ગીતામાં (૧) સ્રી સમાજની સંપુર્ણ બાદબાકી (૨) ગીતા ભારતીય વર્ણ– જ્ઞાતી પ્રથાની જન્મદાતા તથા પાલક–પોષક. બે મુદ્દાઓ પર ચર્ચા કરવા મને વિનંતી કરવામાં આવેલી છે. જે અત્રે સવિનય રજુ કરેલ છે.
(૧) ગીતામાં સ્રી સમાજની સંપુર્ણ બાદબાકી– બીજા ધર્મોના ધર્મ પુસ્તકોની માફક ગીતા હીંદુ ધર્મની વિચારસરણી ને જીવન પધ્ધ્તીને ટકાવી રાખતું એક અગત્યનું પુસ્તક છે. બાયબલે ખ્રીસ્તી જીવન પધ્ધતી તથા કુરાને ઇસ્લામીક જીવન પધ્ધતીને જન્મ આપ્યો છે . તેવી જ રીતે ગીતાએ એક ધાર્મીક પુસ્તક તરીકે હિંદુ જીવન પધ્ધ્તીને જન્મ આપ્યો છે.
તમામ ધર્મોના આવા પુસ્તકોનું કામ ફક્ત અને ફક્ત જે તે સમયની ઉત્ક્રાંત કે વિકસેલી સામાજીક વ્યવસ્થા હોય છે તેને ટકાવી રાખવાનું જ હોય છે. વિશ્વમાં જુદા જુદા દેશોમાં શિકાર યુગ પછી અસ્તીત્વમાં આવેલી કૃષીસંસ્કૃતીને ટકાવી રાખવા આ બધા ધર્મોના પુસ્તકો અને તેના આધારીત રીતરિવાજો વી. રચના કરવામાં આવી છે. કૃષી કે ખેતી તે યુગમાં ઉત્પદાનનું સાધન હતું . તેની માલીકી જેની હોય તેના તમામ પ્રકારના હીતોનું સંરક્ષણ કરવાનું, ટકાવી રાખવાનું અને સંવર્ધન કરવાનું કામ ધર્મો અને તેમાંથી પેદા થયેલા ઇશ્વરી પ્રતિનિધિઓ ( Agents of God)નું હતું.
કૃષી એક આર્થીક ઉત્પાદનનું સાધન હતું. તેની જમીનની માલીકી જમીનદારો કે સામંતો ( Feudal Lords)ની હતી. આ ઉત્પાદનના માલીકોનું હીત કયા કયા હોય! (૧) તાપ, ઠંડી અને વરસાદ બધી સીઝનોમાં વળતર કે બદલાની આશા સિવાય નિષ્કામ કર્મ કરે તેવા મજુરો.. (૨) વિપરીત કુદરતી પરિબળો સામે મજુરી કરવામાં દુ;ખ વ્યક્ત કરવાને બદલે સ્થિતપ્રજ્ઞ બનીને ફળની આશા રાખ્યા વિના ' કર્મણે વાધિકા રસ્તે માફલેષુ કદાચન ' જેવા ગીતાના મહાન સિધ્ધાંત પ્રમાણે કામ કર્યા કરવાનું. ફરજમાં આવી પડેલા કામ અને વ્યવસ્થા સામે બળવો નહી કરવાનો. આ કામ તેને જન્મની સાથે પેઢી દર પેઢી નિમિત માત્ર બનીને કર્યા જ કરવાનું હોય છે. તેને જીંદગીભર દૈવી પ્રવૃત્તી ગણીને ફક્ત કર્યા કરવાનું જ નહી પણ તેની આવનારી પેઢીને ' વંચીતો'ની મિલકત તરીકે વારસામાં પેલું ' લીગલ વીલ' કર્યા વિના પેઢી દર પેઢીએ હસ્તાંતર જ કર્યા કરવાનું.
જેમ કૃષી આર્થીક વ્યવસ્થામાં જમીન જેમ ઉત્પાદનનું સાધન છે તેવી જ રીતે આ જીવન પધ્ધતીમાં સ્રીનું સ્થાન પણ એક ઉત્પાદનના સાધનથી વધારે નથી. જમીન જેમ અનાજ ઉત્પન કરે છે તેમ સ્રી પણ એક ઉત્પાદનના સાધન તરીકે બાળકો પેદા કરે છે. આ સમાજમાં તે માતા ન બની તો કુટુંબ, સાસરી,સમાજ અને ધર્મે તેણીની આ ગેરલાયકાત માટે કેટલા બધા અમાનવીય વિશેષણોથી નવાજી છે ! માતા બને પણ દીકરો ન જણે તો? આ ગીતા પ્રેરીત અસ્ત્તીત્વ આવેલા સમાજમાં તેણી ફક્ત માબાપને ત્યાં જન્મેલું એક ઉત્પાદનનું સાધન છે. તેણી ફળ આપવા લાયક બનતાં તેનું ' કન્યાદાન ' વાજત ગાજતે કરી દેવાનું ! તે ક્ષણે થી પિતૃગૃહના તમામ માલિકી અધીકારો ખતમ. ફક્ત રક્ષાબંધન અને ભાઇબીજના દિવસે બે દીવસનો વીઝા સાસરીમાંથી લઇને આવવાનું!
