Thursday, June 2, 2022

અરે! મારા મીત્ર, તું તો યાર નાસ્તીક છે.

અરે! મારા મીત્ર, તું તો યાર નાસ્તીક છે.

આપણને બે ને કદી બનશે નહી. એક છે ઉત્તર ધ્રુવ અને બીજો છે દક્ષીણ ધ્રુવ. આવા એકદમ તારણ પર આવતાં પહેલાં તું કહે તો ખરો કે નાસ્તીક વ્યક્તી કેવી હોય છે? સમાજમાં અરસપરસના વ્યવહારોમાં આ નાસ્તીક માણસોના સંબંધો કેવા હોય છે? આપણા દેશની સવા અબજની વસ્તીમાં આ નીરઇશ્વરવાદીઓની સંખ્યા કેટલી છે કે જેનાથી  તમે આટલા બધા ગભરાવ છો? શા માટે તેઓના ખુન અને હત્યા કરવા મેદાને પડયા છો? રાજકીય રીતે તેમનો કોઇ પક્ષ છે, તેમના ચુંટાયેલા એમ એલ એ કે એમ પી કેટલા છે?શું તેઓ કોઇ મોટા ઉધ્યોગપતી છે? દેશમાં તેમના કેટલા નાસ્તીક સંગઠનો ગ્રામ્ય,તાલુકા, જીલ્લા, રાજય કે રાષ્ટ્રીય કક્ષાએ છે, જેના વ્યાપ કે વીસ્તારથી તમે આટલા બધા ધુંઆપુઆ થઇ ગયા છો?

 પણ મને ખબર છે તેમના વીચારો અને કાર્યો પેલા જપાનમાં નાગાસાકી અને હીરોશીમા પર પડેલા એટમબોંબ કરતાં પણ વધારે સ્ફોટક છે.અમેરીકામાં આ નાસ્તીકો જુદા જુદા નામે સંસ્થાઓ સ્થાપીને પોતાની પ્રવૃતીઓ કરે છે. અમેરીકાની બધીજ જુદા જુદા ફાંટાવાળી ખ્રિસ્તી ધર્મની સંસ્થાઓએ તેમને ઓળખવા માટે ધર્મનીરપેક્ષ માનવવાદીઓનું( Secular Humanist) એક લેબલ મારેલું છે. તેઓની આ માનવવાદી ચળવળને અમેરીકન ધાર્મીક રૂઢીચુસ્તોએ ' Most dangerous and influential intellectual and anti religious movement in USA in 21st century.' ઓળખાવી છે. કેમ?

(૧) તેઓએ ઇશ્વરની મદદ સીવાય દરેક સજીવની ઉત્પતી, સંવર્ધન અને વીકાસ વીજ્ઞાનની મદદથી સમજાવ્યો છે.તેને ખુબજ મોટા પ્રમાણમાં વૈશ્વીક સતત સ્વીકૃતી મળતી રહી છે. આવા ધર્મનીરપેક્ષ સંશોધનો, રીસર્ચ, અને શોધખોળોની મદદથી જ આપણે બધા ૨૧મી સદી સુધી પહોંચ્યા છે.

(૨) બાયબલ, કુરાન અને ગીતાકે રામાયણના ઉપદેશો અને તથ્યોનો ખુબજ વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત બારીકાઇથી અને ઉંડાણથી અભ્યાસ કરીને તે બધાજ ધર્મગ્રંથોની મર્યાદાઓને પ્રકાશીત કરી છે. તેમાંથી બોધપાઠ લઇને ધર્મ અને ઇશ્વરના આધાર સીવાયની નૈતીકતાનો ટેકો લઇને પોતાનું જીવન જીવે છે.

( નાસ્તીકોના ધર્મનીરપેક્ષ નેતીક વ્યવહાર( Secular morality)નો આધાર તેની તર્કવીવેક શક્તી (રેશનાલીટી)માં સમાયેલો છે.તેની નૈતીકતાનો આધાર ઇશ્વરી ભય, મૃત્યુ પછીનો પાપ–પુન્ય, પુર્વજન્મ– પુન:જન્મ કે ઇશ્વરના પૃથ્વીપરના એજંટો નક્કી કરતા નથી.

(૪) માનવીય રેશનાલીટી કે તર્કવીવેક શક્તીનું સર્જનમાં કશું દૈવી કે ઇશ્વરી નથી. પણ તેનું સર્જન દરેક સજીવની જીવવા માટેની અદ્મય ઇચ્છા તથા કુદરતી પરીબળોના નીયમોની સમજમાંથી પેદા થયેલ છે. આવી રેશનાલીટી અન્ય સજીવો કીડી, હાથી, સીંહ વી. માં પણ જોવા મળે છે. માનવીના નૈતીક વ્યવહારની જરૂર મર્યા પછી સ્વર્ગ, મોક્ષ કે જન્નત માટે બીલકુલ જરૂરી નથી. કારણકે તે બધુ વાસ્તવીક આધાર વીનાનું કાલ્પનીક કે તરંગી છે. રેશનલ નૈતીક વ્યવહારની જરૂર અહીંયા સારુ, સુખી અને સમૃધ્ધ જીવન જીવવા જરૂરી છે.

