Thursday, February 27, 2020

રાષ્ટ્રીય વસ્તી ગણતરી નોંધણી અને રાષ્ટ્રીય નાગરીકોની નોંધણી

રાષ્ટ્રીય વસ્તી ગણતરી નોંધણી અને રાષ્ટ્રીય નાગરીકોની નોંધણી ( National Population  Registration NPR and National citizens Registration NCR.)

આપણે સમજવાની અનુકુળતા માટે બંને મુદ્દાઓના ટુંકા સ્વરૂપનો ઉપયોગ કરીશું. એન પી આર અને એન સી આર.

એન પી આર– લગભગ બ્રીટીશરોના સમયથી સને ૧૮૬૧ની સાલથી દર દસવર્ષે દેશની વસ્તીની ગણતરી કરવામાં આવે છે. તેમાં એકત્ર કરવામાં આવેલા આંકડાઓ ખુબજ મહત્વના હોય છે. દા.ત સ્રી– પુરૂષની વસ્તી, જન્મ મરણનો દર, વસ્તીનું ગામડાઓમાંથી શહેર તરફ સ્થળાંતર, શિક્ષણનું પ્રમાણ, બાળજન્મ અને મૃત્યુ દર અને બીજુ ઘણું બધું. સને ૨૦૧૧ની વસ્તી ગણતરી સને ૨૦૧૦માંથી શરૂ થઇ હતી. તે પ્રમાણે હાલ સને ૨૦૨૦માં સને ૨૦૨૧ના વર્ષ માટે દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવે તેમાં કશું ખોટું નથી.

પરંતુ સને ૨૦૧૦ની સાલમાં આવી રાષ્ટ્રીય વસ્તી ગણતરી માટેના ફોર્મમાં કુલ ૧૪ માહિતીઓ એકત્ર કરવામાં આવેલી હતી. જેના સામે દેશના નાગરિકોનો માહિતીઓ આપવામાં કોઇ વાંધો ન હતો. પરંતુ મોદી સરકારે આ નવા વસ્તી ગણતરીના ફોર્મમાં બીજી સાત વિગતો ઉમેરી છે. જેવી કે મા– બાપ ની જન્મ તારીખ, તેમનું જે તે સમયનું સરનામું, જન્મ સ્થળ, માહિતી પુરી પાડનારનો મોબાઇલ નંબર, ડ્રાઇવીંગ લાયસન્સ, વોટર આઇ ડી, માતૃભાષા વિગેરે. આપણા ઘરે વસ્તીગણતરી કરનાર સરકારી અધિકારીને આ બધી માહિતી લખાવવાની છે. કોઇ દસ્તાવેજી પુરાવા નોંધણી સમયે આપવાના નથી. મોદી સરકારે માંગેલી નવી સાત–આઠ માહિતીઓને આધારે સરકારને એન સી આર તૈયાર કરવા માટે અને ત્યારબાદ દેશના કાયદેસરના નાગરિકને રહેઠાણનું નવું ઓળખનું કાર્ડ નવા નંબર સાથે(Resident Identity Card ) આપવામાં આવશે.

હવે તૈયાર કરેલ એન પી આર(વસ્તી ગણતરી નોંધણી)માંથી એન આર સી બનાવાશે. કોઇ એવું સમજે કે બંનેને એક બીજા સાથે કોઇ સંબંધ હોઇ શકે નહિ, તો તે સફેદ જુઠ સિવાય બીજું કશું હોઇ શકે નહી. ઉપરની ચર્ચાને આધારે સત્યને સરળતાથી સમજી શકાય તેમ છે.

  આ સમગ્ર પ્રશ્નની ગંભીરતા હવે શરૂ થાય છે.એન આર સીનું ગઠબંધન અને સંચાલન કોણ કરશે? સરકારે આ માટેની એક સ્થાનીક સ્થળ પર એક ફોરેન ટ્રીબ્યુનલ કોર્ટ ની રચના કરશે. સદર કોર્ટ ફક્ત નામમાં જ કોર્ટ છે. કોઇ અર્થમાં તે કોર્ટ જ નથી, ક્વોસી જુડીશ્અલ કોર્ટ પણ નથી. તે ખરેખર કાંગારૂ કોર્ટ છે. તે કઇ બલાનું નામ છે. તેની વ્યાખ્યાને આપણે સમજીએ. kangaroo court

·         1.an unofficial court held by a group of people in order to try someone regarded, especially without good evidence, as guilty of a crime or misdemeanour: કાયદાની પરિભાષામાં પુરતા પુરાવા વિના કોઇને ગુનેગાર સાબિત કરવો.

 (તેનું સંચાલન કોઇ નિવૃત જ્જ, કે દસ કે પાંચ વર્ષનો ન્યાયતંત્રનો અનુભવી અધિકારી( Judicial Bend of mind) નહી કરતો હોય! નાગરિકતા નક્કી કરવા માટેની ફોરેન ટ્રીબ્યુનલ રચના કોઇ કાયદાને આધારે નહી થાય. તેની આખરી સત્તા કોઇ ન્યાયધીશ, વકીલ કે સીવીલ સરવંટ (આઇ એ એસ) પાસે નહી હોય. આ ટ્રીબ્યુનલ અધિકારીને એક કે બે વર્ષના કોન્ટ્રાક્ટ પર રાજ્યની સરકારો નિયુક્ત કરશે. જે આસમમાં બન્યું છે. તેની નિમણુકની રીન્યુનો આધાર તે એન પી આર માંથી કેટલા બિનનાગરીક શોધી શક્યો તેના પર રહેશે. તેના નિર્ણયોની માર્ગદર્શીકા તરીકે ઇન્ડીયન એવીડન્સ એક્ટના પ્રોવીઝન સેક્શન ૧૫ની કે સીવીલ પ્રિસીજર કોડ ની મદદ લેવાનું બિલકુલ જરૂરી નથી. જે તે સ્થાનીક વિસ્તારમાં જે રાજકીય પક્ષ અને તેના કાર્યકરોની દાદાગીરી તે પ્રમાણે આવા ટ્રીબ્યુનલ અધિકારીઓએ નાગરિકોને પરદેશી જાહેર કર્યા છે. દા.ત આસમની હાઇકોર્ટ પાસે એક ટ્રીબ્યુનલે એવો નિર્ણય કરેલો કેસ આવ્યો છે કે ' તમે તમારી સ્કુલનું જન્મનું પ્રમાણપત્ર આપ્યું છે જે ૨૦ વર્ષો કરતાં વધારે જુનુ છે તો તે પ્રમાણપત્રમાં સહીકરનાર હેડમાસ્તરની જુબાની રજુ કરી નથી. લગ્નની કાયદેસરતા નક્કી કરવા રજુ કરેલ નિકાહનામામાં સહી કરેલ કાઝીની જુબાની લીધી નથી.'  તાજેતરમાં આસમ હાઇકોર્ટની ડીવીઝન બેન્ચ પાસે નીચે મુજબનો કેસ આવેલો હતો. જેમાં ફોરેન ટ્રીબ્યુનલ કોર્ટે અરજદારે રજુ કરેલા આઠ પુરાવાને નજર અંદાજ કરીને તેણીને ડીટેન્શન સેન્ટરમાં મોકલી દેવાનો નિર્ણય કર્યો છે.  અરજદારે સ્કુલ બર્થ સર્ટીફીકેટ, લગ્નનું નિકાહનામા, ગ્રામ પંચાયતનો દાખલો, સને ૧૯૬૬ના અરજદારના દાદાના નામનો સરકારી વોટર્સ લીસ્ટનો પુરાવો, સને ૧૯૯૭ના વોટર્સ લીસ્ટમાં પોતાની માતાના નામનો પુરાવો, માતાની વોટર્સ આઇ ડી કાર્ડના ફોટાને અધિકૃત સહીસીકકા વાળી કોપી વિગેરે. તેણીનો ગુનો શું? તેના મા–બાપે તેની શાદી ૧૫વર્ષની ઉંમરે કરેલી હોવાથી સ્થાનિક મતદાર યાદીમાં તેનું નામ ન હતું. તેના પતિ, બાળકો, મા– બાપ અને અન્ય બધા જ ભારતના જ નાગરીક હતા અને છે. કોઇ બંગાલાદેશી બિલકુલ નથી જ. રાજ્યની હાઇકોર્ટની ડીવીઝન બેંચ માનનીય બે હાઇકોર્ટ જજ્જે સાહેબોની બનેલી હતી. નામદાર કોર્ટનું કાર્યક્ષેત્ર (એપેલેટ કોર્ટ)નું હોવાથી અમે અરજદારની નાગરિકતા નક્કી કરીશું નહી. તેમ કરીને પેલી અપીલ કાઢી નાખવામાં આવી છે. શાબાશ! એન આર સી વધુ જીવો!

