Friday, February 1, 2019

-- સરકાર અને સમાજ બન્નેય સ્ત્રી સન્માનમાં નિષ્ફળ રહ્યાં છે !



-- સરકાર અને સમાજ બન્નેય સ્ત્રી સન્માનમાં નિષ્ફળ રહ્યાં છે !

- મનીષી જાની

30 જાન્યુઆરી એટલે ગાંધીજીને ગોડસેએ ગોળીએ વીંધી નાખ્યાં હતા એ દિવસ.જ્યારે કોઈ વ્યક્તિનાં વાણી-વિચાર અને પ્રભાવને રોકવા અને તેને ચૂપ કરવા પોતાના તર્ક, દલીલ ને વિચાર ઊણા પડે છે ત્યારે ધર્મઝનૂની કટ્ટરપંથીઓ બંદૂકનો સહારો લે છે.

ગોડસે કટ્ટરવાદી હતો.એની વિચારધારા ધર્મ પર આધારિત હતી અને ધરતી પરના તમામ મનુષ્યોને એકસમાન માનનારા ને સર્વ ધર્મોને સમભાવથી જોનારા મહાત્મા ગાંધી,ગોડસે જેવા કટ્ટરપંથીઓ થી સહન થઈ શકે એમ ન હતા.

અને એટલે આયોજનપૂર્વક એક વૃદ્ધ ના અવાજને ચૂપ કરવા ગોડસે એ પૂરેપૂરી સમજ સાથે, કોઈ પણ પ્રકારના ઉશ્કેરાટ વિના ઠંડા કલેજે ત્રણ ગોળી ગાંધીજી ની છાતીમાં ધરબી દીધી હતી.

ગાંધીજી માણસની સમાનતા માં માનતા એટલે માણસ, માણસને અસ્પૃશ્ય માને એ તેમને સ્વીકાર્ય ન હતું.તેમણે કહ્યું હતું કે 'અસ્પૃશ્યતા એ હિન્દુ ધર્મનું કલંક છે'.અલબત્ત, એમણે હિન્દુ ધર્મની અજીબ ભેદભાવપૂર્ણ વ્યવસ્થારૂપ વર્ણવ્યવસ્થા નો વિરોધ ન હતી કર્યો એ વાત પણ સ્વીકારવી રહી.

પરંતુ પુરૂષપ્રધાન વ્યવસ્થા માં સ્ત્રીઓ ની દશા જે રીતે ઊભી કરાઈ છે અને તેને ટકાવી રાખવા નાં પ્રયત્નો સતત ચાલ્યા કરે છે તેનાં તેઓ ઘોર વિરોધી હતા અને તે અંગે અવારનવાર કહ્યાં કર્યું છે, લખ્યાં કર્યું છે.

તેમણે આજથી લગભગ એંશી વર્ષ પૂર્વે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાને થી કહ્યું હતું :'સ્ત્રીઓની સારામાં સારી ભાવના આજના લેખકો નથી રજુ કરતા...એટલે અહીંના સાહિત્યકારો ને હું કહું છું કે તમે સ્ત્રી માગે એવી પૂજા તેને આપો. તમારી રીતે એને ન પૂજો.... એ મારા જ્ઞાન થી હું કહું છું કે આજે તમે સ્ત્રીને જે રીતે ચીતરી રહ્યા છો તેમાં સ્ત્રીનું નથી સન્માન રહ્યું,નથી પૂજા રહી....મને કહેવામાં આવે છે કે સ્ત્રીઓ પુરુષો ને બહુ દુષ્ટ ચીતરી રહી છે.હા ચીતરે છે.પણ કેમ ન ચીતરે ? પુરુષોએ એની કનડગત કરવામાં કાંઈ બાકી રાખી છે કે ?એમ.એ. થયેલા પણ સ્ત્રી ને કેવી રીતે રાખે છે એ બતાવનારા દયાજનક કાગળો મારી પાસે પડ્યા છે.એટલે હું તો કહું કે સ્ત્રી પુરુષની સામે થાય એટલું જ નહીં, પણ સ્ત્રી પુરુષના અત્યાચાર સામે તેને દાંત થી પીસવાને તૈયાર થાય તો યે એને હું અહિંસા ગણું..'

પ્રસ્થાપિત ગુજરાતી સાહિત્યકારો એ ગાંધીજી ની આ વાતો  ગળે ઉતારી અને તે દિશામાં કંઈ આગળ વધ્યા હોય એવું તો હજી સુધી લાગતું નથી. સાહિત્યકારો જ શું કરવા? દેશની સરકારો કે આખાય સમાજે હજી ય આ સ્ત્રી સન્માન, સ્ત્રી ગૌરવ ને લઈ ને માત્ર પ્રચાર ને હોહા સિવાય ખાસ કશું નક્કર કર્યું હોય એવું લાગતું નથી.

