ગુરૂનો ખ્યાલ ઇરેશનલ છે તેથી અમાનવીય છે.
છે,હીદુ ધર્મ આધારીત જીવન પધ્ધતીમાં અષાઢ સુદ પુનમના દીવસને ગુરૂ પુર્ણીમા તરીકે ઉજવવામાં આવે છે. આ ધર્મમાં બીલકુલ સહજ ખ્યાલ છે કે' ગુરૂ વીના જ્ઞાન ન મળે.' ગુરૂના આશીર્વાદ સીવાય આ જીંદગીમાં અને મૃત્યુ બાદ પણ કલ્યાણ ન થાય. માટે માણસ માત્રને ગુરૂ તો જોઇએ જ. આ ૨૧મી સદીમાં બની બેઠેલા નહી પણ આપણે બનાવેલા ગુરૂઓ કઇ કઇ દુન્યવી ભોગવીલાસની વસ્તુઓથી રાજી થાય છે તે ગુરૂ કરતાં ગુરૂઓના ભક્તજનોને અથવા તેઓના એજંટોને સારી રીતે ખબર છે. માટે તેના અંગેની વાત પણ એટલા માટે નહી કરીએ કે બીચારા આ બધા ગુરૂઓ આખરે તો પામર માનવો જ છે ને!
સામાન્ય માનવીનો ખ્યાલ છે કે ગુરૂ સર્વગુણ સંપન્ન હોય છે. તેની ભક્તી, શુભેચ્છા અને અમી નજરથી તેના ભક્તોનું કલ્યાણ થઇ જાય છે. આપણને સવાલ મનમાં એ થાય છે કે આ 'ગુરૂ મહારાજ' ને આવું ત્રીકાળ જ્ઞાન કેવી રીતે મળે છે? ગુરૂપદ ગુરૂઓ કેવી રીતે પ્રાપ્ત કરે છે? ગુરૂપદ મોટે ભાગે જન્મ, વંશપરંપરાગત કે પછી ગુરૂના પટ્ટ શીષ્ય કે ખાસ કરીને સંપુર્ણ અબાધીત શરણાગતી સ્વીકારેલા શીષ્યને મળતું હોય છે. આવા ગુરૂઓ પાસે શું અને કેવા પ્રકારનું જ્ઞાન હોય છે? તે લોકોની જ્ઞાન મેળવવાની કોઇ પધ્ધતી હોય છે ખરી? ગુરૂઓએ મેળવેલું જ્ઞાન સ્વયંસ્ફુરણા(Intuition)થી મેળવેલું જ્ઞાન, તર્કની મદદ વીના, નીરપેક્ષ( Absolute) સાપેક્ષ નહી(Relative)તેવું જ્ઞાન હોય છે. આવું જ્ઞાન ભક્તોને જણાવવામાં આવે છે કે ગુરૂએ આકરી તપશ્ચર્યા કરીને હીમાલયના બરફના શીખરોમાં હજારો વર્ષોથી તપ કરતાં રૂષી મુનીઓની સાધના(?)થી જે મળેલું છે તેનું હસ્તાંતર(ટ્રાન્સફર) તેમની પાસે આવેલું હોય છે. આવું જ્ઞાન હીદું વર્ણવ્યવસ્થામાં જન્મે બ્રાહ્મણ હોય તેને જ મળી શકે! અને તે પણ તેને મનગમતી પોતાની બનાવેલી સંસ્કૃત ભાષામાં!
આવું જ્ઞાન મેળવવાની કોઇ સંસ્થા હોઇ શકે ખરી? તેને મેળવવાની કોઇ પધ્ધતી, રીત( Method) હોઇ શકે ખરી? ગુરૂવાણી (!)માંથી કે તેમની વ્યાસપીઠ ઉપરથી બોલાયેલા શબ્દો દ્રારા નીકળેલા જ્ઞાનને તપાસવાની લાયકાત કોની પાસે? ગુરૂવાણી સુની સુનીને પોપટ બનેલો હીદું સમાજ નીર્બળ, કંગાળ અને નવાપ્રવાહોને સમજવામાં નીષ્ફળ સદીઓ સુધી બનતો ગયો. સદીઓથી પોતાનું હીત સાચવતી વર્ણવ્યવસ્થાના ચોકઠા ને જડબેસલાક ટકાવી રાખી શકયો છે. જે સહેલાઇથી ગુલામ જ રહ્યો. અને આજે પોતાના તે ઇતીહાસના દોષનો ટોપલો બીજાને માથે નાંખીને સમીકરણો સરખા કરવા મેદાને પડયો છે. દેશના સર્વપ્રકારના પછાતપણા માટે આવી ગુરૂપુર્ણીમાઓનો ફાળો અમાપ છે.
હવે આપણે શોધીએ કે કઇ રીતે ગુરૂનો ખ્યાલ ઇરેશનલ અને અમાનવીય છે? સૌ પ્રથમ તે કઇ રીતે ઇરેશનલ છે તે સમજીએ.
રેશનાલીઝમ એટલે ગુજરાતીમાં જેને તર્કવીવેકશક્તી કહીએ છીએ તેના મુખ્ય ત્રણ લક્ષણો છે.
