Sunday, July 30, 2017

દેશમાં કોઇપણ પક્ષે રાજકીય સત્તા મેળવવી છે

દેશમાં કોઇપણ પક્ષે રાજકીય સત્તા મેળવવી છે, મેળવેલી સત્તા ટકાવી રાખવી છે, અને ગુમાવવી છે તો 'કોંગ્રેસ સીસ્ટીમ' ને અનુસરો. ( પ્રો. રજની કોઠારી, રાજ્યશાસ્ર વૈજ્ઞાનીક (૧૯૨૮– ૨૦૧૫)

     સને ૧૯૪૭માં દેશ આઝાદ થયા બાદ બંધારણીય લોકશાહી પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્વીકારવામાં આવી હતી. એક બાજુ આઝાદ દેશના નાગરીકોની જીવનના દરેક ક્ષેત્રમાં રાષ્ટ્ર ઝડપી પ્રગતી કરે તેવી અપેક્ષા હતી. બીજી બાજુએ, આઝાદ ભારતના સત્તાની ધુરા સંભાળનાર કોંગ્રસના ટોચના નેતાઓની ચીંતા સંસદીય લોકશાહી પ્રથામાં દર પાંચ વર્ષે આવતી ચુંટણીઓમાં બહુમતી કેવી રીતે ટકાવી રાખવી તે પણ પાયાનો પ્રશ્ન હતો. બંધારણમાં આમેજ કરેલાં 'સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા' જેવા મુલ્યો સ્વતંત્ર ભારતના નાગરીકોમાં બીલકુલ આત્મસાત ન હતા.અને આજે પણ નથી તેને કારણે તેની મોટી ઉણપ દેશના સામાજીક અને ધાર્મીક સંઘર્ષોમાં તો આંખે ઉડીને વળગે તેવી દેખાય છે.

 લોકશાહી એ જીવન જીવવાની પ્રથા તરીકે નાગરીક જીવનમાં બીલકુલ પ્રસ્થાપીત થઇ જ ન હતી. ધાર્મીક જીવન અને વીચાર પધ્ધતીથી વર્ણવ્યવસ્થા અને જ્ઞાતીપ્રથામાં ઉભા અને આડા વહેંચાઇ ગયેલા દરેક ભારતીયની ઓળખ સમાજમાં નાગરીકને બદલે જ્ઞાતીવાદી, વર્ણવાદી અને ધાર્મીક હતી. દરેક ભારતીય તેની રૂઢીચુસ્ત,સામંતી. વ્યક્તીપુજા વાળી માનસીકતામાં તરબોર છે. આવી બીનલોકશાહી, ધાર્મીક અને જ્ઞાતી આધારીત ઓળખમાં તે ગૌરવ અનુભવે છે.દેશના આવા મતદારને ઇશ્વરમાં અતુટ વીશ્ચાસમાંથી બહાર કાઢવાનો કોઇ પ્રયત્ન કોઇપણ રાજકીયપક્ષના મેનીફેસ્ટો કે એજન્ડામાં ત્યારેય નહતો અને ૭૦ વર્ષ પછી આજે પણ નથી. દેશના કોઇપણ નાગરીકને પોતાના અને તેના જેવા અન્યના સહકારી પ્રયત્નોથી, સંસદીય લોકશાહી ચાલે છે, વર્તમાન દેશનું રાજ્ય તેના સાર્વભોમ મતનું સર્જન છે તેવી પ્રતીતી આજે પણ નથી. લોકશાહીમાં લોક શબ્દને આ બધા પક્ષોએ હાઇજેક કરીને  તેના બદલે 'પક્ષ' શબ્દ અવેજ તરીકે મુકી દીધો છે. માટે દેશમાં લોકશાહીને બદલે પક્ષશાહી અસ્તીત્વમાં આવી ગઇ છે.

 પ્રો.રજની કોઠારીના અભીપ્રાય પ્રમાણે હવે આ પક્ષશાહીમાં કોઇપણ રાજકીયપક્ષ અને તેના નેતાઓએ સત્તા મેળવવી હોય અને મેળવેલી સત્તા ટકાવી રાખવી હોય તો  'કોંગ્રેસ સીસ્ટીમ'ના તર્ક પ્રમાણે પોતાનો રાજકીય પક્ષ ચલાવવો પડશે. હવે તે સીસ્ટીમ શું છે તે સમજીએ.

(1)   પ્રથમ દરેક રાજકીય પક્ષે બરાબર સમજી લેવાની જરૂર છે આ દેશની સંસદીય લોકશાહી પ્રતીનીધીવાળી રાજ્યપ્રથા બ્રીટીશ લોકશાહી મોડેલ પર ચાલતી નથી.

(2)  તેથી દરેક પક્ષે દેશના મતદારને નાગરીક તરીકે જે લોકશાહી મુલ્યો સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વને વરેલો છે તેવું ભુલે ચુકે માનવું નહી. દેશનો મતદાર પ્રથમ કોઇ ધર્મનો, પછી વર્ણ, જ્ઞાતી, કોમ, પ્રદેશ, રાજ્ય વી.નો ભાગ છે. ભારતીય મતદારની ઓળખ તે પ્રમાણે હોવાથી ઉમેદવારની પસંદગીથી માંડીને પક્ષનું સંપુર્ણ સત્તાકીય માળખું તે પ્રમાણે વીકસાવવું.

(3)  પક્ષીય ઉમેદવારનો ચુંટણી મતવીભાગ ( Election constituency) સત્તાપક્ષ ચુંટણી પંચ પાસે એવી દરખાસ્તો મુકીને પાસ કરાવશે કે જેમાં પોતાના ઉમેદવારને જીતવા અનુકુળ હોય તેવા ધર્મ, જાતી, જ્ઞાતી, કોમ વી મતદારોનો બહુમતી લોકસમુહ રહેતો હોય!

