Wednesday, April 14, 2021

બાબાસહેબઆંબેડકરનો વારસો– પુસ્તકના લેખક– લોર્ડ પ્રો. ભીખુ પારેખ–

બાબાસહેબ આંબેડકરનો વારસો– પુસ્તકના લેખક– લોર્ડ પ્રો. ભીખુ પારેખ–

 ભાવાનુવાદ કરનાર – બીપીન શ્રોફ.

 સને ૨૦૦૯ની સાલમાં પ્રો ભીખુભાઇ પારેખે  દીલ્હીમાં આવેલી  ' ધી ભારતરત્ન ડૉ .બી.આર. આંબેડકર વીશ્વવીધ્યાલયમાં '" બાબાસાહેબ આંબેડકરનો વારસો" એ વીષય પર એક અભ્યાસપુર્ણ પ્રવચન અંગ્રેજીમાં આપેલું હતું. અમારા માસીક ' વૈશ્વીક માનવવાદ' માં  પ્રો. ભીખુભાઇની પરવાનગી લઇને ત્રણ ભાગમાં પ્રકાશીત કરેલું હતું. ત્યારબાદ તેની ૨૦૦૦ કોપી નાની પુસ્તીકા સ્વરૂપે પણ પ્રકાશીત કરેલી હતી. પ્રો. ભીખુભાઇ પારેખ રાજ્યશાસ્રના વીષયના વીશ્વવીખ્યાત વીવેચક તરીકે જાણીતા છે. કોઇપણ રાજ્યશાસ્રના વીષય પર તેમનું ચીંતન તાર્કીક, મૌલીક અને વાસ્તવીક આધાર પર હોય છે. સદર પ્રવચન તૈયાર કરવામાં બાબસાહેબને સંલગ્ન ૫૮ સંદર્ભગ્રથોની મદદ પણ લીધી હતી. તેઓ ઇગ્લેંડની વીખ્યાત તમામ વીશ્વવીધ્યાલયોમાં રાજ્યશાસ્રના પ્રોફેસર તરીકે કામ કરી ચુક્યા છે. તેમજ બ્રીટનની સરકારમાં તે લેબરપાર્ટી તરફથી હાઉસ ઓફ લૉર્ડમાં કાયમી સભ્ય છે.

આ નાની સરખી પુસ્તીકામાંથી  બાબાસાહેબ અંગે જે વીચારો પ્રો. ભીખુભાઇએ રજુ કરેલા હતા તેના કેટલાક પસંદ કરેલા ફકરાઓ મેં બાબાસાહેબના જન્મદીવસ નીમીત્તે આજે ૧૪મી એપ્રીલના રોજ રજુ કર્યા છે. આશા રાખું કે તે વીચારો આપ સૌ વાંચી– સમજીને તે બધાને યથાર્થ સ્વરૂપે મુલ્યાંકન કરશો. ફક્ત ભક્તીભાવે નહી.

(1)    બાબાસાહેબે જે રીતે એક ચીંતક ને કર્મનીષ્ઠ તરીકે હીંદુ સમાજને તેના મુળીયામાંથી હચમચાવી નાંખ્યો હતો તેમજ ભારતનું ભાવી ઘડવામાં તેમનું જે પ્રદાન હતું તે બંને કારણસર હું તેમને ગૌરવ આપું છું. તથા મારી જાતને ઉપકારવશ ગણું છું. ભારતે ૨૦મી સદીમાં જે સામાજીક અને રાજકીય ચીંતકો પેદા કર્યા છે તેમાં બાબાસાહેબનું સ્થાન મોખરે અને અદ્રીતીય છે.અતી સામાન્ય કુટુંબમાં જન્મી તેઓએ જે શૈક્ષણીક સીધ્ધીઓ કે ડીગ્રીઓ પ્રાપ્ત કરી હતી; તેવી શૈક્ષણીક લાયકાતો કોઇ કયારેય આપણા દેશમાં મેળવી શકશે કે કેમ તે કાયમનો પ્રશ્ન રહેવાનો છે. દેશના વીસમી સદીના કોઇપણ નેતાઓ કે અન્ય વીધ્વાનોએ જે અભ્યાસપુર્ણ પુસ્તકો લખ્યાં છે તેના કરતાં અનેક ગણાં પુસ્તકો બાબા સાહેબે લખેલાં છે.( પુસ્તકના છેલ્લા ટાયટલ પેજપરથી સાભાર.)