ફોરેન ટ્રીબ્યુનલ અધિકારીઓને કોણ સમજાવે કે સાહેબ! તમારે અમારા માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબના પ્રિય શબ્દ " ઘુસ પેઠીયા" શોધવાના છે. નહિ કે દેશના નાગરીકોને બિનભારતીય સાબિત કરીને પેલી ડીટેસન્સ છાવણીમાં મોકલવાના છે. 


--

Monday, February 24, 2020

નાગરિક સુધારા ધારો ( સિટિઝન્સ એમેન્ડમેન્ટ એક્ટ, સી એ એ)

નાગરિક સુધારા ધારો ( સિટિઝન્સ એમેન્ડમેન્ટ એક્ટ, સી એ એ)

 ચર્ચા તથા અનુકુળતા માટે આપણે સી એ એ ના નામનો ઉપયોગ કરીશું. આપણને સૌ ને માહિતી છે કે હવે તેણે કાયદાનું સ્વરૂપ લઇ લીધું છે. સમગ્ર દેશમાં તેનો અમલ સહેલાઇથી થઇ શકે તેમ છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલા દેશમાંથી આવેલા સને ૨૦૧૪ પહેલાંના મુસ્લીમ ધર્મ સિવાયના  હિંદુ, શીખ, પારસી, બૌધ્ધ, જૈન અને ઇસાઇ ધર્મોના નિર્વાસીતોને દેશના નાગરિક બનાવવામાં આવશે.

 વડાપ્રધાન સહિત સત્તા પક્ષના દરેકની આ કાયદાની તરફેણમાં દલીલ એવી કરે છે કે ભાઇ! અમે તો આ બધાને નાગરિકતા આપવાની વાત કરીએ છીએ. કોઇની નાગરિકતા છિનવી લેવાની વાત કરતા નથી. તો પછી તેનો વિરોધ કેમ કરો છો?

 દા.ત નેપાલ, ભુતાન કે તિબેટથી આવેલા  બૌધ્ધ ધર્મીઓને, સામ્યવાદી ચીનના ધાર્મીક ઉત્પિડનને કારણે ભારતમાં નિર્વાસીત તરીકે આવીને નાગરિકતા માટે અરજી કરે તો તેને નાગરિકતા આ કાયદા મુજબ ન મળે! પણ પેલા ત્રણ દેશોમાંથી આવેલા બૌધ્ધોને મળે! કેમ ભાઇ! તેવીજ રીતે તામિલનાડુ, કેરલા વિ. આપણા દેશના રાજ્યોમાં જ ધાર્મીક ઉત્પિડન ને કારણે પડોશી દેશ શ્રીલંકાથી હિંદુ ધર્મના શરણાર્થીઓ (તમિલો) નાગરિકતા માટેની અરજી કરે તો તેમને સદર સી એ એ કાયદા મુજબ નાગરિકતા ન મળે! કેમ ભાઇ! પણ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલા દેશમાંથી આવેલા હિંદુઓને મળે!  આવો સદર કાયદાના અમલમાં ભેદભાવ કેમ? આસમમાં એન આર સીની તપાસને કારણે બિનભારતીય બનેલા આશરે ૧૫ લાખ હિંદુ ધર્મ પાળનારા પણ બંગલા દેશથી નહી પણ ભારત દેશના જ પડોશી રાજ્યો જેવાકે પશ્રીમ બંગાળ, આરિસ્સા ને બિહાર આવેલા દેશવાસીઓને શું સી એ એ ના કાયદાની મદદથી ભારતીય બનાવી શકાશે? જો ના તો તેમને ક્યાં મોકલવામાં આવશે? પેલા ૩ દેશોના  ૬ ધર્મોના શરણાર્થીઓ માટે લાલ કારપેટ પાથરીને ભારતીયતા બક્ષવાની અને પોતાના જ દેશના ૧૫ લાખ પરપ્રાંતના પરદેશના  બીલકુલ નહિ તેવા હિંદુઓને ડીટેન્સન સેન્ટરમાં મોકલવાના ! વાહ સી એ એ તારી બલીહારી !

ઇન્ટરનેશનલ રીલીજીયસ ફ્રીડમ એક્ટ ૧૯૯૮મુજબ ધાર્મીક ઉત્પિડન ની વ્યાખ્યા આપવમાં આવી છે. તેમાં ચાર શરતો મુકવામાં આવી છે જેને આધારે સાબિતી આપીને ધાર્મીક ઉત્પિડન સાબિત કરી શકાય છે. એક–માનવીય શારિરીક ઘાતકી સતમણી અથવા શિક્ષા, બે– ગેરકાયદેસર અટકાયત ( કાયદાકિય પુરાવા કે આક્ષેપો સિવાય અટકાયત ) ત્રણ– ચોરીછુપીથી અટકાયત અને અપહરણ, ચાર– જીંદગી જીવવાની સ્વતંત્રતા અને સલામતીનું  હડડતું નફ્ફટ અને નિર્લજ્જ ઉલ્લઘંન.

 કોઇપણ દેશના નાગરિકે બીજા દેશમાં ધાર્મિક શરણાગતિના આધારે જો નાગરિકતા પ્રાપ્ત કરવી હોય તો ઉપર મુજબની ચાર શરતોમાંથી ઓછામાં ઓછી એક શરતનું ઉલ્લઘંન થયું છે તેવા પુરાવા આપવા પડે. આ અંગેના પોલીસ રેકર્ડના પુરાવાની આધારભુત કોપી આપવા પડે. ભારતે વૈશ્વિક સ્તર પર આ કાયદો પાળવાની બાંહેધરી માટે સહીસિક્કા કરેલ નથી. માટે આવા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશના પેલા છ ધર્મોના શરણાર્થીઓ માટે કયા માપદંડો  નક્કી કરે છે તે સમય નક્કી કરશે. આજને તબક્કે સી એ એ ના કાયદાના ત્રણ દેશોના તાત્કાલિક લાભાર્થી ધાર્મીક શરણાર્થીઓની સંખ્યા આ પ્રમાણે છે. કુલ ૩૧૩૧૩ છે.  તેમાં ૨૫૪૪૭ હિંદુ, ૫૮૦૭ શીખ, ૫૫ ઇસાઇ, ૨ બુધ્ધધર્મી અને ૨ પારસી છે. આ બધા જ માટે  કાયદેસરનો પાસપોર્ટ વીસા હોય કે નહિ, તેની મુદત પુરી થઇ ગઇ હોય કે નહિ તે બધાને નાગરિકતા આપવી જોઇએ તેવી માહિતી દેશના ઇન્ટેલીજન્સ બ્યુરોઓ રજુ કરી છે.

સી એ એની બંધારણીય કાયદેસરતા નકકી કરવા દેશની સર્વોચ્ચ અદાલત પાસે ૧૦૦ ઉપરાંત પીટીશન આવેલી છે. થોભો ને રાહ જુઓ! આ મુદ્દે આ અદાલતની કાયદાકીય તટસ્થતા અને ગુણવત્તા પણ દાવપર છે.


--

Friday, February 21, 2020

ભારતે અમારી સારી આગતાસ્વગતા કરી નથી.‘ ડોનાલ્ડ ટ્રમ્પ

' ભારતે અમારી સારી આગતાસ્વગતા કરી નથી.' ડોનાલ્ડ ટ્રમ્પ

( US not treated well by India, but I like Modi a lot; Trump) સૌ. ટાઇમ્સ ઓફ ઇંડીયા, પ્રથમ પાનાનું મથાળું તા. ૨૦ ફેબ્રુ–૨૦૨૦.

હજુ આ માણસ આપણા દેશમાં આવ્યો નથી, હજુ તેણે પગ મુક્યો નથી, તો પછી તેના પેટમાં શું દુ;ખે છે. અમારી બિચારી ગુજરાતની રૂપાણી સરકારની તો નિંદર જ હરામ કરી નાખી છે. તેની દશા તો રામાયણના પાત્ર આદિવાસી શબરીબાઇ કરતાં પણ ખરાબ કરી નાંખી છે. કયુ બોર રામને ભાવશે ( ટ્રમ્પ સાહેબને) તેના સતત ભણકારા રૂપાણી સરકારને દિવસ રાત જંપવા દેતા નથી! એક દિવસ ઝબકીને જાગ્યા તો નજરમાં એરોડ્રામ નજીકની ઝુંપડપટ્ટી દેખાઇ તો બીજે દિવસે તેને ઢાંકવા માટે ચણતર કરેલી દિવાલ તો બોડી બોડી ઉજ્જડ દેખાઇ! બસ પછી દિવાલની આગળ વૃક્ષો રાતોરાત મોટા મસ ગોઠવી દેવામાં આવ્યા. આવુ તો ઘણું બધું– ગાંધી આશ્રમની ચોખ્ખી જમીન ન દેખાય માટેના બીજા અનેક તાયફા. આ બધું પણ ટ્રમ્પ સાહેબથી પ્રજાની સલામતી માટે નહિ પણ પ્રજાથી ટ્રમ્પ સાહેબની સલામતી માટે!

