પ્રીતેશ નંદી બોલે છે.....
ચૂંટણીમાં અંતિમ ક્ષણ સુધી કોઇને ખબર નથી હોતી કે લોકો કોને વોટ આપશે?. મારો અનુભવ એ છે કે લોકો ક્યારેય કોઇ ચીજની તરફેણમાં વોટ નથી આપતા. તેઓ હંમેશાં કોઇ વાતના વિરોધમાં વોટ આપે છે. બાંગ્લાદેશ યુદ્ધનાં નાયિકા ઇન્દિરા ગાંધી કટોકટીને કારણે 1977ની ચૂંટણી હારી ગયા. 10 વર્ષ બાદ તેમના પુત્ર રાજીવ બોફોર્સના કારણે ચૂંટણી હારી ગયા. દેશને આર્થિક સુધારાના પથ પર લાવનારા નરસિંહ રાવ 1996માં બાબરી મસ્જિદ ધ્વંસ અને તેની અસરને કારણે હારી ગયા.
હું નથી માનતો કે ભાજપ 2014ની ચૂંટણી મોદીના કરિશ્માને કારણે જીત્યો. બની શકે કે તેનાથી મદદ મળી હોય પણ ભાજપ જીત્યો એ કારણથી કે લોકોએ યુપીએ-2નાં કૌભાંડોની વિરુદ્ધમાં વોટ આપ્યા. મોદી ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો ચહેરો હતા અને તેના કારણે તેમને એવા નેતા બનવામાં મદદ મળી, જેમને લોકો પાંચ વર્ષ પછી પણ સાંભળવા તૈયાર છે.
બાકી મોદીની વર્તમાન સરકાર મોટા ભાગના મોરચે નિષ્ફળ રહી છે.
રાજકારણમાં પાંચ વર્ષ લાંબો સમય હોય છે. તેમ છતાં 2014માં ભાજપે આપેલાં વચનો મોટા ભાગે અધૂરાં જ છે. ઘણા મતદારોને ખાસ કરીને સંકટમાં ફસાયેલા ખેડૂતો અને બેરોજગાર યુવાનોને હવે એ વચનો બનાવટી લાગે છે. ભાજપ પાસે ક્યારેય એવા લોકો હતા જ નહીં કે જે કોઇ યોજનાને વ્યાવહારિક ધરાતલ પર ઉતારી શકે અને તેવું કરવાનો તેમનો ક્યારેય ઇરાદો હતો જ નહીં.
........આ દરમિયાન પાંચ વર્ષ વીતી ગયા. પાછું વાળીને જોઇએ તો લાગે છે કે જે તક મળી હતી તે વેડફાઇ ગઇ. બધા સત્તા મળ્યાનો જશ્ન મનાવવામાં વ્યસ્ત થઈ ગયા.નવા વડાપ્રધાન આવતાં જ બધા દિલ્હીમાં જવાબદારી વિનાના આરામના પદની તલાશમાં આવવા લાગ્યા અને તેનાથી એ વર્ગ પેદા થયો કે જે 'નવું જમણેરી જૂથ' (ન્યૂ રાઇટ) કહેવાયો. આ સરેરાશ દરજ્જાના લોકોનું ટોળું હતું, જેમના પર ગાય, બનાવટી ઇતિહાસ અને એ રામ મંદિરનું ઝનૂન સવાર છે કે જેને બનાવવાનો તેમનો કોઇ ઇરાદો નથી.
........લાગે છે કે તેઓ પહેલા દિવસથી જ 2019ની તૈયારી કરી રહ્યા હતા. તેઓ લગભગ દરેક ભાષણમાં રાહુલના પરનાના નેહરુ પર હુમલો કરતા અને 1947થી દેશ સાથે જે કંઇ પણ ખોટું થયું છે તેના માટે તેમને જવાબદાર ઠેરવતા. પછી તેઓ સોનિયા અને રાહુલને પણ ઢસડી લાવતા. ભ્રષ્ટાચારનો મુદ્દો તેમના મન પર એ રીતે હાવી છે કે તેમને બીજું કંઇ દેખાતું જ નથી.
.........વંશવાદી રાજકારણ પર હુમલા અને ભ્રષ્ટાચાર સામે લડવાના આ બે ઝનૂનના કારણે છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકાર પંગુ થઇ ગઇ એટલું જ નહીં, દરેક ખોટા નિર્ણય પાછળનું કારણ પણ આ જ હતું.
..........દરેક જાણે છે કે, નોટબંધી અને ઉતાળવમાં લાગુ કરાયેલા જીએસટીએ કરોડો ગરીબો અને મધ્યમવર્ગીય લોકોની આજીવિકા ખતમ કરી નાંખી. જે ધનવાનો અને અતિ ધનવાનોને પકડવા માટે આ પગલાં લેવાયા હતા તેઓ બચી ગયા કારણ કે, તેઓ જાણતા હતા કે સરકારી સિસ્ટમને કેવી રીતે છેતરવાની છે.......
