Sunday, August 21, 2022

તમે અમને સાચા સ્વરૂપે કે રંગે ન ઓળખો તો ભોગ તમારા !

તમે અમને સાચા સ્વરૂપે કે રંગે ન ઓળખો તો ભોગ તમારા ! અમે જેવા છીએ તેવા, અમને અમારી ઓળખ પર ગૌરવ છે.તમને ખબર છે ખરી! અમે તો ભવીષ્યમાં મનુસ્મૃતી આધારીત હીંદુરાષ્ટ્ર બનશે ત્યારે તેના પાયાની ઇંટો તરીકે અમારા ૨૦૦૨ના બલીદાનોના ગૌરવ – શૌર્ય ગીતો ગવાતા હશે!.શહીદ સ્મારકો રચાશે!

 ખુબજ ટુંકમાં 'બીલ્કીશ બાનુ' ના કેસની વીગત ૨૧મીસદીમાં જીવન જીવતા એક માનવી તરીકે માત્ર માહીતી માટે પણ કદાચ ભલે ન સમજવાની પ્રતીજ્ઞા લીધી હોય પણ ફક્ત અને ફક્ત જાણીએ!

(1)    સને ૨૦૦૨ના ગોધરાકાંડના ઉન્માદમાં ત્રીજી માર્ચના રોજ મુસ્લીમ હોવાને કારણે બીલ્કીશ બાનુ

( રે. રણધીરપુર, તા. લીમખેડા જીં પંચમહાલ.) જીવ બચાવવા પોતાના કુટુંબ સાથે એક ટ્રકમાં ભાગી નીકળી હતી. ટ્રકને તોફાનીઓએ ઘેરી લઇ, તેના ૧૪ સગવહાલા કુટુંબી જનોને મારી નાંખ્યા હતા. તેના હાથમાંથી ત્રણ વરસની દીકરીને ખુંચવી લઇને તેની સામેજ પછાડી પછાડીને મારી નાંખી. તે સમયે તેના પેટમાં પાંચમાસનો ગર્ભ હતો. પેલા તોફાનીઓમાંથી (જે બધા જ તેના ગામના જ હતા)ત્રણ માણસોએ તેના પર વારાફરતી બળાત્કાર કર્યો અને તે જ સમયે તેની નજર સામે તેની ઘરડી માતા ઉપર પણ બળાત્કાર કરવામાં આવ્યો હતો. કુલ ૧૪માણસોને મારી નાંખ્યા હતા. તેને મૃત પામેલી સમજીને નગ્ન અવસ્થામાં ચુથી નાંખીને ફેંકી દીધી હતી. તેવી જ સ્થિતીમાં જંગલમાં રાતભર રખડી સવારે એક આદીવાસીની ઝુંપડી પાસે પાણીની ડમકીમાંથી ખોબે ખોબે પાણી પીતી હતી. ઝુંપડીમાં રહેનાર સ્રીએ તેના શરીર પર ઓઢવાનું ફાટલુતુટલું કપડું ફેક્યું હતું.

(2)    સુપ્રીમ કોર્ટની સુચનાથી સદર કેસ મુંબઇમાં ચાલ્યો અને કુલ ૧૧ પેલા બળાત્કારીવત્તા ખુનીઓને આજીવન કેદની સજા થઇ. સુપ્રીમ કોર્ટે વળતરરૂપે પચાસલાખ રૂપીયા ચુકાવવા ગુજરાત સરકારને હુકમ પણ કર્યો હતો. આજે આપણે કલ્પના પણ કરી શકીએ છીએ ખરા કે બીલ્કીસબાનુએ ગુજરાતના તે સમયના પોલીસતંત્ર અને સરકારના સંપુર્ણ અસહકારભર્યા વર્તન સામે કેટલો સંઘર્ષ કર્યો હશે?

