ફળજયોતીષ લેખ –૨.
ફળજ્યોતીષ અને ખગોળશાસ્ર વચ્ચે શું તફાવત છે? કેમ ફળજ્યોતીષ
( astrology not astronomy )નો આધાર વૈજ્ઞાનીક શોધખોળો પર આધારીત નથી?
ફળજ્યોતીષ અને ખગોળશાસ્ર વચ્ચે કયા કયા તફાવતો છે? સામાન્ય રીતે લોકોને અવકાશી પદાર્થો અને તેમાં બનતી ઘટનાઓ પર શરૂઆતને તબક્કે જીજ્ઞાસા, કુતુહુલ કે આતુરતાથી રસ પેદા થયો હતો. તેઓને સુર્ય, ચંદ્ર, તારાઓ, પ્રકાશ, આકાશી વીજળી અને વાદળોના ગડગડાટોમાં માનવસહજતાથી રસ જાગ્યો હતો. સુર્ય કેવી રીતે ઉગે છે, આથમે છે, ચંદ્રના કદમાં કેમ નીયમીત રીતે ફેરફારો થાય છે, રૂતુઓ કેમ આવે છે અને બદલાય જાય છે. ઘણીવાર વરસાદ ખુબ પડે છે, ઘણીવાર બીલકુલ પડતો નથી. જો પૃથ્વીની આવી ભૌતીક ગતીવીધીઓ પર આ બધા અવકાશી પદાર્થો અસર કરતા હોય તો કેમ તે માનવીના ભાવીપર કેમ અસરો ન કરતા હોય?
ફલજ્યોતીષનો આધાર એ છે કે દરેક અવકાશી પદાર્થ ખાસ કરીને સુર્યમંડળના ગ્રહો જેવા કે મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શની, ઉપરાંત કાલ્પનીક રાહુ અને કેતુ વગેરે એક દેવ ( Deity) સ્વરૂપે અસ્તીત્વ ધરાવે છે. તે બધા વ્યક્તીગત ધોરણે માનવીના ભાવીને , નસીબને ઘડે છે. તેમાં રસ ધરાવે છે. તેમની બુરીનજર કે પનોતી વ્યક્તીગત ધોરણે માનવીની જીંદગીને વેરાનછેરન કરી શકે છે. ઘણાબધા ધર્મો, ખાસ કરીને હીંદુ ધર્મ માને છે કે દરેક હીદુનું ભાવી જન્મ સાથે નક્કી થઇને આવે છે. ' વીધાતાના છઠ્ઠીના લખ્યા લેખ કોઇથી મીથ્યા થઇ શકતા નથી.' હીંદુ આસ્થા પ્રમાણે હીંદુનું ભાવી, તેનો વર્તમાન જન્મ અને તે ચાર વર્ણોમાંથી કયા વર્ણમાં જન્મ છે તે બધું જ તેના પુર્વજન્મોના કર્મ પર આધારીત છે. પુર્વજન્મ, શરીરમાં આત્માનું અસ્તીત્વ, પછી વર્તમાન જન્મ અને પુર્નજન્મ આ બધુ જ હીંદુ ધર્મે પોતાની વર્ણવ્યવસ્થા આધારીત જે બીલકુલ અસમાન અને શોષણખોર સમાજ પેદા કર્યો છે તેને ટકાવી રાખવા માટે ઉભી કરવામાં આવી છે.
પરંતુ વૈશ્વીકક્ક્ષાએ ગેલેલીયો, કોપરનીકસ, બ્રુનો અને ન્યુટનથી શરૂ થયેલી અવકાશી પદાર્થીના સંશોધનોએ ફલજ્યોતીષની બધી માન્યતાઓનો આધાર જ વૈજ્ઞાનીક માહીતીઓના આધારે તોડી નાંખ્યો છે. ખગોળવીધ્યા એક વૈજ્ઞાનીક જ્ઞાનની શાખા તરીકે વૈજ્ઞાનીક પધ્ધતીને આધારે સતત વીકસતી રહી અને આપણને અવકાશી પદાર્થો અને તેની ગતી વી. અંગે આપણને બૌધ્ધીક રીતે સજ્જ કરતી રહે છે. તેની સામે ફલજ્યોતીષ ના દાવાઓ પોકળ સાબીત થતા જાય છે. તેને ક્રમશ; નવા અવકાશી જ્ઞાન અને શોધખોળો આધારીત પશ્રીમી અને ભારત સહીત પુર્વના દેશોમાંથી જાકરો મળતો રહ્યો છે.
