Wednesday, July 9, 2025

ધર્મનિરપેક્ષતા ભાગ–૨.

ધર્મનિરપેક્ષતા–ભાગ–૨

 " રાજ્યઅને ધર્મ વચ્ચે સંપુર્ણ વિયોજન જ રહેશે" થોમસ જેફરસન–(૧૫–૧૨–૧૭૯૧) અમેરીકાના બંધારણમાં પ્રથમ સુધારાનો સર્જક! તેની તારીખ– વર્ષ– જાણ માટે.

ગયા લેખમાં મેં ધર્મનિરપેક્ષતાના ત્રણ ખ્યાલોને ધ્યાનમાં રાખીને ચર્ચા શરુ કરી હતી. જે ત્રણ ખ્યાલો આ પ્રમાણે હતા. એક– ધર્મનિરપેક્ષતા એટલે–સર્વધર્મ સમભાવ– ગાંધીજી.બે–ધર્મનિરપેક્ષતા એટલે–સર્વધર્મ અભાવ રેશનાલીઝમ. ત્રણ– ધર્મનિરપેક્ષતા એટલે–રાજ્ય અને ધર્મપ્રત્યે સંપુર્ણ અલગતા–વિયોજન.પશ્ચિમી જગતનો ખ્યાલ ખાસ કરીને અમેરીકના બંધારણનો ખ્યાલ.(There will be a complete wall of separation between Church and the state.)

અમેરીકા એક દેશ તરીકે, ચોથી જુલાઇ સને ૧૭૭૬માં બ્રિટનથી સ્વતંત્ર થયું હતું.આશરે તે જમાનાના ૧૫ વર્ષ પછી, સને ૧૭૯૧ની સાલમાં ૧૫મી ડીસેમ્બરે પ્રથમ બંધારણીય સુધારો પસાર કરીને જાહેર કર્યું કે અમેરીકન કોગ્રેસ (લોકસભા અને રાજ્યસભા),કોઇપણ દિવસે ધર્મ સત્તા અને રાજ્ય સત્તાનું એકીકરણ થઇ જાય તેવો કાયદો બનાવીને પસાર કરી શકશે નહી.ક્રાંતિકારી પ્રથમ સુધારાના સર્જક રાષ્ટ્રપ્રમુખ થોમસ જેફરસન હતા. બંનેને કાયમ માટે વિભાજન કરતી બંધારણીય દિવાલ પેદા કરી દીધી.અમેરીકન રાજ્ય સત્તા કાયમ માટે એક ધર્મનિરપેક્ષ કે બિનધાર્મીક જ રહેશે.થોમસ જેફરસનની દીર્ઘ દ્ર્ષ્ટીથી અમેરિકાન રાજ્ય સત્તા ચલાવવા માટે દાર્શનિક અને ન્યાયશાસ્રીય સ્પષ્ટતા મલી ગઇ.પોતાના દેશના દરેક નાગરીકને અબાધિત ધાર્મીક સ્વતંત્રતા બંધારણીય રીતે મુળભુત અધિકાર તરીકે  મલી ગઇ.

દેશની રાજ્ય સત્તા પ્રજાના કરવેરાના નાણાંનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખાસ કરીને બહુમતી ખ્રીસ્તી ધર્મના પ્રચાર પ્રસાર માટે વાપરી શકશે નહી. આમ સરકારી સંસ્થાઓ અને બીજી બાજુએ  ધાર્મીક સંસ્થાઓ બંને માટે વિયોજનનો કે અલગતાનો સિધ્ધાંત છે. બંને સંસ્થાઓએ એકબીજાથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે તેની ખાતરી કરવા કરાવવાનો આ સિધ્ધાંત છે.  દેશની કેન્દ્ર સરકાર અને પચાસ રાજ્યોની સરકારો બહુમતી પ્રજાના ધર્મને આગળ ધપાવવા રાજ્યની તિજોરીના નાણાંનો ઉપયોગ કરી શકે તેવા કાયદાઓ કોંગ્રેસ પસાર કરી શકશે નહી.તે કોઇ ધર્મની સ્થાપના કે ધર્મના સંચાલન, વિકાસ કે ટેકામાં નાણાંકીય મદદ પણ કરી શકશે નહી. એટલું જ નહી પણ કોઇપણ ધર્મના મુક્ત વહીવટી સંચાલનમાં કોઇપણ પ્રકારની દખલગીરી પણ કરી શકશે નહી. સરકારનું, ધર્મ નામ પ્રત્યે બિલકુલ તટસ્થ( Neutral) વલણ જ હશે.