(3)     "One who suffers knows it better, says Justice Salvi."  બુટ ક્યાં ડંખે છે તે બુટ પહેરનાર ને ખબર પડે! જોનાર ને નહી.  જે તે સમયની મુંબઇની સેસન્સ કોર્ટમાં ચુકાદો આપનાર ન્યાયાધીશ સાલ્વી સાહેબ જે હાલ નિવૃત છે તેઓએ ઇન્ડીયન એક્સપ્રેસને ' રેમીસ્નસ' ૧૧ ગુનેગારોને મુક્તી આપનારા ગુજરાત સરકારના નીર્ણય અંગે પ્રથમ પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે ' જેણે સહન કર્યુ છે અને હજુ સહન કરે છે તેને ખબર પડે કે તે પીડાની તીવ્રતા કેવી અને કેટલી હોય છે? વધુમાં સાલ્વી સાહેબે અખબારને જણાવ્યું હતું કે ' બીલ્કીશ બાનુ ખુબજ હીંમતવાન સ્રી છે'. "Bilkis's deposition was "courageous". સને ૨૦૦૪માં ગુજરાતના મુખ્યમંત્રી મોદી હતા ત્યારે સર્વોચ્ચ અદાલતે એ હકીકતને સ્વીકારી હતી કે સદર કેસની સુનવણી ગુજરાતમાં,ઔચીત્ય અને ન્યાયસુસંગત નહીં થઇ શકે અને બીલ્કીસબાનુના જાનનું જોખમ પણ છે, માટે સદર કેસ ગુજરાત બહાર ચલાવવો. આ બધી કેસની વિગતો તથા સાક્ષીઓની જુબાનીઓ જે હજારો પાનામાં છે તેમાં બધો ઉલ્લેખ છે.

(4)                          ઉપરની ટુંકી નોંધ સાથે તા ૧૯મી ઓગસ્ટના ઇન્ડીયન એકપ્રેસમાં પ્રકાશીત થયેલા પ્રતાપભાનુ મહેતાના લેખના કેટલાક તારણોને સમજવાની કોશીષ કરીએ.

(5)                        લેખનું મથાળું છે "'Is this how justice ends?' શું આવી રીતે ન્યાયનો અંત આવશે?

(6)                        શું બીલ્કીસ બાનુના કેસમાં જે ૧૧ બળત્કારી તથા ખુની ગુનેગારોને આજીવન ઉમ્રભર કેદની સજા થઇ હતી તે બધાને ગુજરાત સરકારે સજામુક્તી ફરમાવીને બીલ્કીશ બાનુની હીંમત અને ધૈર્યને આધારે જીવના જોખમે સંઘર્ષ કરીને જે ન્યાય મેળવ્યો હતો તે ખરેખર આભાસી ન્યાય હતો? હા! તે ન્યાય ખરેખર આભાસી જ હતો. તેનાથી બીજુ સમજશો તો આ સરકારો અને તેના કૃત્યોને સમજવામાં આપણે થાપ ખાઇ જઇશું. દેશના નાગરીકોને વર્તમાન સત્તાધીશોએ પોતાનો રાજકીય સંદેશો આપી દીધો છે.

(7)    કદાચ નીર્ણય લેનાર અને તે લેવડાનાર સરકારો પોતાના નીર્ણય અંગે પુન;વીચાર કરે અને કદાચ દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ રજુ કરવાથી સદર નીર્ણયને ગેરકાયદેસર સાબીત કરે તો પણ ' જે બુદંથી ગઇ તે હોજ ભરવાથી પણ મેળવી શકાશે નહી." But the damage has already been done." દેશમાં જે ઉગ્રધાર્મીક કોમવાદી ધ્રુવીકરણ થયું છે તેની ચામડીને તો આ નીર્ણય સહેજ પણ સ્પર્શી શક્યો જ નથી. દેશનું પ્રજાસત્તાક જ બહેરૂ કે અસંવેદનશીલ બની ગયું છે.

(8)    દેશના કમભાગ્યે જામીન, સજા અને સજામુક્તી ત્રણેય ક્રમશ; સત્તાધીશોની મનસુબીપર આધારીત બની ગયા છે.