ખરી હકિકત આવી છે. મોદી સરકારે ચોપર હેલીકોપ્ટરનો સોદો દેશના સંરક્ષણ માટે તો અમેરીકા સાથે કરી દીધો છે. પરંતુ છેલ્લા દોઢ માસથી અમેરીકન સરકારનું વિદેશ મંત્રાલય આપણા વિદેશ મંત્રાલયને રીતસર જાણે પ્રેમ કરવા પાછળ પડી ગયું હતું. તેને ભારત સરકારના વિદેશ મંત્રાલય પાસે પોતાના દેશના પોર્ક મિટ( ડુક્કરનું માંસ) અને ડેરી પ્રોડકસ ( અમુલ ડેરી જે દુધની બનાવટો પેદા કરે છે દા;ત બટર, ચીઝ,  મીલ્ક પાવડર,કેડબરીઝ ઇત્યાદી)ને આયાત કરવાની પરવાનગી જોઇતી હતી. કેટલી કિંમતનો આ સોદો હતો! ફક્ત ૭૨૦૦૦ કરોડ રૂપિયાનો. જેમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયને સંમત કરવામાં સફળ ન થયા. જે પ્રયત્ન ટ્રમ્પના વિદેશ મંત્રાલયે ૧૯મી ફેબ્રુઆરી સુધી કર્યા કર્યો હતો.

અંતે ટ્રમ્પ સાહેબે પેલું મહાન વાક્ય ઉચ્ચાર્યું– US not treated well by India. અમેરીકા સાથે ભારતે સારો વ્યવહાર રાખ્યો નથી. ટા ઓ ઇંડીયા તેના આજ દિવસના પાન નં ૧૦ પર વધુમાં લખે છે કે અમદાવાદના ટ્રમ્પના ભવ્ય નહી ભવ્યાતિત સ્વાગતથી સંતોષ થશે કે નહી તે ખબર નથી. કારણ કે તેઓને તો પોતાના દેશના હિત માટે બીજા દેશોનો બલી ચઢાવવાની નીતિ સફળ થઇ નથી.  " He will mollify his intense desire to advance US interest at the expense of all else."

તો પછી ટ્રમ્પ સાહેબને પુછો તો ખરા કે શું તેઓ પોતાની પત્નીને તાજમહાલ બતાવવા આવે છે? ના.

 તેઓને પોતાના મિત્ર મોદી પર ભરોસો છે. કે મોદીજી અમદાવાદના સ્વાગતમાં ૭૦ લાખ!( 7 million people ) લોકોને રોડ પર એકત્ર કરી શકશે. અને બીજું પેલા ' હાઉડી મોદી' ના અમેરીકાના કાર્યક્રમની માફક પોતાના દેશની નવેંબર ૨૦૨૦માં આવી રહેલી રાષ્ટ્રપ્રમુખની ચુંટણી માટે ' અબકી બાર ટ્રમ્પ સરકાર' માટે પેલા ગુજરાતી એન આર આઇની વોટબેંક માટેનું અનુકુળ વાતવરણ પેદા કરવાની પુર્વભુમિકા  અમદાવાદની યાત્રા કરી આપશે.

અંગ્રેજીમાં એક સરસ વાક્ય છે "  Some time the man proposes but God disposes."  ટ્રમ્પ સાહેબે પોતાના દેશમાં છેલ્લા ચાર વર્ષના વહીવટમાં જેવું વાવ્યું હશે તેવું જ લણશે!

 


--

Wednesday, February 19, 2020

સાવધાન! નેશનલ રજીસ્ટ્રર ઓફસીટીઝનશીપ(એન આર સી) –આસમ

સાવધાન! નેશનલ રજીસ્ટ્રર ઓફ સીટીઝનશીપ(એન આર સી) –આસમ

ખોદ્યો ડુંગર– કાઢયો ઉંદર––––એક સમયના દેશની સર્વોચ્ચ અદાલતે માન્ય કરેલા આસમ એન આર સીના વડા શ્રી પ્રતિક હાજેલા પર પાંચ ક્રીમીનલ કેસ દાખલ– બીજા આશરે વીસ કરતાં પણ વધારે ક્રીમીનલ કેસ માટેની એફ આઇ આર ની તૈયારી– પ્રતિક હાજેલા પર જાનનું જોખમ પેદા થતાં માજી ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયા રંજન ગોંગાઇની સહમતી સાથે મધ્યપ્રદેશમાં ટ્રાન્સફર.

ફરીયાદમાં મુખ્ય અગત્યના આક્ષેપો– નાણાંકીય ગેરરીતીઓ, એન આરસીમાં આંકડા–ઉમેરવા– બાદ કરવા – ચેડાં કરવાં (ટેમ્પરીંગ).

 ચાર લાખ મુસ્લીમો અને ૧૫ લાખ હિંદુઓને બિનનાગરિક સાબિત કર્યા.

આસમની વર્તમાન બીજેપી સરકાર પી હાજેલાની સંપુર્ણ કાર્યવાહીથી સખત નારાજ છે.

એન આર સી આસમ એટલે પ્રતિક હાજેલા. માણસે કેટલું જબ્બરજસ્ત કામ ફક્ત પાંચ વર્ષમાં સુપ્રીમ કોર્ટની નિગરાની નીચે કર્યું છે તેની હકીકત જાણીએ. આ કમીટી પાસે કુલ ૩.૨૯ લાખ અરજીઓ આવી હતી, ૬.૬ કરોડ દસ્તાવેજી પુરાવા આવ્યા હતા, આ બધુ કામ કરવા ૫૦,૦૦૦ હજાર માણસોને રોકવામાં આવ્યા હતા. ૩ કરોડની આસમની વસ્તીની એન આર સી કરવા માટે ફક્ત ૧૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. દેશની ૧૩૦ કરોડની વસ્તી માટે એન આર સીના ખર્ચની રકમના આંકડા કેટલા થાય તે આ લેખ વાંચનાર નક્કી કરે!

આસમ પબ્લીક વર્કસ નામની સંસ્થા જેણે એન આર સી કોઇપણ હિસાબે પોતાના રાજ્યમાં શરૂ થવી જ જોઇએ તેવી ચળવળ ચલાવી હતી, તેણે જ કુલ ૨૨ એફ આઇ આર પ્રર્તિક હાજેલા સામે દાખલ કરવાનું નક્કી કર્યું છે.

એન આર સી જેવા મહાઅભિયાન માટે જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી તેની સામે તે સંસ્થાના અધિકારીઓ જણાવે છે કે સાહેબને 'બલીનો બકરો' (વીચ હંટ) બનાવવાનું કાવતરૂ કરવામાં આવી રહ્યું છે.( But sources close to the NRC office in Assam said whatever is happening with Hajela amounts to "a witch-hunt". "There is absolutely no reason to be harassing him like this now," the sources said.)

 

 ફેબ્રુઆરી માસની ૭મી તારીખે આસમ પબ્લીક વર્કસ નામની સંસ્થાએ નાગરિક ગણતરીના લીસ્ટના છેલ્લા તબક્ક્માં ખુબજ ગોટાળા કર્યા છે તેવી ફરીયાદને આધારે આસમની રાજ્યની બીજેપી સરકારની સીઆઇડી બ્રાન્ચે પ્રતિક હાજેલા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કર્યું છે. ૧૨મી ફેબ્રુઆરીના રોજ પ્રતિક હાજેલાનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. પાંચવર્ષની મહેનતથી સંપુર્ણ તૈયાર કરેલા એન આર સીના તમામ આંકડાઓ એન આરસીની વેબ સાઇટ પરથી જ ગુમ થઇ ગયા છે.( On February 12, Hajela's name surfaced again, this time with regard to the disappearance of data on the official NRC website.) તેનું કારણ બતાવવામાં આવ્યું છે કે તમામ ડેટાની નોંધ કરતી સંસ્થા ' વીપ્રો' સાથે આ કામનો કરાર સમયસર રીન્યુ કરવામાં નિષ્ફળ ગયા છે. આસમ એન આર સી સંસ્થાના કોર્ડીનેટર શ્રી હિતેશ દેવ શર્મા એ પોતાની જ સંસ્થાના એક કર્મચારી બહેન સંસ્થાની બે ઇ મેઇલ આઇ ડી સંસ્થાનો પાસવર્ડ આપતા નથી. તેની સામે પણ ફોજદારી ફરીયાદ દાખલ કરી છે. વર્તમાન બીજેપી સરકારે પ્રતિક હાજેલા વિરૂધ્ધ એવી માહિતી જાહેર કરી છે કે ' કેટલાક બિનભારતીયો અથવા પરદેશીઓ તરીકે નક્કી થયેલા માણસોના નામો એન આર સીમાં દાખલ કરી તેમને દેશના કાયદેસરના નાગરીક બનાવી દેવામાં આવ્યા છે. આસમ પબ્લીક વર્કસ સંસ્થા જણાવે છે કે હજુ અમે અમારા કેસોને મજબુત બનાવવા નવા પુરાવા એકત્ર કરવામાં ખુબજ રોકાયેલા છે. (Moreover, we are still in the process of gathering evidence to make our case stronger," he said.)