દેશના ન્યાયતંત્રે થોમસ જેફરસનના પેલા ખ્યાલ રાજ્ય સત્તા અને ધર્મ સત્તા,બંને વચ્ચેના સંચાલન માટે અભેદ્ય દિવાલ છે તેમ સમજીને એકબીજાથી સ્વતંત્ર વહીવટ કરવાનો છે.(There will be a complete wall of separation between Church and the state.)

 ધર્મના ટેકામાં રાજ્ય ક્યારેય નાગરીકોના સ્વતંત્ર અધિકારો જેવા કે અભિવ્યક્તિની આઝાદી, વાણી સ્વાતંત્રય, શાંતિમય માર્ગે સભા સરઘસનો અધિકાર,અને કાયદાનુંશાસન વિ. પર ક્યારેય નિયમન કરી શકશે નહી. નાગરીકો રાજ્ય સત્તાના આપખુદ પગલાંઓ સામે દુરસ્તી માટે નુકશાની વળતરનો દાવો કરવા હકદાર છે. 

રાજ્ય સત્તા ક્યારેય કોઇ પણ ધર્મ અને ખાસ કરીને બહુમતી ધર્મના ટેકામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરવા  નાગરિકો પર ફોર્સનો ઉપયોગ કરી શકશે નહી. એટલું જ નહી પણ. નાગરીકો પ્રત્યે આવા ધર્મની જાહેર પ્રવૃત્તીઓમાં સહકાર નહી આપવા દંડનીય વલણ પણ નહીં જ અપનાવી શકે. નાગરીકોને પોતાની માન્યતા પ્રમાણે ધર્મ પાળવાની, કે નહી પાળવાની પુરી સ્વતંત્રતા છે, અન્યને હાની પહોંચાડ્ડયા સિવાય. રાજ્ય સત્તા ધર્મ સત્તાના ટેકામાં, તેના દ્રારા સંચાલિત શૈક્ષણીક અને આરોગ્ય સંસ્થાઓને પણ મદદ કરી શકશે નહી. સિવાય કે ધર્મ સત્તાની ઐહીક શૈક્ષણીક અને આરોગ્યને સંબંધી પ્રવૃત્તીઓ હોય! ધર્મ સત્તા પોતાના ધાર્મીક પ્રતિકો, જાહેરરાતો વિ. સરકારી મકાનો તથા રાજ્ય સત્તા સંચાલિત પબ્લીક સ્કુલોના મકાનો પર લગાવી શકશે નહી. પબ્લીક સ્કુલોમાં પ્રાર્થના,  જૈવીક ઉત્ક્રાંતિ વિરુધ્ધ ધાર્મક સજીવ સર્જનનો અભ્યાસક્રમ, ઉપરાંત શિક્ષણનો ધાર્મીક દ્ર્ષ્ટીથી ઉપયોગ વિ. પર પ્રતિબંધ છે. તે અંગે સભાન છે.

આશરે ૨૩૫ વર્ષ પુરાણા રાજ્યઅને ધર્મ વચ્ચેના સંપુર્ણ વિયોજનના બંધારણીય પ્રથમ સુધારાના ખ્યાલને કારણે દરેક અમેરીક્ન નાગરિકને ધર્મ અંગે જે માન્યતા હોય તે પ્રમાણે જીવન જીવવાનો અબાધિત અધિકાર જ વિકાસ પામી ગયો છે. દરેક અમેરીકન નાગરિક  રાજ્ય વ્યવસ્થા પાસેથી ફક્ત એટલીજ અપેક્ષા રાખે છે કે નાગરીક તરીકેના તેનો જીવન જીવવાનો " Life, Liberty, & Pursuit of Happiness " ધ્યેય છે તેના પ્રયત્નોમાં રચનાત્મક રીતે મદદરુપ બને!  આમ રાજ્ય વ્યવસ્થાએ નાગરીકોને ધાર્મીક સ્વતંત્રતાનો અધિકાર આપીને માનવીને તેના ભાગ્યનો વિધાતા નહી પણ સર્જક બનાવીને અમેરીકાને એક દેશ તરીકે વિશ્વ ફલક પર  માનવજાતના ભાગ્યનો સર્જક બનાવી દીધો છે.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––






--