Monday, August 15, 2022

વીવાદાસ્પદ નવલકથા ‘ સેતાનીક વર્સીસ‘ ના લેખક( જન્મે ભારતીય) સલમાન રશદી પરન્યુયોર્કમાં જીવલેણ હુમલો!

વીવાદાસ્પદ નવલકથા ' સેતાનીક વર્સીસ' ના લેખક( જન્મે ભારતીય) સલમાન રશદી પર ન્યુયોર્કમાં જીવલેણ હુમલો!

 પીઇએન(PEN America)નામની સાહીત્ય સંસ્થા જે વીશ્વભરમાંથી પોતાના દેશમાં અભીવ્યક્તીના સ્વાતંત્રય માટે રાજ્યસત્તાઓના નિર્ણયોનો ભોગ બને છે તેને રાજકીય આશ્રય આપવાનું કામ કરે છે; તેણે રશદીને પ્રવચન આપવા બોલાયા હતા. તાજેતરમાં યુક્રેન અને સોવીયેત રશીયા સાથે જે યુધ્ધ ચાલી રહ્યું છે, તેમાં યુક્રેનના લેખકો, સાહિત્યકારો અને બૌધ્ધીકોને  અમેરીકા રાજકીય આશ્રય પુરો પાડે તેની વિગતો શુક્રવારે સવારે ૧૧ વાગ્યે ૧૨મી ઓગસ્ટના પ્રવચનમાં રશદી રજુ કરવાના હતા.

રશદી સ્ટેજ પર આવીને પોતાની સીટ પર હજુ બેઠા પણ ન હતા ત્યાં જ ૨૪ વર્ષના જન્મે અમેરીકન મુસ્લીમ, હાલ રહેવાસી ન્યુ જર્સી સ્ટેટ, મા– બાપ લેબેનીઝ જેનું નામ હદી મતાર( Hadi Matar) નામના યુવાને હુમલો કર્યો. જમણીબાજુના ગળાપર અને પેટમાં કુલ ૧૦ ઘા ચપ્પાથી કર્યા હતા. જેની પોલીસે ધરપકડ કરી લીધી છે. શનીવારના ન્યુયોર્ક ટાઇમ્સના ન્યુઝ પ્રમાણે રશદીએ પોતાની એક આંખ, એક હાથ સંપુર્ણ લકવાગ્રસ્ત અને લીવરમાં સખત નુકશાન થયું છે. તે વેન્ટીલેટર પર છે. હોસ્પીટલ અને પોલીસતંત્ર બંને રશદીની તબીયત અંગે મૌન સેવે છે.

સલમાન રશદી એક વીશ્વ ગજાના મોટા સાહીત્યકાર અને લેખક છે.સને ૧૯૮૧માં રશદીની પ્રકાશીત જગપ્રસીધ્ધ નવલકથા ' મીડનાઇટ'સ ચીલ્ડ્રન'ને બુકર પ્રાઇઝથી નવાજીત કરવામાં આવી હતી.રશદીએ કુલ આઠ નવલકથાઓ લખી અને પ્રકાશીત કરેલ છે.સને ૧૯૮૮માં રશદીએ વીવાદસ્પદ નવલકથા 'સેતાનીક વર્સીસ' પ્રકાશીત કરેલી હતી.સદર નવલકથામાં લેખકે ઇસ્લામના સ્થાપક મહંમદ પયગંબરનું વ્યંગાત્મક– વક્રોક્તીરૂપે નીરૂપણ (With its satirical depictions of the Prophet Muhammad)કર્યું હતું. તે નવલકથા પ્રકાશીત કરીને સલમાન રશદીએ વીશ્વભરના મુસ્લીમ ધર્મીઓનો ખોફ વહોરી લીધો હતો. ઇરાનના સર્વાચ્ચ નેતા આયેતૌલ્લા ખોમાનીએ 'સેતાનીક વર્સીસ' પુસ્તકને અધાર્મીક, અપવિત્ર અને ઇશનીંદા જાહેર કરીને તેની સામે એક ફતવો વીશ્વભરના મુસ્લીમો માટે બહાર પાડીને લેખક સલમાન રશદીને મારી નાંખવાનું એલાન કર્યું હતું. સને ૧૯૮૮માં સલમાન રશદીના શિરચ્છેદ માટે લાખ્ખો મીલીયન ડોલરના ઇનામની પણ જાહેરાત કરી હતી.