(4)  પોતાના પક્ષીય ઉમેદવારની પસંદગી સ્થાનીક પક્ષના સભ્યો, પાયાના કાર્યકરો કે મતદાર જુથોના અભીપ્રાયને બદલે રાજ્ય અને દેશના પાટનગરમાં બેઠા બેઠા સર્વસત્તાધીશ બનેલા એકલદોકલ નેતા કે તેની ટોળકી નક્કી કરશે કે કોને ચુંટણી લડવા પક્ષની ટીકીટ આપવી.

(5)  ચુંટણી લડનાર અને જીતનાર તેના મતદાર કે મતવીસ્તારને બદલે તેને ટીકીટ આપનાર પક્ષ અને તેનું સંચાલન કરનાર નેતાને વફાદાર રહેશે. રાજકીય સત્તાનું મતદાર કે લોક પાસેથી હસ્તાંતર  (ટ્રાન્સફર)નું કેન્દ્રીયકરણ આખરે પક્ષના વડા નેતાના હાથમાં આવી જાય છે. પક્ષ નેતાથી ઓળખાય છે. નેતા પક્ષથી નહી. આવી નેતા સમર્પીત પક્ષશાહીમાં દર પાંચવર્ષે  ચુટણી થાય છે. તે ચુંટણીમાં જે પક્ષના નેતા અન્ય પક્ષના નેતાઓની સરખામણીમાં સૌથી મોટી લાલચ, લોભ અને આકાશમાં રાતે નહી પણ દીવસે તારા બતાવી  શકે તે પક્ષને પણ પેલા નેતાના નામે ખોબે ખોબે મત આપીને જીતાડે છે.

(6)  પક્ષનો સર્વોચ્ચ નેતા મતદારોના સમુહને ધર્મ, કોમ, જાતી, વર્ગ આધારીત વીશીષ્ટ પ્રકારની સવલતો ( અપીઝમેન્ટ) આપવાની બાંહેધરી આપીને પોતાની સત્તા સલામત રાખે છે.

(7)  આવો સર્વસત્તાશાળી નેતા જે કોઇ વર્ગ.ધાર્મીક કે સામાજીક સમુહના તારણહારનો દાવો કરે છે તે દેશના ૨૯ રાજ્યોમાં પોતાની સરકાર સત્તા પર આવે અને ટકી રહે માટે જાત જાતનું રાજકારણ ખેલે છે. આ બધા રાજ્યોના મુખ્યપ્રધાનોથી માંડીને સંપુર્ણ સત્તાકીય માળખું તે નેતાની ઇચ્છા મુજબ ગોઠવાય છે, સંચાલીત થાય છે અને નવા ફેરફારો માટે વીસર્જીત પણ સહેલાઇ થતું હોય છે. સત્તાનો સ્રોત પેલા નેતા પાસે હોય છે, જેની ઇચ્છામુજબ પ્રાદેશીક સુબાઓ તેમની સત્તા ટકાવી રાખે છે.

(8)   રાજકીય સત્તા માટે કોઇપણ પ્રકારની સોદાબાજી બધાજ લોકશાહી અને સામાન્ય સામાજીક લેવડદેવડના નૈતીક મુલ્યો બાજુપર મુકીને જે નેતા અને તેના પાવર બ્રોકર્સ સફળતાપુર્વક પાર પાડી શકે તેના હાથમાં સત્તા આવે છે. આમાં 'જો જીતા વોહી સીકંદર.'

(9)  પ્રજાના મતદાર સમુહો જે નેતા અને તેની પક્ષીય સત્તામાંથી વીશ્વાસ ગુમાવી દે છે તે પક્ષ અને તેના નેતાને પ્રજા ઇતીહાસની કચરા ટોપલીમાં નાંખી દે છે. આ સીસ્ટીમ પ્રમાણે ચાલતો કોઇપણ રાજકીય પક્ષ તેના વીનાશ કે અંતના મુળીયાં પણ પોતેજ પેદા કરે છે; જે એનો નાશ પણ કરે છે. આજે જે બોલબાલા નરેન્દ્ર મોદી અને તેના પક્ષની છે તેવીજ સ્થીતી કોંગ્રેસ પક્ષની અને તેના નેતા જવાહરલાલ નહેરૂ, ઇંદીરા ગાંધી અને રાજીવ ગાંધીની એક સમયે હતી. પ્રો. કોઠારીની આ સીસ્ટીમે ઇંદીરા ગાંધી સમયે ખુબજ ગાજતા થયેલા સુત્ર ' જબ તક સુરજ ઓર ચાંદ રહેગા  ઇંદીરા તેરા રાજ રહેગા.' ને ખોટું પાડયું છે.

(10)                   પ્રો. રજની કોઠારીના મત પ્રમાણે ભારતીય લોકશાહી આ'કોગ્રેસ સીસ્ટીમ' પ્રમાણે ચાલે છે. ભારતના બંધારણ, ચુંટણી પંચ કે કાયદાના શાસન પ્રમાણે નહી. તે બધા તો પેલી સીસ્ટીમ પ્રમાણે રાજકીય સત્તા પ્રાપ્ત કરવાનાનાં સાધનો બની ગયા છે. આ સીસ્ટીમમાં દેશના મતદારોનું 'પવીત્ર કાર્ય' સંજોગો પ્રમાણે રાજકીય માલીકો બદલાવાનું છે. જે દીવસે 'ગુલામોને અહેસાસ' થશે કે તે તો ફક્ત ગુલામ જ છે અને માલીક નથી ત્યારે તે માલીક બનવા વીદ્રોહ કરશે. ' વો દિન કહાં.....' 


--