વાંચક મિત્રો, આપણે સમજપુર્વક જ્ઞાન આધારીત આપણને કુટુંબે, સમાજે કે ધર્મે જે માહિતી ગીતાના રચનાર તરીકે શ્રી કૃષ્ણ હતા તે આપી હતી તે માહિતીને ભુલી જવી પડશે. ગીતા એક ધાર્મીક ગ્રંથ તરીકે અન્ય ધર્મોના ધાર્મીક પુસ્તકોની માફક દસ હજાર વર્ષોથી અસ્તીત્વમાં આવેલી કૃષી સંસ્કૃતી આધારીત સમાજ વ્યવસ્થાને ટકાવવામાં સફળ થયો છે. ગીતા પ્રેરીત ધાર્મીક નૈતીકતાનો ઐતીહાસીક ફાળો ( Historical Role) હવે પુરો થઇ ગયો છે.
હવે છેલ્લા પાંચસો વર્ષોથી અસ્તીત્વમાં આવેલ આધુનીક સમાજ ને ટકાવે તેવી નવા માનવીય મુલ્યોવાળી નવી સંસ્કૃતીની તાતી જરૂરત છે. માનવી જન્મથી જ સ્વતંત્ર છે, સમાન છે. સારુ ખોટુ કે સત્ય શોધવાની તેની પધ્ધતી તેની જૈવીક ઉત્ક્રાંતીમાંથી વિકસેલી તર્કવીવેકબુધ્ધી છે. તેના અરસપરસના માનવીય નૈતીક સંબંધો ધર્મઆધારીત નહી પણ ધર્મનીરપેક્ષ છે.
(૨) ગીતા ભારતીય વર્ણ– જ્ઞાતી પ્રથાની જન્મદાતા તથા પાલક–પોષક.
ઉપર વિગતે ચર્ચા કર્યા પછી વધુમાં મારે આ જ્ઞાતીના મુદ્દે એટલું જ જણાવવાનું છે કે ગીતા આધારીત વર્ણવ્યવસ્થાના ભોગ બનેલા સૌ એ તેના આધારીત પેદા થયેલી સંસ્કૃતીમાંથી બહાર નીકળ્યા સિવાય બીજો માર્ગ નથી. ગામડા રહેનારા સૌ દલીતોમાંથી મોટાભાગના પાસે મિલકતમાં પોતાના હાથપગ સિવાય બીજુ કશું જિવવા જેવું તમારા માટે બાકી રાખ્યું જ નથી. બાબા સાહેબે પોતાના અનુભવોને આધારે કહ્યું જ હતું કે ગમે તે હિસાબે ગામડા છોડી દો. સુચન સારુ છે. પણ ભારત જેવા દેશમાં અમલમાં મુકવું સરળ નથી. પણ શહેરી સમાજને અસંગઠીત શ્રમજીવીઓની જરૂર કેટલી છે તે તો આપણને કોરોના–૧૯ના સંદર્ભમાં કરવામાં આવેલ લોકડાઉનથી ખબર પડી ગઇ છે.
ઔધ્યોગીક સમાજ એક વ્યક્તી લક્ષી સમાજ છે. તે માનવીને કોઇ સામાજીક કે ધાર્મીક એકમના ભાગ તરીકે ઓળખતો નથી. માટે અહીંયા વર્ણ કે જ્ઞાતી કે ધર્મ આધારીત સામાજીક સંબંધો ક્રમશ; અપ્રતુત બનતા જાય છે. તેની ઓળખ વ્યવસાયીક અને વ્ય્ક્તીગત છે. અહીયાં કૃષી સંસ્કૃતીની અનેક કૌટુંબીક, સામાજીક, ધાર્મીક ને રાજકીય નિષેધોમાંથી તે મુક્ત છે. પણ સાથે આધુનીકસમાજની એકલતામાંથી તેને મુક્ત થવું પણ સરળ નથી. અહીયાં કામ, વળતર , ફરજના સંબંધો સ્પષ્ટ હોય છે. આઠ કલાક કામ કર્યા પછી કેટલો પગાર મળવાનો છે તે ખબર છે.કામનું સંસ્થાનીકરણ ( Institutionalization of work) આધુનીક સમાજમાં થયેલું છે. ધર્મ અને રાજાના પ્રતીનીધોઓને બદલે આ સમાજ અને તેની સંસ્કૃતીના વિકાસમાં લોકભાગીદારી વધતી જાય છે. અહીંયા લોકો પોતાની ભાગીદારીવાળી રાજ્ય સત્તા માટે સતત વધુ અને વધુ સભાન બનતા જાય છે. પરંતુ આપણે એ પણ સ્વીકારવું પડશે કે સદર આધુનીક સમાજની માનવકેન્દ્રી સંસ્કૃતી રાતોરાત કે કદ બે દસકામાં ઉભી થઇ શકે નહી. જુની વ્યવસ્થા સામે અવિરત સંઘર્ષ અનિવાર્ય છે. જેમાં સત્તાના સોપાનોની ચઢઉતર પણ થયા કરવાની. બાકી નવા સમાજના પરિબળોમાંથી પીછેહઠ અશક્ય છે.
વળી આધુનીક સમાજ ફક્ત ઔધ્યોગીક કામદારનો બનેલો નથી. તેમાં સમાજના તમામ જુદા જુદા ક્ષેત્રોના કુશળ અને વીષય નીષ્ણાત સંપન્ન સ્રી –પુરૂષો બંનેનું પ્રદાન હોય છે. ૧૯મી સદીના ઔધ્યોગીક ફેકટરીના કામદાર અને કામ બંનેમાં ધરમુળથી ફેરફાર થઇ ગયા છે. અને વધુ થવાની ક્ષમતા ધરાવે છે. જેમાં વર્ણ અને જ્ઞાતીની ઉપયોગીતા જ અપ્રસતુત થઇ જાય છે.
--