Monday, August 17, 2020

Three points on Gita discussed

ગીતાના ત્રણ મુદ્દાઓ પર વધારે સ્પષ્ટ ચર્ચા કરો તેવી રજુઆત આવવાથી આ લેખ તૈયાર કર્યો છે.

(૧) કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, (૨)  યદા યદાહી ધર્મસ્ય–વાળો શ્લોક (૩)  સંશયાત્મા વિનશ્યતી.

(1)  કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન ( અધ્યાય–૨, શ્લોક ૪૭.)– હે, અર્જુન, તું ફળની આશા રાખ્યા સિવાય કર્મ કર. આ શ્લોકના અર્થે દેશના સામાન્ય નાગરીકના જીવનના નૈતીક વ્યવહરોમાં ઘણી મોટી અસર પેદા કરી છે. માનવી તરીકે જે ફરજ બજાવવાની આવે કે જે કામ કરવાનું આવે તેને નીષ્ઠા પુર્વક બજાવવું. પરીણામની આશા રાખ્યા વીના. ગીતાના આ સંદેશના ટેકામાં બીજા બે શબ્દો વાપરવામાં આવ્યા છે. એક છે નીષ્કામ કર્મ અને બીજો છે સ્થિતપ્રજ્ઞતા.

નીષ્કામ કર્મ અને કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, આ બંને ખ્યાલો ગીતા અને મનુસ્મૃતીની વિચારસરણીના એકબીજાના પુરક છે. એકબાજુ વર્ણવ્યવસ્થાના છેલ્લા સામાજિક એકમો શુદ્રો, ઉપરાંત તમામ પ્રકારના રૂઢીગત વ્યવસાયો જેવાકે સુથાર, લુહાર, મોચી, કુંભાર વગેરેને બનેલા છે. ગીતાની વિચારસરણીને આધારે પેલા દુનીયા ત્યજી દીધેલા સાધુની માફક તમારે પવીત્ર મજુરી( Saintly Labour) કરતી વખતે સાધુ કે સંત બનીને મજુરી કરવાની છે. રાજાશાહી, જમીનદારશાહી અને ધર્મશાહીના હિતો સાચવવા નિષ્કામ કર્મો  વળતર કે બદલાની આશા રાખ્યા સિવાય આ જન્મે કર્યા જ કરવાના છે. ગમે તેટલું દુ;ખ પડે તો પણ તેને આનંદ, સુખ ગણીને સ્થિતપ્રજ્ઞની સ્થિતીમાં  કામ કરવાનું છે. ગીતાનો તો સંદેશો છે કે ભાઇ! તારુ નિષ્કામ કર્મ ક્યારે ગણાશે જ્યારે તેં કોઇપણ પ્રકારની ઇચ્છા કે વળતરની આશા રાખ્યા સિવાય કામ કર્યું હશે. ગામની બહાર જીવો, ગામ આર્થીક રીતે ધમધમતુ શાંત પડી જાય પછી  તમારા પેટનો ખાડો પુરવા ' આપો બા' કહીને માંગવા નીકળો, જે મળે તે તારા કુટુંબ સાથે વહેંચીને બીજે દિવસે ' નિષ્કામ' કરવા (તે પણ ફળની આશા રાખ્યા સિવાય ) તૈયાર થઇ જા. ગીતાના સંદેશા આધારીત તારણ છે કે સ્વતંત્ર રાજ્ય વ્યવસ્થા તેના નાગરીકોને યોગ્ય વળતર આપ્યા સિવાય પણ ટકી શકે ! એટલું જ નહી પણ તે રાજ્ય તરીકે લશ્કરી, આર્થીક અને આંતરીક રીતે મહા મજબુત અને સમૃધ્ધ હશે ! શું આવું રાજ્ય તેની પ્રજા પાસેથી શોષણ, ભય અને રાજ્ય સત્તાના ત્રાસ સિવાય કામ લઇ શકે? ભારતના ગામડાઓમાં પણ ત્યાંના સંપન્ન લોકો પેલા શુદ્રો , અતીશુદ્રો પાસેથી કેવી રીતે મજુરી (વેઠ) કરાવે છે.

 ભારત સિવાય વીશ્વના મોટાભાગના દેશોએ શ્રમ અને વળતર વચ્ચે સમતુલા જાળવીને પોતાનો આર્થીક વીકાસ કર્યો છે. આર્થીક ઉત્પાદન માટે ઔધ્યોગીક સમાજ ની રચના કરીને  તેને અનુકુળ નવી સંસ્કૃતી સ્થાપવા અને વિકસાવવામાં તે બધા સફળ થયા છે. તેમણે પેલા ' કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન' વાળી વિચારસરણીમાંથી જ મોક્ષ(!) મેળવી લઇને આર્થીક, રાજકીય, લશ્કરી, શૈક્ષણીક અને આરોગ્યના ક્ષેત્રોમાં પોતાની પ્રજાનું પ્રમાણમાં સંપુર્ણ ભૌતીક કલ્યાણ પ્રાપ્ત કરી લીધું છે.

બીજુ,  કોઇ ગરીબને જેની પાસે છે તે ફળની આશા રાખ્યા સિવાય મદદ કરી નિસ્વાર્થ સેવા કરવાનો આનંદ માને છે તે બધા ધર્મોએ પેદા કરેલી ' એક આપનાર જેનો હાથ હંમેશાં ઉપર હોય છે અને જે લેનાર છે તેનો હાથ નીચે હોય છે ' તે વ્યવસ્થાના ટેકેદારો છે. તેમને એવો સમાજ નથી બનાવવો જેમાં કોઇ લેનાર કે આપનાર બંને ન હોય! તો પછી ગીતાના શ્રીકૃષ્ણે આપેલા ' નિમીત માત્ર' ના સંદેશાનું શું થાય? એવું બને તો અર્જુન શ્રીકૃષ્ણનો રથ અને મહાભારતનું યુધ્ધ બંને છોડીને નાસી જ જાય!

