Sunday, February 9, 2020

દિલ્હીના શાહિનબાગ આંદોલનનાં લેખાજોખા–

દિલ્હીના શાહિનબાગ આંદોલનનાં લેખાજોખા–

આશરે ૫૫ દિવસથી આ આંદોલન ચાલે છે. શરૂઆતને તબક્કે મુસ્લીમ મહિલાઓ દ્રારા આંદોલનની શરૂઆત થઇ એમ ગણાય. સદર આંદોલન સંસદના બંને ગૃહોમાંથી બહુમતીથી પસાર થયેલા નાગરિક સંશોધન બીલ જે પછી તરતજ રાષ્ટ્રપતિના સહી સિક્કાથી કાયદો બન્યો– ' નાગરિક સંશોધન કાયદો' બન્યો. તેની સામે બિલકુલ અહીંસક રીતે ચાલે છે. આપ સૌ તેના અંગે ઘણું બધું જાણો છો તેથી સીધો ટુંકમાં મુળવાત પર આવી જઉ છું.

(૧) આ આંદોલને દેશની ખાસ ત્રણ વીશ્વવિધ્યાલયો, જેએનયુ, જામિયા મિલિયા અને અલીગઢ મુસ્લીમ વિશ્વવિધ્યાલયોના વિધ્યાર્થીઓના સીએએ, એનપીઆર અને એનસીઆર વિરૂધ્ધ શાંત અને અહીંસક વિરોધ સામે રાજ્યના પોલિસ વર્તનમાંથી પ્રેરણા લઇને અસ્તિત્વમાં આવેલ છે.

(૨) આસમ રાજ્યમાં આશરે ૧૫લાખ હિંદુ અને ૪લાખ મુસ્લીમને એન આર સી આધારિત ગણતરીને આધારે બિનનાગરિક ગણ્યા તેના તથા ત્યારબાદ ત્યાં ઉભા થયેલા બિનનાગરિકોને ડીટેન્શન સેન્ટરોમાં મુકવા માંડયા છે. તેનાથી દેશવ્યાપી જબ્બરજસ્ત અસંતોષ પેદા થયો છે. તેનું પરિણામ પણ છે.

(૩) શાહિનબાગની બહેનોના સંગઠિત પ્રતીકારે દેશવ્યાપી તમામ ધર્મ અને કોમની બહેનો–ભાઇઓને પોતાના વિસ્તારમાં સદર કાળા કાયદાના વિરોધમાં શાહિનબાગનું મોડેલ બનાવી આંદોલન કરવા માંડયા છે.

 (૪) દેશ વ્યાપી વિશ્વવિધ્યાલયો તથા આઇ આઇ ટી, આઇ આઇ એમ  વિગેરે શૈક્ષણિક સંસ્થાઓ પણ સીએએ સામેના વિદ્રોહના પ્રતીકો બની ગયા છે.

(૫) હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલોએ આ કાયદાની અસરોની વાસ્તવીકતાઓ સમજતાં તે બધા પણ વિરોધમાં ઘણા બધા સ્થળોએ રસ્તા ઉપર આવી ગયા છે.

(૬) વિશ્વભરના ખાસ કરીને અમેરિકા, કેનેડા, ઇગ્લેંડ, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેંડ, યુરોપીયન યુનીયન જેવા લોકશાહી દેશોના જુદા જુદા શહેરોમાં આ કાયદા વિરૂધ્ધ શાંત વિરોધો પણ થયા છે.

(૭) દેશમાં કેરલા, પશ્ચિમબંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, ઓરિસ્સા, પંજાબ જેવા આશરે ૧૦ રાજ્યોએ આ કાયદાના બહિષ્કારની અને તેનો અમલ નહિ કરવાની જાહેરાત કરી દીધી છે.

(૮) શાહિન બાગમાં આંદોલન કરતી બહેનો તમામ કોમ,ધર્મ અને ઉંમરની હતી. તેમના આંદોલનના પ્રતીકોમાં રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીત છવાઇ ગયેલા હતા.

(૯) આ આંદોલનની ખાસ વિશિષ્ટતા એ હતી કે તેણે પાકિસ્તાની ગઝલકાર ફૈઝ અહેમદ ફૈઝની " હમ દેખે ગેં, હમ દેખે ગેં" ની નઝમોને આઝાદીના પ્રતીક તરીકે ગાઇ, ગવડાવીને દેશ વ્યાપિ બનાવી દીધી.

(૧૦) આંદોલનની સૌથી મોટી સફળતા એ છે કે તે સ્વયંભુ, અને નેતા વિહિન અને રાજકીય પક્ષોના સીધા કે આડકતરા ટેકા સિવાય હજુ પણ સ્પષ્ટ દિશા (વિઝન સાથે) શાંતી અને અહિંસક રીતે ચાલે છે.

(૧૧) આશરે આંદોલનનો બે માસના સમય પસાર થવામાં છે.તેમાં ખાસ કરીને મુસ્લીમ બહેનો જે હજુ પણ મોટા પ્રમાણમાં બુરખામાં દેખાય છે, તે ડ્રેસની મર્યાદા સાથે પણ આંદોલનમાં ભાગ લેનારી અનેક બહેનો સાથે એક ભાતૃભાવ( કોમરેડશીપ)  બંધુત્વની ભાવના પેદા કરી શકી છે.  જે પોતાની જીંદગીમાં ક્યારેય લગભગ ચોક્કસ કહી શકાય કે ઘરની બહાર નીકળી ન હતી તે બધાએ શાહીન બાગનું આંદોલન શરૂ કરતાં પહેલાં આંદોલનની સફળતા માટેનું ગૃહકાર્ય બરાબર કરેલું છે.  આ ત્રણેય કાયદાકીય મુદ્દાઓની ગંભીરતા સમજાવવા માટે પોતાના રહેણાક સિવાયના મહોલ્લાઓ અને રહેઠાણ વિસ્તારોમાં કેન્ડલ માર્ચ અને રાત્રી સભાઓ કરીને તે બધી બહેનોને જાગૃત કરી છે. તેનું જ આ પરિણામ બોલે છે જેમાં સેંકડો, હજારોની નહી પણ અમાપ સંખ્યામાં, નાંખી નજર ન પહોંચે તેટલી મોટી સંખ્યામાં બહેનોને ભેગી કરી શક્યા છે.

