Saturday, August 15, 2020

About Gita & Lord Krishna

દેશને આજે કયા શ્રીકૃષ્ણની જરૂર છે?  શ્રીમદ ભાગવત –મહાભારતના કે ગીતાના?

હીદું સમાજ કે તેની સંસ્કૃતીને  વૈચારીક રીતે મઠારવામાં  શ્રીકૃષ્ણના વ્યક્તીત્વનો ફાળો નાનોસુનો નથી. તેઓના વ્યક્તીત્વને સમજવાને  ખાતર બે ભાગમાં વહેચીં નાખીશું. શ્રીકૃષ્ણના મથુરામાં મામા કંસની જેલમાં રાતના બાર વાગે જન્મ પછી તે કુરૂક્ષેત્રના મેદાનમાં યુધ્ધ શરૂ થાય તે પહેલાંનું તેઓનું વ્યક્તીત્વ અને ત્યારબાદનું ભગવદ–ગીતાને આધારે  ઉપસાવવામાં આવેલું તેમનું વ્યક્તીત્વ.

આપણને શ્રીકૃષ્ણના પ્રથમ ભાગના વ્યક્તીત્વમાં તેઓને દરેક પ્રકારના અન્યાય, શોષણ, અસમાનતા, સમાજ અને સત્તાની જુની રૂઢી–રીવાજો સામે બળવો કરતા, વીદ્રોહ કરતા બતાવવામાં આવ્યા છે. સત્તા સામેનો વીદ્રોહ તો પોતાની માતા દેવકી સાથેની ગર્ભનાળ છુટીપણ ન હતી ત્યારથી શરૂ થઇ ગયો હતો. ગોકુળમાં પાલક માતા યશોદા અને પીતા નંદ જે સુચના આપે, સલાહ આપે તેની વીરૂધ્ધ જ વર્તન કરવાનો જાણે તેઓનો જન્મસીધ્ધ હક્ક બની ગયો હતો. ખાસ કરીને  '  યમુના નદીમાં ગેડીદડો લેવા માટે  પેલા કાલ–નાગવાળા ઝેરી ધરામાં કુદકો મારવો ' કે અનારાધર વરસાદમાં સૌ ગ્રામ્યજનોને ભેગા કરીને રસ્તો શોધવો, (ગોવર્ધન પર્વત વાળી વાત),તે જમાનામાં ગોકુલ,વૃંદાવન ને બરસાનાની પરણીત અને કુંવારી ગોપીઓ સાથેના મૈત્રી સંબંધો ( શ્રીકૃષ્ણ–ગોપી સંબંધોને વ્યક્ત કરતા સખા– સખી ભાવ વ્યક્ત કરતા ,શૃંગાર રસોના વર્ણનો), મામા કંસના મથુરાના અમાનવીય અને ભયંકર શાસન સામે ભાઇ બલરામના સહકારથી વિદ્રોહ, તેની પ્રજાની મામાના શાસનમાંથી મુક્તી અપાવવી, મથુરાની કુબ્જા નામની અપંગ– નિરાધાર–સમાજના છેવાડા વર્ગનું હબહુ પ્રતીનીધીત્વ કરતી સ્રી ને સહ્રદય અને વાસ્તવીક સથવારો આપવો,પેલા સંદીપની મુનીના આશ્રમમાં થયેલી કૃષ્ણ– સુદામાની સમયાતીત દોસ્તી નીભાવવી, આ બધા કામો તો શ્રીકૃષ્ણ જ જાણે કરી શકે. તેઓના વીચાર ને વર્તનમાં કોઇ તફાવત જ નહતો.

