કીરણ સ્કેપ્ટિક( Sceptic) પુર્વાધ અને કીરણ રેડીકલ હ્યુમેનીસ્ટ ઉત્તરાર્ધ.
ભાઇ કીરણ સાથેનો સંબંધ યાદ કરતાં એમ લાગે છે કે તે સંબંધ ઓછામાં ઓછો ચાર પાંચ દાયકા જુનો છે. તે સંબંધ ખેડા જીલ્લાના માતર તાલુકાના રઢુ ગામથી ઘનીષ્ટ થવાની શરૂઆત થઇ. આશરે સને ૧૯૮૫–૯૦ના વચગાળામાં કીરણ વડોદરાથી અને બીજા બે મુંબઇથી અજય શાહ (રેશનાલીસ્ટ) અને ધીમંત પારેખ મુંબઇના કોઇ પહેંચાનવાળાની રઢુ મુકામે આવેલી જમીનમાં ખેતી કરવા આવ્યા. જીંદગીમાં ખેતીની બારખડી શીખ્યા હશે કે કેમ તે પણ મારે મન સવાલ હતો. રઢુમાં કોઇ જ ઓળખે નહી. રઢુ ગામમાં તે બધા અજાણ્યા,પાછા યુવાનો અને વધારાની લાયકાત નાસ્તીક કે રેશનાલીસ્ટની. ગામથી દોઢ બે માઇલ દુર તેમની જમીન. સમગ્ર વિસ્તારમાં કોઇ ઝાડ પણ ન મળે. મારા ખેતીના અનુભવે મેં જોયું કે તેમની જમીન બીલકુલ રસકસ વિનાની, ગોરાડુ ખેતી માટે બીલકુલ નકામી. જેનો પીએચ આંક ૮થી ઉપર. જમીનમાં ભેજ સંગ્રહવાની શક્તી જ નહી. બોરનું પાણી પણ સખત સોડીયમ ના ક્ષારોવાળુ. મેં તો જમીન જોતાંજ ભાઇ કીરણને કહી દિધું કે રઢુમાં ખેતી કરવાનું બંધ કરી દો. જે મુઠી ફાકો બચત હશે તે પણ તમારી ખલાસ થઇ જશે! મારા સંબંધોને કારણે રઢુમાં તેમને ગામના સૌથી સમૃધ્ધ કુટુંબના વડા સાથે ઓળખાણ કરાવી, ઘર ભાડે અપાવ્યું. ને ગામના લોકો આશંકા કે અવિશ્વાસથી તેમને ન જુએ તેવું વાતવારણ ન સર્જાય માટે સહકાર આપવા વિનંતી પણ કરેલી.
રઢુમાં મળેલી આર્થીક નીષ્ફળતા પછી તે બધા થોડા સમય માટે મહેમદાવાદમાં સ્થાયી થયા. ત્યારબાદ કીરણ અમદાવાદ, ધીમંત પાછો મુંબઇ અને અજય મહેમદાવાદમાં જ સ્થાયી થયો. આર્થીક પરીબળોની તે સમયે જે મજબુરીઓ હતી તેને કારણે ક્રમશ; રેશનાલીસ્ટ ચળવળમાં નિયમીત સમય ફાળવવો તે બધાને માટે દિવસે દિવસે મુશ્કેલ બનતો ગયો. પણ શરૂઆતને તબક્કે ગુજરાતમાં અંધશ્રધ્ધા નાબુદી અને ચમત્કારોના પર્દાફાશ માટે ખાસ કરીને અજય–કીરણની બેલડી પ્રમાણમાં શહેરી શીક્ષીત મધ્યમ વર્ગમાંથી યુવાનેતૃત્વ ઉભું કરવામાં સફળ થઇ હતી. એક રેશનાલીસ્ટ પત્રીકા પણ આશરે દસેક વર્ષ સુધી ચલાવી હતી.
તે સમયે મુંબઇ– ગુજરાતમાંથી આ બંને સાથે ખુશાલ ગાલીયા,( મુંબઇ) યાહ્યાભાઇ લોખંડવાલા,( ગોધરા) કમલાશંકર પંડયા, (વડોદરા) જયંતી પટેલ અને જાદુગર ઝીંગારા ( અમદાવાદ,) જયરામ દેસાઇ (નડીયાદ) સોમભાઇ પ્રજાપતી (વીધ્યાનગર) ચતુરભાઇ ચૌહાણ (પાલીતણા– હાલ ચાંદખેડા) ફકીરભાઇ વણકર ( સમી–પાટણ) જમનાદાસ કોટેચા ( જોરાવનગર) પ્રીયમુખભાઇ ( વડોદરા), અબ્દુલ વકાની ( અંકલેશ્વર) બાબુભાઇ દેસાઇ (સુરત સત્યશોધક સભા) અને બીજા ઘણા, ( માફ કરજો કદાચ કોઇ સાથી મિત્રોના નામો રહી જાયતો!) તે સમયે અંધશ્રધ્ધા નાબુદી ચળચળમાં જોડાયેલા હતા.