(9)    આ નરાધમો, જે બીલ્ક્શ બાનુના ઘરના પડોશીઓ થાય છે તે બધાએ સમુહમાં ભેગા થઇને ગર્ભવતી સ્રી સાથે બળાત્કાર, તેના બાળકને તેની સામે જ પછાડી પછાડીને મારી નાંખ્યું હોય ,અને તેના કુટુંબના જ ૧૪ માણસોના ખુન કરી નાંખવાથી પેદા થયેલી નફરત, ઘૃણા અને માનસીક આધાતમાંથી હજુ બહાર નીકળ્યા જ નથી. ત્યાંતો આ બધા બીજા જ દીવસથી ફરી પડોશીઓ બની અને રહેવા માંડે તે સ્થીતી ઉભી કરનાર સરકારોને શું કહીશું?

(10)આજે બીલ્કીસ બાનુની સ્થીતી શું છે તે હું અને તમે વીચારી શકીએ છીએ ખરા? એક, ઉપરથી નીચે સુધી રાજકીય નફરતનું વાતવરણ, બે,પોતાનું ખુબજ ઓછી વસ્તીસંખ્યા ધરાવતા રણધીરપુર જેવા ગામડામાં લઘુમતી તરીકે જીવવાનું, ત્રણ,આર્થીક વંચીતતાઓ અને ચાર, ભાંગી ગયેલી ન્યાય વ્યવસ્થાના પરિણામો સાથે દિવસો પસાર કરવાનું ભયાનક વાતાવરણ રાતોરાત પેદા થઇ ગયું છે.

(11) પોતે કેટલાય જોખમોમાંથી પસાર થઇને જે ન્યાય મેળવ્યો હતો તેનો આ રીતે અંત આવી જશે? ન્યાય મેળવવામાં કાયદાકીય પક્ષકાર સરકાર પેલા બધાની સજામુક્તીનો નીર્ણય લે છે જે આવતીકાલથી તમારા પડોશી બની જવાના છે તેની માહીતી મોકલવાનો કે અભીપ્રાય લેવાનું ઔચીત્ય પણ બતાવ્યું નથી?

(12) હીંદુત્વાદી સત્તાધીશોને તો સંદેશ મોકલવો હતો. શું સંદેશ મોકલવો હતો? "હીંદુઓ ટેરેરીસ્ટ કદાપી હોઇ શકે જ નહી!. તે બધા તો પેલા એનજીઓ,કર્મનીષ્ઠો, માનવ અધિકારવાળાઓ(સીવીલ લીબર્ટીઝવાળાઓ)અને પરદેશી નાણાં ફરેફેરીના કાવતરાના બલી બનેલા છે.

(13) કોમવાદી, રાજકીય, દલીત– આદીવાસી અને સ્રીનું સ્રી હોવાને કારણે જાતીય હીંસાવાદી કૃત્યો ભારતીય સમાજમાં મતો–એકત્રીકરણના જાણે યુનીટો બની ગયા છે.

(14) આપણા દેશમાં એક નવી સંસ્કૃતી છેલ્લા દશકામાં પેદા કરવામાં આવી છે. જેમાં મનસ્વી હીંસા કરનારા (Lynchers- Lynching),બળાત્કારી ગુનેગાર સાબીત થયેલા વી,નું મીઠાઇ ખવડાવી બહુમાન કરવામાં આવે છે. તે બધાની રેલીઓ કાઢવામાં આવે છે. કદાચ આવતી કાલે તે બધાને પ્રધાન બનાવવામાં આવે તો નવાઇ ન પામવું. ધાર્મીક ધ્રુવીકરણે ભારતીય સમાજમાં ન્યાય,મનસ્વી હીંસા, બળાત્કાર વી.ની નવી વ્યાખ્યા બનાવી દીધી છે. પોતાની કેડરમાં તે રીતે પ્રસ્થાપીત કરી દીધી છે.

(15) ૨૦ વર્ષ પછીના જીવનમરણ વચ્ચેના સંઘર્ષમાથી બીલ્ક્સ બાનુને અહેસાસ થઇ ગયો કે મેળવેલા ન્યાયનો અંત પણ આ રીતે આવી શકે છે!.— "Is this how justice ends?"—

(16) લેખક અંતમાં લખે છે કે બીલ્કીસ બાનુ ભુલી ગયા હતા કે "ખરેખર તેના માટે ન્યાય શરૂ થયો જ નહતો.!"

--