દુર્યોધનના દુશાસનમાં રાજ્યદરબારમાં એક સ્રી,નામે દ્રોપદીના વસ્રાહરણ થાય છે. ન્યાય અને નૈતીકતાના પ્રતીક સમા ભીષ્મપિતામહ અને રાજગુરૂ દ્રોણાચાર્ય બંને હાજર હોવા છતાં રાજ્યાશ્રી હોવાથી એક ની;સહાય સ્રીના નીર્લજકાંડને તે પણ ભરેલા રાજદરબારમાં અટકાવી શકતા નથી. હીંદુ રાજાઓ રાજદરબારનો આવો ઉપયોગ કરી શકે છે તેની માહીતીતો આ પ્રસંગથી જ મલી. દ્રોપદીના પતીઓ પાંડવો પણ જુગારમાં હારી ગયેલા હોવાથી અમાનવીય પ્રસંગ જુએ છે પણ તે બધાએ પોતાની ની;સહાયતા અને લાચારી સ્વીકારી લીધેલી છે. છેલ્લે પોતાનું શીયળ બચાવવાનો કોઇ ઉપાય બાકી ન રહેતાં દ્રોપદી પોતાના સખા, હે સખે! કહીને શ્રી કૃષ્ણને સંબોધે છે તે ચમત્કારીક રીતે તેણીની લાજ બચાવે છે. ભગવદગીતા અને મહાભારતના યુધ્ધ પહેલાં આવું શ્રીકૃષ્ણનું વ્યક્તીત્વ હતું.

હવે ભગવદ ગીતા અને શ્રી કૃષ્ણ–

શ્રીકૃષ્ણના વ્યક્તીત્વના પૃથ્થકરણ માટે મારા મત મુજબ સદર પુસ્તકના ૧૮ અધ્યાયોમાંથી  પ્રથમ ૯ અધ્યાયોનું મહત્વ વધારે છે.

ગીતામાં કુલ ૭૦૦ શ્ર્લોક ૧૮ અધ્યાયમાં છે. માનવવાદની દ્રષ્ટીએ સમગ્ર ગીતાનો સાર ટુંકમાં મુકવો હોય તો તેનામાં ચર્ચવામાં આવેલા આઠ અગત્યના મુદ્દાઓમાં સમાઇ જાય છે. (૧) શ્રી કૃષ્ણનું વીશ્વસ્વરૂપનું દર્શન અને નીમીતમાત્રનો ખ્યાલ  (૨) કર્મણેય વાધીકારસ્તે મા ફલેષુ કદાચન,(૩) નીષ્કામ કર્મ  (૪) સ્થીતપ્રજ્ઞતા (૫) વર્ણવ્યવસ્થાનું સર્જન. (૬) સંશયત્મા વિનશ્યતી. (૭) આત્મા અમર છે. વીનાશી છે. વી.

આપણા સૌ માં એક ખ્યાલ પ્રચલીત છે કે ગીતાની રચના શ્રી કૃષ્ણે અર્જુનને મહાભારતના યુધ્ધમાં ભાગ લેવા સમજાવવા માટે કરેલી હતી. અર્જુન યુધ્ધની વિરૂધ્ધ હતો. તેના મતે યુધ્ધ એટલે સૈનીકોના લાશોના ઢગલા, સગાવહાલા, ભાઇ ભાંડુઓના મૃત્યુ અને યુધ્ધના અંતે બંને પક્ષોની ખુવારી બાદ તમામ પ્રકારની અરાજકતા. આ સર્વવિદીત હકીકત હોવા છતાં શ્રીકૃષ્ણ પાસે સમાધાન માટેના તમામ રસ્તા દુર્યોધન સાથેના નાકામયાબ નીવડયા તેથી યુધ્ધ એજ ઉપાય દેખાતો હતો. અર્જુનને યુધ્ધ માટે તૈયાર કરવા શ્રીકૃષ્ણ દ્ર્રારા ગીતાના રચનારે જે તત્વજ્ઞાન રજુ કર્યુ છે તેની ચર્ચામાં બૌધ્ધીક રીતે આપણને રસ છે. ગીતામાં ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓની ક્રમશ; અત્રે રજુ કરવામાં આવ્યા છે.