(૫) આમ, ધર્મનીરપેક્ષ માનવવાદીઓ, નાસ્તીકો, નીરઇશ્વરવાદીઓ અને સંશયવાદીઓના જીવનના પાયાના ત્રણ આદર્શો છે. એક,વર્તમાન જીવનને જ મહત્વ, બે,અબાધીત સ્વતંત્રતા( unconditional freedom)અને ત્રણ, આ જીંદગીમાં જ સુખ (તે ભૌતીકવાદી પણ ભોગવાદી કે આધ્યાત્મીક નહી) મેળવવા યથાર્થ પ્રયત્ન ( Life ,Liberty, and Pursuit of Happiness)કરવો.

(૬) માનવ સહીત કોઇપણ સજીવનું આ જીવન એક જ જીવન છે. તેના પહેલાં કોઇ જીવન હતું નહી અને મૃત્યુ પછી પણ કોઇ જીવન નથી. તેથી જે કોઇ સર્જન આ દેશ અને દુનીયામાં છે તે માનવીય પ્રયત્નોની ભૌતીકસુખની જરૂરીયાતમાંથી પેદા થયું છે. કુટુંબથી માંડીને જુદાજુદા સામાજીક, ધાર્મીક, રાજકીય કે આર્થીક જુથોની રચનાઓ માનવીય હીતો માટે,માનવની તર્કવીવેકશક્તી અથવા રેશનાલીટી મદદથી થયેલી છે. જે સંબંધો માનવ સર્જીત હોય તેમાં માનવીની જરૂરીયાત પ્રમાણે સુધારો વધારો કે ફેરફાર કરવામાં આવે તેમાં કશું અનૈતીક, અધાર્મીક કે ઇશ્વરની મરજી વીરૂધ્ધનું કેવી રીતે કહેવાય? માનવીને સુખ, આનંદ,મોજ માટે માનવીય સંબંધો બનાવવાના હોય છે. મૃત્યુ પછીના જીવન માટે નહી. માનવી તરીકે જીવવું એટલે આનંદ માટે ભૌતીક સુખ માટે જીવવું. પણ સુખ અકરાંતીયા,બેફામ કે શરીરને નુકશાન કરે તે રીતે પોતાને કે અન્યને નુકશાન પહોંચાડે તેવી જીવન પધ્ધતીમાં રહેલું નથી.

(૭) આત્મા અને શરીર બે જુદી ચીજ હોય તેમ કોઇ રેશનાલીસ્ટ સ્વીકારતો નથી. માનવ મન કે હ્યુમન બ્રેઇન તે ભૌતીક શરીરનો એક ભાગ જ છે. માનવીય સભાનતા કે ચેતના શરીરના ભૌતીક નાશ સાથે નાશ જ પામે છે. તેથી માનવીય યાદશક્તી પણ ભૌતીક નીપજ છે. જે ભૌતીક શરીરના નાશ સાથે નાશ પામે છે. આ માનવ જીવન સહીત જે કાંઇપણ છે તે બધું જ ભૌતીક છે.અને તેને માનવીય બુધ્ધી કે સમજથી સમજાવી શકાય તેમ છે. કદાચ કોઇ બનાવ, કોયડો કે પ્રસંગ આજની માનવીય સમજ પ્રમાણે ન સમજાવી શકાય તેનો અર્થ એવો નથી કે તેમાં કશું દૈવી કે ઇશ્વરીય છે અને માનવીય ઇન્દ્રીય સમજ, અનુભવથી પર છે.આવતી કાલે માનવીય સર્જનની નવી શોધખોળોથી તે બધા પ્રશ્નો પણ ચોક્કસ ઉકેલાઇ જશે. માનવ સંશોધન તે એક સતત ચાલતી પ્રક્રીયા છે.

(૮) આવા માનવવાદીઓના અંગત અને અરસપર સંબંધો ખુબજ પ્રેમાળ, ઉષ્માભર્યા અને વિશ્વાસપાત્ર હોય છે. કારણકે સંબંધો પેદા કરવામાં અને ટકાવી રાખવામાં કોઇ હરીફાઇ, સત્તા, માલીકીભાવ, ઉંચનીચ,કાળાગોરા અથવા તો બીજી કોઇ નીજી ખેવના ખુલ્લી કે પ્રછન્ન હોતી નથી. આ સંબંધો ફક્ત અને ફક્ત માનવીય હોય છે. તે માનવીય અનુકંપાથી છલોછલ ભરેલા હોય છે. તે માનવીય હોવાથી તે જ્ઞાતી, જાતી, ઉંચનીચ, કાળાગોરા,ધર્મ, સંપ્રદાય, પ્રદેશ કે લીંગભેદ (gender differences)નાતફાવતો, ભાવનાત્મક અને વાસ્તવીક રૂકાવટોથી બીલકુલ સો જોજન દુર હોય છે.

(૯) ધર્મનીરપેક્ષ માનવવાદી વીચારો અન્ય સાથે રજુ કરવાનો અભીગમ અને પ્રયત્નો બીલકુલ જ્ઞાન આધારીત શાંતીમય,સહકારમય અને એકબીજાનું ગૌરવ જળવાઇ રહે તે પ્રમાણેના હોય છે. તેમાં કશું સંઘર્ષમય કે ઉગ્રપણુ હોતું નથી. કારણકે સામા માનવીને પણ જ્ઞાન આધારીત સમજાવવામાં આવે તો તે પણ પોતાની રેશનાલીટીથી નૈતીક રીતે સારુ શું કે ખોટું શું તેનો નીર્ણય કરી શકવા સક્ષમ હોય છે.

 

 


--