Thursday, February 14, 2019

મહારાષ્ટ્ર સરકારે અને મુંબઇની પોલીસે પ્રજાના મોરલ પોલીસ બનવાની જરૂર નથી.

     મહારાષ્ટ્ર સરકારે અને મુંબઇની પોલીસે પ્રજાના મોરલ પોલીસ બનવાની જરૂર નથી.

સુપ્રીમ કોર્ટ–૧૭મી જાન્યુઆરી ૨૦૧૯.ડીવીઝન બેંચ– જસ્ટીસ સીકરી અને જસ્ટીસ અશોક ભુષણનો ચુકાદો.

મહારાષ્ટ્ર સરકાર સને ૨૦૦૫થી સતત ડાન્સબાર હોટેલ્સમાં 'ગર્લ્સ ડાન્સ' કરીને પોતાનું ભરણપોષણ ન કરી શકે તેવા સુધારા પોતાના પોલીસ રૂલ્સમાં કર્યા કરતી હતી. સને ૨૦૦૫ થી ૨૦૧૯ સુધીમાં ડાન્સબારના માલીકો કાયદેસરના નીયમોનું પાલન કરીને લાયસન્સ લઇને તે બીઝનેસ કરી શકે તેવી કોઇ શક્યતા મહારાષ્ટ્ર સરકારે રાખી નહતી. બોમ્બે હાઇકોર્ટે  સદર સરકારના નીયમો જે દેશના બંધારાણના નાગરીકનોના મુળભુત અધીકારોનું ખાસ કરીને આર્ટીકલ ૧૪ અને ૧૯નું ઉલ્લંઘન કરતા હતા તેવા નીયમોને ગેરબંધારણીય ઠરાવ્યા હતા. તો પણ તેમાં નાનો મોટો ટેકનીકલ ફેરફાર કરીને મહારાષ્ટ્ર સરકારે નાગરીકની નૈતીક (મોરલ) પોલીસ બનીને નીયમો જ એવા પોતાની વીધાનસભામાં પસાર કરાવ્યા હતા કે જેથી આ વ્યવસાય કરી જ નશકાય. સરકારનો સ્પષ્ટ ખ્યાલ હતો કે ડાન્સબારનો ધંધો ભારતીય સંસ્કૃતીની મુલ્યોની વીરૂધ્ધનો છે માટે અમે તેને કાયદેસરનો ધંધો ગણીને ચાલવા દઇશું નહી. ડાન્સબારના હોટેલ માલીકો તથા ડાન્સબાર ગર્લ્સ એસોસીયેશને સુપ્રીમ કોર્ટમાં  મહારાષ્ટ્ર પ્રોહીબીશન ઓફ ઓબસીન ડાન્સબાર, હોટેલ્સ, રસ્ટોંરન્સ એન્ડ બારરૂમ્સ એન્ડ પ્રોટેક્શન ઓફ ડીગનીટી ઓફ વુમન એક્ટ ૨૦૧૬' વીરૂધ્ધ પીટીશન દાખલ કરેલ હતી. સદર પોલીસ નીયમોને કારણે ૭૫૦૦૦ ડાન્સબાર ગર્લ્સે પોતાનો પ્રમાણીક વ્યવસાય ગુમાવ્યો હતો અને મજબુરીથી તેમાંના ઘણાબધાએ પ્રોસ્ટીટયુશનનો(વેશ્યાગીરી) ધંધો પોતાના આર્થીક નીભાવ માટે સ્વીકારવો પડયો હતો.

મહારાષ્ટ્ર સરકારે પોતાના પોલીસ રૂલ્સમાં ડાન્સબાર બીઝનેસ માટે લાયસન્સ લેવા માટે જે નીયમો ઘડયા હતા તે નીચે મુજબ છે.