(2)   તેમની પ્રચંડ અને મેઘાવી બૌધ્ધીક નીપુણતાને આધારે તેમનું મુલ્યાંકન કરવાને બદલે  હીંદુસમાજ સામે  દલીતોમાં વીદ્રોહ પેદા કરનારા નેતા તરીકે ગણીને તેમના વ્યક્તીત્વને અમાપ નુકશાન કર્યું છે. તેઓ ક્યારેય બ્રીટીશ સરકારના 'વેચાઇ ગયેલા' (સ્ટુજ) ન હતા. દેશની સ્વતંત્રતાની ચળવળમાં તેમની વફાદારી અન્ય રાષ્ટ્રીય નેતાઓ કરતાં લેશ માત્ર ઉતરતી કક્ષા ન હતી.... તે દેશના તમામ નાગરીકોને તેમના વીકાસની આડે આવતાં સામાજીક, રાજકીય અને આર્થીક પરીબળોમાંથી  સાચી સ્વતંત્રતા કેવી રીતે પ્રાપ્ત થાય તેના વૈચારીક મંથનમાં સતત રોકાયેલા રહેતા હતા... પાનુ–૨.

(3)   વ્યક્તીપુજા–  જો તેને ઉગતી જ ડામી દેવામાં ન આવે તો –જેની પુજા કરતા હોય તેનો તથા વ્યક્તીપુજા કરનારનો બંનેનો સર્વપ્રકારનો વીનાશ નોતરે છે.ખરેખર માનવસમાજ માટે જરૂરી છે  તે વ્યક્તીના ક્રાંતીકારી વીચારો, નહી કે તેનું ભૌતીક શરીર! તેમના વીચારોને આધારે આપણે તો તેમનાથી બાકી રહી ગયેલો સંઘર્ષ આગળ લઇ જવાનો છે.વ્યક્તીપુજા કે વ્યક્તીગત નેતાની ભક્તી આપણા દેશના રાજકારણમાં જે ભાગ ભજવે છે તેવો ભાગ વીશ્વના કોઇ દેશના રાજકારણમાં ભજવતી નથી... પાન–૩.

(4)   જ્ઞાતી આધારીત અસમાનતા હીંદુ સમાજ સીવાય વીશ્વમાં બીજા કોઇ સમાજમાં અસ્તીત્વ ધરાવતી નથી.... તે જન્મ આધારીત છે...મૃત્યુ સુધી ચાલુ રહે છે.....દરેક જ્ઞાતીના સામાજીક એકમને તેના ઉંચનીચના સ્તરમાં, ચઢતા ઉતરતી ક્રમમાં કાયમ માટે ગોઠવવામાં આવેલ છે. પવીત્ર–અપવીત્ર, છુત–અછુતના સંબંધો કે રીવાજો એ હીંદુ સમાજની દેન છે.... દરેક જ્ઞાતીને તેનું સામાજીક સ્થાન હોય છે.અને તેની સામાજીક  ચોક્કસ મુકરર કરેલી ઉંચ–નીચ ની ઓળખ હોય છે....આ રીતે જ્ઞાતી આધારીત અસમાનતાને સહેલાઇથી  અમલમાં મુકી શકાય છે. તેની જંજીરોમાંથી કોઇ છટકી શકતું નથી.... આ પ્રથા ખુબજ દમનકારી છે. પાનુ..૪.

(5)   હીંદુ, તારૂ બીજુ નામ અસમાનતા છે. તમે હીંદુ જ્ઞાતી ત્યજયા વિના અસમાનતા દુર કરી શકો નહી. તમે હીંદુ મટી ગયા સીવાય તમારી જ્ઞાતી ત્યજી શકો નહી. જો તમારે અસ્પૃશયતા નાબુદ કરવી હશે તો  તો તેને જન્મ આપનાર ને ટકાવી રાખનાર હીંદુ સમાજ વ્યવસ્થાનો નાશ કરવો પડશે...એક સમયે બાબાસાહેબના મતે મનસ્મૃતી અસ્પૃશ્યતાની જન્મદાતા હતી. તેથી ૨૪–૧૨–૧૯૨૭ના રોજ મનુસ્મૃતીના દહનનો કાર્યક્રમ રાખી તે પુસ્તકનું જાહેરમાં દહન કરેલુ હતું.. પરંતુ સત્યશોધક બાબાસાહેબે શોધી કાઢયું કે અસ્પૃશ્યતા મનુસ્મૃતી કરતાં પણ જુની છે. તે માટે તેઓએ બે અંગ્રેજી  પુસ્તકો લખ્યા છે. (૧)  The Untouchables- Who were they? & Why they become untouchables? (૨)  Who were Shudras? તેની થોડી વીગત ઇ–બુકના  પાન.૫ અને ૬ પર મલશે..

