Tuesday, June 21, 2022

આજે ૨૧મી જુનછે, વિશ્વ માનવવાદી દિવસ છે.

આજે ૨૧મી જુન છે.વિશ્વ માનવવાદી દિવસ છે.

 વિશ્વના જુદ જુદા દેશોના ધર્મનીરપેક્ષ માનવવાદી સંગઠનોના સભ્યો આ દિવસને વિશ્વ માનવવાદી દિવસ તરીકે ઉજવે છે. ખગોળશાસ્ર અને વૈજ્ઞાનીક હકીકત પ્રમાણે આ દિવસે સુર્ય ઉત્તર ગોળાર્ધમાં આકાશમાં પૃથ્વીથી ખુબજ ઉંચાઇએ તેમજ ૨૩/૫ રેખાંશ વધુ નમેલો હોય છે.૩૬૫ દિવસના વર્ષમાં બે વાર સુર્યની આ સ્થિતિ ૨૧મી જુન ઉત્તર ગોળાર્ધ અને ૨૧મી ડીસેમ્બર દક્ષીણ ગોળાર્ધમાં હોય છે.ખાસ કરીને વિષુવવૃતની ઉત્તર દિશામાં આવેલા પશ્ચીમી દેશોના માનવવાદી સંગઠનો આ દિવસને રજાનો દિવસ ગણી મઝા માણે છે. કારણકે  આ દિવસે સુર્ય ૩૬૫ દિવસમાં સૌથી મોડો આથમે છે. વર્ષનો સૌથી પ્રકાશમય દિવસ  છે. અંગ્રેજીમાં તેને Summer( June) Solstice Day તરીકે ઓળખવામાં આવે છે.

માનવવાદીઓ માટે આ દિવસ માનવવાદી જીવન પધ્ધતી શું છે તે સમજાવવાનો દિવસ છે. માનવવાદી જીવન પધ્ધતી પૃથ્વી પરના સમગ્ર માનવજીવનને વ્યક્તિગત ધોરણે જ્ઞાન– વીજ્ઞાન આધારીત પરિવર્તન લાવીને વ્યક્તિ સાથે સમષ્ટિનો સર્વાંગી વિકાસ કઇ રીતે પ્રાપ્ત કરી શકાય તેનું સાધન છે.

 ચલો! આપણે માનવવાદી વિચારસરણી આધારીત જીવન પધ્ધતીને સમજવાનો પ્રયત્ન કરીએ.

(૧) આ વિચારસરણીનો પ્રથમ શબ્દ છે ' માનવ'. તેનો સાદો અર્થ છે કે સદર વિચારસરણી 'માનવ કેન્દ્રીત' છે. તે કુટુંબ, જ્ઞાતિ– જાતિ, ધર્મ,રાજ્ય,રાષ્ટ્ર, કોઇ રાજકીય નેતાનીભક્તી, કે કોઇપણ સામાજીક સમુહમાં માનવીને વિલીન ( To merge) થઇ જવાનો બોધ ક્યારે આપતી નથી. માનવવાદી વિચારસરણી, કોઇપણ સમુહો માટે બલીદાન આપવાનું, ત્યાગ આપવાનું શીખવાડતી નથી.

(૨) માનવવાદી વિચારસરણી માનવ કેન્દ્રીત હોવાથી તેનું સ્પષ્ટ જૈવીક ને સામાજીક ઉત્ક્રાંતીને આધારે એક વૈજ્ઞાનીક તારણ છે.માનવીએ પોતાની જીજીવીષા ટકાવી રાખવા અને તમામ સજીવોની ઉત્કાંતીમાંથી  જૈવીક વારસા તરીકે મળેલા ભૌતીક અનુભવમાંથી પેલા બધા સામાજીક એકમોનું સજર્ન કરેલ છે. એટલે કે કુટુંબ, જ્ઞાતિ–જાતિ, ધર્મ, રાજ્ય, રાષ્ટ્ર જેવા તમામ સમુહોનું સર્જન માનવીય છે. દૈવી કે ઇશ્વરીય બિલકુલ નથી.માટે પેલા બધા માનવ સર્જીત સમુહોના પૃથ્વીપરના સંચાલન માટે કોઇ પયગંબરો, દૈવી પ્રતીનીધીઓ કે કોઇ રાજકીય, ધાર્મીક, આધ્યાત્મિક નેતાઓને પસંદ કરેલા ખાસ માણસોને ( The Chosen People) મોકલ્યા છે, તેવા તારણહારોએ છાંટેલી ભભૂતીઓમાંથી કેમ બહાર નીકળાય તે માનવવાદ શીખવાડે છે. માનવીએ પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવાની બદલાતી જરૂરીયાતો પ્રમાણે ક્રમશ તે બધી સામુહીક સંસ્થોઓમાં ફેરફારો કરતો આવ્યો છે.કાયમી હોય તો માનવી છે નહી કે તેનું સર્જન. હાલમાં તો માનવીય સર્જન જ માનવ પર હાવી જઇને માનવીને સમુહના હીતો માટે હાંકતો થઇ ગયો છે. વાહ! કેવી બલિહારી કે વિચિત્રતા  કે જેમાં પોતાનું સર્જન જ પોતાના સર્જકને ગુલામ બનાવી,સુશોભીત,ચમકદાર જંજીરોના આભુષણો(કુટુંબ, જ્ઞાતિ–જાતિ, ધર્મ, રાજ્ય, રાષ્ટ્ર)થી શણગારી તે બધાની રાત– દિવસ ભક્તી કરવાનું તેના જન્મ સાથે ગળથુથીમાં જ તૈયાર કરે છે.

