Thursday, June 26, 2025

સને ૧૯૭૫ની કટોકટી, અમે રેડીકલ હ્યુમેનિસ્ટ (એમ.એન. રોય વાદીઓ) તરીકે લડ્યા હતા.

 સને ૧૯૭૫ની કટોકટી, અમે રેડીકલ હ્યુમેનિસ્ટ (એમ.એન. રોય વાદીઓ) તરીકે લડ્યા હતા.

(૧)માનવવાદી વિચારસરણી માનવકેન્દ્રીત પણ ધર્મનિરપેક્ષ–સેક્યુલર વિચારસરણી છે. તેનું ચાલકબળ સ્વતંત્રતા છે.૧૯૭૧થી અમને ઇંદિરાશાસન પધ્ધતીના લોકમનોરંજક સુત્રો "ગરીબી હટાવો,બેંકોનું રાષ્ટ્ટ્રીયકરણ, રાજાઓના સાલીયાણા નાબુદ કરો, ઇંડીયા ઇઝ ઇંદીરા એન્ડ ઇંદીરા ઇઝ ઇંડીયા' દેશ એટલે ઇંદીરા અને ઇંદીરા એટલે દેશ,( જેને ગમે તો ઇંદીરાની જગ્યાએ નમો શબ્દ બિનદાસ વાપરી શકે છે.)" વિ. પરથી ' દેશમાં એકહથ્થુ રાજકીયસત્તાના કાળા ડિબાંગ વાદળોની પાછળ લોકશાહીના તમામ બંધારણીય મુલ્યો' ઢંકાઇ જવાના છે.' તેવું તાર્કીકસત્ય ( Rational Truth) દેખાતું હતું. બીજુ જ્યાંસુધી ભારતીય સમાજ આધુનિક, ધર્મનીરપેક્ષ અને માનવકેન્દ્રીત સુખાકારી માટે પરિપક્વ ન થાય ત્યાં સુધી દેશનું સંસદીય લોકશાહી માળખું અને તેની કરોડરજ્જુ જેવું બંધારણ પણ ટકી રહેવું જોઇએ.રોયવાદીઓ તરીકે અમે તે સમયે અને આજે પણ સ્પષ્ટ છીએ કે દેશમાં અને વૈશ્વીકકક્ષાએ પક્ષીય રાજકારણ એ ફક્ત સત્તાલક્ષી ભ્રષ્ટાચારી રાજકારણની રમત બની ગઇ છે. એટલે અમારો સંઘર્ષ માનવકેન્દ્રીત સશક્તિકરણનો છે.

(૨) ઉપરના સંદર્ભમાં ઇન્ડીયન રેડીકલ હ્યુમેનિસ્ટ એસો.ના પ્રમુખ વી.એમ.તારકુંડેએ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્ર ન્યુદિલ્હી મુકામે સને ૧૯૭૪માં જયપ્રકાશજીની આગેવાની હેઠળ રાષ્ટ્રવ્યાપી સંસ્થા ' જનતંત્ર સમાજ'( Citizen for Democracy-CFD)ની સ્થાપના કરી.તે મીટીંગમાં હું ગુજરાતના રોયવાદી સાથીદારો, ચંદ્રકાંત દરૂ વિ. સાથે મેં પણ ભાગ લીધો હતો. જયપ્રકાશજીને બિહાર અને ગુજરાતના નવનિર્માણની ચળવળના સાથી મનીષી જાની અને અન્ય સાથીઓના વિધ્યાર્થી આંદોલને સંગઠિત લોકશક્તિ દ્રારા સત્તા પરિવર્તન તે પણ અહિંસક, કાયદો અને વ્યવસ્થામાં પુરો વિશ્વાસ રાખીને બંધારણીય મુલ્યોની મદદ લઇને  કરી શકાય છે તેવી વ્યાજબી આશા દેખાઇ.

(૩) બરાબર આજ દિવસે પચાસ વર્ષ પહેલાં ૨૫મી જુન ૧૯૭૫ના દિવસે તે સમયના વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ કટોકટી દેશમાં દાખલ કરી. ૧૨મી જુન ૧૯૭૫ના અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાએ શ્રીમતી ગાંધીને પોતાની લોકસભાની સભ્ય તરીકે ચુંટણીમાં ગેરરીતીઓ માટે, તે ચુંટણીને ગેરકાયદેસર સાબિત કરી. ચુકાદા મુજબ રાજીનામું આપવાને બદલે કટોકટી દાખલ કરીને પોતાની વડાપ્રધાન તરીકે સત્તા ચાલુ રાખી. એકમાત્ર સત્તાબચાવના હેતુ માટે જયપ્રકાશજીના એક વાક્ય ' પોલીસ અને લશ્કરને કટોકટીમાં લોકશાહી રીતરસમો સિવાયના હુકમો નહી માનવા' ના વાક્યને તોડમરોડ કરીને, સરકાર સામે લશ્કરને બળવો કરવાના આદેશ છે તેવો દુશપ્રચાર કરીને રાતોરાત દેશમાં મીસા હેઠળ આશરે દોઢ લાખ વિરોધપક્ષના નેતાઓ સહિત અન્યને જેલમાં પુરી દિધા.

