Sunday, February 9, 2020

અમેરિકનોએ પોતાનો વધુ સમય લાઇબ્રરિને આપ્યો. સૌ. દીવ્યભાસ્કર

અમેરિકનોએ પોતાનો વધુ સમય લાઇબ્રરિને આપ્યો.

સૌ. દીવ્યભાસ્કર ૪ફેબ્રુઆરી ૨૦૨૦.

મારા અમેરિકાના રહેઠાણ દરમ્યાન મને ત્રણેક રાજ્યોની આશરે દસ હજારથી ઓછી વસ્તી ધરાવતી  કાઉન્ટિ/ટાઉનના પુસ્તકાલયોને ખુબજ નજીકથી જોવાની તક મળી હતી. ન્યુજર્સીમાં રાન્ડોલ્ફ, ઓહાયો સ્ટેટમાં ગ્રીનવીલે અને જ્યોર્જીઆ સ્ટેટમાં બ્યુફોર્ડ જેવી કાઉન્ટિઓના પુસ્તકાલયોની મેં વારંવાર મુલાકાતો લીધી હતી.

આ બધાજ પુસ્તકાલયો દરેક કાઉન્ટિની ભૌગોલિક દ્રષ્ટીએ લગભગ ઉંચી જગ્યા પર વસાવામાં આવ્યા હતા. જેથી ક્યારેય વરસાદી પાણીના પુરના ભયથી નુકશાન ન થાય. પોતાની વસ્તીની જરૂરીયાત ને ધ્યાનમાં રાખીને પ્રમાણમાં તેનું બાંધકામ વિશાળ અને પુરતી પાર્કીંગની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું છે. પુસ્તકાલયમાં પુસ્તકોનો વિશાળ ખજાનો વિષયવાર જુદા જુદા સ્ટીલના સ્ટેક્સમાં ખુલ્લો જ હોય છે. તમારે જેટલા પુસ્તકો જોવા હોય તે જોઇને પસંદ કરીને બધાને એક નાની ગરગડીવાળી લાકડાની ગાડીમાં ભેગા કરતા જાવ, પછી ત્યાં જે વાંચવાનાં આધુનીક ટેબલો હોય તેમાંથી એકાદ પસંદ કરી બેસી જાવ. દરેક ટેબલ પર આધુનિક વાયફાય, ઇંટરનેટ, મોબાઇલ ફોન ચાર્જર, ઝેરોક્ષ અને પ્રિન્ટીર્સ, જેવી તમામ સગવડ બિલકુલ સરળતાથી ઉપલબ્ધ અને તે પણ નિશુલ્ક. મારા જેવા ટિફીન લઇને આવેલા માટે સ્પેશીઅલ નોઇઝ પ્રુફ કેબીનો જ્યાં સવારથી સાંજ સુધી બેસવાની, આરામ ખુરશી સાથેની તમામ સગવડો! તમારે કોઇ પુસ્તક કે મેગેઝીન સ્પેશીઅલ રેફરન્સ માટે મંગાવવું હોય અને આ પુસ્તકાલયમાં ન હોય તો તમે લાયબ્રેરીયનને વિનંતી કરો તો જે તે રાજ્યની આવી કાઉન્ટીઓના કે રાજ્ય કક્ષાના પુસ્તકાલયોમાંથી  ઇમરજ્નસીમાં ઇન્કાવાયરી કરીને તે ક્યારે આવશે તેની વિગતો તમને જણાવીને તમારો મોબાઇલ નંબર નોંધીને કેટલા સમયમાં આવશે તેના પર જણાવે!

આ ઉપરાંત દૈનિક પેપરો, સામાયિકો, બાળકો માટે વિડિયો ગેમ્સની સીડી વિગેરે તો પુરતી સંખ્યામાં. દરેક કાઉન્ટિની ચુંટાયેલી સ્થાનિક સરકાર( નગરપાલિકા, ગ્રામ પંચાયત કે કોર્પોરેશન)ના પસંદ કરાયેલા સભ્યો સાથે કાઉન્ટિની વસ્તીમાંથી પસંદ કરાયેલા જુદા જુદા શૈક્ષણિક ક્ષેત્રોના સભ્યોની ટીમની " પુસ્તકાલય સમિતિ" બને. તેમની પાસે પુસ્તકાલય ચલાવવાનું– નિભાવ ખર્ચ સાથેનું બજેટ હોય. કયા મેગેઝિનો, પુસ્તકો અન્ય વાંચન સામગ્રી મંગાવવાની સત્તાસદર કમિટિ પાસે હોય. જે પુસ્તકાલયના વહિવટી વડા સાથે પરામર્શ કરી નક્કી કરે. નજીક્માં જ કેફેટેરિયા હોય જ્યાં ચાય, કોફી નાસ્તા વિ. સગવડ હોય.

સામ્યવાદી વિચારસરણીના આધ્યસ્થાપક કાર્લ માર્કસ માટે એમ કહેવાતું હતું કે જ્યારે તેઓ, પોતાના દેશ જર્મની અને ત્યાર પછી ફ્રાંસમાંથી પોતાના ક્રાંતીકારી  વિચારોને  કારણે દેશનિકાલ થયા ત્યારે તેઓ ઇગ્લેંડ દેશના પાટનગર લંડનમાં સ્થાયી થયા હતા. તેઓ લંડનમાં નહી પણ લંડનની લાયબ્રરિમાં સ્થાયી થયા હતા.

વિશ્વભરના દેશોના તમામ સરમુખ્તયારો કે આપખુદ સત્તાધારીઓને સૌથી પ્રથમ રસ પોતાના દેશના પુસ્તકાલયો અને બૌધ્ધીકોને ખલાસ કરવામાં હોય છે. કારણકે રાજકિય વિદ્રોહ અને સત્તા પલટા માટેના ક્રાંતીકારી ધરૂવાડિયાનાં બિયારણો ત્યાં સચવાયેલાં હોય છે.

ફ્રાંસના સમ્રાટ નેપોલીયન બોનાપાર્ટે પોતાની જીવન કથામાં લખ્યું હતું કે તેને જેટલો ભય ઇગ્લેંડ અને જર્મની જેવા દુશ્મનો લશ્કરોનો ન હતો તેટલો ભય ફ્રાંન્સની રાજધાની પેરીસના અખબારો અને તેના તંત્રીઓનો હતો.

આજથી આશરે ૨૨૦૦ વર્ષ પહેલાં રોમન સમ્રાટ જુલીયસ સીઝરે એલેકઝ્નેડ્રીયાની વિશ્વ વિખ્યાત પુસ્તકાલયના ૪૦,૦૦૦થી વધારે પુસ્તકો જેમાંથી મોટાભાગની હસ્પ્રતો હતી તે મકાન સાથે વ્યવસ્થિત રીતે પોતાના સમયકાળમાં બાળી નાંખવામાં આવી હતી. કારણકે તેમાં ગ્રીક સંસ્કુતિનો તમામ બૌધ્ધિક વારસો જળવાયેલો હતો.–––––––––––––––.


--