Tuesday, October 25, 2016

ટ્રીપલ તલ્લાક– મુસ્લીમ ધર્મ આધારીત જીવન પધ્ધતીનું સર્જન.

ટ્રીપલ તલ્લાક– મુસ્લીમ ધર્મ આધારીત જીવન પધ્ધતીનું સર્જન.

તાજેતરમાં દેશની સર્વૌચ્ચ અદાલત સમક્ષ મુસ્લીમ તલ્લાક પામેલ સ્રીઓએ ભરણપોષણ અને અન્ય બંધારણીય હક્કોની માંગણી કરેલ છે. તેની સામે મુસ્લીમ પર્સનલ લો બોર્ડે સર્વૌચ્ચ અદાલત સમક્ષ રજુઆત કરી છે કે તલ્લાકનો મુદ્દો અમારો ધાર્મીક છે. જે કુર્આન અને શરીયતના નીયમોથી સંચાલીત હોવાથી તેમાં દેશની અદાલતોને ચુંચુપાત કરવાનો અધીકાર નથી. દેશના કાયદાના માળખાથી અમારા ધાર્મીક નીતી નીયમો પર છે, સ્વતંત્ર છે. ભલે અમે આ દેશના કાયદેસરના નાગરીકો ભારતીય બંધારણના નીયમો મુજબ બન્યા હોય. અને બંધારણે બક્ષેલા બધાજ મુળભુત અધીકારો બીનદાસ ભોગવતા હોય! પણ અમારા ધાર્મીક નીયમો કે કાયદા ઘડનારા પરવરદીગાર અલ્લાહ છે. અલ્લાહે પૃથ્વીપર તેમના પયગંબર મારફતે પોતાના અનુયાઇઓના ઐહીક, દુન્યવી કે આ જગતને લગતા તમામ અરસપરસના માનવીય અને અન્ય વ્યવહારો કેવા હોવા જોઇએ તે ' સુરજ અને ચાંદ' રહે ત્યાં સુધી નક્કી કરેલા છે. તે બધા કાયદાઓ કે નીતી નીયમોનું ઉલ્લંઘન એટલે અલ્લાહના હુકમોનું ઉલ્લંઘન. તેમાં કોઇપણ પ્રકારનો હસ્તક્ષેપ એટલે આપણા દેશના બંધારણે બક્ષેલા ધાર્મીક સ્વતંત્રતાના અમારા નાગરીક અધીકારોનું ઉલ્લંઘન. હવે તલ્લાકના મુદ્દે 'મુસ્લીમ પર્સનલ લો બોર્ડ'ના નીયમો શું છે તે જોઇએ.

(૧) આ કાયદા હેઠળ તલ્લાક પામેલ મુસ્લીમ સ્રીને તેને તલ્લાક આપનાર પતી પાસેથી વ્યાજબી, ન્યાયી ભરણપોષણની વ્યવસ્થા ' ઇદ્દત' ના સમય પુરતી જ મેળવવાનો હક્ક છે. ઇદ્દતનો સમય સાડાચાર માસનો હોય છે.

(૨) તલ્લાક પામેલ સ્રી, જો તેના પુર્વપતી પાસેથી થયેલ તલ્લાક પહેલાં કે પછી પેદા થયેલ બાળકોની જન્મ તારીખથી ફક્ત બે વર્ષ સુધી જ વ્યાજબી અને પોતાની લગ્નગાળા દરમ્યાનની સામાજીક આર્થીક સ્થીતી પ્રમાણેનું ભરણપોષણ લેવા હક્ક્દાર છે.

(૩) લગ્ન સમયે મળેલ મેહર કે ડાઉરીની રકમ તે પતી પાસેથી મેળવવા આ કાયદા પ્રમાણે હક્ક્દાર છે. ઉપરાંત લગ્ન પહેલાં કે પછી સ્રીને તેના સગાવહાલાં, મીત્રો અને પતી તરફથી મળેલ બધીજ રોકડ અને સ્થાવર મીલકત પર તેણીનો હક્ક છે.

