Friday, September 2, 2022

ધર્મને નાગરીકની અંગત નૈતીક માન્યતા સાથે સમ્બન્ધ હોવો જોઈએ?


ધર્મને નાગરીકની અંગત નૈતીક માન્યતા સાથે સમ્બન્ધ હોવો જોઈએ? સાચો નૈતીકવાદી કોઈ પણ અલૌકીક પરીબળોમાં શ્રદ્ધા ધરાવેખરો? તે પોતાનાથી જુદો મત કે આસ્થા રાખનાર પ્રત્યે અસહીષ્ણુ કે હીંસક બને ખરો?

શું દુનીયાના ધર્મોએ નૈતીકતાને
ગેરકાયદેસર રીતે કબજે
(
હાઈજેકકરી લીધી છે?

બીપીન શ્રોફ

દુનીયાના ધર્મોએ નૈતીકતાને ગેરકાયદેસર રીતે કબજે (હાઈજેક) કરી લીધી છે. આર્નોલ્ડ ટોયન્બીબ્રીટીશ ઈતીહાસકાર

આ વાત જયારે ફ્રાંસના અસ્તીત્વવાદી તત્ત્વજ્ઞાની જીન પોલ સાત્રે અને આલર્બટ કામુએ ટોયન્બીના પ્રવચનમાં સાંભળી ત્યારે પોતાના માથેથી હેટ ઉતારીને સલામ કરી હતી. કારણકે તે બન્ને જીંદગીભર 'નીરઈશ્વરવાદી' હતા. જેઓને પોતાને નૈતીકતા શું છે તેની બરાબર સમજણ હતી. અને તેઓએ પોતાના અંગત અને સામાજીક જીવનમાં ઉન્નત અને ગૌરવશાળી નૈતીકતાના ધોરણો પ્રસ્થાપીત કર્યા હતા.

દરેક સમાજમાં એક માન્યતા જડઘાલી ગઈ છે કે 'નીરઈશ્વરવાદીઓ કે નાસ્તીકોને નૈતીક્તા નથી હોતી. તે બધા લાગણીવીહીન હોય છે.' ખરેખરતો ધર્મને નાગરીકની અંગત નૈતીક માન્યતા સાથે શા માટે સમ્બન્ધ હોવો જોઈએ? કારણ કે ધર્મ તો ઈશ્વર અને મૃત્યુ પછીના જીવનમાં પોતાના અનુયાઈઓને ઉપદેશ આપે છે. ધર્મને માનવીય જીવનના અરસપરસના વ્યવહારો જેવા કે  દયા, કરુણા અને અનુકંપા સાથે શું સમ્બન્ધ છે? આ બધા વ્યવહારો અને ગુણો તો માનવીય દુન્યવી જરુરીયાતમાંથી વીકસેલા છે. તેમાં કશું દૈવી કે ઈશ્વરી કે ધાર્મીક કેવી રીતે હોઈ શકેજે લોકોને  ઈશ્વરના અસ્તીત્વમાં કે કોઈ અલૌકીક, કુદરતી કાયદાથી પર (કુદરતી પરીબળો નીયમબધ્ધ છે) જેવી શ્રદ્ધાઓમાં વીશ્વાસ નથી તે બધા પણ પેલા ધર્મના ઉમરાવ ઠેકેદારો જેટલા જ નૈતીક સદ્ગુણો ધરાવતા હોય છે, સહેજ પણ ઓછા નહીં. ખરેખર તો નાસ્તીકોનો માનવીય વ્યવહાર વધારે કુદરતી, વ્યવહારુ અને માનવીય શોષણવીહીન હોય છે.

ઉત્ક્રાંતીના લાખ્ખો વર્ષોના જૈવીક સંઘર્ષમાંથી માનવીએ એક સજીવ તરીકે તેના માટે સારું શું અને ખોટું શું તેની કોઠાસુઝ (વીઝડમ) વીકસાવી છે. જે વીશ્વના બધા જ ધર્મોના જન્મ અને તેમના ઈશ્વરના અસ્તીત્વ પહેલાં માનવીએ મેળવેલી હતી. તે હતી માનવીય નૈતીકતા. માનવીની જંગલી અવસ્થામાંથી વીકસેલી પાશવી વૃત્તીઓને નીયમન માટે ધર્મ અને ઈશ્વરના ખ્યાલને ઉપજાવી કાઢેલો છે. તે પણ આપણી જ શોધ હતી. પ્રાચીન સમાજની મર્યાદીત જરુરીયાતને ધ્યાનમાં રાખીને તેમાં કેટલાક પસંદ પામેલા લોકો સામાજીક રીતે પ્રભુત્વ જમાવી શક્યા હતા. તે બધાએ બાકીના બહુમતી લોકોની સામાજીક વર્તણુકોનું ધર્મ અને ઈશ્વરના નામે નીયમન કરવા માંડ્યું. જેમાં તે બધા સફળ થયા.

