Sunday, February 9, 2020

સરકાર પાસેઇમાનદારીથી વિચારનારા જ નથી


સરકાર પાસે ઇમાનદારીથી વિચારનારા જ નથી.– સરકારી સત્તા ક્યાં સુધી પોતાના જ નાગરિકો  સાથે લડતી રહેશે. દેશનું અર્થતંત્ર તો વિખરાઇ ગયું છે.

તાજેતરના અઠવાડિયામાં આપણે જોયું કે  દેશની સડકો પર વિરોધનો અવાજ તેજ થઇ રહ્યો છે. તમામ શહેરો અને નાના કસબાઓમાં ચાલી રહેલા ધરણામાં મહિલાઓ અને બાળકો જોડાઇ રહ્યા છે. આ બધા લોકો સરકારને પડકાર ફેંકી રહ્યા છે, જે એક એવો નાગરિક સંશોધન કાયદો (સીએએ) લાગુ કરવા પર ભાર મુકી રહી છે. જેની દેશના કોઇ મતદારોએ ક્યારેય માંગ કરી નથી. આપણે જાહેર ચર્ચામાં સરકારની વિનંતી સાંભળી શકીએ. જો કે તેની સાથે જ તેઓ ઇચ્છે છે કે , ગદ્દારો ( સીએએ વિરૂધ્ધ પ્રદર્શન કરનારા વાંચવું) ને ગોળી મારી દેવામાં આવે. તેઓ કેવી ચર્ચા ઇચ્છે છે?

હકીકતમાં ભાજપના નેતાઓ ગર્વ સાથે એવો દાવો કરી રહ્યા છે કે, જે રાજ્યોમાં ભાજપનું શાસન છે ત્યાં સીએએ વિરોધી પ્રદર્શનકર્તાઓને ' ગોળી મારવામાં' આવી રહી છે. આવી માનસીકતા ધરાવનારા નેતાઓ સાથે શું ચર્ચા થઇ શકે?  જ્યારે એક સરકાર તમામ અપીલો પર બહેરી થઇ ગઇ હોય? સીએએ ને દુનિયાનું સૌથી મોટું બંધારણીય સંકટ જણાવીને તેના પર ચિંતા વ્યક્ત કરનારા ૭૫૧માંથી ૬૦૦થી વધુ યુરોપીયન યુનીયનના સાંસદોને આપણા દેશની સરકારે કહી દીધું કે, તેમને આ બાબત સાથે કોઇ લેવા–દેવા નથી. પ્રાર્થના કરો કે સરકાર ચર્ચા માટે કોને મોકલશે? એક વિક્ષિપ્ત રાજનેતાને જેનો હીરો મહાત્મા ગાંધીનો હત્યારો છે? કે પછી એક વેપારીને જે ઝડપથી અહેસાનનો બદલો માંગે છે? કે એક સાધુને, જેણે એક ધાર્મીક વેશ ધારણ કરેલો છે? કે પછી એક ઉન્માદી ટીવી પત્રકાર જે પ્રદર્શન સ્થળે ગરબડ પેદા કરવા માંગે છે? આપણી દક્ષીણપંથી ભારતસરકાર સાથે મુશ્કેલી એ છે કે , તેની પાસે આજે ઇમાનદારીથી વિચારનારા લોકો જ નથી. નથી કોઇ સાંસ્કૃતીક, નથી કોઇ કલાકાર, નથી કોઇ જાણીતો અર્થશાસ્રી કે નથી કોઇ એવી વ્યક્તી જેની પાસે થોડી પણ બુધ્ધીશક્તી હોય, જે તેને તેની ભાગલાવાદી રાજનીતિ અંગે સમજાવવાનો પ્રયાસ કરી શકે.

 બદલાની રાજનીતિવાળા બોદા વિચારોથી ઘેરાયેલી અને પોતાના જ નાગરિકો પ્રત્યે ઉપેક્ષાનો ભાવ ધરાવતી સરકારની તરફેણમાં દલીલ કરીને તેઓ ખુદને શરમમાં મુકી રહ્યા છે. તમે તેમને ભક્ત, ટ્રોલ્સ કે કંઇપણ કહી શકો છો. પરંતુ તેમની ભુમિકા સ્પષ્ટ છે. તેઓ કોઇ ગંભીર ચર્ચાને ગાળાગાળી, જુઠ, ઇર્ષ્યા, ઘૃણા પર લઇ જાય છે.

