Tuesday, June 13, 2017

ભુઆઓ સામે ગુજરાત રાજ્યના રાજ્યપાલને આવેદન પત્ર


રવાના–

બીપીન શ્રોફ,

 પ્રમખ, ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ અધીવેશન,

 ૧૮૧૦, લુહારવાડ, મહેમદાવાદ, (૩૮૭૧૩૦) જીં ખેડા,

તા. ૧૪મી જુન ૨૦૧૭. મો. 97246 88733.

માનનીય રાજ્યપાલ શ્રી,

ગુજરાત સરકાર, ગાંધીનગર.

વીષય-તાજેતરમાં   ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને શીક્ષણ ખાતા તરફથી ૩૦૦ ભુઆઓનો (OCCU'LT  અલૌકીક શક્તી હોવાનો દાવો કરનારાઓનું) બહુમાન કરવાના પગલા સામે વીરોધ–

અમારી સંસ્થા ગુજરાતમાં દેશના બંધારણની કલમ ૫૧ એચ મુજબ નાગરીકોમાં માનવવાદ, અને વૈજ્ઞાનીક અભીગમ જેવા મુલ્યો વીકસે તે માટે સતત કામ કરે છે.અમારી સંસ્થાના ઘણા એકમો નીયમીત રીતે ગામડામાં જઇને અંધશ્રધ્ધા અને વહેમો સામે  શાંતીમય અને શૈક્ષણીક પધ્ધતીથી વૈજ્ઞાનીક પ્રયોગો બતાવીને જાગૃતતા ફેલાવાનું કામ કરે છે. અમે ગ્રામીણ પ્રજાને કંકુ કેવીરીતે નીકળે,  પાણી રેડી કેવી રીતે અગ્ની પ્રગટાવાય તેવા અનેક પ્રયોગો બતાવીને ' ચમત્કારો થી ચેતો' , કોઇ ચમત્કારી દાવાઓથી છેતરાશો નહી તેવી માહીતી આપીએ છીએ.

હવે આવા અભીગમ સામે ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને શીક્ષણ વીભાગે  ગુજરાતભરના ગામડાઓમાંથી આશરે ૩૦૦ જેટલી મોટી સંખ્યામાં ભુઆઓને ગાંધીનગર મુકામે બોલાવીને સન્માન કરવાનું રાજ્ય સરકાર તરફથી નક્કી કર્યુ છે. જે નીર્ણયનો અમે નીચે જણાવેલા કારણોસર સખત વીરોધ કરીએ છીએ.

(૧) આ ભુઆઓ જે પોતાને દૈવી કે અલૌકીક શક્તી પ્રાપ્ત કરી હોવાનો દાવો કરે છે તેને વીજ્ઞાનનો કોઇ આધાર જ નથી. અમારી સંસ્થા તે બધાને તેમના ઇશ્વરી દાવાઓને જાહેરમાં પડકારીએ પણ છીએ.

(૨) દેશના બંધારણે ખાસ સુધારો કરીને  ૫૧ એચ કલમમાં દેશના નાગરીકોની ફરજોમાં વૈજ્ઞાનીક અભીગમ વીકસાવવાની દરેક નાગરીકની ફરજ છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે. આ બધા ભુઆઓ ગામડાની અભણ, ગરીબ અને અંધશ્રધ્ધામાં ગળાડુબ પ્રજાની નબળી માનસીકતાનો લાભ લઇને  તેમાંય ખાસ કરીને બહેનોનું સર્વપ્રકારનું શોષણ કરે છે. બહેનોને શારીરીક શીક્ષા કરી જબ્બર ત્રાસ આપે છે. આવા સામાજીક પરીબળો  ગુજરાતના ગ્રામ્ય જીવનમાં કોઇપણ જાહેર અને વ્યક્તીગત આરોગ્ય, શીક્ષણ, વિજ્ઞાન આધારીત જાગૃતતા  માટે મથતા પરીબળોની સામે પડે છે. ઘણીવાર તેઓ હીંસક હુમલાઓ પણ કરે કરાવે છે. તેઓની પાસે આવેલા અબુધ દર્દીઓની જીંદગી જોખમમાં મુકાય ત્યાંસુધી તે જાતભાતના ચીત્રવીચીત્ર નુસ્ખાઓ કરે છે.માનવવીકાસ અને જાગૃતતા વીરોધી ગામડાના પરીબળોને આપણી બંધારણીય નીયમો મુજબ અસ્તીત્વમાં આવેલી ગુજરાત સરકાર કેવી રીતે  આવા ભુઆઓનું બહુમાન કેવી રીતે કરી શકે?

(૩) આપણા પડોશી પ્રગતીશીલ રાજ્ય મહારાષ્ટ્રની સરકારે તો આવા ભુઆઓ અને આવા કૃત્યો કરનારાઓ સામે બીલ લાવીને સજા અને દંડ થાય તેવો કાયદો  બનાવ્યો છે.

(૪) અમો અરજદારની આપને અમારા રાજ્યના બંધારણીય વડા અને બંધારણના રક્ષક તરીકે નમ્ર અરજ છે કે  રાજ્ય સરકારના સામાજીક ન્યાય તથા શીક્ષણ ખાતાના પ્રધાનોને આવા બંધારણ વીરૂધ્ધના કામ કરતા તાત્કાલીક અટકાવો.

શુભેચ્છા સાથે,

લીં

બીપીન શ્રોફ અને બીજા. 

--