આસમના કાચર જીલ્લામાં જ્યાં પશ્ચીમબંગાળથી આવેલા નિર્વાસીતો બહુમતી સંખ્યામાં સ્થાઇ થયા છે. જે બધાને  બિનભારતીય નાગરીક જાહેર થવાનો ભય છે તે બધાએ દુર્ગાપુજામાં મા દુર્ગા ' પ્રતિક હાજેલાને રાક્ષસ બનાવી દેવી' તેનું માથું ધડથી જુદુ કરી દે છે તે રીતે  રજુ કરવામાં આવ્યા હતા.

પ્રતિક હાજેલા સામે આસમની બીજેપી સરકારે સુપ્રીમ કોર્ટમાં કેટલાક વિસ્તારમાં નવેસરથી એન આર સી ગણતરી કરવામાં આવે તેવી પિટીશન જુલાઇ–૨૦૧૯માં દાખલ કરલી હતી. જો કે સુપ્રીમ કોર્ટે તેને કાઢી નાંખી હતી. કારણકે જે તે વિસ્તારનું ૨૭ ટકા કામ સંપુર્ણ થઇ ગયું હતું.

સુપ્રીમ કોર્ટ સંચાલિત એન આર સી સામે બીજેપની આસમ સરકારે રાજ્યભરમાં ફેલાયેલી પોતાની પક્ષીય પાંખના કાર્યકરોની મદદથી એવા આસમીઓની યાદી તૈયાર કરીને પ્રજા સમક્ષ મુકવા માંડી છે કે જેને પ્રતિક હાજેલાની એન આર સીએ બિનભારતીયનો નાગરીક બનાવી દીધા છે અને ભારતીય નાગરિકોને બિનનાગરીક બનાવી દીધા છે. બિનનાગરીકોને નાગરીક બનાવવાની કાર્યવાહી બંગલાદેશની સરહદ સાથે જોડાયેલા જીલ્લાઓમાં વધારે થઇ છે તેવો આક્ષેપ છે. શ્રી હાજેલાએ આ મુદ્દે આસમ સરકાર( બીજેપી પાર્ટી) અને દેશના ગૃહમંત્રાલયની ફરીયાદ પણ સાંભળી નથી.

આસમ પબ્લીક વર્કસ સંસ્થાના વડા શ્રી શર્માજીના મત મુજબ આસમ રાજ્યમાં આશરે ૮૦ લાખથી વધારે બંગલાદેશી ગેરકાયદેસર નિવાસીઓ રહે છે. એન આર સીએ તો ફક્ત ચાર લાખ જ સાબિત કર્યા છે. હવે અમારી સંસ્થા સંપુર્ણ નવેસરથી એન આર સી તપાસ થાય માટે ચળવળ ચલાવશે ! ઉપરની હકીકતો પરથી એમ સાબિત થઇ શકે કે આસમના એન આર સીના તારણોથી વર્તમાન બીજેપી સરકાર, આસમ પબ્લીક વર્કસ અને આસમ વિધ્યાર્થી પરિષદ ને તેની પ્રજા કોઇને સંતોષ નથી. એક યા બીજા કારણોસર બધાજ ચળવળ ચલાવતા પરીબળો નારાજ છે. એન આર સી પછી પણ આ મુદ્દે રાજ્યમાં ઉકળતો ચરૂ એટલો બધો મજબુત છે કે જે દિવસે સંસદના બંને ગૃહોમાં સી એ એ પસાર થયું  કે તરતજ આસમમાં સખત વિરોધ થયો હતો.......ભાવાનુવાદ– બીપીન શ્રોફ. સૌ. ઇન્ડીયન એક્સપ્રેસ. Written by Tora Agarwala | Guwahati | Updated: February 17, 2020 10:00:15 am

 

 

 


--

Tuesday, February 18, 2020

ધર્મ માટે માણસ કેમાણસ માટે ધર્મ?

ધર્મ માટે માણસ કે માણસ માટે ધર્મ?

કચ્છ ભુજમાં સ્વામિનારાયણ મંદિર સંચાલિત કેળવણી મંડળની શાળાના આચાર્યે વિગેરેએ એક અમાનવીય કૃત્ય કર્યું છે. પોતાની શાળાની વીધ્યાર્થીઓને(બહેનોને) પોતે રજસ્વાલા છે કે નહી તેની પોતાની હાજરીમાં તપાસ કરાવી! આ શિક્ષણ સંસ્થા સ્વામીનારાયણ મંદિર સંચાલિત છે. તે સંપ્રદાયને પોતાના ધાર્મિકતા અને નૈતિકતાના નિયમો છે. તે નિયમો પ્રમાણે જે તે સંપ્રદાય પોતાના અનુયાઇઓને તે પળાવવા દેશના બંધારણે બક્ષેલા મુળભૂત અધિકારોની મર્યાદાઓમાં રહીને  જે પ્રચાર–પ્રસાર કરવો હોય તે કરે. પણ તેના દ્રારા સંચાલિત શિક્ષણ સંસ્થામાં શિક્ષણ માટે અભ્યાસ કરતા બાળકો પર અને ખાસ કરીને બહેનો પર પોતાના સંપ્રદાય પ્રેરિત નૈતિકતા લાદવવાની કોષિશ કરે, બળજબરી કરે, તેને રાજ્યનું શિક્ષણ ખાતું અને પોલીસ તંત્ર, જે તે સંસ્થાના બાળકોના વાલીઓ આ બધુ કેવી રીતે ચલાવી લે? વાલીઓએ પોતાના બાળકોને ભણવા માટે મોકલ્યા છે નહિ કે તમારા ધર્મ– સંપ્રદાયના પ્રચારના એજંટ બનવા મોકલ્યા છે. શિક્ષણ સિવાયના ક્ષેત્રમાં આવી દરમ્યાનગીરી અસહ્ય અને અક્ષમ્ય છે.

 કયા સમાજના નાગરિકોના કલ્યાણ માટે આવી અસામાજીક, ગેરબંધારણીય અને સ્વતંત્રતા વિરોધી નૈતિકતાની જરૂર છે? હજુ તો આજ સંપ્રદાયના વડા કેવી ધમકી શાસ્રોના ઓથા નીચે આપે છે તે જોઇએ. " રજસ્વાલાના હાથે રોટલા ખાનાર પુરૂષને આવતા જન્મે બળદનો અવતાર" એક સંત તથા કૃષ્ણ સ્વરૂપ સ્વામી( કેવું ભવ્ય નામ છે) શું ઉવાચે છે તે જોઇએ! "  રજસ્વાલામાં હોય અને તે સ્રી પોતાના હાથે જો પતિને ખવડાવે તો તે બીજા જન્મમાં શ્વાન બની જાય છે. બીજી તરફ જે તે પતિ આવી સ્રીના હાથનું ખાય તે બીજા જન્મે બળદ બની જાય! જેમને જે  જે લાગવું હોય તે  તે લાગે. આ શાસ્રની વાત છે. રસોઇ બનાવતાં હે પુરૂષો ! શીખી જાવ નહીં તો નરકમાં જવા તૈયાર રહો." સૌ. દિ.ભાસ્કર તા–૧૮મી ફેબ્રુઆરિ ૨૦૨૦.

મૃત્યુ પછી માણસનું શું થાય છે તેના જ્ઞાનની અદ્ર્ભુત અને ત્રિકાળ જ્ઞાન જેવી માહિતી આ મહાપુરૂષો પાસે કેવી રીતે આવી હશે? તેના કોઇ પુરાવા, સાબિતી ,હકીકત, વૈજ્ઞાનિક જ્ઞાન આધારિત અધિકૃત તપાસ જેવા માપદંડોથી ખાતરી મેળવી શકાય ખરી?