(૩) માનવવાદ માનવ કેન્દ્રીત છે એટલે શું? માનવીનું વ્યક્તીગત ધોરણે વાસ્તવીક સુખ, ભૌતીક સુખ, પણ ભોગવાદી કે ફક્ત ગ્રાહકનું ઇષ્ટ જ સર્વસ્વ(Consumerism) નહી. ભૌતીકસુખ એટલે આધ્યાત્મીક સુખ (મૃત્યુ પછી) ના કાલ્પનીક ખ્યાલથી તદ્દન સ્પષ્ટ રીતે વિપરીત કે વિરૂધ્ધનું. ભૌતીક સુખ એટલે જન્મની સાથેના પારણામાંથી શરૂ કરીને કબર સુધીની સલામતી(From cradle to grave). માનવવાદના પાયાના હકારાત્મક ત્રણ મુલ્યો છે. એક સ્વતંત્રતા, બે તર્કવિવેક શક્તિ, ને ત્રણ ધર્મના આધાર સિવાયની નૈતીકતા.

(૪) માનવવાદી તરીકે અમારો સ્વતંત્રતાનો ખ્યાલ છે કે તે મુલ્યનો આધાર રાજકીય,ધાર્મીક કે સામાજીક સત્તાઓ ક્યારેય હોઇ શકે નહી. આ બધા સમુહોનું સર્જન તો માનવીય છે. તમે બધા અમને સ્વતંત્રતા શું આપવાના હતા? અમે, તમારૂ સર્જન અમારી સ્વતંત્રતાને ટકાવી રાખવા કરેલ છે.તેનું સંવર્ધન કરવા કરેલ છે. અમારી સ્વતંત્રતાને ગુંગળાવી નાંખવા બિલકુલ નહી. અમારા જૈવીક વારસામાંથી મળેલ સંભવિત શક્તિઓના વિકાસ માટેનું મોકળું મેદાન મળે(To create the land for human opportunities)તેવી માનવકેન્દ્રી વ્યવસ્થાના સર્જન માટે કરી છે. પણ ધર્મ–રાજ્ય– રાષ્ટ્ર સત્તા કેન્દ્રી રચના માટે કયારેય નહી.

(૫) અમારી સ્વતંત્રતા માટે સારુ શું કે ખોટું શું તે નક્કી કરનારા તમે કોણ છો? અમારા સજીવ ઉત્કાંતી અને જીજીવિષા ટકાવી રાખવાના સંઘર્ષમાંથી તર્કવીવેકશક્તી( Rationality) કુદરતી પરિબળોના સંચાલનના નિયમોને સમજીને વિકસી છે. સદર સારુ શું કે ખોટું શું નકકી કરવાની આવડત( રેશનાલીટી) કોઇ ઇશ્વરી કે તમારા જેવા સત્તાધીનોના તરંગોને આધારે દાનમાં મળેલ નથી. તે તો અમારી માનવીય વિરાસત છે. આવી રેશનાલીટી સમગ્ર સજીવોનો વારસો એટલા માટે છે કે દરેકે સજીવોએ પોતાના જીજીવીષા ટકાવી રાખવાના સંઘર્ષમાં કુદરતી વાતવરણ સાથે જરૂરી અનુકુલન સાધી કે ફેરફારો કરીને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખ્યું છે.

(૬) અમારી નૈતીકતા એટલે માનવ માનવ સાથે સહઅસ્તીત્વથી જીવવું. તેમાં ઇશ્વર, ધર્મ કે તમારા જેવા રાજકીય નેતાઓની શી જરૂર છે? તમે બધા તો પરોપજીવી એજંટો છો. પેલી બે બીલાડીઓ વચ્ચેના ઝઘડાના ન્યાય તોલનારા બંદરથી વિશેષ તમારા બધાનું કોઇ કાર્ય જ નથી. દરેક માનવી જન્મથી જ નૈતીક છે. કારણકે તેની તર્કવિવેકશક્તી જૈવીક છે.(The man is moral because he is the rational being. M. N. Roy.)કારણકે તેને જન્મ આપનાર મા–બાપ થી માંડીને અન્ય સાથે કેવી રીતે જીવવું તે પોતાની વિવેકશક્તીથી સજીવ તરીકે શીખી ને જ આવેલ છે.

(૭) આજ ના દિવસે માનવવાદી વિચારસરણીનો ૨૧માં સદીમાં એકજ ' વન પોઇંટ એજન્ડા' છે.તે અમારા માથા પર ( અમારા માનવીના સુખના ભોગે)ચઢી બેઠેલાઓને સત્તાવિહીન (Dethrone) કરી જીવનના તમામ ક્ષેત્રોમાં સક્રીય માનવ ભાગીદારીવાળી ક્રાંતીકારી નવી સમાજ વ્યવસ્થાની રચના કરવાનો છે.

 


--