સત્તાકીય કાવાદાવાની ભોગ બની ગઇ છે. બધાજ રાજકીય પક્ષોએ આ શતરંજવાળી સત્તાકીય દોડમાં વીચાર અને વર્તનમાં માનવ મુલ્યોનો સંપુર્ણ ત્યાગ કરેલ છે.પ્રજાના જુનવાણી વર્તનો અને વીચારોને થાબડી થાબડીને આધુનીક સંસ્થાઓનો પોતાના ધાર્મીક અને રૂઢીચુસ્ત હીતોને ટકાવવા ઉપયોગ કરે છે. બ્રીર્ટીશરો પાસેના રાજકીય સત્તાના ફક્ત હસ્તાંતરથી દેશ આધુનીક બની શકે નહી. રૂઢીચુસ્ત સમાજમાં આધુનીકતાનો છોડ વીકસી શકે જ નહી. માનવવાદી  કેન્દ્રોની સ્થાપના પાછળનો મુખ્ય ધ્યેય વૈજ્ઞાનીક જ્ઞાનઆધારીત સમાજમાં પેદા થતા આધુનીક પરીબળોના પ્રવાહોનું સીંચન અને પોષણ કરવાનું છે. આધુનીકતાના પાયાના ત્રણ લક્ષણો હોય છે. એક, તે  ઓધ્યોગીક સમાજનું સર્જન છે. બે,તેનો વીકાસ માનવ જીવનના શહેરીકરણમાં થાય છે. તેનું સમગ્ર દર્શન ધાર્મીક વીચરસરણીની વીરૂધ્ધનનું હોય છે. પણ તે માનવીની ભૌતીક, ઐહીક સુખાકરી કેન્દ્રીત હોય છે.

  માનવ મુલ્યો આધારીત ક્રાંતીકારી નેતૃત્વ એક અમુલ્ય ચીજ છે. તે કોઇ ઓધ્યોગીક કારખાનામાંથી જથ્થાબંધ ઉત્પન થતી ચીજ નથી. આવા નેતૃત્વ પાસે બોધ્ધીક સજજજતા હોય છે. જ્ઞાન આધારીત નીર્ણય લઇને તે નીર્ણય પ્રમાણે સમર્પણ કરવાની તેનામાં સહજ પ્રતીબધ્ધતા વીકસેલી હોય છે. ભારતીય રૂઢીચુસ્ત સમાજને તેના સ્વરચીત કોચલામાંથી બહાર કાઢવાનો બીજો કોઇ જ માર્ગ નથી.

 

--