(૪) દેશમાં તે સમયે ગુજરાત અને તામિલનાડુમાં બિનકોગ્રેસી સરકારો હતી. ગુજરાતમાં તે સમયે જનતા પક્ષના મુખ્યમંત્રી બાબુભાઇ જે.પટેલની સરકાર હતી. સમગ્ર દેશમાં ગુજરાતએ લોકશાહીનો ટાપુ બની ગયો. ઇંદિરાજીની કટોકટી વિરુધ્ધ લોકમત તૈયાર કરવાનું એક દેશવ્યાપી ગુજરાત રાજ્ય બની ગયું.

(૫)  સને ૧૯૭૫ની કટોકટી દરમ્યાન ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાના બે અધિવેશનનું આયોજન ચંદ્ર્કાંત દરૂની આગેવાની નીચે કરવામાં આવ્યું.એક  " ઓલ ઇંડીયા સીવીલ લિબર્ટીઝ કોન્ફરન્સ" જેમાં જસ્ટીસ એમ.સી ચાગલાના પ્રમુખ પણા નીચે આયોજીત થયું હતું. તેમાં મુખ્ય ભાગ લેનારોમાં નિવૃત્ત ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયા જે. સી. શાહ,, જસ્ટીસ વી. એમ તારકુંડે, યંગટર્ક મોહન ધારીયા (સંસદ સભ્ય), સોલી સોરાબજી વિ. બીજુ અધિવેશન "બંધારણ બચાવ' પર આયોજીત કરવામાં આવ્યું હતું.બંને અધિવેશનોમાં દેશના સર્વોચ્ચ ન્યાયવિદોએ પોતાના વિચારો રજુ કર્યા હતા. કોઇએ સશસ્ર ક્રાંતિ દ્રારા બળવો કરવાની હિમાયત કરી નહતી.

(૬)  આવા અધિવેશનનો અહેવાલ ભુમિપુત્રમાં, તંત્રી ચુનીભાઇ વૈધ્યએ પ્રકાશિત કર્યો. તેના પર સેન્સરશીપના કાયદાના ઉલ્લંઘન માટે પ્રેસ જપ્ત કરી અને કેસ કર્યો. દરુ સાહેબે ભુમિપુત્રના વકીલ તરીકે ગુજરાત હાઇકોર્ટમાં સેન્સરશીપ સામે રજુઆત કરીને સેન્સરશીપ ગેરકાયદેસર છે તેવું સાબિત કર્યું. દેશની મોદી સરકારની માફક જે ન્યાયાધીશ સરકાર વિરુધ્ધ ચુકાદો આપે એટલી તેની સરકારી સજા ઓછામાં ઓછી બદલી કરી દેવી. તે મજુબ ઇંદીરાઇ તાનાશાહીએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદો આપનાર ન્યાયાધીશ સાકંળચંદ શેઠસાહેબ અને પી.ડી. દેસાઇ સાહેબની બદલી એકને આસામ અને બીજાને દક્ષીણના રાજ્યમાં કરી દીધી.

(૭) જયપ્રકાશજીએ કટોકટી દરમ્યાન "ન્યુઝ લેટર બુલેટીન" એક સેન્સર કર્યા સિવાયના દેશ વ્યાપી સમાચારો એકત્ર કરીને દરુસાહેબ પાસે મોકલવા અને તેમણે પ્રકાશિત કરવાના હતા. તે સમાચાર ગુજરાતના પોલિસ વડાને મળતાં તેમની ધરપકડ માટે પોલીસ તંત્ર તેમને ઘેર આવી ગયું. હવે સીધો દરુ સાહેબ સાથેનો પોલીસ વાર્તાલપ. સદર વાર્તાલાપ બરોડા સેન્ટ્રલ જેલમાં તે સમયના બાબુભાઇ જ.પટેલની સરકારના શિક્ષણમંત્રી નવલભાઇ શાહ સાથે થયો હતો.

(૮) પોલીસ અધિકારી–  તમે આ બધું કરતા હતા ત્યારે તમને પકડવામાં આવશે, એવો ભય ન હતો?

ચંદ્રકાન્ત દરુ– હું જે કાંઇ કરતો હતો તે એટલું બંધારણીય હતું અને કાયદેસરનું હતું તેથી મને પકડશે તેવો ભય નહતો.પણ દેશમાં જે પરિસ્થિતિ થઇ હતી, તેમાં મને પકડી લે તો જેલમાં જવાની પણ મારી તૈયારી હતી.