(6)    આ હીંદુ ધાર્મીક વિચારસરણીએ, આર્થીક અને રાજકીય પરીબળોને એકત્ર કરીને  એકબીજાના સંયુક્ત હીતો સાચવવા સામાજીક જોડાણ કરીને સદીઓ સુધી ટકી રહે તેવી અસ્પૃશ્યતા જે અમાનવીય શોષણખોર સમાજવ્યવસ્થા છે તેનું સર્જન કર્યું હતું....પાન–૬.

(7)   બાબાસાહેબની દ્રષ્ટીએ હીંદુ વ્યવસ્થાનો અંત સામાજીક ક્રાંતી સીવાય આવવો અશક્ય છે. તેની સામે થાક્યા વીના અવીરત સંઘર્ષ જ અનીવાર્ય છે. તેના ટેકામાં બાબાસાહેબે વારંવાર કહ્યું છે કે  " ગુલામોને  એવો દ્રઢ અહેસાસ જ્યાં સુધી નહી થાય કે અમારે ગુલામ રહેવું જ નથી " ત્યારે જ તેમની ગુલામીનો  અંત આવવો શક્ય છે. તે અંત લાવવો તેમના જ હાથની વાત છે. તે જ તેમની મુક્તીનું પ્રથમ સોપાન છે..... સમગ્ર હીંદુ સમાજ સામે સંઘર્ષ કરતાં પહેલાં તેમણે પોતાની જાત સામે સંઘર્ષ કરી  સ્વતંત્ર માનવીઓને પ્રાપ્ય હોય તેવી બૌધ્ધીક અને નૈતીક નીપુણતા પ્રાપ્ત કરવી પડશે....પાનું ૭અને ૮.

(8)    દલીત સમાજ એક નકારાત્મક, બીનગણનાપાત્ર કે બીનઅસરકારક હીંદુસમાજનો એકભાગ બની ગયો છે. પણ તેણે હીંદુસમાજમાં અસ્તીત્વ ધરાવતા  તમામ શોષીત–વંચીત– સ્રીઓ સહીત વર્ગોના અગ્રેસર (Vanguard) બનવાની જરૂર છે. સૌ શોષીત– વંચીત લોકોનો સહકાર મેળવી સામાજીક અને રાજકીય ક્રાંતી કરવા માટે તે બધાને તૈયાર કરવાની જરૂર છે. ભારતમાં દલીત વસ્તી અને અન્ય પછાત કોમોની બહુમતી છે. તો પછી કોઇ જવાબદાર કારણ ન હોય તેમ છતાં દેશની રાજ્યવ્યવસ્થા કેમ તેમના દ્રારા સંચાલીત નથી? પાન–૯.

(9)    સને ૧૯૩૫ પછી બાબાસાહેબે હીંદુ સમાજપ્રથામાં સુધારાવાદી પ્રયત્નોથી સર્વપ્રકારની સ્થીતીમાં ફેરફાર લાવી શકાય તે આશા ત્યજી દીધી..... તેવી આશા એક દીવાસ્વપ્ન જ છે.... પછી તેઓએ એક પ્રવચનમાં જણાવી દીધું કે ભલે તેઓ હીંદુ તરીકે જન્મયા પણ હીંદુ તરીકે મૃત્યુ પામશે નહી!

દેશ માટે બાબાસાહેબનું વૈચારીક દ્રષ્ટી બીંદુ ( વીઝન)–

(૧) દેશ માટે બાબાસાહેબના વૈચારીક સ્વપ્નનો આધાર ફ્રેંચ ક્રાંતીના ત્રણ માનવ મુલ્યો પર હતો. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. ભારતમાં તેનો અર્થ ' સામાજીક લોકશાહી' જ થાય છે. ફક્ત રાજકીય લોકશાહી કે મુડીવાદી પુરસ્કૃત લોકશાહી નહી. રાજકીય અને આર્થીક સત્તાનું મહત્ત્મ શક્ય હોય તેટલું વીકેન્દ્રીકરણ. પક્ષશાહી નહી પ્રજાશાહી .

