Tuesday, August 23, 2022

ટોળુ એટલે માનવ સમુહ– દિશા હીન માનવ સમુહ.

 ટોળુ એટલે માનવ સમુહ–  દિશા હીન માનવ સમુહ.પણ માનવી એટલે ટોળા બહાર  નક્કી કરેલી દિશામાં જીવન જીવતો એકાકી માનવી.

થોડાક દિવસ પહેલાં એક વિચાર પ્રેરક બનાવ બની ગયો. મહેમદાવાદમાં મારી લુહારવાડા પોળમાં એક મીત્રનો દિકરો  બહારથી(!) એક હટ્ટોકટ્ટો ખુબજ આકર્ષક જર્મનશેપર્ડ એલસેશીયન ડોગ લઇ આવ્યો.  હું મારા ઘર પાસે ઉભો રહીને તેને જોતો હતો. મને તે ડોગને જોવામાં આનંદ આવતો હતો. કારણકે તે પ્રમાણમાં પેલા શેરીના કુતરા કરતાં વધારે બૌધ્ધીક અને જ્ઞાન આધારીત તેના માલીકના હુકમ મળતાં થોડું વિચારીને પછી પોતે નીર્ણય કરતો હતો! પછી તે પ્રમાણે કામ કરતો હતો.

પણ એકાએક અમારી પોળના બધાજ શેરી કુતરાઓ ભેગા થઇ ગયા. પેલા નવા મહેમાનનો દેખાવ જોઇને અમારી શેરીની તેમની છેલ્લા હદ( બીજી પોળના શેરીના કુતરાની શરૂ થતી સરહદ.) પાસે ઉભા રહીને જોર જોરથી ભસવા માંડયા. અમારી બાજુની પોળમાં રહેતા મારા મીત્ર હરીભાઇને મેં ફોન કર્યો કે તમારી પોળના પણ કુતરાઓ ભેગા થઇને અમારી પોળ બાજુ મોઢું રાખીને કેમ ભસે છે ? અરે ! યાર સાલી! સમજણ નથી પડી તે બધા જ કુતરાઓ મારી શેરી ને નાકે આવીને તમારી પોળ બાજુ તેમનાં ' ડાચાં' રાખીને ભસવા માંડ્ડયા છે. પણ તેમના ભસવામાં એકબીજાનો સહકાર વધારે દેખાય છે, સુસંગતા અને ભયની પ્રીતી દેખાય છે. શત્રુતા કે દુશ્મનાવટ ને બદલે સખાભાવ કે  'હમ સબ એક હૈ' ની લાગણી દેખાય છે.

    પણ હું ફોન મુકુ તે પહેલાં મને કહે કે શ્રોફ સાહેબ બાબત કાંઇ ગંભીર લાગે છે ! મેં પુછયું કેમ? અરે મારા મોબાઇલ પર સાંભળો તો ખરા ! પંડયાપોળના ચકલાની પાંચેય પોળના કુતરાઓએ પોતાની પોળની બહાર નીકળી સમુહમાં રડવાનું જ શરૂ કરી દીધુ છે!.

 આ વીસ્તારથી થોડે દુર આવેલા માલવાફળી વિસ્તારમાંથી મારા સ્કુલ સમયના વ્યાયામશાળાના સાથી શૌકતઅલીનો ફોન આવ્યો કે ' હમારે વહાં સબ કુત્તે બહાર નીકલ કર ' આજાન' કા અવાજ સુન કર ભોંકને લગે હૈ'

 છેલ્લે જ્યાં થી શરૂઆત થઇ હતી તે મારી શેરીની એક સરસ, મઝાની શરીરે પહેલી નજરે આકર્ષક લાગી તેવી ' લાલી' કુતરી પોતાના ટોળામાંથી બહાર નીકળીને પેલા અમારી પોળના નવા વરરાજા પાસે જઇને પુછડી પટપટાવતી તેના મોઢાને ચુમવા લાગી અને તેની આગળ પાછળ ગોળ ગોળ ફરવા લાગી. અમારી શેરીના કુતરાઓએ ' સમુહ ગાન' બંધ કરી દીધું.

બધા જ મીત્રોના ફોન આવવા માંડયા– " તમને ખબર પડી બીપીનભાઇ ! આ બધા જ કુતરાઓએ એકએક ભસવાનું બંધ કરી દીધું! "

 ૨૧મી સદીમાં માનવ જાત માટે એક પાયાનો પ્રશ્ન પેદા થઇ ગયો છે. માનવી ટોળા સિવાય સલામતીથી જીવી શકે? શું માનવીને સ્વતંત્રતાથી પેદા થતા વાતાવરણનો ભય ( FEAR OF FREEDOM) લાગે છે?

