હ્યુમન બ્રેઇન મુવમેંટ ઇન્ડીકેટર મશીન(!)
આ મશીનના ખાસ લક્ષણો– કોઇપણ માનવી તેના મગજમાં થતી ક્રીયા–પ્રક્રીયાને મશીનના ચાર્ટમાં આવતી રોકી શકતો નથી. આપણા દેશના તાજેતરમાં ઉગ્ર હિંદુત્વવાદી રાષ્ટ્રપ્રેમીઓએ વિશ્વ ડાયેસ્પરા(Diaspora)–એનઆરઆઇ– વિષય નિષ્ણાતોના સંયુક્ત સાહસ–સહકારથી સદર મશીન બનાવેલ છે. તેના લક્ષણો તેમાં ગોઠવેલી ચીપ્સ મુજબ નીચે મુજબ છે.
(1) જન્મ આધારીત બહુમતી ધર્મ સિવાયના ભારત દેશના તમામ રહીશો માળખાગત સ્વરૂપે 'દેશદ્રોહી' મશીન પ્રમાણે સાબિત થશે!
(2) દેશના જે રહીશો એક ધર્મ, એક જ ધાર્મીક જીવન પધ્ધતિ, એક નેતા, એક પક્ષ, એક ભાષા–સંસ્કૃતિ આધારીત વ્યક્તિ–પુજા–ભક્તિ– અર્ચનાના ' મન વચન અને કર્મ'થી મશીન ટેસ્ટ મુજબ પાસ થયેલા નહી હોય તે તમામ ' એન્ટીનેશનલ'ની શ્રેણીમાં મશીન'બીપ બીપ' અવાજ સાથે બતાવશે.
(3) મનુસ્મૃતિમાં નક્કી કરેલ સામાજીક, આર્થીક, રાજકીય વ્યવસ્થાના ટેકેદારો ના હોય તે તમામ પોતાના સદર મશીને નક્કી કરેલા દેશપ્રેમના ખ્યાલ વિરૂધ્ધના માનસિક તરંગો વિ ને મશીનના ચાર્ટમાં આવતા રોકી શકશે નહી! આવા ટેકેદારોની ટોળકીને મશીનમાં ' ટુકડે ટુકડે ગેંગ' તરીકેની ખાસ શ્રેણીમાં મુકવામાં આવી છે.
(4) ૧૪૦ કરોડની પ્રજાના માટેના સંદેશા વ્યવહારના તમામ પ્રાચીન, અર્વાચીન ને આધુનિક સાધનો સવારથી સાંજ સુધી જે સ્તુતી સંભળાવશે તે આપણા મશીન પ્રેરિત, સંચાલિત અને નિયમ મુજબની હશે.
(5) તમામ મીડીયા સાધનોનો પ્રચાર– સંચાલન 'વિશ્વગુરૂ'ના પંચવર્ષીય સામુદાયિક મૂલોચ્છેદ (POGROM) – પંચજન્ય શંખ આધારીત મહાઘોષણા કરનારા વિશિષ્ટ તજજ્ઞો દ્રારા કરવામાં આવશે.
(6) પ્રજાજનોના ઘરોમાં ફેલાતા પેલા સ્તુતી ધ્વની તરંગોને માપવાના સાધનો ટીવી. મોબાઇલ, લેપટોપ વિ,માં ઉત્પાદન સમયે સમાવિષ્ટ(ઇનબિલ્ટ) કરેલા જાસુસી ઉપકર્ણો રાખવામાં આવ્યા છે. તે બધાની મદદથી દેશની વફાદારીના માપદંડો મુજબ જે તે ઘરોને ધર્મશ્રી, ધર્મવિભુષણશ્રી,ધર્મરત્ન વિ. ના એવોર્ડ– પ્રતિકો દરેક શેરીમાં નિમાયેલ સ્ટ્રીટ–મોરલ– મસલ્સ– પોલીસની સુચના મુજબ ઘરોના પ્રવેશદ્રાર પર મુકવામાં આવશે!.
(7) મલેચ્છોના ભોગવાદી દેશોમાંથી પ્રસારિત વાયરસોને કાયમી ધોરણે રોકવા માટે ગૌમુત્ર સંશોધિત વેક્સીન માટે રાષ્ટ્રીય ફંડ યોજનાનું સત્વરે લોકાર્પણ કરવામાં આવશે.–
(8) ભારતના ભવ્ય આધ્યાત્મિક ઇતિહાસ ' જગત મિથ્યા– બ્રહ્મ સત્ય' રચિત મોડેલનું આધુનિકરણ કરાવવામાં આવશે. સાથે સાથે પેલા પશ્ચીમી વિચારક કાર્લ માર્કસના ભૌતીકવાદી ઐતીહાસીક અર્થઘટનના કહેવાતા સત્ય 'માનવજાતનો ઇતિહાસ તે વર્ગીય હિતોનો સંઘર્ષ છે' તેને તો અમે અમારા મશીન ચિપ્સમાં સ્થાન આપ્યું જ નથી. फिर न रहेगा बांस और न बजेगी बांसुरी.
(9) અમારા મશીનમાં આધુનિક વિજ્ઞાનના પ્રણેતાઓ જેવા કે ગેલેલીયો,ન્યુટન, ડાર્વીન, સિગમંડ ફ્રોઇડ, આઇનસ્ટાઇન ને છેલ્લે સ્ટીફન હોકીંગ્સની તમામ વૈજ્ઞાનીક શોધોને સામુહિક લોક કલ્યાણ માટે વર્જય જાહેર કરવામાં આવી છે.
(10) પરંતુ મશીનની ચીપ્સ કપુર–કાચલી, નાડાછડી, અબીલ–ગુલાલ જેવા કેમીકલ તત્વોના ઉપયોગથી પેદા થતા ચમત્કારોથી સેન્સેટીવ છે.
(11) મશીન ચીપ્સના તમામ વિજાણુ– માપદંડોની રચના હિંદુધર્મ માટે માણસ છે, માણસ માટે હિંદુધર્મ નથી તેને બરાબર ખ્યાલમાં રાખીને રચના કરવામાં આવી છે.
(12)હિંદુધર્મમાં જન્મેલ માણસ ગમેતે ચાર વર્ણમાંથી ગમે તે એક વર્ણમાં કર્મના સિધ્ધાંત પ્રમાણે જન્મે છે. દરેક વર્ણોમાં જન્મેલ માનવીએ, તેની વર્ણમાં નક્કી કરેલા કર્મો પ્રમાણે જ પોતાનું જીવન જીવવું પડે. તો જ તે મશીન ચીપ્સમાં મુકેલ ખાસ ચીપ્સ દ્રારા નક્કી કરેલ 'કર્મ યોગી' નું પ્રમાણપત્ર તેને પ્રાપ્ત થાય! જે મૃત્યુ પછી ઉપલી વર્ણમાં નવો જન્મ લેવા માટેની લાયકાત ગણાય!.
(13)મશીન ચીપ્સનો ભારતના તમામ મનુસ્મૃતિ આધારીત દલીતો, આદીવાસીઓ ને સ્રીઓ માટે આ જન્મમાં 'કર્મયોગી' બનીને પ્રમાણપત્ર લેવા 'નિષ્કામ કર્મ સ્થિતપ્રજ્ઞ' સ્થિતીમાં કર્યા કરો તે જ ક્રાંતિકારી સંદેશ છે.
(14)મશીન ચીપ્સ આધારીત લેખના તારણો પ્રમાણે બંધબેસતી પાઘડી પહેરવી જોખમકારક છે.