(૧)શ્રી કૃષ્ણનું વીશ્વસ્વરૂપનું દર્શન અને નીમીત માત્રનો ખ્યાલ.– અર્જુનની આ યુધ્ધ નહી કરવા માટેની દલીલો વ્યાજબી, વાસ્તવીક અને જમીની તર્ક સાથે જોડાયેલી હતી. તેને કારણે તેનામાં અનિર્ણયતા અને સંશય પેદા થાય એ સ્વાભાવીક હતું. તેના માટે શ્રી કૃષ્ણ પાસે ગીતાના રચનારે જે ઉપાય સુચવ્યો તે રોગના પરીણામોથી ખતરનાક સમગ્ર ભારતીય સમાજ માટે સદીઓથી નીવડયા છે. ગીતાના ૧૧ના નંબરના અધ્યાયનું નામ આપ્યું છે " વીશ્વરૂપ દર્શન યોગ." તેમાં શ્રીકૃષ્ણ અર્જુને પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન આ અધ્યાયમાં જુદા જુદા શ્લોકો દ્રારા કરાવે છે. આ દિવ્યસ્વરૂપમાં તેમના ચારહાથ, મુકટ, ચક્ર, ગદા, અને સામાવાળા દુયોર્ધનની સેનાના દ્રોણાચાર્ય, ભીષ્મપિતામહ, જયદ્રથ, કર્ણ , વી ને શ્રી કૃષ્ણે યુધ્ધ પહેલાંજ મારી નાંખ્યા છે (!) તેવા બતાવ્યા છે. માટે હૈ, અર્જુન, તું યુધ્ધ કરવા તૈયાર થઇ જા. તું જીતવાનો છું. " તું તો માત્ર તે બધાને મારવા માટેનો નિમિતમાત્ર જ છું." પરમેશ્વર તરીકે મેં પૃથ્વી પરના તમામ સજીવોનું ભાવી પુર્વનીર્મીત જ કરી દીધેલ છે." માનવી તરીકે  તમારે તો ફળની આશા રાખ્યા સિવાય જન્મ–વર્ણ–આધારીત કામ જ કરવાનું છે. તું ભુલીશ જ નહી કે " હું તમારા બધાનો સર્જક, સંચાલક અને સંહારક છું."

(૨) વર્ણવ્યવસ્થા, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞતા– આ ચારેય મુદ્દઓને એકીસાથે એટલા માટે લઇ લીધા છે કારણકે તે બધા બૌધ્ધીક રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. ગીતાના ચોથા અધ્યાયના ૧૩મા શ્લોકમાં જણાવ્યું છે કે " ચર્તુવર્ણવ્યવસ્થા" શ્રીકૃષ્ણનું પોતાનું સર્જન છે. આટલી વાતમાં માનવીનો ' પુર્વજન્મ, વર્તમાનમાં જે વર્ણ–જ્ઞાતિ તથા સ્રી–પુરૂષના જાતી (સેક્સ) નક્કી  કરી અને મૃત્યુ પછીનો પુનજન્મ સુધીનું માળખું અને તે આધારીત વિચારસરણી તેઓએ નક્કી કરી દિધી. ઉપરાંત શરીરમાં આત્માનું આવનજાવન– સ્થળાંતર માટેના નિયમો પણ નક્કી કરી દિધા.

હવે જુઓ આ જડબેસલાક સામાજીક વ્યવસ્થા. દરેક હીંદુ માણસનો જન્મ તેના પુર્વજન્મોના કર્મો પ્રમાણે પેલી ચાર વર્ણોમાંથી ગમે તે વર્ણમાં થાય છે. આ અસમાન વર્ણવ્યવસ્થાના સર્જક શ્રી કૃષ્ણ પોતે હોવાથી તેમાં કોઇ ફેરફાર જ અશક્ય છે. પણ તેના પછીનો તર્ક એ છે કે દરેક હીંદુ જે કદાપી વર્ણ બહાર પોતાની માતાના પેટમાંથી જન્મ લઇ શકતો નથી તેણે આ દૈવી(!) સહીસીકકા વાળી વર્ણવ્યવસ્થામાં પોતાની વર્ણ પ્રમાણે પુર્વ નિયત થયેલા કામ કરવા, અને તે પણ ફળની આશા રાખ્યા સિવાય!. ફળની આશા રાખ્યા સિવાય ( No Desire but Duty must according to law of Karma)  ફરજ બજાવવાની તે પણ આવતો જન્મ કદાચ ઉચ્ચ વર્ણમાં મલે માટે! માનવ સ્વભાવ પ્રમાણે તમે કાંતો કામ ન કરો, ઓછું કરો અથવા તો શોષણ, અત્યાચાર સામે વિદ્રોહ કરો તો વર્ણ–જ્ઞાતીના નિયમો પ્રમાણે રાજ્ય અને શ્રીકૃષ્ણના ધર્મમાં આવા લોકોને કઇ સજા કરવી તે તો  પુર્વનિર્ણીત જ હોય! માટે કોઇ જાતની ઇચ્છા કે કામ પેટે બદલાની આશા રાખ્યા વિના કામ કરવું. અને તે સ્થિતીમાં દુ;ખ ' સ્થિતપ્રજ્ઞાતા' રાખવી. હસુતું મોઢું રાખવું.

