Thursday, February 7, 2019

મોરારીબાપુના વીડીયો આધારીત લેખ–


અગત્યની સુચના–– ફેસબુકના વાંચક મીત્રોને–

આ લેખ તમે વાંચો તે પહેલાં મોરારી બાપુનો બે મીનીટનો યુ ટયુબ વીડીયો જોવા–સાંભળવા ખાસ વીનંતી છે. જે નીચે લીંકમાં આપેલ છે.

મોરારીબાપુની યુ ટયુબ સાંભળ્યા પછી શાંતીથી, શાણપણ કે વીવેકપુર્ણ રીતે નીચેની દ્ર્ષ્ટીએ પણ શું વીચારવા જેવું નથી લાગતું?

આવી ટેવ લશ્કરને પડશે તો લોકપ્રતીનીધીઓથી ચુંટાયેલી સંસદેના બંને ગૃહો એ શું કરવાનું? એક  દિવસ એવો આવશે કે લશ્કર દેશનો  કોણ વડોપ્રધાન બનશે તે પણ નક્કી કરશે!

 પાકીસ્તાનમાં  ALL  real power to govern the country remains with the its military & religious heads.

આપશ્રીને, નાગરીક તરીકે દેશના કાશ્મીર જેવા સળગતા પ્રશ્ન પર ચીંતા હોય એ બીલકુલ સ્વભાવીક છે. ભારતીય સૈનીકોની દરરોજ કાશ્મીરી સરહદ પર થતી શહીદી પર અસહ્ય કરૂણા, દયા, અનુકંપા થાય તે વ્યાજબી અને માનવ સહજ છે. તે શહીદ જુવાનોના કુટુંબોના પોતાના સ્વજન, ભાઇ, પતિ, પિતા કાયમ માટે ગુમાવવાનો શોક આપણાથી જોઇ શકાય તેવો ચોક્કસ નથી.

 આપણે સૌ સારી રીતે સમજીએ છીએ કે વીશ્વના જુદા જુદા દેશોની  પડોશી સરહદોના પ્રશ્નો ક્યારેય યુધ્ધ અને હીંસાથી ઉકેલાયા નથી. યુધ્ધો કર્યા પછી પણ ટેબલ પર મંત્રણાઓ કરવી પડે છે.

 બીજું આપણે સૌ જાણીએ છીએ કે આધુનીક યુધ્ધો ફક્ત સરહદો પર લડાતા નથી. ભારત– પાકીસ્તાન બંને પાસે અણુશસ્રો છે. તેમાં માહિતી પ્રમાણે ભારત કરતાં પાકીસ્તાન પાસે  અણુશસ્રોનું પ્રમાણ અને તે વાપરવાની માનસીકતા(લશ્કરી તંત્રનું રાજ્યસત્તા પર પ્રભુત્વ હોવાથી) ભારતની સરખામણીમાં સહજ રીતે વધારે હોય તેમ સમજવામાં આપણે ભુલ ન કરવી જોઇએ. સને ૧૯૪૫માં પાંચ વર્ષથી ચાલુ બીજા વીશ્વયુધ્ધનો અંત જપાનના એકંદરે વધુ વસ્તીવાળા બે શહેરો હીરોશીમા અને નાગાસાકી પર બે એટમ બોમ્બ અમેરીકાએ ઝીંક્યા પછીના ૪૮ કલાકમાં જ આવ્યો હતો.

 ત્રીજું, આંતરરાષ્ટ્રીય પડોશી રાજકીય સંબંધોમાં પાકીસ્તાન સાથે ચીનના સંબંધો ઘણા ઘનીષ્ઠ છે તે આપણે નજરઅંદાજ  ન કરવા જોઇએ. ચીને આસામથી શરૂ કરીને કાશ્મીર સુધીની આપણી સરહદોની ખુબજ નજીક સડક માર્ગ ભારતની ચીંતા વીના પુરો કરી દીધો છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ આપણા મોદી સાહેબ સાથે અમદાવાદની રીવર ફ્રંટના હીંચકે ઝુલતા ઝુલતા પેલા ખમણ ઢોકરા ખાતા હતા તેથી ચીન આપણું દોસ્ત બની ગયું એમ ભુલ ન કરશો. ચીને પોતાના ૧૮ સરહદી દેશોની સરહદો અને બારેય દીશાઓમાં આક્રમક, તુડમીજાજી અને દગાખોર જ સંબંધો રાખ્યા છે.

મોદીજીના ભક્તીભાવે પેદા કરેલા રાષ્ટ્રવાદના ઘેન ને કારણે દેશના બહુ ઓછા નાગરીકોને માહિતી છે કે ભારતની ઉત્તરી સરહદે, નેપાલ. ભુતાન, તીબેટ, પુર્વની સરહદે બંગ્લાદેશ અને બર્મા, દક્ષીણમાં શ્રીલંકા અને માલદીપ સાથે મોદી સરકારના પાંચવર્ષોના કાળમાં સહેજ પણ મૈત્રીભર્યા સંબંધો નથી. આવા પડોશી દેશોથી ઘેરાયેલા ભારતને પાકીસ્તાન સરહદે યુધ્ધ થાય તો કોણ કોને મદદ કરશે? આ બધાજ પડોશીઓ સામે પક્ષે શા માટે ન જાય?