ન.શાહ. જે દિવસે તમને પકડવા આવ્યા ત્યારે તમારા મનની સ્થિતિ કેવી હતી.

દરુ– પોલીસ અધિકારીએ મને કહ્યું કે અમારે તમારા ઘરની જડતી લેવી પડશે. મેં કહ્યું કે તમને તે કામ કરતાં બે ત્રણ કલાક લાગશે. કેમ! પોલીસ તંત્ર જડતી લતું હતું હું મારા એરકન્ડીસન્સ ઓરડામાં જઇને સુઇ ગયો.

ન.શાહ. તમને ઉંઘ આવી?

દરુ– હા....એ જ માર્ગ હતો. જેલમાં જવાનું જ હતું. પછી નકામી ચિંતા શું કામ કરવાની? અગીયાર વાગે પોલીસ ઉઠાડીને મને પોલીસ કમીશ્નરની ઓફીસે લઇ ગયા. એકાદ કલાક તપાસ ચાલી.

પોલીસ– તમે જયપ્રકાશ દ્રારા બહાર પડનાર પત્રિકા પ્રકાશિત કરી બહાર પાડવાના એ વાત સાચી છે. સેન્સર કર્યા સિવાય પત્રીકા બહાર પાડવી તે ગુનો નથી?

દરુ– હા, હું કાયદાની મર્યાદામાં રહીને જ બધી કાર્યવાહી કરું છું.સેન્સરશીપ વિરુધ્ધ ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો આવી ગયો છે. પછી મને એક મોટી પોલીસવાનમાં  બેસાડીને જામનગર લઇ ગયા. પાછલાભાગમાં મારી સુવાની સગવડ હતી, હું સુઇ ગયો…… મને થોડીવાર જેલની ઓફીસમાં બેસાડવામાં આવ્યો, તમારા માટે રુમ તૈયાર થાય છે. મને એમ કે હોટેલ જેવી સગવડ હશે. જુદો ઓરડો હશે. એક મોટા ઓરડામાં ખાટલો હતો અને એક જુનુ ટેબલ હતું. મેં પુછયું બાથરુમ? બહાર એક કુંડી બતાવી...... આ કુંડીમાંથી પાણી લઇને નહાવાનું છે? હું ચોકી ઉઠયો... ખુલ્લામાં... અને આવા પાણીથી નાહવાનું છે! સવારે એક પતરાના ડબ્બામાં ગરમ પાણી આવ્યું, એ ડબ્બાને ઉપાડવા માટે વચ્ચે લાકડાનો હાથો, તેમાંથી પાણી કાઢવા માટે વાંકો ચુકો ચંબુ આપવામાં આવ્યો... મારે માટે જેલના ચંબુમાં ચાહ આવી.ચંબુની દશા જોતાં જ ચાહ ન પી શક્યો.... બીજે દિવસે જેલનું ખાવાનું આવ્યું. મને ભુખ લાગી હતી. રોટલી ખાવા પ્રયત્ન કર્યો પણ તુટી જ નહી.....જામનગર શહેરના વકીલોને ખબર પડી. પણ વકીલોને મળવાની પરવાનગી ન મળી. પણ ચીઠ્ઠઠી મળીકે કોઇ વસ્તુ જોઇતી હોય તો વિના સંકોચે મંગાવજો.... .મારુ બીપી ઘટી ગયુ. ૧૧૦ નીચે ૬૦ થઇ ગયું... તરત જ હોસ્પીટલમાં દાખલ કર્યો. તપાસનાર ડૉકટર કે સાહેબ! મને ના ઓળખ્યો. તમે મારો કેસ  લડયા હતા અને જીત્યા હતા. તેને કારણે હું આજે ડૉકટર છું. તમને હું નિયમિત ચેક અપ કરીશ. ચિંતા ન કરતા. દરુ બોલ્યા! મારા જેવા બુધ્ધીજીવી માટે જેલની એકલતા એટલે ધીમું મૃત્યુ.