સામાન્ય લોકો માટે ભ્રષ્ટાચાર ખતમ નથી થયો, ઊલટાનો વધ્યો. ઓક્સફામના આંકડા કહે છે કે,આપણા દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ધનવાનો વધુ ધનવાન થયા છે, જ્યારે બીજાના હાલ ખરાબ થયા છે.
........આ બધા વચ્ચે રાહુલ ગાંધી પર વારંવાર હુમલા કરીને નરેન્દ્ર મોદી પોતાને કેન્દ્રસ્થાને લઈ આવ્યા કારણ કે, રાહુલ ગાંધી રાજકારણમાં થોડા નવા હતા. જોકે, રાહુલ તેમના મુખ્ય વિરોધી અને સમકક્ષ થઈ ગયા, જ્યારે મોદી તેમને રાજકારણની બહાર કાઢવા માંગતા હતા. મોદી જેટલા આક્રમક થાય છે, એટલા જ રાહુલ કોંગ્રેસ અને વિપક્ષ માટે મહત્ત્વપૂર્ણ થઈને બહાર આવે છે. આજે મોદી આક્ષેપ મૂકે છે કે, ભાજપને અલગ કરીને બધા જ એકજૂટ થઈ રહ્યા છે, તો વાંક તેમનો જ છે. તેમણે જે શેખી મારી તેનું જ આ પરિણામ છે.
..............મોદીના સતત હુમલાએ રાહુલને એટલી હિંમત આપી છે કે, હવે તેઓ ચતુરાઈથી પ્રિયંકા ગાંધીને મેદાનમાં લઈ આવ્યા છે. તેઓ જાણે છે કે, મોદીના હુમલાથી પ્રિયંકાને પણ તાકાત મળશે. આ ઉપરાંત પાંચેક વર્ષમાં રોબર્ટ વાડરાને પણ જે રીતે સાણસામાં લેવાયા છે, તેથી ભ્રષ્ટાચાર સામેની લડાઈ જ શંકાસ્પદ બની ગઈ છે અને રફાલ સોદામાં રોજ નવી વાતો બહાર આવી રહી છે ત્યારે તો ખાસ. જો રફાલના કૌભાંડો બહાર આવે છે તો ઓગસ્ટા વેસ્ટલેન્ડના ભૂતને જગાડવાનો કોઈ અર્થ નથી. સરકારની હાલ ખરાબ થઈ રહી છે કારણ કે, તેઓ ફક્ત રફાલના તથ્યો નથી છુપાવતી પરંતુ ઘટતી જતી નોકરીઓ અને ખેડૂતોના આત્મહત્યાના આંકડા પણ સામે નથી આવવા દેતી.
...........હવે રાહુલ ગાંધી રફાલના તીર સાથે શક્તિશાળી વિરોધીનો સામનો કરવા તૈયાર છે. હવે બીજા પક્ષો પણ તેમની સાથે છે. શું તેઓ એકજૂટ થઈને મોદીનો કરિશ્મા ખતમ કરી શકશે?
અત્યારે તો કોઈ નથી જાણતું પણ એટલું નક્કી છે કે, ભાજપ માટે આ ચૂંટણી જીતવી સરળ નહીં હોય. જો વિપક્ષ દરેક બેઠક પર ભાજપ વિરુદ્ધ મજબૂત ઉમેદવાર ઊભો રાખે છે તો તેમના માટે આ ચૂંટણી સરળ રહેશે. ..........ગઠબંધન મુદ્દે કેટલીક ખોટી ધારણાઓ છે, પરંતુ ભારતની સરકારોએ ગઠબંધન હેઠળ હંમેશા સારું પ્રદર્શન કર્યું છે, અને એ પણ એવા સમયે, જ્યારે તેઓ અસ્થિર હતા અને તેમને ટકી રહેવાનો વિશ્વાસ પણ ન હતો. એવા સમયે અર્થતંત્ર સારું હતું, માનવાધિકાર રેકોર્ડ પણ સારો હતો અને નેતાઓએ વિનમ્રતાથી વાત કરવાનું શરૂ કર્યું હતું. એ જ સમયે સત્તાધારીઓના અહંકારની જગ્યા કરુણાએ લીધી હતી. આદેશના બદલે સામૂહિક સંમતિનું ચલણ પણ વધ્યું હતું.
એ પણ હકીકત છે કે, અટલ બિહારી વાજપેયીએ સૌથી સારી રીતે ગઠબંધન સરકાર ચલાવી હતી. હું પણ ત્યારે સંસદમાં હતો. હું જાણું છું કે, તેઓ દરેકની વાત સાંભળતા હતા અને તેમણે ક્યારેય પોતાના વિરોધીઓને નીચા નહોતા પાડ્યા. તેઓ જીતવા માટે હંમેશા ઝૂકવા તૈયાર રહેતા હતા. સૌથી મોટી વાત એ છે કે, તેમણે સુપરમેન હોવાના વાઘા ક્યારેય નહોતા પહેર્યા .
સૌ. આજનું દીવ્યભાસ્કર. લેખને ટુંકાવીને અત્રે મુકેલ છે.
1 / 2