(૨)  આગામી ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દીવસે આપણે પ્રથમ પ્રજાસત્તાક દેશ તરીકે આંતરીક વીરોધાભાસી સ્થીતીમાં પ્રવેશ કરીએ છીએ..... ક્યાંસુધી આપણે આર્થીક ને સામાજીક  અસમાનતોઓને સ્વીકારીને ચાલ્યા કરીશું? જો લાંબા સમય સુધી  આ વીષમતાઓ ચાલુ રહેશે તો તે આપણી લોકશાહી પ્રથાને ભયમાં મુકી દેશે!

(૩) બાબાસાહેબનો બંધુત્વનો ખ્યાલ– સંઘર્ષના સાથીઓ વચ્ચે બંધુત્વની ભાવના સતત લડત માટેની પ્રેરણા પુરી પાડે છે. સંઘર્ષ માટેના વાસ્તવીક અનુભવોમાંથી વીકસેલી નૈતીક લાગણી તર્ક આધારીત કે કેવળ બુધ્ધીપ્રેરીત લાગણી કરતાં અનેકગણી પ્રતીબધ્ધ હોય છે. હવે પછીનો ભારતનો સંગ્રામ તેના સમાજે ઉભા કરેલા  દમનખોર સામાજીક વ્યવસ્થાથી અલગપણે કે આઇસોલેશન માં લડી શકાય નહી....પાનું ..૧૭.

(૪) બાબાસાહેબનો રાષ્ટ્રીયતાનો ખ્યાલ–  આજનું રાષ્ટ્ર  વર્તમાનમાં જીવનારા  સામુહીક લોકોની સક્રીય ભાગીદારીનું બનેલું છે. તે બધા જ દેશના તમામ નાગરીકોનું સર્જન છે. કોઇ વર્ગની બાદબાકી કરવાથી  રાષ્ટ્રનું નીર્માણ થઇ શકે નહી. રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજીની માફક  બાબાસાહેબની રાષ્ટ્રીયતાનો ખ્યાલ માનવકેન્દ્રીત ( હ્યુમેનીસ્ટ) હતો. રાષ્ટ્રીયતાના ખ્યાલ સાથે સામાન્ય રીતે  સામુહીકતા, સંકીર્ણતા, અસહીષ્ણુતા અને ઉગ્રતા જેવાં લક્ષણો જોડાયેલાં હોય છે. પરંતુ બાબાસાહેબનો રાષ્ટ્રીયતાનો ખ્યાલ  તે બધા સામુહીકતા જેવા નકારાત્મક ખ્યાલોથી જોજનો દુર હતો........................પાનું ૧૮.

બાબાસાહેબના ચીંતન અને કાર્યોની મર્યાદાઓ–

(૧) તેઓએ રાજ્ય સંચાલીત વહીવટી સંસ્થાઓ દલિતોના હીતોનું રક્ષણ અને વિકાસ કરશે તેવા ખ્યાલ પર મોટો મદાર રાખ્યો હતો. હીંદુ સમાજમાં દલીતોનું સ્થાન તે પ્રશ્ન રાજકીય ને બદલે સામાજીક હતો. તેઓએ સમગ્ર  હીંદુ સમાજનું નૈતીક અને સાંસ્કૃતીક પરીવર્તન કેવી રીતે થાય તે પર જરૂરી ભાર મુક્યો ન હતો. તેઓએ વારંવાર પોતાના લખાણો અને પ્રવચનોમાં  કહ્યું હતું કે "  Hindu mentality needed to be changed." હીંદુની માનસીકતા બદલવાની જરૂર છે. But how?  જો હીંદુ બહુમતી પ્રજા જ્ઞાતી અને વર્ણવ્યવસ્થા અંગે પોતાના વ્યવહાર અને બદલાવમાં ફેરફાર ન લાવે  તો માત્ર સંસ્થાકીય કે માળખાગત રાજકીય ફેરફારોથી દલીતોના પ્રશ્નો કેવી રીતે ઉકેલી શકાય? શું તેમના પરના અમાનુષી શોષણમાં કોઇ ફેર પડે ખરો?...પાનું ૧૮. (૨૧મી સદીના  છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ વી. અન્ય રાજ્યોના  દલીત સમાજ સામેના અમાનવીય અને હીંસક બનાવોનું પૃથ્થકરણ કરી જુઓ? ભાવાનુવાદકનું નીરીક્ષણ.)