કેરાલા રાજ્યમાં આવેલ શબરીમાળાના મંદિરમાં હજુ દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદપણ  રજસ્વાલા સ્રીઓને મંદિરમાં દર્શન–પુજા–અર્ચના કરવા જવા દેવામાં આવતી નથી. વડાપ્રધાન મોદીજી જેવા વિકાસ પુરૂષ !નો પક્ષ જ મંદિરના વહિવટ કર્તાઓના આવા સર્વોચ્ચ અદાલતના ચુકાદાની વિરૂધ્ધના કૃત્યને આજે પણ ટેકો આપે છે.

જે દેશમાં ધર્મ અને રાજકીય સત્તાનું ગઠબંધન સાથે હોય તે રાજ્યનું ભવિષ્ય ખુબજ જોખમકારક હોય તે કોણ કોને સમજાવે! પાકિસ્તાન ઇસ્લામી રાજ્ય છે કારણકે તે રાજ્યનો ઘોષિત ધર્મ ઇસ્લામ છે. આપણા દેશમાં ઝડપથી ઘોડપુરની માફક આવી રહેલા હિંદુત્વના પ્રવાહો દેશને કયા ધાર્મીક રાજ્ય બનાવવાની તરફેણમાં ખુલ્લેઆમ પ્રસરી રહ્યા છે. તે પ્રવાહોને નાથી શકાશે ખરા?

અમેરીકન બંધારણના ઘડવૈયાએ પોતાના બંધારણમાં પહેલો સુધારો સને ૧૭૭૬ની સાલ પછી કરેલો છે કે દેશમાં ધર્મ અને રાજ્ય વચ્ચે સંપુર્ણ વિયોજન ( સેપરશન) રહેશે. " There will be complete separation between the state and religion "  The first American Amendment.


--

Sunday, February 9, 2020

દિલ્હીના શાહિનબાગ આંદોલનનાં લેખાજોખા–

દિલ્હીના શાહિનબાગ આંદોલનનાં લેખાજોખા–

આશરે ૫૫ દિવસથી આ આંદોલન ચાલે છે. શરૂઆતને તબક્કે મુસ્લીમ મહિલાઓ દ્રારા આંદોલનની શરૂઆત થઇ એમ ગણાય. સદર આંદોલન સંસદના બંને ગૃહોમાંથી બહુમતીથી પસાર થયેલા નાગરિક સંશોધન બીલ જે પછી તરતજ રાષ્ટ્રપતિના સહી સિક્કાથી કાયદો બન્યો– ' નાગરિક સંશોધન કાયદો' બન્યો. તેની સામે બિલકુલ અહીંસક રીતે ચાલે છે. આપ સૌ તેના અંગે ઘણું બધું જાણો છો તેથી સીધો ટુંકમાં મુળવાત પર આવી જઉ છું.

(૧) આ આંદોલને દેશની ખાસ ત્રણ વીશ્વવિધ્યાલયો, જેએનયુ, જામિયા મિલિયા અને અલીગઢ મુસ્લીમ વિશ્વવિધ્યાલયોના વિધ્યાર્થીઓના સીએએ, એનપીઆર અને એનસીઆર વિરૂધ્ધ શાંત અને અહીંસક વિરોધ સામે રાજ્યના પોલિસ વર્તનમાંથી પ્રેરણા લઇને અસ્તિત્વમાં આવેલ છે.

(૨) આસમ રાજ્યમાં આશરે ૧૫લાખ હિંદુ અને ૪લાખ મુસ્લીમને એન આર સી આધારિત ગણતરીને આધારે બિનનાગરિક ગણ્યા તેના તથા ત્યારબાદ ત્યાં ઉભા થયેલા બિનનાગરિકોને ડીટેન્શન સેન્ટરોમાં મુકવા માંડયા છે. તેનાથી દેશવ્યાપી જબ્બરજસ્ત અસંતોષ પેદા થયો છે. તેનું પરિણામ પણ છે.

(૩) શાહિનબાગની બહેનોના સંગઠિત પ્રતીકારે દેશવ્યાપી તમામ ધર્મ અને કોમની બહેનો–ભાઇઓને પોતાના વિસ્તારમાં સદર કાળા કાયદાના વિરોધમાં શાહિનબાગનું મોડેલ બનાવી આંદોલન કરવા માંડયા છે.

 (૪) દેશ વ્યાપી વિશ્વવિધ્યાલયો તથા આઇ આઇ ટી, આઇ આઇ એમ  વિગેરે શૈક્ષણિક સંસ્થાઓ પણ સીએએ સામેના વિદ્રોહના પ્રતીકો બની ગયા છે.

(૫) હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલોએ આ કાયદાની અસરોની વાસ્તવીકતાઓ સમજતાં તે બધા પણ વિરોધમાં ઘણા બધા સ્થળોએ રસ્તા ઉપર આવી ગયા છે.

(૬) વિશ્વભરના ખાસ કરીને અમેરિકા, કેનેડા, ઇગ્લેંડ, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેંડ, યુરોપીયન યુનીયન જેવા લોકશાહી દેશોના જુદા જુદા શહેરોમાં આ કાયદા વિરૂધ્ધ શાંત વિરોધો પણ થયા છે.

(૭) દેશમાં કેરલા, પશ્ચિમબંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, ઓરિસ્સા, પંજાબ જેવા આશરે ૧૦ રાજ્યોએ આ કાયદાના બહિષ્કારની અને તેનો અમલ નહિ કરવાની જાહેરાત કરી દીધી છે.

(૮) શાહિન બાગમાં આંદોલન કરતી બહેનો તમામ કોમ,ધર્મ અને ઉંમરની હતી. તેમના આંદોલનના પ્રતીકોમાં રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીત છવાઇ ગયેલા હતા.

(૯) આ આંદોલનની ખાસ વિશિષ્ટતા એ હતી કે તેણે પાકિસ્તાની ગઝલકાર ફૈઝ અહેમદ ફૈઝની " હમ દેખે ગેં, હમ દેખે ગેં" ની નઝમોને આઝાદીના પ્રતીક તરીકે ગાઇ, ગવડાવીને દેશ વ્યાપિ બનાવી દીધી.

(૧૦) આંદોલનની સૌથી મોટી સફળતા એ છે કે તે સ્વયંભુ, અને નેતા વિહિન અને રાજકીય પક્ષોના સીધા કે આડકતરા ટેકા સિવાય હજુ પણ સ્પષ્ટ દિશા (વિઝન સાથે) શાંતી અને અહિંસક રીતે ચાલે છે.

(૧૧) આશરે આંદોલનનો બે માસના સમય પસાર થવામાં છે.તેમાં ખાસ કરીને મુસ્લીમ બહેનો જે હજુ પણ મોટા પ્રમાણમાં બુરખામાં દેખાય છે, તે ડ્રેસની મર્યાદા સાથે પણ આંદોલનમાં ભાગ લેનારી અનેક બહેનો સાથે એક ભાતૃભાવ( કોમરેડશીપ)  બંધુત્વની ભાવના પેદા કરી શકી છે.  જે પોતાની જીંદગીમાં ક્યારેય લગભગ ચોક્કસ કહી શકાય કે ઘરની બહાર નીકળી ન હતી તે બધાએ શાહીન બાગનું આંદોલન શરૂ કરતાં પહેલાં આંદોલનની સફળતા માટેનું ગૃહકાર્ય બરાબર કરેલું છે.  આ ત્રણેય કાયદાકીય મુદ્દાઓની ગંભીરતા સમજાવવા માટે પોતાના રહેણાક સિવાયના મહોલ્લાઓ અને રહેઠાણ વિસ્તારોમાં કેન્ડલ માર્ચ અને રાત્રી સભાઓ કરીને તે બધી બહેનોને જાગૃત કરી છે. તેનું જ આ પરિણામ બોલે છે જેમાં સેંકડો, હજારોની નહી પણ અમાપ સંખ્યામાં, નાંખી નજર ન પહોંચે તેટલી મોટી સંખ્યામાં બહેનોને ભેગી કરી શક્યા છે.

(૧૨) આટલી બધી મોટી સંખ્યામાં રાત ને દિવસ તે પણ લગભગ બે માસ સુધી ઘરબાર,બાળકોનું શિક્ષણ અને અન્ય પાયાની કૌટુંબિક જવાબદારીઓને બાજુપર મુકીને શાહિન બાગની બહેનોએ વ્યવસ્થિત રીતે આંદોલન ચલાવવું તે કોઇ નાની સુની વાત નથી જ. ભાજપ પક્ષના ટોચના નેતાની બે લગામ દલીલો જેવી કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ વિ. તે બધાને બિરયાની જમાડે છે  અને ૫૦૦ રૂપિયા આપીને એકત્ર કરેલા છે, ' દેશ કે ગદ્દારો કો ગોલી મારો ....,,,કો, તેવી દલિલો વાંઝણી અને બે બુનિયાદ સાબિત થાય છે. સત્તા પક્ષ માટે આવો પડકાર તેમની પણ કલ્પના વિનાનો સાબિત થયો છે. જેથી તેની સામે કેવા બંધારણીય માનવીય મુલ્યોને આધારે પ્રતીકાર કરવો તે આ બધાની સુઝબુઝની બહારની વાત છે. આ શાહિન બાગના પ્રતિકારનો સામનો કરવા તેમની પાસે બૌધ્ધીક પરિપક્વતાનો સંપુર્ણ અભાવ ઠેઠ ટોચના નેતૃત્વમાંથી માંડીને પ્રાથમિક નેતાગિરીમાં દેખાઇ આવે છે.