(૪) વધારામાં આ કાયદામાં એવી જોગવાઇ છે કે આ સ્રીની 'ઇદ્દત' ના સમય સુધીની અને ઉપર જણાવેલ સવલતોથી પણ પોતાનું ભરણપોષણ થઇ શકે તેમ ન હોય તો ( હવે આ પુરૂષ પ્રધાન કાયદો જે માર્ગ બતાવે છે તે શાંતીથી સમજો) તલ્લાક લીધેલ સ્રીના મૃત્યુ બાદ જે નજીકના સગાવહાલા તેણીની હાલની મીલકતના આ કાયદા પ્રમાણે કાયદેસરના ભવીસ્યના વારસદારો બનવાના હોય અને તે બધાને જે હીસ્સો મળવાનો હોય તે હીસ્સાપ્રમાણે તે બધાની પાસેથી ભરણપોષણ વસુલ કરવાનો ન્યાયાધીશ હુકમ કરે! કારણકે આ કાયદો તલ્લાક આપેલ પતીને તેની નવી બીજી સ્રીના ભરણપોષણની ચીંતા હોવાથી અગાઉની સ્રીના ભરણપોષણમાંથી મુક્તી અપાવે છે.

(૫) હજુ આ કાયદો તલ્લાક લીધેલ મુસ્લીમ સ્રીના ભરણપોષણ માટે કેટલી બધી ચીંતા કરે છે તે વીગતે જોઇએ! તેણીના પુખ્ત ઉંમરના દીકરા– દીકરીઓને ભરણપોષણ માટે ન્યાયાધીશ હુકમ કરી શકે છે. જો આ તેના દીકરા– દીકરીઓ તેના ભરણપોષણની જવાબદારી ન લઇ શકે તેમ હોય તો ન્યાયાધીશ તલ્લાક સ્રીના હયાત મા–બાપોને તેણીના ભરણપોષણ માટેનો હુકમ કરી શકે છે.

(૬) ઉપરના બધા જ માર્ગ અને સાધનો દ્રારા પણ તેણીના ભરણપોષણનો પ્રશ્ન ન ઉકેલી શકાય તેમ હોય તો સને ૧૯૯૫થી અસ્તીત્વમાં આવેલા વક્ફ એક્ટ ની કલમ ૧૩ હેઠળ ન્યાયાધીશ જે તે વીસ્તારમાં અસ્તીત્વ ધરાવતી વક્ફ બોર્ડને ન્યાયાધીશ નક્કી કરે તે પ્રમાણેનું ભરણપોષણ તલ્લાક પામેલ સ્રીને આપવાનો હુકમ કરી શકે છે.

 આ મુદ્દે આપણો પહેલો સવાલ છે કે કોઇપણ ધર્મનું કાર્યક્ષેત્ર શું છે? બધાજ ધર્મોનું જો કોઇ કાર્યક્ષેત્ર હોય તો તે એક જ છે. " પોતાના દરેક ધાર્મીક અનુયાઇઓના મૃત્યુ પછીના જીવન( જો હોય તો)નું સંચાલન કરવાનાના નીતી નીયમો બનાવી, તે પરલોકના જીવન અંગે જાતભાતના ભય દેખાડી તેના આ જીવતા જીવનપર આધીપત્ય ભોગવવું."  મુસ્લીમ ધર્મ તેમાંથી બાકત કેવી રીતે હોઇ શકે?  બધાજ ધર્મોનું બીજું એક અગત્યનું પાસુ એ છે કે  તમામ ધર્મોનું સર્જન જે તે સમાજની કૃષી સંસ્કૃતીના પ્રાથમીક તબક્કાઓમાં અને શીકારયુગની સંસ્કૃતીના અંતીમ તબક્કામાં વીકસેલા નૈતીક કે સામાજીક મુલ્યોને આધારે થયેલું છે.  જે તે સમાજને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા સ્થાયી સામાજીક, રાજકીય,અને આર્થીક સત્તાકીય વ્યવસ્થા–સંચાલન વગેરે માટે જરૂરી હતું.  આ બધા ધર્મોએ જે તે ભૌગોલીક વીસ્તારોમાં પુરું પાડયું હતું. કોઇપણ કબીલા, ટોળી કે સમુહે પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા ધર્મ અને ઇશ્વરના નામે નીતી નીયમો તૈયાર કરીને પોતાના આવા સામાજીક સમુહોનું નીયંત્રણ સદીઓથી કરતા આવ્યા છે. માનવ સંસ્કૃતીના ઇતીહાસમાં જે સમાજોએ નવા જ્ઞાન, માહીતી વગેરેને આધારે પોતાની પ્રજાને પૃથ્વીપર જ સુખ સમૃધ્ધી, અમન અને  પોતાની શાંતી મળે તે માટે પોતાના ધાર્મીક રીતી રીવાજોમાં અને માન્યતાઓમાં ફેરફારો કર્યા; તે બધા જીવન ટકાવી રાખવાના સંઘર્ષમાં અન્ય ધાર્મીકસમાજો કે પ્રજા કરતાં ઘણા આગળ નીકળી ગયા છે. જે સમાજોએ પોતાના ધાર્મીક રીતી રીવાજો સંપર્ણ અપરીર્વતનશીલ છે તેમ સમજીને નવા જ્ઞાન–વીજ્ઞાનના પ્રવાહોને યેનકેન પ્રકારે ફગાવી દીધા તે બધાજ સમાજો અને રાષ્ટ્રો સર્વ માનવીય માપદંડો પ્રમાણે ( હ્યુમન ઇન્ડેક્ષ બેસીસ) ૨૧મી સદીમાં પછાત રહીને સમગ્ર માનવ વૈશ્વીક શાંતીને ખલેલ પહોંચાડે છે. ભારતીય રાજય સત્તા આર એસ એસ સંચાલીત ભારતીય જનતા પાર્ટી દ્રારા તે જ દીશામાં દેશને ઝડપથી હંકારી રહી છે.