હવે આપણે ફલજ્યોતીષના દાવાઓ કેવી રીતે અવૈજ્ઞાનીક છે તે એક પછી એક જોઇએ.
(૧) ખાસ કરીને સુર્યમંડળના નવ ગ્રહો જેમાં બે કાલ્પનીક ગ્રહો રાહુ અને કેતુ જેનું કોઇ ભૌતીક અસ્તીત્વ નથી તે બધાજ ગ્રહો પૃથ્વીપરના દરેક માનવીના રોજબરોજના જીવનમાં રસ ધરાવે છે. નવ ગ્રહો ( સુર્ય,ચંદ્ર, રાહુ, કેતુ, બુધ, શુક્ર, મંગળ, ગુરૂ,ને શની.) માંથી આપણે બે ભૌતીક અસ્તીત્વ નહી ધરાવતા ગ્રહો રાહુ –કેતુની બાદબાકી કરીએ તો સાત રહ્યા. બીજુ પ્લેટો,યુરેનસ,નેપચ્યુન, જે ખરેખર સુર્યમંડળના દા.ત બુધ,શુક્ર,પૃથ્વી કે મંગળ ગુરૂ, શની જેવા જ ગ્રહો છે તે બંનેનું હીંદુ ફલજ્યોતીષમાં કોઇ સ્થાન નથી. તે બધાનું સર્જન પણ સુર્યમંડળના બીજા ગ્રહોની માફક સુર્યમાંથી જ થયેલું છે.આ બધા ગ્રહો સુર્યમંડળના સભ્યો છે. તેનો જન્મ સુર્યની સાથે જ થયેલો છે. તે બધાજ અન્ય અવકાશી પદાર્થોની માફક બીલકુલ ભૌતીકરીતે જડ છે. તેમાં કશુંય દેવી,ઇશ્વરી કે ચમત્કારી તત્વ અસ્તીત્વ ધરાવતું નથી.પૃથ્વી સીવાય સુર્યમંડળના કોઇ ગ્રહ પરમાનવ સહીત કોઇપણ પ્રકારની સજીવ જીવો પણ અસત્ત્વ ધરાવતા નથી.
(૨) સાતગ્રહોમાં હીંદુ ફળજ્યોતીષ પ્રમાણે ચંદ્ર અને સુર્યને પણ ગ્રહો ગણ્યા છે. ખરેખર ચંદ્ર ગ્રહ છે જ નહી. તે આપણી પૃથ્વીમાંથી છુટો પડેલો એક ઉપગ્રહછે અને સુર્યની માફક તારો નહી હોવાથી ચંદ્ર સ્વયંમ પ્રકાશીત બીલકુલ નથી.. તે સુર્યમાંથી છુટો પડલા ગ્રહો જેવાકે બુધ,શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શની જેવો ગ્રહ પણ નથી. વધારામાં સુર્ય પણ ગ્રહ જ નથી. તે એક સ્વયંમપ્રકાશીત તારો ( આકાશ ગંગામાં જે અબજો તારાઓ છે તેમાંનો એક) છે.સુર્યમંડળના બધાજ ગ્રહો તારાઓ નહી હોવાથી તે સ્વયંપ્રકાશીત નથી. તે આપણને જે પ્રકાશમય રાત્રીને સમયે દેખાય છે તે સુર્યના પ્રકાશનું પરાવર્તન હોય છે.ફલજ્યોતીષને પ્રકાશની ઝડપ અને તેની અસરો વીષે ખરેખર કોઇ માહીતી જ નથી. તેની સામે ખગોળશાસ્રે વૈજ્ઞાનીક પધ્ધતીને આધારે પ્રકાશની ઝડપ,વી ગણીને તેને આધારે ભવીષ્યમાં આવી રહેલી અવકાશી ઘટનાઓ અંગે સચોટ ગણતરી કરી આગાહી કરી શકે છે.
