Tuesday, April 11, 2023

તસલીમા નસરીન– એક પ્રતીબધ્ધમાનવવાદી. ભાગ– ૩.

તસલીમા નસરીન– એક પ્રતીબધ્ધ માનવવાદી. ભાગ– ૩.

સૌ પ્રથમ વાંચક મિત્રો અને સાથી મીહીરભાઇની થોડી હળવી ક્ષમા માંગી લઉ.

    ગઇકાલના લેખમાં એક, સૌ પ્રથમ લખવાની હકીકત રહી ગઇ હતી. સાથી મીહીરભાઇને સદર વિષય તસ્લીમા નસરીન ઉપર પીએચડી શોધ નિબંધ લખવાનું પ્રથમ સુચન અમારા વડીલ સાથી પાલનપુર લો કોલેજના નિવૃત પ્રીન્સીપલ શ્રી અશ્વિનભાઇ કારીઆ સાહેબે કર્યુ હતું. ફક્ત તેમાં માત્ર મૌખીક શુભેચ્છક બનવાને બદલે મીહીરભાઇનો થેસીસ પુર્ણ થાય તે માટે સતત મિત્ર, માર્ગદર્શક અને દિશાસુચક તરીકેની પોતાની સક્રીય ફરજ કારીઆ સાહેબ ભુલ્યા ન હતા. બીજુ, સદર પુસ્તક મને ગુજરાતના પ્રતિબધ્ધ માનવવાદી તરીકે મને અર્પણ( Dedicated to MR BIPIN SHROFF A COMMITED HUMANIST OF GUJARAT Page-4.)કરેલ છે. આભાર દોસ્ત મહીરભાઇ.

(1)    તસલીમા નસરીનની પ્રથમ નવલકથા.– લજ્જા(1993).  સદર નવલકથાએ સમગ્ર બંગલાદેશની  ' બંગલા ભાષાના ' સાહિત્ય જગતમાં જબરજસ્ત ઉહાપોહ પેદા કર્યો હતો. હિંદી, અંગ્રેજી સહિત વિશ્વની અનેક ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલ છે. સદર પુસ્તકના પ્રકાશન પછી બંગલા દેશના ધાર્મીક નેતાઓએ તેના પર તાત્કાલિક પ્રતિબંધ મુકવા સરકાર પર સખત દબાણ કરેલ હતું. સને ફેબ્રુઆરી ૧૯૯૩ "લજ્જા"નું પ્રકાશન થયું. પાંચ માસ પછી તેના પર સરકારે પ્રતિબંધ જાહેર કર્યો. તે પહેલાં બંગલા દેશમાં ૬૦,૦૦૦ કોપીઓ આ નવલકથાની વેચાઇ ગઇ હતી. બંગલાભાષામાંથી ગુજરાતીમાં પણ તેનું ભાષાંતર થયેલ છે.

(2)    બંગલા દેશની મુસ્લીમ ઉગ્રધાર્મીક સંસ્થાઓએ સદર નવલકથાના પ્રકાશન માટે તસલીમા સામે ધર્મનીંદા(BLASPHEMY)નો ફતવો બહાર પાડયો.તેણીના શિરચ્છેદ માટે લાખો રૂપિયાનું ઇનામ પણ બહાર પાડયું. દેશના ફોજદારી કાયદા મુજબ ' અમારી ધાર્મીક લાગણી દુભાઇ' છે તેને કારણે તેણીની સામે સ્થાનિક અદાલતે 'ધરપકડ'નું વોરંટ બહાર પાડ્યું. ધર્મનિંદા માટે તેને પકડી અને ૧૦૦૦૦ ઝેરી સાપો વચ્ચે છુટી મુકી દેવામાં આવશે.તેવો મુલ્લા–મોલવીઓનો ફતવો હતો. તે દિવસથી તેણીએ પોતાનો દેશ છોડી દિધો. પણ વિશ્વના કોઇપણ દેશમાં તસલીમા સામે 'સજાએ મોત'નું જોખમ લેશમાત્ર ઓછું થયું નથી. સાથે સાથે તેણીનો જાતિસંહાર( જીનોસાઇડ), કોમવાદ અને ધર્માંધતા વિરૂધ્ધનો સંઘર્ષ જે દેશમાં હોય ત્યાંથી નિરંતર, અવિરત ચાલુ જ છે.!

(3)    'લજ્જા' નવલકથામાં કુલ ૧૩ પ્રકરણ છે. તેણીએ સાત દિવસમાં તે નવલકથા લખવાની પુરી કરી  દીધી હતી.સને ૧૯૯૨માં ભારતમાં અયોધ્યામાં જે બાબરીમસ્જીદનો ધ્વંસ થયો તે પછી બંગલા દેશની અંદર હિંદુ લઘુમતી કુટુંબોના માનસિક તનાવોનું નિરૂપણ તેમાં છે. મોટાભાગના કુટુંબોએ ભારતમાં જવાનું પસંદ કર્યુ. પણ એક કુટુંબને 'આમાર સોનાર બંગલા' પોતાની બંગલા દેશની સરકાર અનેસંસ્કૃતી પર ભરોસો હતો કે તે અમારા 'ખાનદાન'નો પણ દેશ છે. પેલી કોમી ધ્રુવીકરણની માનસીકતા સામે 'અમારી રાષ્ટ્રીયતા' અને ' વિવિધતામાં એકતાવાળી બંગલા સંસ્કૃત્તિ' અમને બચાવશે. તે એક સ્વપ્ન સાબિત થયું માટે તે આખરે ચુરચુર થઇ ગયું અને તે કુટુંબે પોતાની માતૃભુમીને ઘણી તમામ પ્રકારની કિંમત ચુકવીને આખરી અલવિદા કહી કોલકત્તા આવી ગયા!.