(૨) યદા યદી હી ધર્મસ્ય––– અધ્યાય–૪, શ્લોક ૭–૮.

આ શ્લોકનો સરળ અર્થ એ છે કે જ્યારે પૃથ્વી પર અધર્મ અને પાપ વધી જશે ત્યારે  પાપીઓનો નાશ કરવા અને ધર્મનું રક્ષણ કરવા હું ( શ્રી કૃષ્ણ) પોતે જન્મ લઇશ. ગીતા રચનારે જે ખ્યાલ રાખીને અધર્મ અને પાપની વ્યાખ્યા કરી હશે તે પ્રમાણે આ ૨૧મી સદી સુધીના બીજા દસકાના અંત સુધીમાં શ્રીકૃષ્ણને જન્મ લેવાનું વ્યાજબી લાગ્યું નથી. પણ તેમના ભક્તોના મનમાં દ્રઢ શ્રધ્ધા છે કે તે આ શ્લોક પ્રમાણે  સાધુપુરૂષો વિગેરેના બચાવ માટે ચોક્કસ જન્મ લેશે.તેમના મત પ્રમાણે આ કલીયુગ ચાલે છે તેથી ભગવાન કલ્કી અવતાર ધારણ કરી આવશે. મુસ્લીમ ધર્મમાં  'કયામત' નો ખ્યાલ અને ખ્રીસ્તી ધર્મમાં ' સેલ્વેશન' કે મુક્તીના ખ્યાલને પણ  પાપ–પુન્ય, સજા, ભય વી. સદર્ભમાં જ પોતાના ધર્મ પુસ્તકોમાં વિકસાવવામાં આવ્યા છે. બધા જ ધર્મોનો માનવીને સીધો રાખવા ' ભય વિના પ્રિતી નહી' તેવા સિધ્ધાંત ને  એક યા બીજા સ્વરૂપે  વિકસાવ્યો છે.

(૩) સંશયાત્મા વિનશ્યતી–અધ્યાય –૪.શ્લોક ૪૦.

ગીતામાં જણાવેલા ઉપદેશો પર જે સંશય રાખે છે, શંકા પેદા કરે છે તેવા મનુષ્યો ક્યારેય પરમાત્માને પ્રાપ્ત કરી શકશે નહી. તે બધા ભ્રષ્ટ માનવીઓ છે. તે આ જન્મે, આ લોકમાં તથા પરલોકમાં પણ સુખી નહી થાય. લગભગ દરેક ધર્મોમાં ધાર્મીક સત્યો સામે જે પુરાવા સાબીત કરે છે, તેવા સત્યો સામે પડકાર ફેંકે છે તે બધામાંથી ઘણા બધાને ધાર્મીક સ્થાપિત હિતોએ મારી નંખાવ્યા છે, જીવતા સળગાવી દીધા છે. દેહાંત દંડની સજા કરી છે. આ જીવન એકાંતવાસ કારાવાસની સજાઓ કરી છે. હજુ પણ કરવામાં આવે છે. માનવી સ્વભાવે જ શંકા( Doubt) કરનારો છે.  બાયબલમાં લખેલું છે કે પૃથ્વી સપાટ છે. ગેલેલીયોએ સાબીત કર્યું કે પૃથ્વી ગોળ છે.ન્યુટને પ્રશ્ન પુછયો કે સફરજન ઉપરથી નીચે કેમ પડયું? નીચેથી ઉપર કેમ જતું નથી? ચાર્લસ ડાર્વીને ૨૦ વર્ષોના સંશોધન પછી વૈજ્ઞાનીક સત્ય શોધી કાઢયું કે  માનવી કોઇ ઇશ્વરી કે દૈવી સર્જન નથી. તે અન્ય સજીવોની માફક સજીવ ઉત્ક્રાતીની નીપજ છે. માનવીએ  જાતે જે કોઇ પ્રગતી અને વૈજ્ઞાનીક સીધ્ધીઓ પ્રાપ્ત કરી છે તે બધીજ સીધ્ધીઓ ધાર્મીક સત્યો અંગે સંશય કરીને, પડકારીને જ કરી છે.

આપણા દેશમાં ધાર્મીક અંધશ્રધ્ધાઓ સામે પ્રજામત જાગૃત કરનારા મહારાષ્ટ્ર રાજ્યના ડો નરેન્દ્ર દાભોલકર,  ગોવિંદ પાનસરે, કર્ણાટકના ધારાવાડના પ્રો. કલબુર્ગી અને ગૌરી લંકેશની નીર્મમ હત્યા કરવામાં આવી છે. તેમના ખુનીઓ પકડાતા જ નથી. આ બધા આપણા માનવ મરજીવા રેશનાલીસ્ટ અને માનવવાદી હતા. તમે વીચાર કરી શકો છો ખરા કે આ ચાર માનવીઓના વૈજ્ઞાનીક સત્યોમાં કેટલી તાકાત હશે કે  તેમના સંશયવાદી વલણોને કારણે  તેમને બંદુકગોળીઓથી મારી નાંખવામાં આવ્યા છે. ચારેય રેશનાલીસ્ટોનો ગુનો એક જ હતો કે તે બધાએ ધાર્મીક વિચારોના શસ્રો સામે  વૅજ્ઞાનીક અભિગમના શસ્રોની મદદથી શાંતીપુર્વક સંવાદ કરીને ધર્મનીરપેક્ષ સંઘર્ષ કરવા તૈયાર કરતા હતા.....................



--