ખોમાનીએ રશદી સામેનો સદર ફતવો ૧૪ મી ફેબ્રુઆરી ૧૯૮૯માં બહાર પાડયો હતો. તે સમયે રશદી લંડનમાં રહેતા હતા. સદર ફતવા સામે બ્રીટને રશદીને ૧૦ વર્ષો સુધી લંડનમાં તેઓના નિવાસસ્થાને કીલ્લેબંધી પોલીસ સંરક્ષણ પુરું પાડયું હતું.

 તે પહેલાં ભારતમાં, કોગ્રેસપક્ષની રાજીવ ગાંધી સરકારે ' સેતાનીક વર્સીસ' પુસ્તક ઉપર દેશવ્યાપી પ્રતીબંધ મુકી દીધો હતો. જે તે સમયની સંસદીય કાર્યવાહીનો અભ્યાસ કરતાં સત્ય એ નીકળે છે કે પ્રતીબંધ નાગરીકોની 'અભીવ્યક્તીની સ્વતંત્રતા' ના સંરક્ષણ માટે ન હતો પરંતુ મુસ્લીમ લઘુમતીના તૃષ્ટીકરણ માટે રાજકીય હતો. કરૂણતા તો એ હતી કે સંસદમાં સદર પુસ્તકના પ્રતીબંધની તરફેણ કરનારા અને વીરોધ કરનારા બે માંથી કોઇએ રશદીનું પુસ્તક વાંચ્યા વિના ચર્ચા કરી હતી તેવી સંસદીય નોંધ છે. (At the time of the ban, there were no copies available in India," Rushdie said.) સદર પુસ્તકના કુલ ૫૫૦ પાના છે. સને ૧૯૯૦માં આ પુસ્તક મેં મારી અમેરીકાની પ્રથમ મુલાકતમાં ન્યુજર્સી સ્ટેટની એક કાઉન્ટી લાયબ્રરીની મદદથી વાંચેલું હતું.

PEN Americaસંસ્થાનું આખું નામ Poets, Essayists, Novelists અમેરીકા થાય છે. સને ૧૯૨૨માં તેની સ્થાપના થઇ હતી. તેના મુળ સ્થાપકોમાં નોબેલ વીજેતા યુજેન ઓનીલ અને કવી રોબર્ટ ફ્રોસ્ટ હતા. તેનો મુખ્ય હેતુ અમેરીકામાં અભીવ્યક્તીના સ્વાતંત્રયનો પ્રચાર પ્રસાર કરવો, સંરક્ષણ કરવું, ઉજવણી કરવી અને વીશ્વવ્યાપી આવી સાહીત્યીક પ્રવૃત્તીઓ તથા માનવ અધીકારોના સંરક્ષણ માટે પ્રોત્સાહન આપવું.

(1)  ચીફ ઓફીસર ઓફ ' પેન અમેરીકા' સંસ્થાના શ્રીમતી સુઝેન નોસેલ ખુબજ વ્યગ્રતા સાથે જણાવે છે કે 'અમે વિચારી પણ શકતા નથી કે અમેરીકાની ધરતી પર એક સાહીત્યકારને જાહેરમાં હુમલો કરવાનો પ્રસંગ બને! આ હુમલાના થોડા કલાકો પહેલાં શુક્રવારની સવારે મને રશદીએ ઇ–મેઇલ કરીને જણાવ્યું હતું કે " યુધ્ધગ્રસ્ત યુક્રેન દેશના નીચે જણાવેલ લેખકોના જાનનું ગંભીર જોખમ છે તેને આપણે સહીસલામત રીતે તાત્કાલીક રાજ્યાશ્રય આપીને મુક્ત કરવા જોઇએ.( The United States is as a safe haven for exiled writers and other artists who are under the threat of persecution.)સલમાન રશદી છેલ્લા દસકાઓથી પોતાના વિચારોની અભીવ્યક્તી માટે ઇસ્લામીક ઉગ્રવાદીઓના નીશાને પર છે, પણ તેણે તે વૈચારીક અભીવ્યક્તી માટે ક્યારેય પાછીપાની કરી નથી, કે ક્યારે ડગમગુ થયા નથી."