આપણી ચારેય બાજુ જે કંઈ બની રહ્યું છે તે દેશની મહિલાઓ નાં સંદર્ભે જોવા જઈએ તો નિરાશાજનક અને દુખદ છે.

આપણે વર્ષોથી 'દીકરી એટલે સાપનો ભારો' - એ સામંતી માનસિકતામાં થી હજી બહાર નીકળ્યા નથી અને પહેલાંના જમાનામાં દીકરીઓને જન્મ પછી 'દૂધ પીતી' કરી મોતને ઘાટ ઉતારી દેવાતી અને અત્યારે તેને જન્મતાં પહેલાં જ મા નાં પેટમાં જ ખતમ કરી નાખવાં નાં પેંતરા સતત ચાલ્યા કરે છે. અને એટલે જ છેલ્લી વસતી ગણતરી ના આંકડા મુજબ 1000 પુરુષોએ સ્ત્રીઓ ની સંખ્યા 914 જેટલી જ છે અને આપણા ગુજરાતમાં તો તે ફક્ત 854 થી જેટલી જ જોવા મળે છે.

આ અસમાનતા કુદરતનાં સંતુલનની  વિરુદ્ધ ઊભી થયેલી છે.

આજનાં જમાનામાં સ્ત્રીઓ તરફના આવા ચિંતાજનક ભેદભાવો તો ન જ ચાલે અને સ્ત્રીઓ તરફના પૂર્વગ્રહો દૂર થાય, પુરુષ ની સરખામણી માં જ સ્ત્રીઓ ની સંખ્યા નો આદર્શ ઊભો થાય એ માટે સરકારે 2014 માં 'બેટી બચાવો,બેટી પઢાઓ' નાં સૂત્ર સાથે આ ભગીરથ કામ હાથ ધરવા 648 કરોડ રૂપિયા ફાળવ્યા.પણ હમણાં તાજેતરમાં આ નાણાં ચાર વર્ષ માં ક્યાં વપરાયાં તેનો હિસાબ પાર્લામેન્ટ માં માંગવામાં આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ફક્ત 154 કરોડ રૂપિયા જ રાજ્યો-જિલ્લાઓને વાપરવા અપાયા જ્યારે 364.66 કરોડ માત્ર ને માત્ર પ્રચાર માટે મીડિયા માં વાપરવામાં આવ્યાં અને 54 કરોડ રૂપિયા ખર્ચ્યા જ નહીં !

નક્કર કામગીરી માં જરૂરી રૂપિયા વાપરવા નહીં અને આત્મપ્રચાર સાથે નાં ઠાલાં સૂત્રો માં નાણાં વાપરવા એ જ આ દેશનાં  નેતાઓ, સરકારી તંત્રો ને સ્ત્રી પુરુષ નાં ભેદભાવથી મુક્ત થવામાં કેટલો રસ છે તે દર્શાવનાર બની રહે છે.

ખરેખર તો જ્યાં જ્યાં લિંગ પરિક્ષણ થતાં હોય,ભૃણ હત્યા થતી હોય ત્યાં ધ્યાન કેન્દ્રિત કરી; સરકારી તંત્રો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સચિન્ત નાગરિકો નાં સહયોગથી કામ કરવાની જરૂર હતી.મા નાં પેટમાં જ દીકરીને જન્મ પૂર્વે જ ખતમ કરી નાંખતા ડોક્ટરો ને જેર કરવા અને ભૃણ પરિક્ષણો નાં સાધનોની નેસ્તનાબૂદી અગ્રતાક્રમે બનવી જોઈતી હતી.

સરકારો તો ઉદાસિન છે જ પરંતુ સમાજ પોતે પણ એટલો જ નિષ્ક્રિય જણાય છે.

તાજેતરમાં જ અમદાવાદમાં એક લગ્નપસંદગી મેળો પાટીદાર સમાજ દ્વારા યોજાયો હતો. ગુજરાતમાં સ્ત્રી- પુરુષ વસતી માં અસમાનતા ભારે છે અને જે જ્ઞાતિસમુદાયો માં સ્ત્રી નું મૂલ્ય ઓછું અંકાય છે અને દહેજ પ્રથા છે ત્યાં આ અસમાનતા એ ઘણાં સામાજિક પ્રશ્નો ઊભા કર્યા છે. મુરતીયાઓને લગ્ન માટે યુવતીઓ ની અછત નો સામનો કરવો પડે છે.પાટીદાર સમાજના આ પસંદગી મેળામાં ખાસ ગુજરાત બહારની અન્ય રાજ્યોમાં રહેતી કુર્મી સમાજની  લગ્ન ઈચ્છુકયુવતીઓ ને નોતરવા માં આવી હતી.22 યુવતીઓની સામે 175યુવાનો આવ્યા !