(૧) સદર લાયસન્સ લેનાર માલીકનું સારૂ ચારીત્રય હોવું જોઇએ,તેનો ભુતકાળ વાંધજનક ન હોવો જોઇએ અને છેલ્લા દસ વર્ષોમાં તેનો કોઇ ક્રીમીનલ રેકોર્ડ ન હોવો જોઇએ.

(૨) ડાન્સબારનું સ્થળથી એક કીલોમીટરના વીસ્તારમાં સ્કુલ, કોલેજ કે મંદીર ન હોવું જોઇએ.

(૩) ડાન્સબારમાં ડાન્સ કરતી ડાન્સબાર પર નોટોનો વરસાદ કે રોકડાનાણાંનો વરસાદ વરસાવી શકાશે નહી.

(૪) ડાન્સબારનો સમય સાંજના ૬–૩૦વાગ્યાથી મોડી રાતસુધી ચાલુ રાખી શકાય નહી.

(૫)ડાન્સબાર રૂમમાં સી સી ટીવી કેમેરા હોવા જોઇએ.

(૬) દારૂ પીવાનો રૂમ ( લીકર રૂમ) અને ડાન્સબારનો રૂમ બંને જુદા હોવા જોઇએ તેમજ તેની વચ્ચે એવી અપાર દર્શક પાર્ટીશન (નોન ટ્રાસ્નપરન્ટ)દીવાલ હોવી જોઇએ

(૭) ડાન્સબાર રૂમમાં ગ્રાહકોને દારૂ પીવાની છુટ ન હોવી જોઇએ. કારણકે સમાજમાં લોકો નૈતીક(!) બને અને લોકો સખતરીતે નૈતીક્તાના નીયમો પાળે તે અનીવાર્ય છે.( Injury to Public Morals).

(૮) ડાન્સ બાર ગર્લ્સ ડાન્સ એવો ન કરે જેથી જોનારા લોકો કામાતુર( not to arouse the prurient interest in audience & no obscene performance) ન થઇ જાય.તેવો અશ્લીલ વર્તણુક ન હોવી જોઇએ.

 

હવે દેશની સર્વોચ્ચ અદાલતની ડીવઝન બેંચના આદરણીય ન્યાયધીશ એ. કે. સીકરી સાહેબ અને અશોક ભુષણ સાહેબે નાગરીક હીત (પબ્લીક ઇન્ટરેસ્ટ) અને નાગરીકોના જીવન જીવવાનો બંધારણીય અધીકાર વચ્ચે કેવી તર્કબધ્ધ રીતે સમતુલા અને સંવાદીતા જાળવીને પોતાનો ચુકાદો આપ્યો છે તેનો અભ્યાસ કરીએ.

(In a bid to maintain a balance between public interest and the constitutional right to earn a livelihood.

 

(1)          સદર લાયસન્સ લેનાર માલીકનું સારૂ ચારીત્રય હોવું જોઇએ,તેનો ભુતકાળ વાંધજનક ન હોવો જોઇએ અને છેલ્લા દસ વર્ષોમાં તેનો કોઇ ક્રીમીનલ રેકોર્ડ ન હોવો જોઇએ. કોર્ટના મતમુજબ આ નીયમ મનસ્વી(સબજેક્ટીવ છે  ઓબજેક્ટીવ નથી.) એટલા માટે છે કે તેને નક્કી કરનારા માણસ પર આધાર રાખે છે. ક્રીમીનલ રેકર્ડની બાબતમાં ફોજદારી ગુના હેઠળ સજા થઇ છે, ગુનાનો પ્રકાર કેવો હતો અને એવું તો નથી ને ૧૦ વર્ષથી ફક્ત એફ આઇ આર  દાખલ થઇ હોય. આ નીયમને કોર્ટે રદબાતલ ઠરાવ્યો છે.