વડોદરા જેલનો એક પ્રસંગ... સાથી હસમુખ પટેલ અને મંદાબેનની કલમે...  આ સર્વોદય બેલડી જેલમાં પણ સાથે હતી. વડોદરાની જેલમાં મીસાવાસ્યમના સાથીદાર પ્રકાશ ન. શાહ પણ દરુના સાથી હતા. દરુથી સહજરીતે પુછાઇ ગયું હે પ્રકાશ! જેલમાં એસી ન હોય! હું તો યાર! ઘરમાં ૨૪ કલાક એસી અને બંધ પડે તો કાયમ માટે કામા હોટેલમાં એક એસીવાળો રુમ માટે રિઝર્વ કરેલો. પ્રકાશભાઇ પોતાની પ્રકાશમય લખાણને બદલે લેહકામાં કહી દીધુ દરુ સાહેબ અહીં જેલમાં લીમડાના પવનમાંથી એસી કરતાં વધુ ઠંડક આવશે. દરુ સાહેબની તહેનાતમાં એક વીસ વર્ષનો મનીયા નામનો નિરક્ષર ટપોરી મુકવામાં આવેલો. એકવાર દરુસાહેબને મનીયો કહે સાહેબ જેલની બહાર એક મંજી નામની મારી પ્રેમિકા છે. તેને મારે પ્રેમપત્ર લખવો છે.મેં મંજીને પત્ર મોકલવાની વ્યવસ્થા કરી છે. તમે મને હું બોલું તે પ્રમાણે મંજીને પ્રેમપત્ર લખી આપશો ને! મનીયો બોલતો ગયો અને દરુસાહેબે પારકર પેનથી મનીયાની મંજીને પત્ર લખ્યો.

અમારાચુનીકાકા વૈધ્ય– બંનેની ધરપકડ અને છુટટી પણ એક સાથે. વિનોબાજીએ એકવાર કહેલું કે રાષ્ટ્રપતિ કરતાં સ્થિતપ્રજ્ઞ થવું વધારે મુશ્કેલ છે. દરુ સેન્સરશીપના કેસના સંદર્ભમાં દેશવ્યાપી થઇ ગયા. પણ માનવ સ્વાતંત્રય માટેનો એમનો આગ્રહ, તે મુલ્યમાટે ખપી જવાની એમની તત્પરતા એમને રાષ્ટ્રના સીમાડાઓથી ક્યાંય ઉપર ઉઠાવે છે. ભુમિપુત્રનો કેસ લડતાં ફી ની વાત કરવાની હિંમત જ ના થઇ.. હસતાં હસતાં મારા ખભાપર હાથ મુકીને કહે કે રખે માનતા કે હું તમારા માટે કેસ લડું છું. હું તો મારી સ્વતંત્રતાના રક્ષણ માટે લડું છું.

દરુ સાહેબના બાળપણના મિત્ર આચાર્ય અરુણ દિવેટીયા(છોટાઉદેરવાળા) લખે છે કે " શ્રી પ્રકાશ ન. શાહે 'વૈશ્વીક માનવવાદ'માસીકમાં શ્રી ચંદ્રકાંત દરુ ઉપર એક લેખ લખ્યો હતો.તેનો ઉલ્લેખ વૈશ્વીક માનવવાદમાસિક( જેનો હું બી.શ્રોફ ૩૦ વર્ષ સુધી તંત્રી હતો)અને શ્રી પ્રકાશ ન. શાહના સૌજન્યની અપેક્ષાએ કરું છું,શ્રી દરુએ જયપ્રકાશ નારાયણને એમની રુબરુમાં કહેલું, સ્વાધીનતા સામે કશાનો કડદો હું ન કરું. એ જ દરુની જીવન નીષ્ઠા હતી. 'ફ્રીડમ' સ્વાધીનતા એમનો મુદ્રાલેખ હતો. દરુ એમ. એન રોયની ફિલસુફીથી રંગાયેલા હતા. રોય માનતા હતા કે માનવીની પ્રગતિની પ્રેરણા પાછળનું બળ સ્વતંત્રતાની જાળવણી છે. સ્વતંત્રતા માટેજ માનવીએ પ્રકૃતિના બળો સામે જન્મગત લડત આદરી છે. વર્તમાન માનવ સંસ્કૃતીનો વિકાસ એટલે માનવીનો સ્વતંત્રતાનો સંઘર્ષ.

મહેમદાવાદમાં અમારા ગ્રુપે  બજારના મધ્યમાં આવેલ સરદાર ચોકમાં જયપ્રકાશનું તૈલી ચિત્ર બનાવી સાથે ચંદીગઢની જેલ બેકગ્રાઉન્ડમાં પેઇન્ટ કરીને ડિસપ્લે કર્યું હતું. મહેમદાવાદ શહેર અને તાલુકના કિસાન કાર્યકરોને કટોકટી શું છે અને માનવ સ્વાતંત્રય પર કઇ રીતે ખતરો ઉભો કરે છે એ સમજાવવા શ્રી દરુ સાહેબ, પ્રકાશ ન. શાહ,પી માવલંકર,કિર્તીદેવ દેસાઇ અને પ્રસન્નવદન પટવારી વિ .નિયમિત આવતા હતા.

––––––––––––––––સને ૧૯૭૫ ની કટોકટી લેખ ભાગ–૨ હવે પછી.––––––––––––––––––––      

 



--