(૧૩) શાહિન બાગ જેવા ભારતભરમાં ફેલાયેલા આંદોલને ભાજપ– આર એસ એસ જેવાના તમામ રાષ્ટ્રવાદી પ્રતીકો સદર આંદોલનની સફળતા માટે હાઇજેક કરી લીધા છે. જેવાં કે રાષ્ટ્રધ્વજ ત્રિરંગો, ધાર્મીક નૈતીકતાના બદલે બંધારણીય નૈતીકતા, ધર્મ કે જન્મભુમી આધારિત રાષ્ટ્રવાદને બદલે બંધારણીય રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય ગીત, બંધારણના આમુખનો ઉપયોગ, ૭૧મા પ્રજાસત્તાક દિવસે સદર આંદોલનની ભુમિ પર જ વ્યવસ્થિત ધ્વજ વંદનનો કાર્યક્રમ. આંદોલનકારી મહિલાઓએ પોતાની રાષ્ટ્રીય વફાદારી સાબિત કરવા અને દેશના વડાપ્રધાન મોદીના પેલા વાક્ય " આંદોલનકારોને તે બધાએ પહેરેલા ડ્રેસથી પહેચાનો" નો જવાબ આપ્યો છે. પ્રજાસત્તાક દિને આંદોલનકારી બહેનોએ પોતાના પોષાકમાં દેશના સન્માનીય ત્રિરંગાના ત્રણે રંગો સફેદ, લીલો અને કેસરી રંગોથી બનાવેલી સાડીઓ પહેરી હતી. જાણે કે તે બધી બહેનો રાષ્ટ્રધ્વજ પહેરીને આવી હોય તેવો જબ્બરજસ્ત મોહોલ પેદા કરી દીધો છે. મોદીજી, આ બધા વણકલ્પેલા આંદોલનના હથિયારો સામે તમારા ચીલાચાલુ સાધનો દ્રારા પ્રતીકારે સંપુર્ણ રીતે, તમારા સૌની રહી સહી આબરૂને વૈશ્વીક રાજકીય જગતમાં ખલાસ કરી દીધી છે.

(૧૪) આ આંદોલન તેના મિજાજથી જ પુરેપુરૂ સફળ થઇ જ ગયું છે. વાસ્તવિક પરિણામ જે આવે તે ખરૂ. મારા મત મુજબ આ આંદોલનની સૌથી મોટી સિધ્ધી હોય તો તે નીચે મુજબની હશે. આ બહેનોએ આઝાદીના સુત્રો બોલાવીને જે સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને સર્વધર્મ સમભાવમા જેવા બંધારણીય મુલ્યોને આત્મસાત કર્યા છે તે છે. ભવિષ્યમાં પોતાની કૌટુબિક પરિસ્થિતિઓના પ્રશ્નો ઉકેલવા તે મુલ્યોની સમજ અને તે મુલ્યોને કારણે પેદા થયેલો પેલો ' શાહિન બાગ નો મિજાજ ' ચોકકસ મદદરૂપ થશે. એવી આશા રાખવી બિલકુલ અસ્થાને નથી જ કે સદર આંદોલનનો બોધપાઠ ભારતીય મહિલા જાગુતિ માટેની રેનેશાં ( બૌધ્ધીક રેશનલ) ચળવળ બની જાય........


--

સરકાર પાસેઇમાનદારીથી વિચારનારા જ નથી


સરકાર પાસે ઇમાનદારીથી વિચારનારા જ નથી.– સરકારી સત્તા ક્યાં સુધી પોતાના જ નાગરિકો  સાથે લડતી રહેશે. દેશનું અર્થતંત્ર તો વિખરાઇ ગયું છે.

તાજેતરના અઠવાડિયામાં આપણે જોયું કે  દેશની સડકો પર વિરોધનો અવાજ તેજ થઇ રહ્યો છે. તમામ શહેરો અને નાના કસબાઓમાં ચાલી રહેલા ધરણામાં મહિલાઓ અને બાળકો જોડાઇ રહ્યા છે. આ બધા લોકો સરકારને પડકાર ફેંકી રહ્યા છે, જે એક એવો નાગરિક સંશોધન કાયદો (સીએએ) લાગુ કરવા પર ભાર મુકી રહી છે. જેની દેશના કોઇ મતદારોએ ક્યારેય માંગ કરી નથી. આપણે જાહેર ચર્ચામાં સરકારની વિનંતી સાંભળી શકીએ. જો કે તેની સાથે જ તેઓ ઇચ્છે છે કે , ગદ્દારો ( સીએએ વિરૂધ્ધ પ્રદર્શન કરનારા વાંચવું) ને ગોળી મારી દેવામાં આવે. તેઓ કેવી ચર્ચા ઇચ્છે છે?

હકીકતમાં ભાજપના નેતાઓ ગર્વ સાથે એવો દાવો કરી રહ્યા છે કે, જે રાજ્યોમાં ભાજપનું શાસન છે ત્યાં સીએએ વિરોધી પ્રદર્શનકર્તાઓને ' ગોળી મારવામાં' આવી રહી છે. આવી માનસીકતા ધરાવનારા નેતાઓ સાથે શું ચર્ચા થઇ શકે?  જ્યારે એક સરકાર તમામ અપીલો પર બહેરી થઇ ગઇ હોય? સીએએ ને દુનિયાનું સૌથી મોટું બંધારણીય સંકટ જણાવીને તેના પર ચિંતા વ્યક્ત કરનારા ૭૫૧માંથી ૬૦૦થી વધુ યુરોપીયન યુનીયનના સાંસદોને આપણા દેશની સરકારે કહી દીધું કે, તેમને આ બાબત સાથે કોઇ લેવા–દેવા નથી. પ્રાર્થના કરો કે સરકાર ચર્ચા માટે કોને મોકલશે? એક વિક્ષિપ્ત રાજનેતાને જેનો હીરો મહાત્મા ગાંધીનો હત્યારો છે? કે પછી એક વેપારીને જે ઝડપથી અહેસાનનો બદલો માંગે છે? કે એક સાધુને, જેણે એક ધાર્મીક વેશ ધારણ કરેલો છે? કે પછી એક ઉન્માદી ટીવી પત્રકાર જે પ્રદર્શન સ્થળે ગરબડ પેદા કરવા માંગે છે? આપણી દક્ષીણપંથી ભારતસરકાર સાથે મુશ્કેલી એ છે કે , તેની પાસે આજે ઇમાનદારીથી વિચારનારા લોકો જ નથી. નથી કોઇ સાંસ્કૃતીક, નથી કોઇ કલાકાર, નથી કોઇ જાણીતો અર્થશાસ્રી કે નથી કોઇ એવી વ્યક્તી જેની પાસે થોડી પણ બુધ્ધીશક્તી હોય, જે તેને તેની ભાગલાવાદી રાજનીતિ અંગે સમજાવવાનો પ્રયાસ કરી શકે.

 બદલાની રાજનીતિવાળા બોદા વિચારોથી ઘેરાયેલી અને પોતાના જ નાગરિકો પ્રત્યે ઉપેક્ષાનો ભાવ ધરાવતી સરકારની તરફેણમાં દલીલ કરીને તેઓ ખુદને શરમમાં મુકી રહ્યા છે. તમે તેમને ભક્ત, ટ્રોલ્સ કે કંઇપણ કહી શકો છો. પરંતુ તેમની ભુમિકા સ્પષ્ટ છે. તેઓ કોઇ ગંભીર ચર્ચાને ગાળાગાળી, જુઠ, ઇર્ષ્યા, ઘૃણા પર લઇ જાય છે.