(2)        ડાન્સબારની હોટેલની નજીકના એક કીલોમીટરના વીસ્તારમાં સ્કુલ, કોલેજ કે મંદીર ન હોવું જોઇએ. મુંબઇ જેવા શહેરમાં મંદીર,( કેમ મસ્જીદ કે ચર્ચ કેમ નહી) સ્કુલ, કોલેજ એક કીલોમીટર દુરના અંતરે ડાન્સબાર હોવો અશ્કય છે. માટે તે નીયમને પણ કોર્ટે રદબાતલ ઠેરવ્યો છે.

(3)       ડાન્સબારમાં ડાન્સ કરતી ડાન્સબાર પર નોટોનો વરસાદ કે રોકડાનાણાંનો વરસાદ વરસાવી શકાશે નહી. સદર નીયમના વીકલ્પે કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે ગ્રાહક બાર ડાન્સરને વ્યક્તીગત ધોરણે ટીપ્સ આપી શકશે. જેને હોટેલનો માલીક લઇ શકશે નહી. પોતાને ત્યાં કામ કરનાર ડાન્સબારનું ખાતું બેકમાં ખોલાવવું ફરજીયાત છે. તે અંગે પગાર, અન્ય ભથ્થાં તેમજ સગવડો પુરી પાડવાનો કરાર હોટેલ માલીકે ડાન્સબાર સાથે કરવો પડશે. તે ડોક્યુમેંટની નકલ જે તે વીસ્તારના પોલીસ ડીપાર્ટમેંટને માલીકે આપવી ફરજ્યાત રહેશે.

(4)           ડાન્સબારનો સમય સાંજના ૬–૩૦ વાગ્યાથી મોડી રાતસુધી ચાલુ રાખી શકાય નહી. આ સંદર્ભમાં કોર્ટે પોતાની ટીપ્પણી રજુ કરતાં જણાવ્યું છે કે  ડાન્સબારનો સમય સાંજના ૬–૩૦ થી રાત્રીના ૧૧–૩૦ સુધીનો જ રહેશે. ત્યારબાદ સહીસલામત રીતે ડાન્સબારને પોતાના ઘરે પહોંચડવાની તમામ જવાબદારી બારના માલીકની ફરજીયાત રહેશે.

(5)          ડાન્સબાર રૂમમાં સી સી ટીવી કેમેરા હોવા જોઇએ. કોર્ટે પોલીસ નીયમની આ કલમ ગેરબંધારણીય જાહેર કરીને કાઢી નાંખી છે. પોતાનું તે અંગે નીરીક્ષણ જણાવ્યું છે કે આ નાગરીકની અંગત ( પ્રાવેસી) અધીકારનો ભંગ હોવાથી ચાલુ રાખી શકાય નહી.

(6)       દારૂ પીવાનો રૂમ ( લીકર રૂમ) અને ડાન્સબારનો રૂમ બંને જુદા હોવા જોઇએ તેમજ તેની વચ્ચે એવી અપારદર્શક પાર્ટીશન (નોન ટ્રાન્સપરન્ટ ) દીવાલ હોવી જોઇએ.આ નીયમનું કોઇ વ્યાજબીપણું કે તેમાં તર્કબધ્ધતા નહી લાગતાં તેને પણ રદબાતલ કરવામાં આવ્યો છે.

(7)        ડાન્સબારરૂમમાં ગ્રાહકોને દારૂ પીવાની છુટ ન હોવી જોઇએ. છાકટા બની જાય.કારણકે સમાજમાં લોકો નૈતીક(!) બને અને લોકો સખતરીતે નૈતીક્તાના નીયમો પાળે તે અનીવાર્ય છે.( Injury to Public Morals). તે નીયમને પણ કોર્ટે રદબાતલ કર્યો છે. સરકારની એ ધારણા પાયાવીહોણી છે કે આવનાર ગ્રાહકો દારૂ પીવાથી ડાન્સર્સ સાથે અયોગ્ય ચેનચાળા કરશે અથવા અયોગ્ય રીતે વર્તન કશે. શું આજ તર્ક થ્રીસ્ટાર અને ફાઇવ સ્ટાર્સ હોટેલના ગ્રાહકોને નહી લાગુ પડે! ત્યાંપણ દારૂ વહેંચવાનુ કામ ( ટુ સર્વ લીકર) તો સ્રીઓ કરે છે !

