Sunday, November 12, 2017

ભાઇ! અમારી લાગણી દુભાઇ છે.

 ભાઇ! અમારી લાગણી દુભાઇ છે.

 અમારા સમાજના ઐતીહાસીક વારસાને બુરી રીતે ફીલ્મમાં બતાવવામાં આવ્યો છે.

આ તો ભારતીય સંસ્કૃતી , તેની વીચારધારા અને પરંપરાનું હડહડતું અપમાન છે.  તે કેમ ચલાવી લેવાય?

 અમારા સંપ્રદાય, ધર્મ, તેના માન્ય દેવ, ગુરૂ, ગુરૂગ્રંથ વાણી ,પયગંબર કે ધાર્મીક, રાજકીય, સામાજીક નેતા તે બધાના વ્યક્તીત્વનું હનન કરવાના વ્યવસ્થીત પ્રયાસો છે તેને અમે નહીં સાંખી લઇએ. અમે અમારા ધર્મ,સંપ્રદાય કે અન્ય દ્રારા અમારી માન્યતા વીરૂધ્ધ પ્રકાશીત કરેલ લેખ, પુસ્તક, ટીકાત્મક મુલ્યાંકન, તેના પરની કવીતા વાર્તા, ફીલ્મ, સંવાદથી અમારી લાગણી ( Feeling & Sentiments) દુભાયતો અમે કાયદો હાથમાં લઇને પણ તે બધું ચાલવા નહી દઇએ. એક સમાચાર– " આજે ગાંધીનગરમાં રાજપુત સમાજના લોકો એક લાખની સંખ્યામાં પધ્માવતી ફીલ્મ રીલીઝ ન થાય તેના વીરોધમાં એકત્ર થશે." –

( સૌ. આજનું દીવ્ય્ભાસ્કર પાન નં–૧.)

લાગણી દુભાઇ અને તે દુભાવવાનું  વ્યાજબીપણું ( રીઝનેબલ) કેટલું?

 દેશના બંધારણે મુળભુત અધીકારોમાં દરેક નાગરીક કે સંસ્થાને અભીવ્યક્તીનું સ્વાતંત્રય કેટલીક વ્યાજબી મર્યાદાઓ સાથે બક્ષેલું છે. અભીવ્યક્તીની સ્વતંત્રતા એટલે કાયદાની મર્યાદામાં રહીને વાણી, વર્તન અને અભીવ્યક્ત કરવાની સ્વતંત્રતા. જે નીયમનો તેમાં મુકવામાં આવેલાં છે તેમાં શબ્દ ' વ્યાજબી' ( ટુ બી રીઝનેબલ) વાપરવામાં આવ્યો છે. પણ તેમાં લાગણી દુભાઇ ( નોટ હર્ટ ફીલીંગ કે સેન્ટીમેન્ટ ) શબ્દ વાપરવામાં આવ્યો નથી. કોઇપણ લખાણ, કવીતા, નાટક, ચલચીત્ર વી. વ્યાજબી છે કે નહી તે તપાસવાના કે મુલ્યાંકન કરવાના માપદંડો વાસ્તવીક રીતે છે તે પણ બંધારણે નક્કી કર્યો છે. જેના ઉપર ચર્ચા (ડીબેટેબલ) તર્કવીવેક શક્તી અને જ્ઞાન આધારીત થઇ શકે તેમ છે. પણ લાગણીને તર્કવીવેક કે જ્ઞાન આધારીત માપદંડોથી ક્યારેય મુલ્યાંકન થઇ શકે નહી. અભીવ્યક્તી સ્વાતંત્રય પરના વ્યાજબી નીયંત્રણોમાં (૧) રાજ્યની સલામતી (૨) પરદેશી મીત્ર રાજ્યો સાથેના સંબંધો (૩) જાહેર સલામતી માટે ભય પેદા કરવો (૪) ન્યાયતંત્રની અવહેલના, બદનક્ષી, નૈતીક અધ;પતન.) ટુકમાં લાગણી એટલે જેને વ્યાજબી રીતે તર્કવીવેક અને જ્ઞાન અધારીત તપાસી શકાય કે મુલ્યાંકન ન થઇ શકે તે.