(2)  ન્યુયોર્કના ગવર્નર કેથી જણાવે છે આ અત્યંત હ્રદયદ્રાવક અને આઘાતજનક પ્રસંગે હું સલમાન રશદી અને તેના કુટુંબીજનો સાથે છું.તેણી વધુમાં જણાવે છે કે સલમાન રશદી પરનો હુમલો તો અમારા દેશના ખુબજ મુળભુત અને પવીત્ર મુલ્ય 'અભીવ્યક્તીની સ્વતંત્રતા' પરનો હુમલો છે.  

(3)  જ્યાં સેતાનીક વર્સીસ એક પુસ્તક તરીકે પ્રકાશીત થઇ હતી તે પ્રકાશક  સંસ્થા 'પેનગીન રેન્ડમ હાઉસ' ના સંચાલક જણાવે છે કે સદર હુમલાથી અમને ખબુજ આઘાત લાગ્યો છે.

(4)   બ્રીટનના વડાપ્રધાન બોરીસ જ્હોનસન ઉંડા આઘાત સાથે હુમલાનો વીરોધ કરતાં જણાવે છે કે રશદી અભીવ્યક્તી સ્વાતંત્રયના અધીકારની રક્ષા કરતાં કરતાં ઘાયલ થયા છે તેવા અધીકારના રક્ષણ માટે આપણે બધું જ કરી છુટવું જોઇએ.(We are all hoping he is okay.)

(5)  " અભીવ્યક્તીના સ્વાતંત્રય માટે લખેલા કે બોલાયેલા શબ્દોનો વીકલ્પ હીંસા ક્યારે હોઇ શકે નહી." –સેક્રેટરી જનરલ યુનાઇટેડ નેશન્સ.

(6)  અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ બાઇડન અને શ્રીમતી જીલ બાઇડને સખ્ત આઘાત અને દુ;ખ સાથે જણાવ્યું છે કે અમારી પોતાની સંપુર્ણ વફાદારી અને એકતા લેખક રશદીના ભયમુક્ત રીતે વીચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા સાથે છે.

(7)  ભારતમાંથી સામ્યવાદી પક્ષના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી, કોગ્રેસ એમ પી શશી થરુર, કોગ્રેસ મીડીયા ચીફ પવન ખેરા, અને શીવ સેનાના પ્રીયંકા ચતુર્વેદીએ સખત વીરોધ કર્યો છે. કદાચ ભાજપના નેતાઓ નુપુર શર્માના પ્રકરણ પછી કદાચ છાશ પણ ફુંકી ફુંકીને પીવામાં પોતાની સલામતી અનુભવતા હશે. 

(8)  સને ૧૯૯૧માં જપાનના નવલકથાકાર હિતોશી ઇગારાશીને ' સેતાનીક વર્સીસ'નું તેની ભાષામાં અનુવાદ કરવા માટે મારી નાંખવામાં આવ્યા હતા. તેવીજ રીતે ઇટાલી ભાષામાં ભાષાંતર કરનારને પણ મારી નાંખવામાં આવ્યા હતા.સને ૧૯૯૩ના ઓકટોબરમાં નોર્વે ભાષામાં પુસ્તક પ્રકાશન કરનાર વીલીયમ નોગાર્ડને તેની રાજધાની ઓસ્લોમાં ત્રણ ગોળી મારીને મારી નાંખ્યા હતા.

(9)  ઇરાનના હાલના રાજ્યકર્તાના શબ્દો છે " અમારો ફતવો એક બંદુકમાંથી નીકળી ગયેલી ગોળી છે જ્યાંસુધી તે તેના નિશ્ચીત નીશાનને શિકાર નહી બનાવે ત્યાં સુધી ઝંપીને બેઠશે નહી. ઇરાનના દૈનીકો અને પ્રજાએ રશદીપરના હુમલાને ખુબજ આનંદથી આવકાર્યો છે.અને હુમલાખોરનેપોતાના સન્માનીય હીરો તરીકે બીરદાવે છે.

(10)                સલમાન રશદીની તબીયત સુધારા પર છે. વેન્ટીલેટર કાઢી નાંખવામાં આવ્યું છે. વાતચીત કરી શકે છે.૧૫મી ઓગસ્ટ ન્યુયોર્ક ટાઇમ્સ.

 

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––