(8)       ડાન્સબાર ગર્લ્સ ડાન્સ એવો ન કરે જેથી જોનારા લોકો કામાતુર( not to arouse the prurient interest in audience & no obscene performance) ન થઇ જાય. આ મુદ્દાને દેશની અદાલતે ખુબજ ગંભીર ગણીને વીદ્વતાપુર્ણ ચર્ચા કરેલ છે. કોર્ટે સરકારને પુછયું કે શું સમાજમાં સામાજીક, શૈક્ષણીક, આર્થીક અને માનવ મુલ્યોના પ્રસારણથી અશ્ચીલલતા કે બીભત્સતાના ખ્યાલમાં પરીવર્તન નથી આવતું? મુંબઇ જેવા વૈશ્વીક સંસ્કૃતી ધરાવતા શહેર( કોઝ્મોપોલીટન સીટી) અને ગ્રામીણ સમાજના સેક્સ વીષેના વીચારો એક છે કે ભીન્ન?

વીશ્વની જુદા જુદા દેશોની અદાલતોએ અને સર્વોચ્ચ અદાલતે પોતે ભુતકાળમાં આપેલ અશ્લીલ કે બીભત્સતા અને કામતુરતાના અભીપ્રાયોને ટાંકતા જણાવ્યું કે આ બધા મુદ્દાઓનું અર્થઘટન વ્યક્તીદીઠ, સમાજ કે દેશ દીઠ પણ એક સમાન હોતું નથી. તેમજ સમય સંજોગો બદલાતાં આ ખ્યાલો અંગેની લોકમાન્યતાઓમાં ફેરફારો આવ્યા જ કરે છે.

આ બાબતમાં કોર્ટે તેના ચુકાદાના પાન નંબર ૬૪ના પેરા નંબર ૬૭ માં વીગતે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે એક જગવીખ્યાત પણ એક જમાનામાં અશ્ચલીલ ગણાતા  પુસ્તક ' લેડી ચેટરલી'ઝ લવર' જેના નવલકથાકાર હતા  ડી. એચ લોરેન્સ. આ પુસ્તક સને ૧૯૨૬માં ઇટાલીથી સૌ પ્રથમ પ્રકાશીત થયું હતું. તેનાપર સને ૧૯૨૬થી ઇગ્લેંડ, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેંડ અને અમેરીકા જેવા દેશમાં તેમાં વર્ણવેલ કામાતુર વર્ણનોને કારણે અશ્ચીલ ગણીને પ્રતીબંધ મુકવામાં આવ્યો હતો. તે પ્રતીબંધ સને ૧૯૬૦ સુધી ચાલુ રહ્યો. આપણા કહેવાતા બૌધ્ધીકો અને ન્યાયવિદ્ પણ તેના પર પ્રતીબંધ સને ૧૯૬૦માં ઇગ્લેંડે ઉઠાવી લીધા પછી પણ ચાલુ રાખ્યો છે. (While the Supreme Court in India held Lady Chatterley's Lover to
be obscene, in England the jury acquitted the publishers finding
that the publication did not fall foul of the obscenity test.
) બંને ન્યાયાધીશોએ પોતાની તે પુસ્તકની ટીપ્પણી કરતાં નોંધ્યુ છે કે ૨૧મી સદીના ઇન્ટરનેટ યુગમાં કમ્પ્યુટરના માઉસ પર કીલ્ક કરીને આખુ પુસ્તક વાંચી શકાય તેમ છે. તેથી ઇન્ટરનેટ યુગમાં સામાજીક રૂઢીચુસ્તતાની નૈતીકતાની સરહદો અપ્રસતુત થઇ ગઇ છે ( ધે આર આઉટ ડેટેડ).