(૩) ફળજ્યોતીષનો અવૈજ્ઞાનીક આધાર એ છે કે આ બધા નવ ગ્રહો પૃથ્વીપરના સાત અબજની વસ્તીનું ભાવી ઘડે છે. સુર્ય સીવાય કોઇ ગ્રહોને પોતાના પ્રકાશના કીરણો જ નથી. તો આ બધા ગ્રહો માનવીને ભાવીને કેવી રીતે અસર કરી શકે? કોઇ આ ફલ જ્યોતીષીઓને પુછી શકે ખરા કે માનવીના રોજબરોજના જીવનને અસર કરવા ગ્રહો પાસે કયું માધ્યમ છે? આપણને ખબર છે ખરી કે આ બધા ગ્રહો આપણી પૃથ્વીથી કેટલા કેટલા દુર દુર અંતરે અવકાશમાં આવેલા છે? બુધ.૫૭. ૯મીલીયન કી.મી, શુક્ર ૧૦૮.૨ મી કી.મી. મંગળ ૨૨૭.૯ મી. કી.મી, ગુરૂ ૭૭૦.૦ મી કી મી. શની ૧૪૩૦ મી કી ( પૃથ્વી અને સુર્યના વચ્ચેના અંતરથી આઠ ઘણો દુર.) સુર્ય ૧૪૯.૬ મી. કી. મી. યુરેનસ ,નેપચ્યુન અને પ્લુટો અતી અતી દુર છે. સુર્ય આપણી પૃથ્વીથી નવલાખ માઇલ દુર છે. તેના પહેલા કીરણને પૃથ્વી પર આવતાં આઠ મીનીટ અને વીસ સેંકડ લાગે છે. પ્રકાશના કીરણની એક સેકંડની ઝડપ(સ્પીડ) ત્રણ લાખકી મી પ્રતી સેંકડની છે. જે ગ્રહોને પોતાનો પ્રકાશ જ ન હોય તે આપૃથ્વી પરની સાત અબજની વસ્તીને વ્યક્તીગત ધોરણે કેવી, ક્યાં અને કેટલે સુધી અસર કરી શકે?
(૪) આપણી પાસે સમયના માપ માટે નાનામાં નાનું સાધન સેંકડ છે. વિશ્વમાં પ્રતી સેંકડે ૪૦ બાળકો જન્મે છે. ફલજ્યોતીષ પ્રમાણે આ પ્રતી સેંકડે જન્મેલા બધાજ બાળકોની રાશી,નક્ષત્ર અને ભાવી પણ એક સરખાં જ હોવા જોઇએ. તેવું બને છે ખરૂ? સમાન સેંકડે જન્મ્લા બધાજ ગાંધી, નેલસન મંડેલા કે આઇનસ્ટાઇન બનતા નથી. કેમ? ફલજ્યોતીષ પ્રમાણે જો જન્મ સમય પ્રમાણે ગ્રહોની સ્થીતી આપણું ભાવી નક્કી કરતું હોય તો?
ખરેખર ભારતીય ફલજ્યોતીષ પ્રમાણે ગ્રહો આપણા જીવનને કોઇપણ પ્રકારે અસર કરે છે તે માન્યાતાને વીજ્ઞાનનો કોઇ આધાર જ નથી. તે માન્યતા જ બોગસ છે. તેવી જ રીતે હસ્ત રેખા અને મુર્હુતની માન્યતા પણ અવૈજ્ઞાનીક હોવાથી બોગસ જ છે.