(૧૨) આટલી બધી મોટી સંખ્યામાં રાત ને દિવસ તે પણ લગભગ બે માસ સુધી ઘરબાર,બાળકોનું શિક્ષણ અને અન્ય પાયાની કૌટુંબિક જવાબદારીઓને બાજુપર મુકીને શાહિન બાગની બહેનોએ વ્યવસ્થિત રીતે આંદોલન ચલાવવું તે કોઇ નાની સુની વાત નથી જ. ભાજપ પક્ષના ટોચના નેતાની બે લગામ દલીલો જેવી કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ વિ. તે બધાને બિરયાની જમાડે છે  અને ૫૦૦ રૂપિયા આપીને એકત્ર કરેલા છે, ' દેશ કે ગદ્દારો કો ગોલી મારો ....,,,કો, તેવી દલિલો વાંઝણી અને બે બુનિયાદ સાબિત થાય છે. સત્તા પક્ષ માટે આવો પડકાર તેમની પણ કલ્પના વિનાનો સાબિત થયો છે. જેથી તેની સામે કેવા બંધારણીય માનવીય મુલ્યોને આધારે પ્રતીકાર કરવો તે આ બધાની સુઝબુઝની બહારની વાત છે. આ શાહિન બાગના પ્રતિકારનો સામનો કરવા તેમની પાસે બૌધ્ધીક પરિપક્વતાનો સંપુર્ણ અભાવ ઠેઠ ટોચના નેતૃત્વમાંથી માંડીને પ્રાથમિક નેતાગિરીમાં દેખાઇ આવે છે.

(૧૩) શાહિન બાગ જેવા ભારતભરમાં ફેલાયેલા આંદોલને ભાજપ– આર એસ એસ જેવાના તમામ રાષ્ટ્રવાદી પ્રતીકો સદર આંદોલનની સફળતા માટે હાઇજેક કરી લીધા છે. જેવાં કે રાષ્ટ્રધ્વજ ત્રિરંગો, ધાર્મીક નૈતીકતાના બદલે બંધારણીય નૈતીકતા, ધર્મ કે જન્મભુમી આધારિત રાષ્ટ્રવાદને બદલે બંધારણીય રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય ગીત, બંધારણના આમુખનો ઉપયોગ, ૭૧મા પ્રજાસત્તાક દિવસે સદર આંદોલનની ભુમિ પર જ વ્યવસ્થિત ધ્વજ વંદનનો કાર્યક્રમ. આંદોલનકારી મહિલાઓએ પોતાની રાષ્ટ્રીય વફાદારી સાબિત કરવા અને દેશના વડાપ્રધાન મોદીના પેલા વાક્ય " આંદોલનકારોને તે બધાએ પહેરેલા ડ્રેસથી પહેચાનો" નો જવાબ આપ્યો છે. પ્રજાસત્તાક દિને આંદોલનકારી બહેનોએ પોતાના પોષાકમાં દેશના સન્માનીય ત્રિરંગાના ત્રણે રંગો સફેદ, લીલો અને કેસરી રંગોથી બનાવેલી સાડીઓ પહેરી હતી. જાણે કે તે બધી બહેનો રાષ્ટ્રધ્વજ પહેરીને આવી હોય તેવો જબ્બરજસ્ત મોહોલ પેદા કરી દીધો છે. મોદીજી, આ બધા વણકલ્પેલા આંદોલનના હથિયારો સામે તમારા ચીલાચાલુ સાધનો દ્રારા પ્રતીકારે સંપુર્ણ રીતે, તમારા સૌની રહી સહી આબરૂને વૈશ્વીક રાજકીય જગતમાં ખલાસ કરી દીધી છે.

(૧૪) આ આંદોલન તેના મિજાજથી જ પુરેપુરૂ સફળ થઇ જ ગયું છે. વાસ્તવિક પરિણામ જે આવે તે ખરૂ. મારા મત મુજબ આ આંદોલનની સૌથી મોટી સિધ્ધી હોય તો તે નીચે મુજબની હશે. આ બહેનોએ આઝાદીના સુત્રો બોલાવીને જે સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને સર્વધર્મ સમભાવમા જેવા બંધારણીય મુલ્યોને આત્મસાત કર્યા છે તે છે. ભવિષ્યમાં પોતાની કૌટુબિક પરિસ્થિતિઓના પ્રશ્નો ઉકેલવા તે મુલ્યોની સમજ અને તે મુલ્યોને કારણે પેદા થયેલો પેલો ' શાહિન બાગ નો મિજાજ ' ચોકકસ મદદરૂપ થશે. એવી આશા રાખવી બિલકુલ અસ્થાને નથી જ કે સદર આંદોલનનો બોધપાઠ ભારતીય મહિલા જાગુતિ માટેની રેનેશાં ( બૌધ્ધીક રેશનલ) ચળવળ બની જાય........


--