 

મહારાષ્ટ્ર સરકારે પોલીસ તંત્રનો ઉપયોગ કરીને એવા નીયમો બનાવ્યા હતા કે મુંબઇની કોઇપણ હોટેલ વી.માં ડાન્સ બાર ચલાવવો અશક્ય બની ગયો હતો. આ સમયે દેશની વડી અદાલતે મહારાષ્ટ્ર સરકારની બધીજ દલીલોના જવાબ આપીને ડાન્સ બારના સંચાલન પર કેટલીક સંમત શરતો મુકીને આ વ્યવસાયને કાયદેસર બનાવવાની મહોર મારી છે.

લેખ રજુકરનારની સ્વતંત્ર નોંધ– મહારાષ્ટ્ર રાજયમાં હીંદુ સંસ્કૃતીના બચાવ માટે મેદાને પડેલી ભાજપની સરકાર છે. જેણે સને ૨૦૦૫થી સને ૨૦૧૯ સુધી પોલીસ નીયમન હેઠળ એક યા બીજા પ્રકારે નાગરીકો માટે સારૂ શું કે ખોટું શું તે નક્કી કરવાનો પોતાનો નૈતીક અધીકાર ગણીને ડાન્સબાર પર નીયંત્રણો લાદીને બંધ કરી દીધો છે. દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ પણ આ સરકાર સરળતાથી ડાન્સબારનો વ્યવસાય ન ચલાવવા માટે કેવા કેવા વીઘ્નો ઉભા કરશે તે તો સમય જ નક્કી કરશે.

તેની સામે પશ્રીમ બંગાળમાં લગભગ ત્રણ દાયકાથી માર્કસવાદી સામ્યવાદી પક્ષની જયોતી બાસુના નેતૃત્વની સરકાર હતી. આ સરકારે કલકત્તાના 'રેડ લાઇટ એરીયા' (પ્રોસ્ટીટ્યુટ ઝોન)માં રેડીકલ હ્મુમેનીસ્ટના અગ્રણી સીબ નારાયણ રે, અમલન દત્તા અને બીજા સાથીઓની મદદથી નીચે પ્રમાણેનું માનવવાદી કાર્ય કર્યું હતું.

સૌ પ્રથમ આ વ્યવસાયમાંથી આજીવીકા પેદા કરતી સ્રીઓને લાયસન્સ અપાવ્યા. ત્યારબાદ તે બધાને એઇડસ કે બીજા જનનઇન્દ્રીયોને લગતા ચેપી રોગો ન થાય માટે આરોગ્યને લગતું જ્ઞાન પુરૂ પાડી અને નીરોધ (કન્ડમ) જેવા સાધનોનો ઉપયોગની માહીતી પુરી પાડી. છેલ્લે તે સ્રીઓનું વ્યવસ્થીત કૌટુંબીક સ્થાયી જીવન બને માટે હાઉસીંગની વ્યવસ્થા કરી આપી. તેમના બાળકોને સારૂ અને મફત શીક્ષણ મળે તે માટે રાજય તરફથી પુરી સુવીધાઓ એટલા માટે પુરી પાડવામાં આવી કે જેથી તેમની નવી પેઢી આ વ્યવસાયના વીકલ્પે નવો ધંધો કરી શકે.  

હે! વાંચક તમે નક્કી કરો કે નીયમો,કાયદા,દંડ, સત્તા, ધર્મ અને ઇશ્વરનો ભય બતાવીને કોઇ સમાજના સાંસ્કુતીક– નૈતીક મુલ્યોનું જતન કે સંવર્ધન થાય કે પછી માંદા અને સડી ગયેલા સમાજને બદલવાના મુળભુત કારણો શોધીને તેને દુર કરવાના વૈજ્ઞાનીક અને તર્કબધ્ધ ઉપાયો શોધીને આવા મુલ્યોનું જતન અને સંવર્ધન થાય?   


 

-- 

Bipin Shroff


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

 


--