એક. કોઇપણ જ્ઞાન ઇન્દ્રીયજન્ય (Sense perception) જ હોય છે. જ્ઞાન ઇન્દ્રીયાતીત ન હોઇ શકે. ફક્ત માનવી નહી પણ કોઇપણ સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા( Urge to exist)પોતાની ઇન્દ્રીયો ( આંખ, નાક, કાન, જીભ અને ચામડી કે ત્વચા)ની મદદથી નીર્ણય કરવો પડે છે. શું નીર્ણય કરવો પડે છે? જીવવા માટે સારુ કે ખોટું શું છે તે નીર્ણય કરવો પડે છે. આ સત્ય માનવી સહીત દરેકને લાગુ પડે છે અને તે સાર્વત્રીક હોવાથી તેને વ્યક્તી, જ્ઞાતી, જાતી, ધર્મ, વંશીય કે રાષ્ટ્રીય મર્યાદાઓ નડતી નથી. આ રીતે મેળવેલું જ્ઞાનને કોઇપણ માણસ વીશ્વના કોઇપણ ખુણે તપાસી શકે છે. તે સાચુ છે કે ખોટું તે વૈજ્ઞાનીક પધ્ધતીથી નક્કી કરી શકે છે.
બે. રેશનલાઝમ તેથી સત્ય શોધવા માટે કોઇ ગુરૂ જેવી વીશીષ્ટ વ્યક્તી, ધર્મગ્રંથ અને ઇશ્વરી પ્રતીનીધીનો દાવો કરતા કોઇ પયગંબરના ઉપદેશોને ઉપર જણાવેલી પધ્ધતીને આધારે તપાસીને નક્કી કરે છે કે તેમાં સત્ય કેટલું છે અને અસત્ય કેટલું છે. રેશનાલીસ્ટ કોઇ ગુરૂ, સાધુ મહાત્માએ કે કહેવાતા સીધ્ધપુરૂષે કહ્યું માટે સત્ય તેમ ક્યારે સ્વીકારતો નથી. તેવી જ રીતે કોઇપણ ધર્મ પુસ્તકમાં લખ્યું છે માટે સત્ય કે કોઇ ઇશ્વરી પ્રતીનીધીએ કહ્યું છે માટે સત્ય તેને પણ રેશનાલીસ્ટ સ્વીકારતો નથી. રેશનાલીસ્ટ માટે સત્ય નક્કી કરવાનો માર્ગ કોઇપણ વ્યક્તીવીશેષ ( Authority)માં સમાયેલો હોતો નથી.
ત્રણ. રેશનાલીઝમમાં ઇન્દ્રીયો પોતાના બાહ્ય નીરીક્ષણની( Observation)મદદથી સત્ય શોધવના પ્રયત્નોમાં મદદ કરે છે. આ રીતે શોધાયેલું સત્ય પેલા ધાર્મીક કે ગુરૂના સત્ય જેવું નીરપેક્ષ ( Absolute & non- verifiable) અને માનવીય બુધ્ધીથી પર ન તપાસી શકાય તેવું હોતું નથી. પણ રેશનલ સત્ય તપાસી શકાય તેવું સાપેક્ષ ( Relative and verifiable) હોય છે.વધારામાં જેમ જેમ માનવીય સંશોધનોની મદદથી શોધ અને તપાસના સાધનોમાં( દા.ત ટેલીસ્કોપ, સુક્ષ્મદર્શક યંત્ર, સ્ટેથોસ્કોપ,) વીકાસ થવાથી આવા સત્યોમાં સતત ફેરફાર થતો આવ્યો છે. જે આવકારદાયક અને માનવ માટે કલ્યાણકારી છે.માટે ગુરૂપદ,ધર્મગ્રથ કે પયગંબરી ઉપદેશો ઇરેશનલ હોય છે.
હવે આપણે એ તપાસ કરીશું કે ગુરૂપદનો ખ્યાલ કઇ રીતે અમાનવીય છે. ગુરૂપદની ઇમારત સામાજીક અને વ્યક્તીગત અસમાનતાના પાયાપર ઉભેલી છે. એક ગુરૂ છે બીજો શીષ્ય છે. એક આપનાર છે બીજો લેનાર છે. આપનાર ક્યારે એવું સ્વીકારતો નથી કે પેલો હાથ લાંબો કરનાર પણ મારા જેવો કાળામાથાનો માનવી જ છે. મારી માફક જ માના ગર્ભમાંથી નીકળીને તે પણ મોટો થયેલો છે. તેના જન્મમાં કશું જ દૈવી કે ઇશ્વરી નથી. તે જે જ્ઞાન મેળવી શકે છે તેવું જ જ્ઞાન હું પણ મેળવી શકું છું. ગુરૂ જે દેખાડો અને ટીલાટપકાં કરીને તપજપ અને સીધ્ધીઓની વાતનો બણગાં ફુકે તે બીલકુલ બોગસ છે. તેને કોઇ વૈજ્ઞાનીક પધ્ધતીને આધારે તપાસી શકાય તેમ છે જ નહી.ડાર્વીનનો ઉત્ક્રાંતીવાદ, કાર્લ માર્કસનો ભૌતીકવાદઅને સીંગમંડ ફ્રોઇડના અજાગૃત મનના પૃથ્થકરણ અને છેલ્લે ડી.એન. એ.ના સંશોધનોએ શોધી કાઢયું છે માનવ માત્ર એક જ છે. કોઇ જન્મથી મોટો નથી નાનો નથી. " માણસ જન્મથી એક છે All men are born equal" રૂસો ફ્રેન્ચ ફીલોસોફર.
આમ ઉપર જણાવેલ ચર્ચાને આધારે એવું તારણ આપણે સરળતા કાઢી શકીએ તેમ છીએ કે " હીદું ગુરૂ પદનો ખ્યાલ ઇરેશનલ અને અમાનવીય છે."