એટલાજ માટે આજે આપણી પાસે ધર્મનારક્ષકોના સ્વરૂપમાં ભીડને ઉશ્કેરનારા, ચમચાઓ અને હીસ્ટ્રીશીટર છે, જે સરકાર સાથે સારા સંબંધોના બદલામાં અહેસાન ઇચ્છે છે. અને તેઓ એ વાતનો બચાવ કરે છે, જેનો કોઇ બચાવ કરવા માગતું નથી. આ લોકોએ બીજેપી પાર્ટીના એ સમજદાર લોકોને હાંકી કાઢયા છે, જે બધા સરકારને સમજાવવા ઇચ્છતા હતા કે દ્વેષ અને ઘૃણા વિના, પોતાના નાગરિકોને ડરાવ્યા, ધમકાવ્યા વગર પણ નવા ભારતનું નિર્માણ શક્ય છે. આજની બહુમતિવાદી રાજનીતિની ભાષા જ ધમકીની છે. એવી ખતરનાક અફવા ફેલાઇ રહી છે કે, એક વખત રામમંદિર બની જાય તો હિન્દુરાષ્ટ્ર શક્તીપુર્વક પોતાના ઝંડાને લહેરાવશે. તેને સાચું ઠેરવવા માટે દેશના ભાગલાનો ઉલ્લેખ કરાઇ રહ્યો છે. ને લઘુમતિઓ, ખાસ કરીને મુસ્લિમોને ચિંતિત બનાવાઇ રહ્યા છે. અન્ય લઘુમતિઓને વિશ્વાસ અપાય છે કે  તેઓ જ્યાં સુધી પોતાની નજર નીચે રાખશે અને સરકારની રાજનીતિ સામે સવાલ નહીં ઉઠાવે ત્યાં સુધી તે બધા સલામત રીતે રહી શકશે. આવું જ વિદેશી રોકાણકારો સાથે થઇ રહ્યું છે. તે બધાને ભારત આવવા માટે લચાવવામાં આવ્યા હતા. એક વખત આવી ગયા અને થોડી સફળતા મેળવી લીધી પછી, તે બધાના હાથ પેલી ધાર્મીક લઘુમતીઓની માફક આમળવાના શરૂ થઇ જાય છે. વ્યંગ સાથે આર્થિક રાષ્ટ્રવાદની રાજનીતિ અને વ્યાપારિક પ્રતીક્રિયાઓ પર વિદેશી રોકાણકારો સાથે નિયમિત પુછપરછ શરૂ થઇ જાય છે.

મુશ્કેલી એ છે કે, સરકાર પોતે જ દુવિધામાં છે. તે સુધારાની વાત કરે છે, પરંતુ સાથે સાથે સંપુર્ણ પોતાનું નિયંત્રણ પણ ચાલુ રાખવા ઇચ્છે છે. નિયમન સાથે જોડાયેલા મુદ્દાઓ વધુ ને વધુ જટિલ થઇ રહ્યા છે. નીતિઓમાં થઇ રહેલા સતત ફેરફારો એ લોકોને મજબુરીમાં સ્વીકારવા પડી રહ્યા છે. જે ભારતમાં રોકાણ માટે આવ્યા છે, વેપારમાં સરળતાના તમામ વચનો બાદ પણ સરકારે તે બધાની જિંદગી અનંત મુશ્કેલીઓથી ભરેલી બનાવી દીધી છે. એક વિદેશી રોકાણકારથી માંડીને સામાન્ય કરદાતા કક્ષાની કોઇપણ વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ સિવાય જાતે રીટર્ન ભરી શકે એમ નથી.

 ચાલો, આપણે ફરી એક વખત ભાગલા તરફ જઇએ, કેમ કે દરેક બાબત અહીંથી જ શરૂ થાય છે. આ સમગ્ર ઘૃણા, સમગ્ર ગુસ્સાના મુળીયા એક દેશમાંથી બે દેશ બનાવવામાં છે. ત્યાર પછી એક ત્રીજો દેશ બાંગ્લાદેશ પણ અસ્તિત્વમાં આવ્યો. રોચક એ છે કે ભાગલા સમયે જ્યાં સૌથી વધુ લોહી વહ્યું હતું એ પંજાબ અને બંગાળ રાજયો સાહસ અને હિંમતથી સીએએ, એનપીઆર વિરૂધ્ધ ઉભા છે. એ રાજ્યોમાંની વિધાનસભાઓએ આ કાળા કાયદાઓ વિરૂધ્ધ પ્રસ્તાવ પસાર કર્યા છે. તેમાં બીજા રાજ્યો પણ સામેલ થશે. જ્યારે કેરળ રાજ્ય તો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે. આ લોકો સફળ થાય કે નહી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે  સડકના આદમીએ ભાજપના ધર્મઆધારીત ભાગલાવાદી એજન્ડાને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. આ બધા આંદોલનકારીઓની પત્નીઓ ધરણાં પર બેઠી છે. તે બધાના બાળકો સ્કુલે જઇ શકતા નથી. કોલેજમાં ભણનારી તેમની દિકરીઓ લાઠી ગોળીનો સામનો કરી રહી છે. અને અહીં જ સરકાર સામે પડકાર છે, ક્યાં સુધી આ સરકાર પોતાના જ નાગરિકો પર લાઠી ગોળી વાપરીને લડતી રહેશે, જ્યારે દુનિયા આખી જોઇ રહી છે કે ભારતનું સમગ્ર અર્થતંત્ર સંપુર્ણ વેરવિખેર ઠઇ ગયું છે?

લે– પ્રીતીશ નંદી, સૌ દિ ભાસ્કર તા.૦૭–૦૨–૨૦.

--