ભારત –પાકીસ્તાન સરહદ પરના પ્રશ્નમાં કાશ્મીર એક ભારતના સઘીય રાજ્ય ( One of the  Federal State) તરીકે અને તેની પ્રજાને વર્ષોથી લશ્કરની એડી નીચે રાખી વહીવટ અને સંચાલન ન થાય. તે રાજ્યની પ્રજાને કોટિલ્ય (ચાણક્ય) અને પેલા રાજાશાહીની તરફેણ કરનારા મેક્યાવેલીના ઉપદેશોથી નીયંત્રણમાં ન રખાય. ચીનના એક સમયના સર્વેસર્વા માઉત્સેતુંગના પેલા વીશ્વવીખ્યાત સુત્ર ' સત્તા અને શાંતી બંદુકના નાળચાને વરેલી છે' એ માનસીકતા દીલ્હીના સત્તાધીશોની હોય તો પણ વહેલી તકે ભુલી જવાની જરૂર છે.

માનવજાતના ઇતીહાસમાંથી ભારત– પાકીસ્તાનની, બંને દેશની પ્રજાઓએ અને તેના રાજ્યકર્તાઓએ બે બોધપાઠ લેવાની તાતી જરૂર છે.

(૧) ઇઝરાયેલમાં આવેલા જેરૂસલેમમાં ત્રણ ધર્મોના આસ્થાના સ્થાનો છે. યહુદી, ખ્રીસ્તી અને ઇસ્લામ. આ ત્રણેય ધર્મોના સંચાલકોએ તે સ્થાનનો કબજો મેળવવા ફક્ત ૧૩૦૦ વર્ષ સુધી લાખો માણસોની લાશો પર લોહીયાળ યુધ્ધો લડ્યા પછી શાંતીથી તે સ્થળના ભાગ પાડીને હજુ જીવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

(૨) યુરોપના દેશોએ  રાષ્ટ્રવાદના નામે પોતાની સરહદોના નાના ટુકડા કરીને, દુનીયાના અન્ય દેશોને ગુલામ બનાવીને છેલ્લા ફક્ત ૫૦૦ વર્ષોથી 'મેરા રાષ્ટ્ર મહાન' ના નામે લડ્યા જ કર્યું છે. જેમાંથી છેલ્લું ડહાપણ, બીજા વીશ્વયુધ્ધના અંતે કુલ ૪ કરોડ માણસોના નરસંહાર પછી તે ભૌગોલીક વીસ્તારના ૨૮ દેશોએ ' યુરોપીયન કોમન માર્કેટની' સ્થાપના કરી. રાષ્ટ્રની સીમાઓને બાજુપર મુકીને પણ યુરોપીયન ખંડની પ્રજાનો વીકાસ થઇ શકે છે તેવું સત્ય તેમને મળ્યું છે. ૨૮ દેશની પ્રજાને આ બધા દેશોમાં જવા માટે કોઇ વીસા, પરમીટની જરૂર નથી. વીશ્વના અર્થતંત્રને માન્ય હોય તેવું ચલણ ' યુરો' બજારમાં મુક્યું છે.

 ભારત, પાકીસ્તાન, બંગલા દેશની પ્રજાએ તો હજુ ફક્ત ૭૦ વર્ષ પહેલાં એકબીજા સાથેથી તલાક લીધેલા છે ને? અને તે સમયે માનવ સંહારની સંખ્યા ફક્ત દસ લાખની જ હતી ને!

 વધારામાં આપણા ગુજરાતના તાજેતરમાં જ મોદી સરકારના હાથે પ્રજાસત્તાક દિવસે પધ્મશ્રીનો એવોર્ડ પ્રાપ્ત કરેલા રાજકીય વીશ્લેષક નગીનદાસ સંઘવીએ પોતાની દી. ભાસ્કરની ૬ઠી ફેબ્રુઆરી, ગઇકાલની બુધવારની ' કળશપુર્તી ' ની પહેલા પાનાની કોલમ ' તડને ફડ' માં પોતાના લેખના પૃથ્થકરણમાં નીચેના તારણો કાઢયા છે. " ધર્મા નામે અને ધર્મની ઓથ લઇને  જેટલા ઝઘડા થયા છે, અન્યાયો થયા છે, જેટલી હીંસા થઇ છે તેટલી (દુનીયામાં) બીજા કોઇ કારણસર થઇ નથી. ધર્મનું ખોટું અને સ્વાર્થપ્રેરીત અર્થઘટન દુનીયાના ઇતીહાસમાં સૌથી મોટું અનીષ્ટ છે."

 હકીકત એ છે કે દરેક ધર્મના ઠેકેદારોએ(રાજકીય સત્તાના પક્ષીય નેતાઓએ પોતાના ભક્તોને) પોતાના અનુયાઇઓને એવી કંઠી બાંધી દીધી છે કે  તે બધા બતાવે તે જ ધર્મ અને તે બોલે એ જ રાષ્ટ્રપ્રેમ !

આવા સંજોગોમાં ભારતના કાશ્મીરી– પાકીસ્તાન સરહદો પર કાયમી શાંતી અને અમન પેદા કરવાના ભાવીનો નીર્ણય ફક્ત લશ્કરી વડા પર નક્કી કરવાનું થાય તેમાં આનંદ લેવા જેવી વાત નથી.

 

આદરણીય બાપુ, આપના જેવા પાસેથી યુધ્ધની ભક્તી કરવાની અપેક્ષા

તે પણ ૨૧મી સદીની ટેકનોલિજીકલ સાધનસંપન્ન દુનીયામાં તો ન જ રખાય!

 

--