(૩) સંશયઆત્મા વિનશ્યતી– શ્રી કૃષ્ણ દ્રારા રચવામાં આવેલી વ્યવસ્થા સામે સંશય કરવો, શંકા કરવી,  તેના સારા નરસા પરીણામ અંગે સંવાદ કરવો, અનુભવને આધારે કોઇ સુધારા સુચવવા, બધું જ અમાન્ય. કારણકે ઇશ્વરી વ્યવસ્થા સામે વિદ્રોહ, કે બળવો તો થાય જ કેવી રીતે? આધુનીક ઔધ્યોગીક અર્થવ્યવસ્થામા કામ કરતા મજુર, કર્મચારીને કહો કે '" અમે તારી સાથે એવો કરાર કરીશું જેમાં તારે તને આઠ કલાક કામ કર્યા પછી શું મલશે તેની કોઇ ઇચ્છા રાખ્યા સીવાય  કામ કરવાનું છે." બોલ કામ કરીશ ને? આવા કર્મના સિધ્ધાંતને વ્યાજબી ઠેરવતી હિંદુ ધર્મની સમાજવ્યવસ્થાએ એવો નબળા રાજ્યો અસ્તીત્વમાં લાવ્યા કે તે બધા જ પરદેશી આક્રમણ સામે ટકી શક્યા જ નહી.

(૪) આત્માનું અસ્તીત્વ– હિંદુ તત્વજ્ઞાનને ટકાવી રાખનાર કોઇ વિચાર હોય તો તે ' શરીરમાં આત્માના અસ્તીત્વનો ખ્યાલ છે.' કારણકે આત્માનો ખ્યાલ જ વર્તુળ જેવી પુર્વજન્મ, વર્તમાન વર્ણ આધારીત વ્યવસ્થામાં જન્મ અને મૃત્યુ પછી પુનજન્મની માન્યતાનો આધાર સ્તંભ છે.ગીતાના અધ્યાય નં–૨ શ્લોક નં– ૨૩માં આત્માનું વર્ણન કરતો શ્લોક છે. તેમાં જણાવ્યું છે કે આત્મા અમર છે, શસ્રથી તેને છેદી શકાતો નથી, તેના ટુકડા થઇ શકતા નથી, અગ્ની તેને બાળી શકતો નથી, પાણીમાં તેને ડુબાડી શકાતો નથી, વાયુ તેને ઉડાડી શકતો પણ નથી. જેમ વૃક્ષ તેના જુના થયેલા પાંદડાઓ ત્યજી દઇને નવાં પાદડાં લાવે છે તેવી જ રીતે માનવીનું શરીર જે નાશવંત છે, જીર્ણ થતાં તેમાં રહેલો આત્મા , બીજા નવા શરીરમાં પ્રવેશ કરે છે. આ બધુ કેવી રીતે થાય છે તે ગીતાકારે  સમજાવવાની ઘણી બધી કોશીષ કરી છે. આધુનીક વિજ્ઞાને કોઇપણ સજીવમાં આત્માનું અસ્તીત્વ છે તેને સ્વીકાર્યુ નથી. આત્માના અસ્તીત્વનો આધાર લીધા સીવાય સજીવોમાં વંશવૃધ્ધી અને મૃત્યુ કેવી રીતે થાય છે તે સરળતાથી સમજાવ્યું છે.

અંતમાં ગીતાના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરતાં એવું તારણ નીકળે  છે કે  શ્રી કૃષ્ણના વ્યક્તીત્વનો ઉપયોગ કરીને  ગીતાના રચનારે હિંદુ વિચારસરણીને બળવત્તર બનાવવા સખત  પ્રયત્ન કરેલ છે.

 



--