(૨) પ્રો. ભીખુ પારેખના તારણ પ્રમાણે તેનો ઉકેલ ગાંધી અને આંબેડકરના વીચારોના સમનવ્યમાં રહેલો છે. ગાંધીજીએ પોતાની આઝાદીની ચળવળમાં  હીંદુ કાર્યકરોમાં અસ્પૃશ્યતા હીંદુ ધર્મનું કલંક છે  તેવી ગુનાહીત અને શરમજનક લાગણી પેદા કરાવી શક્યા હતા. બાબાસાહેબે  અસ્પૃશ્યતા સામે જે વીદ્રોહ પેદા કર્યો હતો તેમાં ગાંધીના ચીંતન અને કાર્યે સરળતા સર્જી આપી હતી. ખરેખર બંને મહાનુભાવોનો ફાળો એક બીજાનો પુરક અને મદદ કરતા હતો. એકે હીંદુ જ્ઞાતી પ્રથા સામે અને બીજાએ અસ્પૃશ્યતા સામે, એકે  નૈતીકતા અને સાંસ્કૃતીક મુલ્યો પ્રમાણે અને જ્યારે બીજાએ આર્થીક અને રાજકીય દ્રષ્ટીકોણથી પરીવર્તન લાવવા પ્રમાણીક અને ગંભીર પ્રયત્નો કર્યા હતા.

(૩) બાબાસાહેબનું તારણ એ હતું કે મજબુત– શક્તીશાળી રાજ્ય  અને તેને અનુરૂપ સદર કલંકને દુર કરવાવાળી  ચુનંદી નેતાગીરીથી આ કામ થાય! પ્રો. ભીખુ પારેખની દ્રષ્ટીએ આ કલંકને દુર કરવા રાજકીય સત્તા મહત્વની છે તે અંગે કોઇ બે મત નથી. પણ  અસ્પૃશ્યતા જેવા હીંદુ સમાજના સદીઓથી જડઘાલીની વીકરાળ બનેલા સામાજીક પ્રશ્નને ઉકેલવા માટે  ફક્ત રાજકીય ઇચ્છા અને તંત્ર શક્તી પુરતી નથી. હીંદુ સમાજનું તેની જ્ઞાતી પ્રથા, વર્ણવ્યવસ્થા વી. સામેના પરીવર્તનો અંગેનું વલણ પ્રત્યાઘાતી અને હીંસક છે તે કોણ નથી જાણતું?

 (૪) સદર પુસ્તકના ભાવાનુવાદકનો અભીપ્રાય– " મારા મત મુજબ ભારતના દલીતોની સામાજીક અને આર્થીક મુક્તીનો આધાર તેમને કૃષી આધારીત જીવન પધ્ધતીમાંથી મુક્તી પર રહેલો છે. આધુનીક ઔધ્યોગીક સાંસ્કૃતીએ સર્જન કરેલ સામાજીક ઓળખ તેમને માનવીય ઓળખ તરફ લઇ જાય છે. જે વીશ્વના તમામ દેશોના સમાજોમાં બન્યું છે. આપણા દેશ માટે અને તેના તમામ વંચીતોના લલાટે વર્તમાન રાજકીય સત્તાના હીતો–પરીબળો આધુનીક અને ઔધ્યોગીક સાંસ્કૃતીકના પાયાના મુલ્યો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની સામે પડેલા છે. તે જ  દલીતો સહીતના દેશના તમામ વંચીતો માટેના સંઘર્ષનું ઇજન પુરૂ પાડે છે.  

આપણા સૌ માટે આનંદની  વાત છે કે  સદર સમગ્ર પુસ્તકને  અમારા નવસારીના સાથી ગોવીંદભાઇ મારૂએ આજે  " ઇ–બુક" તરીકે બાબાસાહેબને શ્રધ્ધાંજલી રૂપે પ્રકાશીત કરી છે. તેથી સહેલાઇથી ડાઉનલોડ કરી વાંચી શકાશે. શુભેચ્છા સાથે...

ઇ–બુકની લીંક આ છે https://govindmaru.files.wordpress.com/2021/04/ebook_46_baabaasaaheb_aambedkarno_vaaraso_2021-04-14.pdf પરથી આ ઈ.બુક ડાઉનલોડ કરવા વીનન્તી છે. *ગોવીન્દ મારુ*

 


--