અત્યારે આપણે " પધ્માવતી ફીલ્મ" અંગે  રાજપુત સમાજની જે લાગણી દુભાઇ છે અને તેના અંગે જે પ્રદર્શન– વીરોધ અને દેશના થીયેટરમાં રીલીઝ નકરવા દેવા જે ધમકીઓ અપાઇ રહી છે તેને પણ આપણે શાંતચીત્તે લાગણીના વહેણમાં તણાયાવીના તપાસીએ. એક લાગણી દુભાઇવાળા ગ્રુપે દેશની સુપ્રીમ કોર્ટમાં આ ફીલ્મ રીલીઝ ન થાય તે માટે રીટ–પીટીશન કરવામં આવેલી હતી તે કાઢી નાંખી. નામદાર કોર્ટે કારણ આપ્યું કે ' સદર ફીલ્મ ને રીલીઝ કરવી કે ન કરવી તેનો નીર્ણય કરવાની સત્તા દેશના બંધારણ મુજબ ફીલ્મ સેન્સર બોર્ડની છે અમારી નથી.' હજુ  દેશની સેન્સર બોર્ડે હજુ સદર ફીલ્મને તપાસીને દેશના થીયેટરોમાં રીલીઝ કરવાનું સર્ટીફીક્ટ પણ આપ્યું નથી તે પહેલાં તો લાગણીઓને આધારે કાયદો હાથમાં લેવાની ધમકીઓ આપી દેવામાં આવી છે.

 પરદેશમાં રહેતા ભારતીયો જે તે દેશમાં આપણા દેશમાં લાગણી દુભાઇને મુદ્દે ચર્ચાસ્પદ બનેલી ફીલ્મોને પરદેશની ભુમીમાં રીલીઝ ન કરવા કેમ કોઇ ટોળા ભેગા કરી શકતા નથી? પછી ભલે તે ભારતીયો હીંદુ,શીખ, મુસલમાન કે ખ્રીસ્તી કેમ ન હોય! સૌથી વધારે આ દેશીઓજ  આવી ફીલ્મોને પોતાના પરદેશના થીયેટરમાં પહેલે દીવસે જોવા પડાપડી કરતા હોય છે.દેશના રાજકીય પક્ષો માટે આવી લાગણીઓને બહેકાવાનું તો તે બધા માટે મતો અંકે કરવાની મુડી બની ગઇ છે. દેશના સામાજીક, રાજકીય અને બૌધ્ધીક વાતાવરણમાં વ્યાજબી જ્ઞાન આધારીત જાહેરસંવાદ( પબ્લીક ડીબેટ)ની ભુમીકા જ જાણે અદ્ર્શય થઇ ગઇ છે. લાગણીઓને બહેકાવીને એકત્ર કરેલા ટોળાઓ જ જાણે દેશ માટે સાચું શું અને ખોટું શું તે નક્કી કરીને દેશનું સંચાલન કરી, કબજો લેવા મેદાને પડી ગયા છે. તેમાં ખરેખર બલી બનતું હોય કે ભોગ લેવાતો હોયતો દેશના નાગરીકોનું બંધારણે બક્ષેલું અભીવ્યક્તીનું સ્વાતંત્ર્ય. દેશની કમનસીબી એ છે કે જે રાજ્યસત્તાને નાગરીકોના અભીવ્યક્તીના સ્વાતંત્રયનું સંરક્ષણ કરવાની જવાબદારી છે  તેની જ મોટેભાગે પેલા લાગણી દુભાયેલ ટોળામાં સામેલગીરી હોય છે અથવા છુપો ટેકો હોય છે.


--