ગુજરાત નાં પાટીદાર જ્ઞાતિમંડળોએ બહાર નાં રાજ્યોની યુવતીઓ નાં પરિવારોને ખાતરી આપી કે તેઓ તેમની દીકરીઓની અહીં પોતાની દીકરી જેવી જ સંભાળ રાખશે તેની જવાબદારી સ્વીકારે છે !

સમાજની આ સ્થિતિ જોઈ મહત્વનો સવાલ તો એ જ ઊભો થાય છે કે બહારથી યુવતીઓને લાવી પરણવાનું ગોઠવતાં આ જ્ઞાતિ મંડળો અહીં જ ભૃણ હત્યા રોકવા,બાબો કે બેબી માટે ભૃણ પરિક્ષણ કરતાં ડૉક્ટરો ને કાયદા હેઠળ પકડાવી દેવા હલ્લાબોલ કે સામાજિક આંદોલનો કેમ નથી ચલાવતાં ?

દીકરીઓને જન્મતી જ રોકી દેવાની આ અમાનુષી જંગલી પ્રથા સામે ભણેલાં ગણેલા અને સમાજના મોભી થઈ ને ફરનારા જ્ઞાતિ આગેવાનો ની કેમ કોઈ સંવેદના જાગતી નથી ?કેમ બેટી બચાવો,બેટી પઢાઓ અભિયાનની આગેવાની નથી લેતાં ?સમાજની આ ચૂપ રહેવાની રીત શરમજનક છે.

એ જ રીતે હમણાં કેરળ રાજ્ય, જ્યાં દેશમાં સૌથી વધુ શિક્ષિતો છે, કન્યા શિક્ષણ માં પણ દેશમાં અવ્વલ છે ત્યાં સબરીમાલ મંદિર માં સ્ત્રી પ્રવેશ ને લઈ કેવાં કેવાં હિંસક દૅશ્યો સર્જાયાં ?!

સુપ્રીમ કોર્ટે બંધારણની રુએ તમામ ધાર્મિક સ્થાનો માં તમામ લોકોનાં પ્રવેશ ના અધિકાર ને લઈ સબરીમાલ મંદિર માં 10થી50વર્ષની ઉમ્મરની સ્ત્રીઓની પ્રવેશબંધી ને ગેરકાયદેસર ઠરાવી પ્રવેશની છૂટ આપી.તેની સામે દેશની બે મુખ્ય રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસે તો સુપ્રીમ કોર્ટના નિર્ણય ની સામે આસ્થા નાં નામે મંદિર ના નિયમોને યોગ્ય ઠેરવવા ને ધાર્મિક લાગણી નો મુદ્દો બનાવ્યો.

કેટલીક સ્ત્રીઓએ પોતાના સમાનતાના હક્કને પ્રસ્થાપિત કરવા આવાં ભયજનક, ધાર્મિક ઝનૂની વાતાવરણ વચ્ચે પણ મંદિર પ્રવેશ ની હિમ્મત કરી.

સત્તાધારી ડાબેરી સરકારે પૂર્ણ મિજાજ થી આ સ્ત્રીઓ ના હક્ક નાં રક્ષણ ની જવાબદારી અદા કરી નથી અને ક્યારેક પોલીસનું ઢીલું પોચું વર્તન શરમજનક પુરવાર થયું છે.

હદ તો ત્યારે થઈ કે બે સ્ત્રીઓએ સાથે મળીને આ મંદિરમાં પ્રવેશની હિમ્મત કરી. જેમાં એક 41વર્ષની કનકદુર્ગા હતી.સાહસ કરીને એ મંદિરમાં જઈ આવી પણ પછી ધર્મઝનૂનીઓ અને તેની સાથે સંકળાયેલા રાજકીય કાર્યકરોએ તેની હાલત કફોડી કરી નાખી.

ધર્મઝનૂનીઓ થી છૂપાતી રહી અને છેવટે પોતાના ઘરે પહોંચી તો સાસુએ તેને ધર્મ ની અવમાનના બદલ લાઠી ફટકારી ને ઘરમાં થી કાઢી મૂકી.હોસ્પિટલમાં સારવાર લેતી આ કનકદુર્ગા ને એનાં પતિએ પણ સાથ ના આપ્યો અને આ ધર્મવિરોધી કામ માટે જાહેર માફી માંગવા તેનાં પર દબાણ કરવા માંડ્યું. અને આ બહાદુર સ્ત્રી ના ભાઈએ પણ એને જાકારો આપ્યો અને એણે પણ પોતાની બહેન વતી જાહેર માં સમાજની માફી માંગી ! કનકદુર્ગાને દસ વર્ષનું સંતાન છે તેને પણ પરિવારજનો મળવા દેતાં નથી.

