Monday, February 24, 2020

નાગરિક સુધારા ધારો ( સિટિઝન્સ એમેન્ડમેન્ટ એક્ટ, સી એ એ)

નાગરિક સુધારા ધારો ( સિટિઝન્સ એમેન્ડમેન્ટ એક્ટ, સી એ એ)

 ચર્ચા તથા અનુકુળતા માટે આપણે સી એ એ ના નામનો ઉપયોગ કરીશું. આપણને સૌ ને માહિતી છે કે હવે તેણે કાયદાનું સ્વરૂપ લઇ લીધું છે. સમગ્ર દેશમાં તેનો અમલ સહેલાઇથી થઇ શકે તેમ છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલા દેશમાંથી આવેલા સને ૨૦૧૪ પહેલાંના મુસ્લીમ ધર્મ સિવાયના  હિંદુ, શીખ, પારસી, બૌધ્ધ, જૈન અને ઇસાઇ ધર્મોના નિર્વાસીતોને દેશના નાગરિક બનાવવામાં આવશે.

 વડાપ્રધાન સહિત સત્તા પક્ષના દરેકની આ કાયદાની તરફેણમાં દલીલ એવી કરે છે કે ભાઇ! અમે તો આ બધાને નાગરિકતા આપવાની વાત કરીએ છીએ. કોઇની નાગરિકતા છિનવી લેવાની વાત કરતા નથી. તો પછી તેનો વિરોધ કેમ કરો છો?

 દા.ત નેપાલ, ભુતાન કે તિબેટથી આવેલા  બૌધ્ધ ધર્મીઓને, સામ્યવાદી ચીનના ધાર્મીક ઉત્પિડનને કારણે ભારતમાં નિર્વાસીત તરીકે આવીને નાગરિકતા માટે અરજી કરે તો તેને નાગરિકતા આ કાયદા મુજબ ન મળે! પણ પેલા ત્રણ દેશોમાંથી આવેલા બૌધ્ધોને મળે! કેમ ભાઇ! તેવીજ રીતે તામિલનાડુ, કેરલા વિ. આપણા દેશના રાજ્યોમાં જ ધાર્મીક ઉત્પિડન ને કારણે પડોશી દેશ શ્રીલંકાથી હિંદુ ધર્મના શરણાર્થીઓ (તમિલો) નાગરિકતા માટેની અરજી કરે તો તેમને સદર સી એ એ કાયદા મુજબ નાગરિકતા ન મળે! કેમ ભાઇ! પણ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલા દેશમાંથી આવેલા હિંદુઓને મળે!  આવો સદર કાયદાના અમલમાં ભેદભાવ કેમ? આસમમાં એન આર સીની તપાસને કારણે બિનભારતીય બનેલા આશરે ૧૫ લાખ હિંદુ ધર્મ પાળનારા પણ બંગલા દેશથી નહી પણ ભારત દેશના જ પડોશી રાજ્યો જેવાકે પશ્રીમ બંગાળ, આરિસ્સા ને બિહાર આવેલા દેશવાસીઓને શું સી એ એ ના કાયદાની મદદથી ભારતીય બનાવી શકાશે? જો ના તો તેમને ક્યાં મોકલવામાં આવશે? પેલા ૩ દેશોના  ૬ ધર્મોના શરણાર્થીઓ માટે લાલ કારપેટ પાથરીને ભારતીયતા બક્ષવાની અને પોતાના જ દેશના ૧૫ લાખ પરપ્રાંતના પરદેશના  બીલકુલ નહિ તેવા હિંદુઓને ડીટેન્સન સેન્ટરમાં મોકલવાના ! વાહ સી એ એ તારી બલીહારી !

ઇન્ટરનેશનલ રીલીજીયસ ફ્રીડમ એક્ટ ૧૯૯૮મુજબ ધાર્મીક ઉત્પિડન ની વ્યાખ્યા આપવમાં આવી છે. તેમાં ચાર શરતો મુકવામાં આવી છે જેને આધારે સાબિતી આપીને ધાર્મીક ઉત્પિડન સાબિત કરી શકાય છે. એક–માનવીય શારિરીક ઘાતકી સતમણી અથવા શિક્ષા, બે– ગેરકાયદેસર અટકાયત ( કાયદાકિય પુરાવા કે આક્ષેપો સિવાય અટકાયત ) ત્રણ– ચોરીછુપીથી અટકાયત અને અપહરણ, ચાર– જીંદગી જીવવાની સ્વતંત્રતા અને સલામતીનું  હડડતું નફ્ફટ અને નિર્લજ્જ ઉલ્લઘંન.

 કોઇપણ દેશના નાગરિકે બીજા દેશમાં ધાર્મિક શરણાગતિના આધારે જો નાગરિકતા પ્રાપ્ત કરવી હોય તો ઉપર મુજબની ચાર શરતોમાંથી ઓછામાં ઓછી એક શરતનું ઉલ્લઘંન થયું છે તેવા પુરાવા આપવા પડે. આ અંગેના પોલીસ રેકર્ડના પુરાવાની આધારભુત કોપી આપવા પડે. ભારતે વૈશ્વિક સ્તર પર આ કાયદો પાળવાની બાંહેધરી માટે સહીસિક્કા કરેલ નથી. માટે આવા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશના પેલા છ ધર્મોના શરણાર્થીઓ માટે કયા માપદંડો  નક્કી કરે છે તે સમય નક્કી કરશે. આજને તબક્કે સી એ એ ના કાયદાના ત્રણ દેશોના તાત્કાલિક લાભાર્થી ધાર્મીક શરણાર્થીઓની સંખ્યા આ પ્રમાણે છે. કુલ ૩૧૩૧૩ છે.  તેમાં ૨૫૪૪૭ હિંદુ, ૫૮૦૭ શીખ, ૫૫ ઇસાઇ, ૨ બુધ્ધધર્મી અને ૨ પારસી છે. આ બધા જ માટે  કાયદેસરનો પાસપોર્ટ વીસા હોય કે નહિ, તેની મુદત પુરી થઇ ગઇ હોય કે નહિ તે બધાને નાગરિકતા આપવી જોઇએ તેવી માહિતી દેશના ઇન્ટેલીજન્સ બ્યુરોઓ રજુ કરી છે.

સી એ એની બંધારણીય કાયદેસરતા નકકી કરવા દેશની સર્વોચ્ચ અદાલત પાસે ૧૦૦ ઉપરાંત પીટીશન આવેલી છે. થોભો ને રાહ જુઓ! આ મુદ્દે આ અદાલતની કાયદાકીય તટસ્થતા અને ગુણવત્તા પણ દાવપર છે.


--