 બીજુ સદીઓથી જે ટોળાઓએ માનવીને આભાસી સલામતી રાષ્ટ્ર– રાજ્ય, ધર્મ. સંપ્રદાય, સામાજીક સમુહો, રાજકીય પક્ષો વિગેરેએ આપીને તેમની સોનેરી જંજીરોમાં ગુલામ બનાવી જે જુદા જુદા સ્થાપીત હીતોની નાગચુડ પકડ જમાવી છે તેમાંથી કાળા માથાનો માનવી બહાર નીકળી શકશે ખરો?

એક માનવીનું બીજા માનવી સાથે તુમુલ યુધ્ધ ચાલી રહ્યું છે. પેલા ટોળાઓએ પોતાના ટોળાના સભ્યની( ખરેખર કંઠીબંધુ અસભ્યની) પાકી ઓળખ પેદા કરી દીધી છે. ટોળાની વફાદારી માનવ અસ્તીત્વ કરતાં સર્વોપરી બનાવી દીધી છે. માનવ અસ્તીત્વ એટલે ટોળાની વફાદારી સાથે જ જીવન પસાર કરવું!

     છેલ્લા આશરે ૫૦૦ વર્ષ કરતાં વધુ સમયથી થયેલ માનવી કેન્દ્રી– ઇશ્વર કેન્દ્રીય નહી, પ્રગતીએ તમામ ટોળા આધારીત સત્યોને પડકારી અપ્રસતુત અને બીનાસરકારક બનાવવાનો અવીરત સંઘર્ષ શરૂ કરી દીધો છે. ટોળા કેન્દ્રી જ્ઞાન, રૂઢી, રીવાજો, માન્યતાઓ અને સંસ્થાઓના વીકલ્પે  માનવ કેન્દ્રી જ્ઞાન, વિજ્ઞાન અને સંસ્થાઓનું નીર્માણ મોટાપાયે  કરવા માંડયું છે.

પરંતુ ટોળાના સ્વરચીત માળખામાંથી મુક્ત થઇ જીવવું સરળ નથી. મુક્તી જે જવાબદારી અને સાથે સાથે એકાકીપણું, એકલતા, અસલામતી અને ભય પેદા કરે છે તેને કારણે સદીઓથી ટોળામાં જીવનારો માનવી જ્યાં જાય ત્યાં નવા ટોળા બનાવતો જાય છે. પણ માનવકેન્દ્રી સલામતી બક્ષે તેવી આધુનીક સંસ્થાઓનું નીર્માણ તેના બસની વાત જ નથી.

પશ્ચીમી દેશોની પ્રજા પોતાના સ્વાર્થી હીતો માટે જ્યાં ગઇ ત્યાં બાઇબલ, ચર્ચ અને જીસસને સાથે લઇ ગઇ. આરબો જ્યાં ગયા ત્યાં ઇસ્લામ, કુરાન અને મસ્જીદને પણ સાથે લઇ ગયા. હવે હીંદુઓ જ્યાં જાય છે ત્યાં મંદીરો, હવેલી, ગોકુલધામ, ગીતા, રામાયણ, શીક્ષા– પત્રીકા અને દેવ દેવીઓ ને સાથે લઇને જાય છે.

 કારણકે અમે બધા જ ટોળા સીવાય અને ટોળાની નીજી ઓળખ સીવાય, જીવી શકીએ તેમ નથી. આધુનીક ઔધ્યોગીક જીવન નીરંતર પરીવર્તનશીલ છે. તેના ચાલકબળો વીશ્વવીધ્યાલયો,વૈજ્ઞાનીક પ્રયોગશાળાઓ, ક્મ્પ્ય્ટુર, ઇન્ટરનેટ, ઓનલાઇન, અને કૃત્રીમ બૌધ્ધીક્તા (Artificial Intelligence) દ્રારા સર્જન થયેલ આર્થીક, રાજકીય અને સામાજીક સંસ્થાઓ છે. તે બધા ૨૧મીસદીમાં રોટલો, ઓટલો વી આપે છે પણ તેમાંથી અમારી કોઇ સામુહીક ઓળખ પેદા નહી થવાથી તે બધા સાધનો છે. સાધ્ય તો સામુહીક ઓળખમાં ઓગળી જવું એ જ રહેવાનું છે.!

 


--