એટલાજ માટે આજે આપણી પાસે ધર્મનારક્ષકોના સ્વરૂપમાં ભીડને ઉશ્કેરનારા, ચમચાઓ અને હીસ્ટ્રીશીટર છે, જે સરકાર સાથે સારા સંબંધોના બદલામાં અહેસાન ઇચ્છે છે. અને તેઓ એ વાતનો બચાવ કરે છે, જેનો કોઇ બચાવ કરવા માગતું નથી. આ લોકોએ બીજેપી પાર્ટીના એ સમજદાર લોકોને હાંકી કાઢયા છે, જે બધા સરકારને સમજાવવા ઇચ્છતા હતા કે દ્વેષ અને ઘૃણા વિના, પોતાના નાગરિકોને ડરાવ્યા, ધમકાવ્યા વગર પણ નવા ભારતનું નિર્માણ શક્ય છે. આજની બહુમતિવાદી રાજનીતિની ભાષા જ ધમકીની છે. એવી ખતરનાક અફવા ફેલાઇ રહી છે કે, એક વખત રામમંદિર બની જાય તો હિન્દુરાષ્ટ્ર શક્તીપુર્વક પોતાના ઝંડાને લહેરાવશે. તેને સાચું ઠેરવવા માટે દેશના ભાગલાનો ઉલ્લેખ કરાઇ રહ્યો છે. ને લઘુમતિઓ, ખાસ કરીને મુસ્લિમોને ચિંતિત બનાવાઇ રહ્યા છે. અન્ય લઘુમતિઓને વિશ્વાસ અપાય છે કે  તેઓ જ્યાં સુધી પોતાની નજર નીચે રાખશે અને સરકારની રાજનીતિ સામે સવાલ નહીં ઉઠાવે ત્યાં સુધી તે બધા સલામત રીતે રહી શકશે. આવું જ વિદેશી રોકાણકારો સાથે થઇ રહ્યું છે. તે બધાને ભારત આવવા માટે લચાવવામાં આવ્યા હતા. એક વખત આવી ગયા અને થોડી સફળતા મેળવી લીધી પછી, તે બધાના હાથ પેલી ધાર્મીક લઘુમતીઓની માફક આમળવાના શરૂ થઇ જાય છે. વ્યંગ સાથે આર્થિક રાષ્ટ્રવાદની રાજનીતિ અને વ્યાપારિક પ્રતીક્રિયાઓ પર વિદેશી રોકાણકારો સાથે નિયમિત પુછપરછ શરૂ થઇ જાય છે.

મુશ્કેલી એ છે કે, સરકાર પોતે જ દુવિધામાં છે. તે સુધારાની વાત કરે છે, પરંતુ સાથે સાથે સંપુર્ણ પોતાનું નિયંત્રણ પણ ચાલુ રાખવા ઇચ્છે છે. નિયમન સાથે જોડાયેલા મુદ્દાઓ વધુ ને વધુ જટિલ થઇ રહ્યા છે. નીતિઓમાં થઇ રહેલા સતત ફેરફારો એ લોકોને મજબુરીમાં સ્વીકારવા પડી રહ્યા છે. જે ભારતમાં રોકાણ માટે આવ્યા છે, વેપારમાં સરળતાના તમામ વચનો બાદ પણ સરકારે તે બધાની જિંદગી અનંત મુશ્કેલીઓથી ભરેલી બનાવી દીધી છે. એક વિદેશી રોકાણકારથી માંડીને સામાન્ય કરદાતા કક્ષાની કોઇપણ વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ સિવાય જાતે રીટર્ન ભરી શકે એમ નથી.

 ચાલો, આપણે ફરી એક વખત ભાગલા તરફ જઇએ, કેમ કે દરેક બાબત અહીંથી જ શરૂ થાય છે. આ સમગ્ર ઘૃણા, સમગ્ર ગુસ્સાના મુળીયા એક દેશમાંથી બે દેશ બનાવવામાં છે. ત્યાર પછી એક ત્રીજો દેશ બાંગ્લાદેશ પણ અસ્તિત્વમાં આવ્યો. રોચક એ છે કે ભાગલા સમયે જ્યાં સૌથી વધુ લોહી વહ્યું હતું એ પંજાબ અને બંગાળ રાજયો સાહસ અને હિંમતથી સીએએ, એનપીઆર વિરૂધ્ધ ઉભા છે. એ રાજ્યોમાંની વિધાનસભાઓએ આ કાળા કાયદાઓ વિરૂધ્ધ પ્રસ્તાવ પસાર કર્યા છે. તેમાં બીજા રાજ્યો પણ સામેલ થશે. જ્યારે કેરળ રાજ્ય તો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે. આ લોકો સફળ થાય કે નહી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે  સડકના આદમીએ ભાજપના ધર્મઆધારીત ભાગલાવાદી એજન્ડાને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. આ બધા આંદોલનકારીઓની પત્નીઓ ધરણાં પર બેઠી છે. તે બધાના બાળકો સ્કુલે જઇ શકતા નથી. કોલેજમાં ભણનારી તેમની દિકરીઓ લાઠી ગોળીનો સામનો કરી રહી છે. અને અહીં જ સરકાર સામે પડકાર છે, ક્યાં સુધી આ સરકાર પોતાના જ નાગરિકો પર લાઠી ગોળી વાપરીને લડતી રહેશે, જ્યારે દુનિયા આખી જોઇ રહી છે કે ભારતનું સમગ્ર અર્થતંત્ર સંપુર્ણ વેરવિખેર ઠઇ ગયું છે?

લે– પ્રીતીશ નંદી, સૌ દિ ભાસ્કર તા.૦૭–૦૨–૨૦.

--

દીલ્હીની ચૂંટણીપ્રચારમાં જોવા મળતું ઝેર લોકશાહીના હિતમાં નથી.

દીલ્હીની ચૂંટણી પ્રચારમાં જોવા મળતું ઝેર લોકશાહીના હિતમાં નથી. સૌ. આજનો તંત્રી લેખ દિ.ભાસ્કર.

....' આ ચૂંટણી પ્રચાર કેન્દ્ર–રાજ્ય સંબંધોમાં એક મોટી તિરાડ છોડી ગયો છે....એક કેન્દ્રીય મંત્રીએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આતંકવાદી ઠેરવી દીધા છે. બીજા એક કેન્દ્રીય મંત્રીએ પોતાના ચુંટણી પ્રચારના નારામાં બોલ્યા'  દેશના ગદ્દારોને.... અને પછી શ્રોતાઓ પાસેથી બોલાવ્યું કે ગોલી મારો...કો' ત્રીજા મંત્રીએ ટિવટ કરીકે ' તુમ્હારે લિએ પાકિસ્તાન બના દિયા, અબ તો ચૈન સે જીને દો'

જો સરકારની કોઇ નીતિ કે કાયદા વિરૂધ્ધ આંદોલન અરાજકતા છે તો ફક્ત કેજરીવાલ જ કેમ? જે બધા રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને તેમની વિધાનસભાઓ સીએએ, એન પીઆર, એનસીઆર વિરૂધ્ધ પ્રસ્તાવ કર્યા છે તે બધા આ શ્રેણીમાં આવે છે, જેમણે  કેન્દ્રના નાગરિકતા સુધારા કાયદાને ન સ્વીકારવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. આંદોલન ખોટું હતું તો રામ મંદિર આંદોલન અને બાબરી મસ્જીદનું માળખું તોડી નાંખવાને સમર્થન કઇ શ્રેણીમાં આવશે? અને પછી સંસદમાં વિરોધપક્ષ તરીકે ભાજપના હોબાળાને શું કહેવાશે? કોંગ્રેસ અધ્યક્ષે પોતાની અમર્યાદિત પ્રતિક્રિયામાં કહ્યું '......આ વડાપ્રધાનને છ મહિના પછી દેશની સતત વણસતી જતી આર્થીક સ્થિતિને કારણે યુવાનો દંડા મારશે.

રાજકીય વર્ગ અને ખાસ કરીને જે સત્તામાં બેઠા છે, તેમણે ઓછામાં ઓછા આરોપો તો તર્કસંમત લગાવવા જોઇએ. જે મંત્રીએ ' ગોળી મારો' નો સુત્રોચ્ચાર કરાવ્યો હતો અને જે સુત્રોચ્ચારે બીજા ત્રણ દિવસમાં ત્રણ યુવાનોએ ખરેખર આંદોલનકર્તાઓ પર ગોળી ચલાવી, એ મંત્રીની ક્ષમતાને કઇ કસોટી પર આંકવામાં આવશે? લોકશાહીમાં ચુંટણી એટલી કડવી ન બનાવવી જોઇએ કે લોકો રાજનીતિનો અર્થ જ અરાજકતા સમજવા લાગે. કેમ કે, ત્યારે પ્રજા તંત્રના આ ચહેરા પરથી વિશ્વાસ સમાપ્ત થઇ જશે. આ વિશ્વાસ સમાપ્ત થઇ જવાનો અર્થ છે માનવીનું પાછું આદિમ સભ્યતા તરફ ( જંગલના કાયદાનું રાજય)  જવું. જો કે, વડાપ્રધાને જાહેર મંચ પર કહ્યું કે ' શાહીન બાગ પ્રદર્શન સંયોગ નથી પણ ભાઇચારો નાબુદ કરવાનો પ્રયોગ છે'. જો આ પ્રયોગ ભાઇચારો નાબુદ કરવાનો છે તો મંત્રીઓનું નિવેદન શું છે? આવાવાતાવરણમાં વિકાસ ક્યાંથી થશે? વિકાસની યોજનઓનો આખરે અમલ તો દેશના રાજ્યો એ જ કરવાનો છે ને?