(4)    નવલકથાનું વિષય વસ્તુ ખરેખર લેખીકા તસલીમા નસરીનનું પોતાનું છે. તેણીએ તો યુરોપીયન રેનેશાં અને માનવકેન્દ્રી સદાબહાર પેલા ફ્રાંસની ક્રાંતીના ઉદ્દેશો– સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ' આત્મસાત કરેલા હતા. તેથી 'લજ્જા' નવલકથામાં આપણને  માનવવાદ સામે ઝનુની ધાર્મીક અસહિષ્ણુતાનો વૈચારીક સંઘર્ષનો સતત અહેસાસ થયા જ કરે છે. માટે તે સંઘર્ષ વ્યક્તિગત, પ્રાદેશીક કે રાષ્ટ્રીય બનવાને બદલે માનવીય અને વૈશ્વીક બની જાય છે.(Throughout the novel, there is a conflict between high humanism and fanatic tribalism.)

(5)    શું કોમી દંગા(Communal Riots) એટલે એક પ્રબળ શક્તિશાળી સમાજનો બીજા  નબળા સમાજના લોકોનો બલી કે શિકાર બનાવવો! કોમી દંગામાં આ સ્થિતિ સામાન્ય હોય છે. પણ તસલીમાના સત્ય પ્રમાણે કોમી દંગા એટલે એક કોમે બીજી કોમની સાધુતા, પવિત્રતા, અખંડતા અને નીજીપણા પરનો ઠંડા કલેજે, નિર્દય અને નિષ્ઠુર રીતે કરેલો હુમલો! તેથી કોમી દંગા એ કુદરતી આપત્તી નથી, જેવીકે નદીનું પુર કે જે તે સમય જતાં ઓસરી જાય, કે પછી આગની માફક થોડા સમય પછી ઓલવાઇ જાય! કોમી દંગા તો માનવજાતની એક દુ:ખદ વિકૃતિ અને દુષ્ટતા છે.( Riots are not natural calamities, nor disaster but they are simply a perversion of humanity.)કાયમ માટે માતૃભુમીનો છેડો ફાડી નાંખવો એ તો માનવીય પાપ છે.(Deserting the Homeland is a sin.) બીજું હું તો નિરઇશ્વર માનવવાદી છું. મને મારા પ્રિયતમ અને ધર્મ વચ્ચે પસંદ કરવાનું આવે તો મને મારા જન્મને આધારે મા– બાપ દ્રારા મળેલા ધર્મને કાયમ માટે 'બાય બાય' કરવાનું લેશ માત્ર દુ:ખ શા માટે હોઇ શકે? બાળકો માટે ધર્મ જન્મગત નથી,તે કૌટુંબીક દેન છે. વધુ જ્ઞાન, માહિતી અને ઉપયોગીતા બદલતાં શા માટે તે જરૂરી છે? જન્મ સાથે જીજીવિષા ટકાવી રાખવાના લક્ષણો વારસાગત ઉત્ક્રાંતિની દેન હોય છે. જ્યારે કુટુંબ ધાર્મીક લક્ષણો, રૂઢીઓ વિ ની ગળથુથી હવે મૃત્યુ પછીના જીવન માટે આપે છે. પૃથ્વીપરના તમામ સજીવોમાનવી સિવાય પોતાની ને પોતાના બાળકોની જીજીવિષા ટકાવી રાખવા સંઘર્ષ કરે છે. ફક્ત માનવી એક જ એવું સજીવ છે જે પોતાના બાળકનો બલી આપીને ધર્મ બચાવવા નીકળયો છે!

(6)    નવલકથાનું મુખ્ય પાત્ર કે હિરો પોતાના બાળકોને અભ્યાસ કરવા કુરાન, ગીતા કે રામાયણને બદલે ગેલેલીયો, ન્યુટન, આઇનસ્ટાઇન, ફ્રાંસની ક્રાંતિ અને મેક્સીમ ગોર્કી ને ટોલસ્ટોયના પુસ્તકો લાવી આપે છે. તેને પોતાના બાળકોને માનવ બનાવવા છે, ધર્મઝનુની રોબોટ નહી જે બંદુકના નાળચાનો ખોરાક બને! નબળા અને અશક્ત લોકો પર હુમલો કરીને આનંદ મેળવવો એ તો  પરપીડન વૃતી છે. જે સમાજ કે નાગરીકોનું રૂપાંતર ટોળામાં થઇ જાય ત્યાં માનવી તરીકે માનવ હિતમાં વિચારવું અને તેમાંય જો તર્કબધ્ધ રીતે (રેશનલી) વિચારવું એ તો દેશદ્રોહી કૃત્ય બની જાય! તસલીમા ખુબજ દુ:ખ સાથે લખે છે તો પછી કાંતો આપઘાત કરવો અથવા તો પછી દેશ છોડી નાસી જવું! કારણ કે અહીંયા તો મારા– તમારા સમાજે ધર્મનું અફીણ પીધું છે.(Ref- Religion is the opium of the masses. Page-63).  વધુ ભાગ–૪ની રાહ જુઓ. 


--