વિજ્ઞાન યાત્રાના માધ્યમથી અંધશ્રધ્ધા– વહેમો સામે લોકસંપર્ક થાય અને વૈજ્ઞાનીક અભીગમ કેળવાય તે માટે આ બેલડીએ એક ખાસ મોડેલ બનાવ્યું હતું. જેમાં
' નાળિયેરમાંથી ચુંદડી કાઢવી, હથેળીમાંથી કુકું કાઢવું અને તેવા પ્રયોગો કરવા માંડયા તેમજ તે અંગેની તાલીમ આપીને ચતુરભાઇ ચૌહાણ જેવા મિત્રો પણ તૈયાર કરવા માંડયા. તે બધુ વધુ લોકભાગ્ય બને માટે ' એક રાજાની વાત, હીમાલયમાં આવેલું માનસરોવર અને સાધુના ડ્રેસનો પણ ઉપયોગ કર્યો. ભાઇ કીરણના વેધક નિરીક્ષણ પ્રમાણે આ નાળિયેરમાંથી ચુંદડી કાઢવી અને હાથમાંથી કુકું કાઢવાના તથા અન્ય પ્રયોગો કરવાથી જે વૈજ્ઞાનીક અભીગમ કેળવવો જોઇએ તેને બદલે કેટલાક પ્રસંગોમાં તેમની પાસે લોકો બાધા આખડી કરવા ચાલુ પ્રોગ્રામે એક બે પ્રસંગે આવ્યા. તે દિવસથી તેને સમજાઇ ગયું કે સમાજમાંથી અંધશ્રધ્ધા વહેમો વિ. દુર કરવા તે કામ સરળ નથી. ઘણું ગંભીર છે.
પ્રો. જયંતીભાઇ પટેલ સાથેના રેશનાલીસ્ટ પ્રવૃત્તીના સંબંધો એક બૌધ્ધીક આયામમાં રૂપાંતર થઇ ગયા. જયંતીભાઇ ઇન્ડીયન રેડીકલ હ્યુમેનીસ્ટ એસો. ના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા ત્યારે કીરણને તે સંસ્થાના જનરલ સેક્રેટરી બનવાની તક મળી. આ તકે કીરણને રેશનલીઝમ એક સત્ય શોધવાનો માર્ગ છે. કુદરતને સમજીને માનવીય અસ્તીત્વ કેવી રીતે ટકાવી શકાય તેમાં કોઇ મદદ કરતા હોય તો તે રેશનાલીઝમ છે. તેમાં કીરણને અમેરીકન સ્કેપ્ટિક જેમ્સ રેન્ડી અને સેક્યુલર હ્યુમેનીસ્ટ પ્રો.પોલ કુત્સના માનવવાદી વીચારોને જાણવા– સમજવા મલ્યા.
છેલ્લે કીરણ, ઇન્ડીયન રેડીકલ હ્યુમેનીસ્ટ એસો. ની માતૃસંસ્થા ઇન્ડીયન રેનેશાં ઇનસ્ટીટયુટની કારોબારીમાં તેમની વરણી થઇ. તે સંસ્થાની એક અને ભાઇ કીરણ માટેની આખરી બેઠક પુના મુકામે જુલાઇ–૨૦ માં મળી. આશરે દસ દિવસ પહેલાંજ તેઓની મારી સાથે ટેલીફોનીક વાત વિગતે તે સંસ્થાની કાર્યવાહી અંગેની વાત થઇ હતી. તેમાં સંસ્થાના વર્તમાન પ્રમુખ શ્રી રમેશ અવસ્થીએ રાજીનામું આપી દીધું હતું. સંસ્થા કદાચ બીજા અઇચ્છનીય પરીબળોમાં જતી રહે તેવી શંકા હતી. તે અંગે ભાઇ કીરણ અને કલકત્તાના વૈશ્વીક કક્ષાના ભુતપુર્વ માનવવાદી સીબ નારાયણ રે ના પત્ની ગીતાબેને શ્રી રમેશ અવસ્થીને સમજાવીને પ્રમુખ તરીકે ચાલુ રહેવામાં સફળતા મેળવી હતી તેની વાત વિગત કરી હતી.
ભાઇ કીરણ, છેલ્લે બલ્ડકેન્સર જેવા અતી દુર્લભ રોગનો જ શીકાર બની ગયો. આશરે ૬૩ વર્ષની ઉંમરે ( ૧૦–૦૩–૫૭ અને ૨૧–૦૮–૨૦) જ્યારે તેની જીંદગીના પરીપક્વ અનુભવોનું સર્વોત્તમ પ્રદાન આપવાની સંપુર્ણ ક્ષમતા ધરાવતો હતો ત્યારે જ કીરણે આપણી વચ્ચેથી વસમી કાયમી વિદાય લઇ લીધી. તેને સાચી શ્રધ્ધાંજલી તો ફક્ત તેના રેશનાલીઝમ અને માનવવાદી કાર્યો અને મુલ્યોને સાકાર કરવા આપણે સૌ સતત પ્રયત્નશીલ રહીએ તેમાં રહેલી છે.
--