Saturday, June 5, 2021

Thougjts of Raj Gos Swami


રાજ ગોસ્વામી જેવા સદાબહાર બૌધ્ધીકે આજે તેઓની ફેસબુક વોલ પર નીચે મુજબના અદ્ભુત વિચારો મુક્યા છે. તે મુળ સ્વરૂપે મુકીને  મેં મારા વિચારો રજુ કર્યા છે. ડીયર રાજ ભાઇ અવિવેક થઇ ગયો હોય તો ક્ષમા કરજો.––

" એક દેશની બૌધ્ધીકતાનું સ્વરૂપ કેવું હોવું જોઇએ? નીચેથી ઉપર કે ઉપરથી નીચે? "

જે દેશનું નેતૃત્વ જેના હાથમાં હોય , તે વ્યક્તી કે વ્યક્તીઓની વૈચારીક ક્ષમતા અને દુરંદેશીથી આગળ જઇને એક દેશ સામુહિક રીતે  પોતાનો વિચાર કરી શકે  અથવા પોતાના ભવિષ્યને જોઇ શકે? કે પછી જે શિખર પર પોતે છે , જેના હાથમાં કમાન છે, તેની આવડત  જેટલી હોય, તેટલી જ આવડત પુરા દેશની હોય? એક વ્યક્તિનું વિઝન એ પુરા દેશનું વિઝન હોય? ધારો કે તે વ્યક્તીની વૈચારીક ક્ષમતા મર્યાદીત હોય,તેનામાં અણઆવડત હોય , તેનું વિઝન ત્રુટીપુર્ણ હોય, તો તે વૈચારીક મર્યાદા, તે અણઆવડત અને તે ત્રુટી પણ પુરા દેશની લાક્ષણિકતા બની જાય? નેતાની ક્ષમતા એ દેશની ક્ષમતા અને નેતાની મર્યાદા એ દેશની મર્યાદા હોય? એક દેશની બૌધ્ધીકતાનું સ્વરૂપ કેવું હોવું જોઇએ? નીચેથી ઉપર કે ઉપરથી નીચે? મતલબ કે (દેશની) બધી બુધ્ધિ પર નેતૃત્વનો અધિકાર  હોવો જોઇએ? અને જનતા માત્ર  અંધ અનુચર  હોવી જોઇએ? કે પછી જનતામાં સર્વોત્તમ જ્ઞાન વિકસેલું હોવું જોઇએ અને તે સમય સમય પર  નેતૃત્વની મદદે આવવું જોઇએ.

ઉપરના વાક્યોના સંદર્ભમાં મારા વિચારો––

 સૌ પ્રથમ એ સત્ય સ્વીકારવું પડે કે કોઇપણ સમુહ ભલે તે દેશ હોય, કુટુંબ, જ્ઞાતી, સંપ્રદાય તે જાતે પોતે વિચારી શકે જ નહી. વિચારવાની શક્તિ હંમેશાં વ્યક્તિગત જ હોય છે સમુહ પાસે નહી. બીજું સારુ શું છે કે ખોટું શું છે એ નક્કી કરવાની તર્કવિવેકશકિત પણ  માનવની જ વ્યક્તિગત જ હોય. જે પણ વ્યક્તિગત ધોરણે મુળભુત જૈવીક ઉત્ક્રાંતીમાંથી વિકસેલી છે. ટોળાને કે સમુહને તમે હાંકી શકો કારણ કે તેનામાં વિચારવાની શક્તિ હોતી નથી પણ જડવફાદારી તો હોય છે. જે દિશામાં નેતાની બુમ પડે તે દિશામાં દોડતાં તો તેમને શીખવાડેલું જ હોય છે. ટોળાની જડ શિસ્તમાંથી પેદા થયેલા કે બનેલા નેતાની માનસિકતા પણ બિલકુલ અસહિષ્ણુ એટલા માટે હોય છે કે તે રીતે તેને ટોળાને હાંકવા માટે જ તૈયાર કરવામાં આવેલ છે.

 ટોળાશાહીમાંથી પેદા થયેલ નેતૃત્વ અપરિવર્તનશીલ,અજ્ઞાની કે વૈજ્ઞાનીક–આધુનીક જ્ઞાનવિરોધી અને જેસેથૈ વાદી જ હોય! ભલે તે દેખાડો 'વિકાસપુરૂષ' નો કરતો હોય!  જે ટોળાએ તેનું સર્જન કર્યુ હોય કે તેનું જન્મદાતા હોય તેને ઠેકીને તે બહાર જઇ શકે જ નહી. ટોળાને ઠેકીને કુદાય તેવું તેમની શિક્ષાપત્રીમાં જ નથી. કારણકે તે નેતાનું સમગ્ર જગત જ ટોળાની અંદર જ સમાઇ ગયેલું છે. ટોળાની બહારની દુનીયા એક નંબરની ટોળાની દુશ્મન હોય છે. પેલો ટોળાનો નેતા તેના દેશ અને દુનીયાને  ટોળા જેવું બનાવવા મેદાને પડેલ છે. જેમાં તેની અને તેના ટોળાની જબ્બરજસ્ત હાર પુર્વનિર્ણીત છે. નાગરીકો, દેશ ને દુનીયા પરિવર્તનશીલ છે. જ્યારે પેલુ તૈયાર કરેલુ ટોળુ અને તેનો હાંકનારો નેતા સામંતશાહી, નફાખોર અને શોષણખોર મુડીવાદી અને  ઇશ્વરના એજેંટો ( Agents of God)નો હિતરક્ષક હોય છે. સમય જતાં પેલો નેતા તેના વફાદાર ટોળા સાથે જ ડુબે છે. પણ બાકીની દેશની ટોળા સિવાયની પ્રજા વિગેરેને અમાપ નુકશાન કરીને જાય છે.

 

 

--