--

૨૧મી સદીમાં અભણકોણ?

૨૧મી સદીમાં અભણ કોણ? તેની ઓળખ શું હોઇ?

The illiterate of the 21st century will not be those who cannot read and write but those who cannot learn , unlearn and relearn. Alvin Toffler.

૨૧મી સદીમાં અભણ હોવાની વ્યાખ્યા કે ઓળખ જુદી હશે. અભણ એટલે અહીયાં ફક્ત લખી વાંચી શકે તે નહી. પણ જે  ભણે છે, પછી  નવું જ્ઞાન પ્રાપ્ત થતાં તે જુનું ભણેલું ભુલી જાય છે અને ફરી નવું શીખે છે. તે પ્રમાણે આ ૨૧મી સદીનો માનવી જીવન જીવી જાણે છે.

 આપણા દેશમાં તો જ્ઞાન એટલે મા–બાપ, વડીલો, ગુરૂઓ અને તેમના પરદાદાઓએ વારસામાં આપેલી માહિતી.અને બિલકુલ કાના માત્ર અને રસ્વઇના ફેરફાર વિના પેલી વારસાઇની મિલકતની માફક ટકાવી રાખવું અને નવી પેઢીને હોંશ હોંશે ટ્રાન્સફર કરવામાં ગૌરવ લેવું.


--

અમેરિકનોએ પોતાનો વધુ સમય લાઇબ્રરિને આપ્યો. સૌ. દીવ્યભાસ્કર

અમેરિકનોએ પોતાનો વધુ સમય લાઇબ્રરિને આપ્યો.

સૌ. દીવ્યભાસ્કર ૪ફેબ્રુઆરી ૨૦૨૦.

મારા અમેરિકાના રહેઠાણ દરમ્યાન મને ત્રણેક રાજ્યોની આશરે દસ હજારથી ઓછી વસ્તી ધરાવતી  કાઉન્ટિ/ટાઉનના પુસ્તકાલયોને ખુબજ નજીકથી જોવાની તક મળી હતી. ન્યુજર્સીમાં રાન્ડોલ્ફ, ઓહાયો સ્ટેટમાં ગ્રીનવીલે અને જ્યોર્જીઆ સ્ટેટમાં બ્યુફોર્ડ જેવી કાઉન્ટિઓના પુસ્તકાલયોની મેં વારંવાર મુલાકાતો લીધી હતી.

આ બધાજ પુસ્તકાલયો દરેક કાઉન્ટિની ભૌગોલિક દ્રષ્ટીએ લગભગ ઉંચી જગ્યા પર વસાવામાં આવ્યા હતા. જેથી ક્યારેય વરસાદી પાણીના પુરના ભયથી નુકશાન ન થાય. પોતાની વસ્તીની જરૂરીયાત ને ધ્યાનમાં રાખીને પ્રમાણમાં તેનું બાંધકામ વિશાળ અને પુરતી પાર્કીંગની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું છે. પુસ્તકાલયમાં પુસ્તકોનો વિશાળ ખજાનો વિષયવાર જુદા જુદા સ્ટીલના સ્ટેક્સમાં ખુલ્લો જ હોય છે. તમારે જેટલા પુસ્તકો જોવા હોય તે જોઇને પસંદ કરીને બધાને એક નાની ગરગડીવાળી લાકડાની ગાડીમાં ભેગા કરતા જાવ, પછી ત્યાં જે વાંચવાનાં આધુનીક ટેબલો હોય તેમાંથી એકાદ પસંદ કરી બેસી જાવ. દરેક ટેબલ પર આધુનિક વાયફાય, ઇંટરનેટ, મોબાઇલ ફોન ચાર્જર, ઝેરોક્ષ અને પ્રિન્ટીર્સ, જેવી તમામ સગવડ બિલકુલ સરળતાથી ઉપલબ્ધ અને તે પણ નિશુલ્ક. મારા જેવા ટિફીન લઇને આવેલા માટે સ્પેશીઅલ નોઇઝ પ્રુફ કેબીનો જ્યાં સવારથી સાંજ સુધી બેસવાની, આરામ ખુરશી સાથેની તમામ સગવડો! તમારે કોઇ પુસ્તક કે મેગેઝીન સ્પેશીઅલ રેફરન્સ માટે મંગાવવું હોય અને આ પુસ્તકાલયમાં ન હોય તો તમે લાયબ્રેરીયનને વિનંતી કરો તો જે તે રાજ્યની આવી કાઉન્ટીઓના કે રાજ્ય કક્ષાના પુસ્તકાલયોમાંથી  ઇમરજ્નસીમાં ઇન્કાવાયરી કરીને તે ક્યારે આવશે તેની વિગતો તમને જણાવીને તમારો મોબાઇલ નંબર નોંધીને કેટલા સમયમાં આવશે તેના પર જણાવે!

આ ઉપરાંત દૈનિક પેપરો, સામાયિકો, બાળકો માટે વિડિયો ગેમ્સની સીડી વિગેરે તો પુરતી સંખ્યામાં. દરેક કાઉન્ટિની ચુંટાયેલી સ્થાનિક સરકાર( નગરપાલિકા, ગ્રામ પંચાયત કે કોર્પોરેશન)ના પસંદ કરાયેલા સભ્યો સાથે કાઉન્ટિની વસ્તીમાંથી પસંદ કરાયેલા જુદા જુદા શૈક્ષણિક ક્ષેત્રોના સભ્યોની ટીમની " પુસ્તકાલય સમિતિ" બને. તેમની પાસે પુસ્તકાલય ચલાવવાનું– નિભાવ ખર્ચ સાથેનું બજેટ હોય. કયા મેગેઝિનો, પુસ્તકો અન્ય વાંચન સામગ્રી મંગાવવાની સત્તાસદર કમિટિ પાસે હોય. જે પુસ્તકાલયના વહિવટી વડા સાથે પરામર્શ કરી નક્કી કરે. નજીક્માં જ કેફેટેરિયા હોય જ્યાં ચાય, કોફી નાસ્તા વિ. સગવડ હોય.

સામ્યવાદી વિચારસરણીના આધ્યસ્થાપક કાર્લ માર્કસ માટે એમ કહેવાતું હતું કે જ્યારે તેઓ, પોતાના દેશ જર્મની અને ત્યાર પછી ફ્રાંસમાંથી પોતાના ક્રાંતીકારી  વિચારોને  કારણે દેશનિકાલ થયા ત્યારે તેઓ ઇગ્લેંડ દેશના પાટનગર લંડનમાં સ્થાયી થયા હતા. તેઓ લંડનમાં નહી પણ લંડનની લાયબ્રરિમાં સ્થાયી થયા હતા.

વિશ્વભરના દેશોના તમામ સરમુખ્તયારો કે આપખુદ સત્તાધારીઓને સૌથી પ્રથમ રસ પોતાના દેશના પુસ્તકાલયો અને બૌધ્ધીકોને ખલાસ કરવામાં હોય છે. કારણકે રાજકિય વિદ્રોહ અને સત્તા પલટા માટેના ક્રાંતીકારી ધરૂવાડિયાનાં બિયારણો ત્યાં સચવાયેલાં હોય છે.

ફ્રાંસના સમ્રાટ નેપોલીયન બોનાપાર્ટે પોતાની જીવન કથામાં લખ્યું હતું કે તેને જેટલો ભય ઇગ્લેંડ અને જર્મની જેવા દુશ્મનો લશ્કરોનો ન હતો તેટલો ભય ફ્રાંન્સની રાજધાની પેરીસના અખબારો અને તેના તંત્રીઓનો હતો.

આજથી આશરે ૨૨૦૦ વર્ષ પહેલાં રોમન સમ્રાટ જુલીયસ સીઝરે એલેકઝ્નેડ્રીયાની વિશ્વ વિખ્યાત પુસ્તકાલયના ૪૦,૦૦૦થી વધારે પુસ્તકો જેમાંથી મોટાભાગની હસ્પ્રતો હતી તે મકાન સાથે વ્યવસ્થિત રીતે પોતાના સમયકાળમાં બાળી નાંખવામાં આવી હતી. કારણકે તેમાં ગ્રીક સંસ્કુતિનો તમામ બૌધ્ધિક વારસો જળવાયેલો હતો.–––––––––––––––.


--