Sunday, July 6, 2025

સેક્યુલર( ધર્મનિરપેક્ષતા)


સેક્યુલર(Secularism)ધર્મનિરપેક્ષતા–

 ધર્મનિરપેક્ષતા,શબ્દ દેશના બંધારણના આમુખમાં  ૪૨મો સુધારો કરીને બીજા શબ્દ સમાજવાદ સાથે સને ૧૯૭૬માં ઉમેરવામાં આવ્યો છે.બંધારણીય અધિકારોની કલમ ૨૫ મુજબ દેશના તમામ નાગરિકો જે ધાર્મિક સ્વતંત્રતા આપી છે (including the freedom to practice, profess, and propagate one's religion)તે વાસ્તવમાં ધર્મનિરપેક્ષતા જ છે.બીજું દેશના તમામ નાગરિકોને બંધારણના આમુખમાં જે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સંરક્ષણ બાંહેધરી આપી છે તે પોતે જ ભારતીય રાજ્ય ધર્મનિરપેક્ષ છે તેનો સર્વોત્તમ પુરાવો છે. તેમાં કોઇ ભેદભાવ નથી.

 ધર્મનીરપેક્ષતા ખ્યાલમાં આપણી ચર્ચામાં મુખ્ય ત્રણ અર્થોનો ઉપયોગ કરીશું.

(1) ધર્મનિરપેક્ષતા એટલે–સર્વધર્મ સમભાવ– ગાંધીજી.

(2)ધર્મનિરપેક્ષતા એટલે–સર્વધર્મ અભાવ–રેશનાલીઝમ.દેશના વિવિધ ધર્મોની ધંધાકીય દુકાનો બંધ કરાવીને સિર્ફ માનવ કેન્દ્રીત મુલ્યોને આધિન ઐહિક નિરઇશ્વરવાદી વ્યક્તિ અને સમાજનું જ્ઞાન–વિજ્ઞાન આધારીત નવસર્જન કરવું.

(3) ધર્મનિરપેક્ષતા એટલે–રાજ્ય અને ધર્મપ્રત્યે સંપુર્ણ અલગતા–વિયોજન.

(The complete separation between Church and the state.) પશ્ચિમી જગતનો ખ્યાલ.

(4)ભારતમાં ધર્મનિરપેક્ષતાનો દેશના બંધારણ મુજબ દરેક નાગરિકને કોઇપણ ધર્મ પાળવાની/નહી પાળવાની/ધર્માંત્તર કરવાની અને તેનો પ્રચાર કરવાની અબાધિત સ્વતંત્રતા પણ કાયદના નિયમનમાં રહીને છે.દેશના બંધારણ મુજબ,રાજ્યને પોતાનો કોઇ ધર્મ ક્યારેય નહી હોય.તમામ ધર્મો પ્રત્યે રાજ્યનું તટસ્થ અને સમાન વલણ.પરંતુ દેશમાં કોઇપણ ધર્મ, સંપ્રદાય કે તેમની સંસ્થાઓ,દેશના નાગરિકો પ્રત્યે કોઇપણ પ્રકારનું ભેદભાવ ભરેલું, અન્યાયી કે સામાજીક સુધારાની વિરુધ્ધનું વર્તન કરશે તો તે ગેરકાનુની કે ગેરબંધારણીય ગણાશે જે ફોજદારી  ગુનો ગણીને સજાને પાત્ર વર્તન ગણાશે.( દા.ત સામાજિક વ્યવહારોમાં, બાળ લગ્ન, સતીપ્રથા, બાળ મજુરી વિ.)

 સને ૨૦૧૪થી મોદી વડાપ્રધાનની બીજેપીની દેશમાં સરકાર આવ્યા પછી ધર્મપરિવર્તન, આંતરધર્મીય લગ્નો, તમામ પ્રકારના લઘુમતી જુથો ફક્ત ધાર્મીક જ નહી આધુનિક બૌધ્ધીક વ્યવસાયી એકમો સાથે(સત્તાની ભાગીદારીમાં) સંગઠિત નફરત, અસહિષ્ણુતા. બહુમતી ધર્મને(હિંદુ ધર્મના ધાર્મીક અને સામાજીક રીતિ રિવાજો) ખુલ્લામાં ખુલ્લો રાજ્યાશ્રય જ છે. ઉપરાંત હિંદુત્વ આધારીત પ્રવૃત્તીઓના ટેકામાં સીધો શેરીઓના બાહુબલીઓને ન્યાયીક સત્તાના સશક્તિકરણ(કાયદો હાથમાં લઇને ન્યાય કરવાનો) માટે પરોક્ષ અને પ્રત્યક્ષ પ્રોત્સાહન આપવા માંડયું છે. આપણો દેશ કેવી રીતે અઘોષિત હિદું રાષ્ટ્ર બની ગયો છે તે તો આપણને તાજેતરના અયોધ્યાના રામમંદિર ઉદ્ઘાટનમાં વડાપ્રધાન મોદીની સક્રીય ભાગીદીરીથી જાહેર થઇ ગયું છે. ઉપરાંત બંધારણીય અધિકારની કલમ ૨૫માં બક્ષેલા ધાર્મીક અધિકારની સ્વતંત્રતાના ઉપભોગની જે અનુકુળતા હતી તેને આયોજનપુર્વક બિનઅસરકારક બનાવી દેવામાં આવી છે. આમ ધર્મનિરપેક્ષતાની ભારતીય વિભાવનાને મોદી સરકારે એક 'પેપર ટાયગર' કાગળનો વાઘ બનાવી દીધી છે.

દેશના તમામ ધાર્મીક ફિરકાઓ અને તેના આંકાઓને એ સમજણ પાડવાની તાતી જરુરીયાત પેદા થઇ ગઇ છે કે અમારા દેશનું બંધારણ એ બાયબલ, કુરાન કે ગીતા,રામાયણ કે મહાભારતનું સર્જન નથી. તે બંધારણના સાર્વભૌમત્વનો ઇજારો તમારી સંસદ,ન્યાયપાલિકા,કે કાર્યપાલિકા અને રાજકીયપક્ષોનો પણ નથી. સાર્વભૌમત્વ હોય તો "અમે ભારતના લોકો" નું છે. ફરી બરાબર સમજીલો કે તમને બધાને અમારા ઐહીક દુન્યવી હિતો માટે પેલા રાજાઓ,પાદરીઓ અને સામંતોએ પેદા કરેલ સંસ્કૃતીઓ અને સમાજોને હિંસક કે અહીંસક રીતે દફનાવી દઇને કે અગ્નિ સંસ્કાર કરીને અમારા માટે તમને પ્રતિનિધિઓ તરીકે પસંદ કરેલા છે. જુનાની જડો દસ હજાર વર્ષો પુરાણી હતી. તમને બધાને તો જે દિવસથી  સામાજીક કરાર કરીને સત્તાના વેન્ટીલેટર બેસાડયા છે તેની ચાવી " અમે લોકો" પાસે છે ન ખબર હોય તો સમજી લેજો. અમે તો જન્મથી જ " ઇન્સાન" તરીકે છીએ, તમે, તમારા ફાલતુ હિતો માટે અમને બધાને " હિંદુ,મુસલમાન અને ઇસાઇ" બનાવ્યા છે.


--