વીશ્વમાં, આમ બધાજ ધર્મોનું સર્જન પંદરમી સદીના જ્ઞાન–વીજ્ઞાન અને ઔધ્યોગીક ક્રાંતીના યુગ પહેલાંનું છે. હીંદુ ધર્મ આશરે ચાર, પાંચ હજાર વર્ષ,  ખ્રીસ્તી ધર્મ આશરે એકવીસો વર્ષ અને ઇસ્લામ ધર્મ આશરે ચૌદસો વર્ષ પહેલાં વાસ્તવીક રીતે પોતાના ભૌગોલીક વીસ્તારમાં અસ્તીત્વમાં આવ્યા છે. તેથી તાર્કીક રીતે એમપણ  સાબીત થાય છે કે આ બધા ધર્મોનું અને તેમના સર્જકો જેવા કે રામ,કૃષ્ણ, જીસસ, અને પયગંબર મહંમદ વગેરેનું આ સમય પહેલાં કોઇ અસ્તીત્વ ન હતું. પણ તેમના પહેલાં હીંદુસ્તાન, જેરૂસલામ કે મક્કા મદીનામાં માનવ સમાજોમાં લોકો પોતાના અરસપરસના નીયમોના બંધનોથી જીવતા તો હતા જ. બીજી એક અગત્યની વાત છે કે પંદરમી સદી પછી ઝડપથી વીકસતા જતા જ્ઞાન–વીજ્ઞાન યુગમાં નવા ઇશ્વરી ધર્મો અને તેના પયગંબરો જન્મ લેતા બંધ થઇ ગયા! જ્ઞાન–વીજ્ઞાને બધાજ ધર્મોના દૈવી ચમત્કારો અને ધાર્મીક સત્યોને વૈજ્ઞાનીક પુરાવોને આધારે પડકારીને બીલકુલ વાહીયાત સાબીત કરી દીધા છે. તે બધા બુઝાતા દીપકો છે. જે પોતાની વાટમાંથી તેલ બીલકુલ સુકાઇ જતા ડચકા ડચકા ખાતા અંતીમ ઝબકારા મારી રહ્યા છે. તે બધા ધર્મોને ટકી રહેવા માટેનો પ્રાણવાયુ તો જ્ઞાન–વીજ્ઞાને ક્યારનોય કાઢી લીધો છે. કદાચ આવતી ૨૨મી સદી પહેલાં જ બધા ધર્મોના એકબીજા સાથેના ધાર્મીક સંઘર્ષો  કેવા હતા તેવો પૌરાણીક વારસો સાચવવા મસ મોટા તેમના સંગ્રહસ્થાનો (મ્યુઝીયમ) ન બનાવવા પડે તો જ નવાઇની વાત ગણાશે!

છેલ્લે આપણે ઓલ ઇંડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડ, તલ્લાક માટે નીમાયેલ કાઝી– મોલવીની પંચાયત વગેરેને અથવા પોતાના ધર્મ સામે સુપ્રીમ કોર્ટમાં મુસ્લીમ સ્રીઓએ કરેલ પીટીશનને આધારે પોતાની ધાર્મીક ઓળખ(આઇડેનટીટી) ભયમાં મુકાઇ ગઇ છે તેવા ઉહાપોહ કરતા સૌ ને પુછી શકીએ ખરા કે ભારત જેવા ધર્મનીરપેક્ષ લોકશાહી દેશમાં , જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવા મુલ્યો સાથે પોતાના નાગરીકોના સર્વાંગી વીકાસ માટે સંઘર્ષ કરતા દેશમાં મુસ્લીમ સ્રીઓના સ્થાન અંગે અમને ફક્ત દસ લીટીઓમાં જણાવો.

 

 

 

 

 

 


--