પરન્તુ દરેક યુગ અને સમયમાં એવા લોકો હતા જેઓ સમાજના ચીલાચાલું માર્ગથી સ્વતંત્ર રીતે વીચારતા હતા. તે બધાએ અલૌકીક કે દૈવી ઉપદેશોને પોતાના જીવનકાળ દરમ્યાન પડકાર્યા હતા. તેઓ આ બધા પરીબળો સામે પાશવી વીરોધ કરવાને બદલે તેઓ પોતાના નૈતીક્તાના ખ્યાલો ને વળગી રહીને પોતાનું જીવન જીવ્યા હતા.

ગ્રીક અને રોમન સંસ્કૃતીમાં ઘણા બધા તત્ત્વજ્ઞાની અને લેખકો થઈ ગયા જેવા કે  ડાયોજીનસ, એપીક્યુરસ, સોફોક્લીસ વગેરે જે તે સમયના સમાજના માન્ય દેવદેવીઓમાં શ્રદ્ધા રાખતા ન હતા. તેઓને નર્ક, સ્વર્ગ અને મૃત્યુ પછીના જીવનમાં કોઈ વીશ્વાસ ન હતો. તેમ છતાં તેઓ વીશ્વના તે સમયના મહાન નૈતીક ગુણો ધરાવતા માનવીઓ તરીકે ઓળખાયા હતા. તે બધા વૈશ્વીક અને ઐહીક માનવવાદી મુલ્યોમાં માનતા હતા.

તેજ સમયના સમકાલીન ભારતીય તત્ત્વજ્ઞાની ગૌતમ બુધ્ધ પણ ઈશ્વર, કે કોઈ અલૌકીક શક્તીમાં વીશ્વાસ ધરાવતા ન હતા. તેઓના તત્ત્વજ્ઞાનનો મુખ્યહાર્દ નીરઈશ્વરવાદી હતો. તે સમયના જૈન વીચારક મહાવીર સ્વામીનો ઉપદેશ પણ નીરઈશ્વરવાદી હતો. તે ખુબ જ મોટા દયાળુ પણ ઐહીક નૈતીકવાદી હતા. ભારતીય પ્રાચીન ભૌતીકવાદી વીચારશાખાના મહાન પ્રચારક ચાર્વાક ક્યારેય ઈશ્વરના અસ્તીત્વમાં શ્રદ્ધા ધરાવતા ન હતા. ઈશ્વર અને તેની પાછળ જડ બનેલી અન્ધશ્રદ્ધાઓના ભંજક જીવનભર રહ્યા હતા; પણ ચાર્વાક અને તેમના સાથી વીચારકો ક્યારેય અરાજકતાવાદી (એનાર્કીસ્ટ) ન હતા. તેઓના પોતાના વીચારોના ફેલાવવા માટેનું માધ્યમ શૈક્ષણીક અને બૌદ્ધીક હતું ક્યારેય વીપ્લવવાદી કે બળવાખોર ન હતું. તેવું જ ચીંતન ભારતીય તત્ત્વજ્ઞાનની અગત્યની શાખા 'સાંખ્ય દર્શન' અને તેના સમર્થકોનું તે જમાનામાં હતું. સાંખ્ય દર્શનના સમર્થકો ઈશ્વરને બ્રહ્માંડના સર્જક તરીકે ક્યારેય માનતા ન હતા; પરન્તુ પ્રાણી માત્ર અને કુદરતી પરીબળોને તે બધા ખુબ જ આદરભાવથી માન આપતા હતા. તેમની નૈતીકતામાં સમગ્ર માનવજાત સમાઈ જતી હતી. જે માનવમાત્ર તેથી માનવજાત માટે સારુ છે, ઉમદા છે, સુખ આપનારું છે તે જ નૈતીક તેવું સ્પષ્ટ રીતે માનતા હતા.

મારા મત મુજબ સાચો નૈતીકવાદી એ છે જે કોઈ પણ અલૌકીક પરીબળોમાં શ્રદ્ધા ધરાવતો નથી, જેને દરેક માનવ માત્ર પ્રત્યે (કોઈ પણ જાતના ધર્મ, સંપ્રદાય, જાતી, લીંગ, જ્ઞાતી, દેશ કે પ્રદેશના ભેદભાવ સીવાય) દયાળુ, માયાળુ અને પ્રેમાળ છે. પોતાનાથી જુદો મત કે આસ્થા રાખનાર પ્રત્યે ક્યારેય તે અસહીષ્ણુ કે હીંસક બનતો નથી. પોતાના આવા વલણ માટે તે ભગવાન કે દુન્યવી સત્તા પાસેથી બદલા કે વળતરની આશા પણ રાખતો નથી.

--