અત્યારે મહિલાઓ માટે નાં સરકારી સંરક્ષણગૃહમાં કનકદુર્ગા રહે છે.એની હિમ્મત હજી તૂટી નથી.પોતાના ઘરમાં પ્રવેશ લેવાં કાનૂની પગલાં લેવા સક્રિય બની છે. સુપ્રીમ કોર્ટે પણ તેનાં રક્ષણ માટે રાજ્ય સરકારને જણાવ્યું છે.

પણ સવાલ તો ખરો એ જ છે કે સમાજના લોકો કેમ ચૂપ છે ?કેમ પડોશીઓ, ગામનાં લોકો, જાગૃત નાગરિકો આ સ્ત્રી નાં સપોર્ટમાં બહાર નીકળી ને નથી આવતાં ?સમાજની આ માનસિકતા અકળાવનારી છે.

આ માત્ર હિન્દુ ધર્મના લોકોની જ વાત નથી.આ જ કેરળમાં એક ખ્રિસ્તી સાધ્વી એ પાંચ મહિના પૂર્વે બિશપ-ધર્મગુરૂ સામે બળાત્કાર નો આરોપ મૂકી પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.

ધાર્મિક મઠાધિશો, રાજકીય નેતાઓ, પોલીસતંત્ર આ બધાં નાં મેળાપીપણામાં ધાર્મિક વડા પર લાગેલા બળાત્કાર નાં ગંભીર આરોપ ની તપાસ તો શરૂ ના થઈ પણ કેટલાક સત્તાખોર રાજકીય નેતાઓ એ તો સાધ્વી નાં ચારિત્ર્ય પર જ 'વેશ્યા છે' એવાં સામા આક્ષેપો લગાવ્યા !

છેવટે સાધ્વી ની સાથે કામ કરનારી અન્ય યુવાન સાધ્વીઓ એ 'સીસ્ટરહુડ' દાખવી બળાત્કાર નો કેસ બિશપ પર દાખલ થવો જ જોઈએ તે માટે જાહેર પ્રદર્શનો-દેખાવો યોજ્યાં.

અને છેવટે ઉભરાતા આક્રોશ ને જોઈ તમામ આ સત્તાખોરો ઝૂક્યા અને બિશપ સામે બળાત્કાર નો કેસ દાખલ કરી જામીન ન મળ્યાં ત્યાં સુધી તેમને જેલમાં પણ ખોસી દેવાની ફરજ પડી.

પણ વાત અહીં થી ના અટકી. બળાત્કાર નો ભોગ બનનાર સાધ્વીની લડાઈ માં સાથ આપનાર અન્ય ચાર યુવાન સાધ્વીઓને પહેલાં તો ચર્ચમાં પ્રવેશી ધાર્મિક વિધિઓ કરવા પર બંધી ની સજા કરાઈ. આ સાધ્વીઓ તેમાં ઝૂકી નહીં.સમય જતાં અત્યારે આ સાધ્વીઓને 'બગાવત'ની સજા રૂપે દૂર દૂર તેમની ટ્રાન્સફર-બદલીઓ કરી નંખાઈ છે ! ન્યાય માટે લડનારાને જ સજા !

ગરીબો અને છેવાડાના લોકો માટે કામ કરનારી આ ધાર્મિક મીશનરી સંસ્થાના મઠાધીશો પણ પિતૃસત્તાક માનસિકતાવાળા જ નીકળ્યા !

ધર્મ ગમે તે હોય,આ બધાં જ પરંપરાવાદી પિતૃસત્તાક વ્યવસ્થા માં શ્રદ્ધા રાખીને ચાલનારા છે.તમામ મનુષ્ય સમાન છે એવો દૃઢ સંકલ્પ એકેય ધર્મમાં હોતો નથી.તમામ ધર્મો સંકુચિત અને પોતે સૌથી શ્રેષ્ઠ એવાં ચીલાચાલુ હરિફાઈ નાં વર્તુળ ની અંદર રાચતા અને આંતરિક શિસ્તના નામે એકહથ્થુ અને દમનકારી પુરવાર થઈ રહ્યાં છે.

આ ધર્મોની દિશામાં જ આપણો સમાજ પણ મહિલાઓના સમર્થનમાં સંગઠિત અવાજ ઊભો કરવામાં  નિષ્ફળ આજે દેખાઈ રહ્યો છે. જાણે કે પુરુષ જેટલું જ માન-સન્માન મેળવવામાં મહિલાઓને હજી ખુદ લાંબા સંઘર્ષ કરવા પડશે.મનુષ્યની સમાનતા અને સન્માનનું સપનું હજી સાકાર નથી થતું એ આજનાં સભ્યસમાજ માટે લાંછનરૂપ ગણવું જ રહ્યું.

(સૌ: ગુજરાત ગાર્ડિયન,30 જાન્યુઆરી,2019)



Top of Form